વ્યક્તિ-વિશેષ

લાલજી મામા….

“મામા” ના હુલામણા નામથી ખ્યાતિ પામેલી આ અનોખી વ્યક્તિનું  આખુ નામ લાલજીભાઈ નાથુભાઈ પટેલ, તેમનુ મૂળ વતન વડગામ તાલુકાનું  વરણાવાડા ગામ. વરણાવાડા આમ તો મૂળ જાગીરદારીનું  લોહાણી પરિવારનું  ગામ. આ ગામ પાલણપુરના નવાબી કાળ માં  મોખરાનુ સ્થાન ગણાતુ. લાલજીભાઈનો જન્મ વરણાવાડા ખાતે તા. ૦૧.૧૦.૧૯૪૪ ના રોજ થયેલ. મેમદપુરની શાળા માં  એસ.એસ.સી. સુધી અભ્યાસ કરી તેઓએ સહકારી માળખામા ઝંપલાવ્યું. તેઓ ધી ધોતા સેવા સહકારી મંડળીના મંત્રી તરીકે (૧૯૭૫) સેવા આપી લોકસંપર્ક માં  આવેલા. ત્યાર બાદ હિરા અને સિમેન્ટના વ્યવસાય માં  સ્વતંત્ર વ્યવસાય કરી સફળ સેવકની સાથે સફળ વેપારી બન્યા.

સમાજ ના દરેક કાર્યોમા દોડી જનાર મામાની વડગામ તાલુકાના ભાજપના પ્રમુખ પદે નિમણુંક થતા તેઓ રાજકીય ફલક ઉપર ઝડપથી ઉપસી આવેલા પણ તેમની અંતરની ઈચ્છા હતી કે વડગામ તાલુકા મથક ઉપર માર્કેટયાર્ડ શરૂ કરવુ અને તેમના અથાગ પ્રયાસોના પરિણામ સ્વરૂપે વડગામ ખાતે અદ્યતન સગવડતાપૂર્ણ વડગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું  માર્કેટયાર્ડ શરૂ કરાવવા અનેક રાજકીય હરીફોની આંટીઘૂંટીમા પસાર થવુ પડેલ. પણ જરા પણ નિરાશ થયા વગર ભારે જહેમત બાદ આજે વડગામ ખાતે એક પણ રૂપિયાના દેવા વગર અદ્યતન  માર્કેટયાર્ડ કોઈ લાવી શક્યુ હોય તો તે લાલજી મામા છે. તાલુકાના ખેડૂતોને મોટો લાભ થયો છે તેનો જશ લાલજી મામાને જ આપી શકાય.

મળતાવડા અને હસમુખા સ્વભાવના “મામા”  રમુજી પણ એટલા જ હતા. સાથે સાથે શિક્ષણ પ્રેમી પણ હતા. શ્રી સંસ્કાર વિધ્યાલય ચાંગા અને જ્ઞાનજ્યોત વિધ્યાલય વરણાવાડા તેના જીવતા પુરાવા છે. એકસઠ વર્ષ ની ઉમરે અચાનક મામા આ દુનિયાને કાયમી વિદાય આપી જતા રહેતા વડગામ તાલુકામા એક સારા સમાજ સેવક ની ભારે ખોટ વરતાઈ રહી છે.

(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)