વ્યક્તિ-વિશેષ

મનુષ્યરત્ન શેઠ શ્રી છનાલાલ નહાલચંદ

વડગામ તાલુકાના કોદરામ ગામના સેવાભાવી દાતા સ્વ. શેઠ છનાલાલ નહાલચંદ નો જન્મ પરદુ:ખ ભંજક રાજા વિક્રમની સવંત ૧૯૮૦ ચૈત્ર સુદ-૧૫ ના રોજ વડગામ તાલુકાના નાનકડા ગામ કોદરામ મુકામે થયો હતો, કે જેઓ એ પોતાના માનવીય તેમજ અબોલ પશુ-પક્ષીઓ માટે કરેલ સેવાકીય કાર્યો થકી એક અનેરી સુવાસ ફેલાવી અન્યોને પ્રેરણા આપતા પોતાનુ જીવન ખરા અર્થ માં જીવી ગયા.

છનાલાલ શેઠ ખૂબ જ સંવેદનશીલ સજ્જન હતા.પોતાની ૩૧ વર્ષની વયે કોદરામ અને આસપાસના ગામડા માં અશક્ત અને આધાર વિનાના પરિવારોને દર મહિને ૧૨૫ મણ અનાજ કોઈ પણ અહેસાન ના ભાર વિના ગૌરવ સચવાય તે રીતે દેતા,તેથી જ આ વિસ્તાર માં જાનવર હત્યાનુ પાપ પ્રાય: કોઈ કરતુ નહિ.

જીવન ના શિક્ષણનું  મહત્વ સમજનાર શેઠ છનાલાલ ને એક દિવસ મનમાં એવો વિચાર આવ્યો કે વતનની દિકરીઓ માધ્યમિક શિક્ષણ મેળવી શકે તો  કંઈક કારકિર્દી બને અને અંતે આ વિચાર સાર્થક કરતા કોદરામ માં હાઈસ્કૂલ શરૂ કરી કેળવણી મંડળના તેઓ શ્રી સ્થાપક પ્રમુખ બન્યા અને ૨.૫ દાયકા સુધી પ્રમુખ પદે રહી શિક્ષણ ની જ્યોત ઝલાવી જેના થકી વતનની અનેક દિકરીઓએ કારકિર્દી બનાવી શકી.આમ શેઠ છનાલાલ એ જમાના માં પણ સ્ત્રી-કેળવણી ના હિમાયતી હતા તેમ કહી શકાય.

આ ઉપરાંત શેઠ છનાલાલ નહાલચંદે અનેક સમાજ ઉપયોગી કાર્યો  કર્યા છે જેની યાદી જોઈએ તો…

૧). તેઓ શ્રી આરોગ્યનિધી સતલાસણ માં સ્થાપક ટ્રસ્ટીઓમાના એક હતા.તેમના સ્વર્ગવાસ પછી તેમના સુપુત્ર શ્રી હસમુખભાઈ ટ્રસ્ટી તરીકે સેવારત છે.

૨). ૧૯૯૦ માં જીવનધારા ટ્રસ્ટને તેમના સૌજન્યથી એમ્બ્યુલેન્સ વાન મળેલ છે.

૩). ૧૯૯૩ માં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી,સુરતને એન્જીનીયરીંગ અને ટેકનોલોજી ડીગ્રી કોલેજ માટે પ્રેરણા કરી અને Electronic & Communication ફેકલ્ટી માટે દાન આપ્યુ. અત્યારે ૧૬ ફેકલ્ટી ચાલે છે.શેઠ પરિવારના શ્રી પુષ્કરભાઈ તથા શ્રી કીર્તીભાઈ ટ્રસ્ટ બોર્ડના સભ્ય તરીકે સેવારત છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અંતર્ગર્ત જુદી જુદી વિધ્યાશાખાઓમાં કુલ મળી ૪૦,૦૦૦ વિધ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

૪).સન ૨૦૦૭ના ઓગષ્ટમાં કોદરામ માં વીરાંજલી વન મહોસ્ત્વમાં યોજાયો જેમા લગભગ ૫૦૦૦ વ્રુક્ષો રોપાયા જેની સિંચાઈ તેમજ જાણવણીનું  સૌજન્ય શેઠ શ્રી છનાલાલ નહાલચંદ પરિવાર તરફથી મળ્યુ છે.

