વ્યક્તિ-વિશેષ

મુંબઈ ના દૂધના રાજા હાજી ડોસન મેમનજી…..

ભૂતકાળની કેટલીક હકીકતો એવી હોય છે જે કદી પણ વિસરાતી નથી. પાલણપુર સ્ટેટ ની પણ એવી કઈંક વાતો છે જે જુના લોકોની સ્મૃતિ  ઉપરથી વિસરાઈ નથી. વર્તમાન વડગામ મહાલનું  તેનીવાડા ગામ પણ ઐતિહાસિક ગામ હોઈ તેનુ મહત્વ વિશેષ છે. પાલણપુર સ્ટેટના નવાબી શાસનના છેવાડાનું  દક્ષિણમાં આવેલ તેનીવાડા ગામ એ વખતે બાઈસાહેબ નું  ગામ કહેવાતુ. બાઈસાહેબ નવાબ તાલેમહંમદખાન સાહેબના બહેન હતા. બાઈ સાહેબ ની કચેરી હાલની ગ્રામ પંચાયત કચેરીથી દૂધની ડેરી છે ત્યા સુધી હતી.

અંગ્રેજો ના શાસનમાં તેનીવાડા, ફતેગઢ અને સેવાણી ગામનો જબરો ડંકો વાગતો હતો. તેનીવાડાના હાજી ડોશન મેમનજી નેદરીયા , ફતેગઢના યુસુફ મિયાંજી આગલોડીયા અને સેવાણીના અલીમદ મામજી (નામ દોષ હોય તો ક્ષમા યાચના) એ વખતે  મુંબઈ ના દૂધના રાજા કહેવાતા હતા. એથીજ મહારાણી એલેઝાબેથે આ ત્રણેય મહાનુભાવોને “કીંગ ઓફ બફેલો મિલ્ક” (ભેંસોના દૂધના રાજા) નો ઇલ્કાબ આપ્યો હતો. મુંબઈમાં આજે પણ એ હકીકત લોકો વાગોળે છે કે , આ ત્રણેય ગુજરાતીઓ આગલા દિવસે દૂધનો જે ભાવ નક્કી કરતા એ જ ભાવે મુંબઈવાસીઓને દૂધ મળતુ. અંગ્રેજોની જોહુક્મી સામે અવાજ ઉઠાવવા આ ત્રણેય ગુજરાતીઓએ માત્ર એક દિવસ દૂધનો પુરવઠો રોકી રાખતા અંગ્રેજોની સાથે સમગ્ર મુંબઈ નગરીના લોકોને બપોર સુધી ચા ના ફાંફા થઈ ગયા હતા.ત્યારબાદ અંગ્રેજ શાસકોએ ક્યારેય પણ ચૂ કે ચા કરી ન હતી.

નેદરીયા હાજીડોશન મેમનજીનો મૂળ વ્યવસાય દૂધાળા ઢોર પાળવા-ઉછેરવા અને તેના દૂધનો વેપાર કરવાનો હતો. તેનીવાડા અને તેની આજુબાજુ ના ગામોના મુમન બિરાદરીના લોકો અને ચૌધરી પટેલો હળીમળીને ભેંસોની લે-વેચ અને મોટાપાયે હેરાફેરી કરતા હતા. તેનીવાડાની નજીક માં જ આવેલ છાપી રેલ્વે સ્ટેશને થી ભેંસો માલગાડી મારફતે સાબરમતી મોકલવામા આવતી અને ત્યાંથી બ્રોડગેજ લાઈન માં મુંબઈ રવાના કરાતી.આમ વડગામ મહાલ માંથી  મોટા જથ્થામા ભેંસોની હેરાફેરી થતી.જેની લગામ નેદરીયા હાજી ડોશન મેમનજી,યુસુફ મિયાંજી અને અલીમદ મામાજીના હાથમા રહેતી.

હાજી ડોશન મેમનજી મુંબઈમા મોભાનુ સ્થાન ધરાવતા હોવા છંતા તેમની અંદર મોટાઈ રતીભાર પણ ન હતી. તેમનો વતનપ્રેમ પણ ગજબનો હતો,તેઓએ તેનીવાડા ખાતે  હાલ જ્યાં પ્રાથમિક શાળા છે ત્યા મકાન બનાવીને પોતાના ગામ ના બાળકોને શિક્ષણ મળી રહે તેવા શુભ હેતુ થી ગામઠીશાળા બનાવી હતી   અને શિક્ષકોની વ્યવ્સ્થા પણ કરી આપી હતી.

વર્તમાન સમયમા લોકો સાધનસંપન્ન થયા છે એટલે ઘેર ઘેર પીવાના પાણીની પાઈપ લાઈનો લઈ રહ્યા છે.પરંતુ હાજી ડોશન મેમનજી એ  એ વખતે ગામની ભૌગોલીક પરિસ્થિતિનો અભ્યાસ કરીને લોકોની પીવાના પાણીની હાડમારી દૂર કરવા મહોલ્લે મહોલ્લે પાઈપ લાઈનો પાથરી ગામના કૂવે ડીજલ એંજિન મૂકાવી લોકોને પાણીની સગવડ કરી આપી હતી. આવી દૂરંદેશી અને વતનપ્રેમ હાજી ડોશન મેમનજીમાં હતો. તેમની લોકપ્રિયતા એટલી ફેલાયેલી હતી કે માત્ર તેમના જ ગામ માં નહી પરંતુ સમગ્ર વડગામ મહાલ માં લોકો તેમનો પડ્યો બોલ ઝીલી લેતા હતા. તેમની વહીવટી સૂઝબૂજ અને તમામ કોમ ને  સમાજ ના લોકો ને સાથે લઈને ચાલવાની આવડત ને લઈને  તેમને તાલુકા પંચાયતના પ્રમુખ નો ભાર સામેથી સોંપવામા આવ્યો હતો. (આજ થી ૪૦ વર્ષ અગાઉ) તેઓએ પ્રમુખપદ સફળતાપૂર્વક  સંભાળ્યુ હતુ. તેઓએ જે ગામઠી શાળા બનાવી હતી તે સમય જતા પ્રાથમિક શાળા માં રૂપાંતરિત  થઈ હતી. આ શાળા આજે પણ છે.જ્યા તેમની સુંદર જીવંત તસ્વીર જોઈ શકાય છે.

સમય અને સંજોગો ને અનુરૂપ આજે કોલોનીમાંથી ભેંસોના તબેલાનુ સ્થળાંતર થતા હાજી ડોશન મેમનજીના સુપુત્રો મહેમુદભાઈ અને રફીકભાઈએ વસઈ તાલુકાના પીલહાર ખાતે તબેલા સ્થાઈ કર્યા હતા જ્યા આજે પણ તેઓ દૂધના વ્યવસાય મા સક્રિય છે અને પિતાશ્રીના પગલે ચાલી રહ્યા છે.

(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)