૫).ભગવાન મહાવીર હેલ્થ અને રિસર્ચ સોસાયટી સંચાલીત મહાવીર કાર્ડિયાક હોસ્પીટલ માટે ભૂમિ પૂજન શેઠના સૂપુત્ર શ્રી કિર્તીભાઈના વરદ હસ્તે ૧૯૯૭ માં થયુ.હદય ની બિમારી ધરાવનાર માટે દક્ષિણ ગુજરાતની આ હોસ્પિટલ જીવનરેખા બની છે.કિર્તીભાઈ આ સંસ્થા માં ખજાનચી તરીકે સેવારત છે.

૬). કોદરામ માં બે તળાવો સજીવન કરવામા યોગદાન.

૭). કોદરામની પ્રાથમિક શાળાને સહાય કરી જન્મદાત્રી માતાનું  નામ સૌજન્ય દાતા તરીકે જોડ્યુ.

૮) ૧૯૫૬ માં જિલ્લા લોકલ બોર્ડ તરફથી પ્રા.શાળાના ત્રણ ઓરડા નિર્માણ કરવા શેઠને જવાબદારી સોંપાઈ. કોન્ટ્રાકટ રૂ.૯૦૦૦ નો હતો. શેઠે તે સમયે ઘરના રૂ. ૨૫૦૦/-ઉમેરી શિક્ષણના હેતુ માટે મજબૂત ઇમારત લોકાપર્ણ કરી.આ તેમની નિષ્ઠાનો પુરાવો છે.

શેઠ પરિવારની પ્રેરણાથી શ્રમણ ભગવંતોના આશિર્વાદ અને રાજકુમારી હેમાંગીનીના સમર્પણથી અસ્તિત્વમા આવેલ આશિર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ આશરે આવેલા અબોલ પશુઓનુ સ્વજન બની અશકત લાચાર જાનવરોને છેલ્લા શ્વાસ સુધી દવા,પાણી અને ઘાસચારો આપી સાતા અને સમાધી આપે છે. આશિર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટનો ઇતિહાસ ઘણો જ રોચક તેમજ જાણવા જેવો છે.આ અંગેની નોંધ મુંબઈ  થી પ્રસિધ્ધ થતા અખબાર જન્મભૂમિ પ્રવાસીએ લીધેલ અને સુંદર  માહિતી છાપેલ છે જેની અક્ષરસ માહિતી નીચે મુજબ છે.

ઇતિહાસ માં વાંચ્યુ હશે કે રાજા-મહારાજઓ શિકારના શોખીન હતા. મ્યુઝિયમ માં શિકાર સાથે ઉભેલા રાજાની રંગીન તસ્વીરો જોવા મળે છે. નિર્દોષ પ્રાણીઓના જીવ લઈને ગર્વ લેવો એ એ જમાનાનો દસ્તુર હતો.રાજવંશી હોય એટલે આવા શોખ હોવા એ જાણે મોભો ગણાતો.

પણ મહેસાણાના સુદાસણાના રાજકુમારી હેમાંગીની બહેને તો જુદો જ ચીલો ચાતર્યો. એમણે ભગવાન મહાવીરે ચિંધેલા અહિંસાના મંત્રને જાણે આત્મસાત કર્યો અને બીજા કેટલાયને એમણે કરૂણાના માર્ગે વાળ્યા. એમણે એકલપંડે આરંભેલા જીવદયાના નાનકડા કાર્યને જોઈને માતા પિતાનો હદય પલટો થયો રાજવંશી પરિવારે માંસાહારને તિલાંજલી આપી અને પુત્રીના કાર્યને વેગ આપવા સહાયરૂપ થયા. ધીરે ધીરે રાજકુમારીના સતકાર્યોની સુવાસ ફેલાઈ અને જૈન શ્રેષ્ઠીઓએ એમના કાર્યને ઉપાડી લીધુ.

રાજકુમારી હેમાંગી બહેને ઉદેપુરની કોલેજ માંથી એમ.એ.કોલેજ નો અભ્યાસ પૂર્ણ કર્યો છે.એમણે ભૂખ તરસથી પીડાતા ઘોડાને રસ્તાની બાજુએ પડેલો જોયો.તેના શરીરે ચાંદા હતા આ દ્રશ્ય જોઈને તેમનુ હૈયુ ભરાઈ આવ્યુ.માદા ઘોડાને લાવીને સારવાર શરૂ કરી.થોડા દિવસ માં સાજો થઈ ગયો.બસ આ સફળતાથી પ્રેરાઈને કરૂણાના દેવી રાજકુમારી હેમાંગીબહેને ઘર આંગણે માંદા જીવોની સેવા શરૂ કરી દીધી.એમણે લગ્નનો પ્રસ્તાવ પાછો ઠેલી ગામની પાદરે આવેલા પોતાના ફાર્મ માં કુટીર બાંધીને ને વન્યજીવો સાથે એકલા રહેવા લાગ્યા.

શરીરે ચાંદા પડેલો ગધેડો,અપંગ ગાય,કાનમા કીડા પડેલો ઉંટ,કાનમાં કીડાઓથી ખદબદતો કૂતરો,ડાયાબિટિસથી પીડાતો કૂતરો,એક પગ તુટેલો પોપટ ,પાંખ કપાઈ ગયેલુ કબુતર,બીમાર સસલા જેવા અનેક પશુ-પંખીને પોતાના ફાર્મ પર લાવીને ઘા સાફ કરે સારવાર કરે જરૂર પડે ત્યારે ડોક્ટરને બોલાવે.

રાજકુમારીના આવા ઉમદા કાર્યની વાત વડગામ તાલુકાના કોદરામવાસી શેઠ છનાલાલ નહાલચંદના કાને પડી.એમણે પોતાના પુત્રો હસમુખભાઈ અને કિર્તિભાઈને મોકલ્યા.સતકાર્ય જાતે નિહાળીને પિતાશ્રીને ખબર આપ્યા,જેમાંથી ભગવાન મહાવીર આશીવાર્દ જીવદયા તીર્થ સુદાસણાનો ઉદય થયો.ઉદારદિલ શેઠ છનાલાલે પોતાના તરફથી સહાયનો આરંભ કર્યો,પછી તો અન્યોનો સહયોગ મળ્યો.કામ તો ઘણુ મોટુ હતુ.પશુધન માટે રહેઠાણો બંધાયા.જરૂરી સગવડો ઉભી થઈ.મેનકા ગાંધી એ રાજકુમારી હેમાંગી બહેનને  “પીપલ ફોર એનિમલ” સંસ્થાનું સભ્યપદ આપ્યુ.

આરંભમાં હેમાંગિની બહેને જાતે બનાવેલા પેઇન્ટિગ વેચીને મળતી આવક માંથી ખર્ચ કાઢતા,પણ પછી તો કાર્યનો વ્યાપ અનેક ગણો વધી ગયો.પુત્રીની પ્રવ્રુતિથી પ્રેરાઈને પિતા કિર્તિકુમાર સિંહજી નો રાહ પલટાઈ ગયો હતો.એમણે પશુ-પક્ષીના આશ્રય માટે ૧૦ એકર ભૂમિ દાનમાં આપી.ખરેખર એ તો ક્ષત્રિયકુળના  શિકાર અને માંસાહાર રોજનુ સહજ કાર્ય હતુ.એમણે ૩૨ વાઘનો શિકાર કર્યો હતો. આ રાજવીએ બંદુક ને ખીંટીએ ટીંગાડી દીધી અને માંસાહારનો ત્યાગ કર્યો.રાણી સાહેબ લક્ષ્મીકુમારીજીએ પૂર્ણ સહકાર આપ્યો.

એક આખા રાજપરિવારના અનન્ય કાર્યોમા અહિંસાપ્રેમી જૈનોનો સહયોગ ભળ્યો.તેમાંથી ભગવાન મહાવીર આશીર્વાદ જીવદયા તીર્થ વિકસ્યુ,જેનુ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલન કરે છે.હાલમા ૧૨૦૦થી વધુ અસહાય પાંગળા પશુ-પંખીને આશ્રય અપાયો છે,જેમને સમયસર નીરણ અને ચણ અપાય છે.માનવતા  આ કાર્ય આઠ વર્ષથી વણથંભ્યુ ચાલે છે.રોજનો અંદાજીત ખર્ચ રૂ. ૧૮ હજાર જેટલો થાય છે.અનામત ભંડોળ જેવુ કંશુ નથી,પણ આ તો ઉપરવાળાનું કાર્ય છે.એણે ચીંધ્યું એટલે ચિંતા એણે કરવાની !

જેમની પ્રેરણાથી આશીર્વાદ જીવદયા તીર્થનો ઉદય થયો એ મહામહાજન શેઠ છનાલાલ નહાલચંદનો જન્મ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નાનકડા ગામ કોદરામ માં થયો હતો.એમના સુક્રુતો જાણીને લાગે કે એ પૂર્વભવનું સંસ્કારભાથુ લઈને જન્મ્યા હતા અને પછીનો ભવ સુધારવાની ઉંડી સમજણ કેળવી હતી.સત્કર્મ માટે કોઈ ક્ષેત્ર એમણે છોડ્યુ નહોતુ.શિક્ષણ અહિંસા,માનવસેવા,મૂંગા જીવોની સેવા,સાધુ સંતોની વૈયાવચ્ચ,ધર્મસ્થાનો અને શિલ્પસ્થાપત્યના ઐતિહાસિક સ્મારકોની જાળવણી જેવા અનેક ક્ષેત્રોમા શક્ય તેટલુ યોગદાન એમણે આપ્યુ હતુ.

વતનમાં કન્યાશિક્ષણ માટે કેળવણી મંડળ સ્થાપ્યુ અને માધ્યમિક શિક્ષણની સુવિધા કરી આપી અને અઢી દાયકા સુધી અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી.ચોટીલામા માધ્યમિક વિધ્યાલય સતલાસણાની જીવનધારા હોસ્પિટલ,સુરતની રૂકમાબા હોસ્પિટલ,કોદરામનું પ્રાચિન જીનાલય,આબુ દેલવાડાના પ્રાચીન જીનાલયો શાહપુરનુ “માનસ મંદિર તીર્થ” વગેરે એમની દિલાવરી અને સખાવતના સાક્ષી છે.ગુજરાતના મૂકસેવક પૂ.રવિશંકર મહારાજ અને સર્વોદય નેતા પૂ.વિમળાબેન મહેતાએ શેઠને આશિર્વાદ આપ્યા હતા.

કુદરતે કેવો બે જીવોનો મેળાપ કરાવી આપ્યો ? એક બાજુ મહેલ છોડીને વગડામા રહી મૂંગા જીવોની સેવા કરનારા રાજ્કુમારી હેમાંગીની બહેન અને બીજા પરોપકારી છનાલાલ શેઠ.એક જણે પહેલ કરી તો બીજાએ હાથ આપ્યો ! હવે આ કાર્યને આગળ ચલાવવાની જવાબદારી કોઈકે તો લેવી જ પડે .સસ્થાને સંભાળવા સંચાલકો,ટ્રસ્ટીઓ તો છે જ .જરૂર છે પુણ્યોદયી દિલેર દાનવીરોની.એવુ નથી મોટુ દાન જ અપાય.ટીપે ટીપે સરોવર ભરાય એ ઉક્તીને યાદ રાખીને સહયોગ આપી શકાય.

૧૯૫૭ના ભૂદાનયાત્રા દરમિયાન મૂકલોકસેવક રવિશંકર મહારાજ રાત્રી રોકાણ કોદરામ માં છનાલાલ શેઠના ઘરે કરેલ ત્યારે શેઠના ગુણ નીરખીને રવિશંકર મહારાજે શેઠને તેજસ્વી અને ઉદાર મહાજન તરીકે ઝળકશે તેવા આશિર્વાદ આપ્યા હતા.

બનાસકાંઠા જિલ્લા કેળવણી મંડળના ભૂ.પૂ પ્રમુખ શ્રી વી.ડી.હાથી ના સુપુત્ર શ્રી પ્રહલાદભાઈ વી. હાથી વડગામ તાલુકા વિકાસ અધિકારી હતા. તેઓ અત્યંત પ્રમાણિક અધિકારી હતા.નિવ્રુતિ સમયે વ્યારામા  નાયબ કલેક્ટર બન્યા.કોદરામ પંચાયત ભવન માં જયેષ્ટ નાગરિકોની સમક્ષ છનાભાઈને આભના ટેકા કહી નવાજ્યા હતા.

૨૦૦૮ માં શ્રી છનાલાલ શેઠની પ્રાર્થના સભામા નિવ્રુત નાયબ કલેક્ટર અને કોદરામના સપૂત શ્રી આઈ.કે.મહેતા એ જણાવ્યુ કે મારા જેટલા કેટલાય પદાધિકારીઓના જીવન નિર્માણમાં શેઠ નિમિત્તરૂપ હતા.

સદેહે તો શેઠ છનાલાલ આપણી વચ્ચે નથી પણ તેમની સેવાની સુવાસ ચોમેર પ્રસરી રહી છે. આ મુઠી ઉંચેરા દિલેર માનવી એ ખરા અર્થ મા જીવન સાર્થક કરી અન્યોને પ્રેરણા આપતા અનન્ય સેવા કાર્યો થકી વડગામ તાલુકા નું નામ અનેક જગ્યાએ મશહૂર કર્યુ છે.

મનુષ્યરત્ન સ્વ,શેઠ શ્રી છનાલાલ નહાલચંદ ને આ લેખ શ્રધાંજલી રૂપે અર્પણ કરી અમે સૌ વડગામ વાસીઓ તેમના કરેલ કાર્યો થકી ગૌરવ અનુભવીએ છીએ અને કરૂણાના મહાસાગર સમા મહામાનવ ને નમન કરીએ છીએ.

[ સ્વ.શેઠ શ્રી છનાલાલ નહાલચંદ ને આશિર્વાદ આપનાર સર્વોદય નેતા સ્વ.પૂજ્ય વિમળાબેન ના સાનિધ્યમાં રહેવાનો મને પણ મારા બાળપણ અને કિશોરવસ્થામા  મોકો મળેલ હતો.તેઓ પોતે પણ ગર્ભશ્રીમંત હોવા છંતા  અને વિદેશમા અભ્યાસ કરેલ હોવા છંતા પોતાનુ જીવન ચિત્રાસણી-બાલારામ વચ્ચે સઘનક્ષેત્ર નામની સંસ્થા સ્થાપી આદિવાસી અને ગરીબ, અનાથ વર્ગના બાળકો ની સેવા માં પોતાનું જીવન જિંદગીના અંત સુધી ખર્ચી નાખ્યુ હતુ.મારા પિતાશ્રી લક્ષ્મણભાઈ એસ.ઉપલાણા આ સંસ્થા મા પી.ટી.સી કોલેજ તેમજ હાઈસ્કૂલ માં આચાર્ય તરીકે ઘણા વર્ષો સુધી સેવા આપી હતી.આ દરમિયાન પૂજ્ય વિમળાબા ના સેવાકીય કાર્યો જોવાની મને  ઘણી નજીકથી તક મળેલ.આ પ્રસંગે એમના નામનો ઉલ્લેખ આ લેખમા થંતા ઘણા ગર્વની લાગણી અનુભવુ છુ અને પૂજ્ય વિમળાબા ને નમન કરુ છુ. – નિતિન ]