વ્યક્તિ-વિશેષ

વિશ્વસનીયતા એ જ બ્રાન્ડિંગ- ધ સક્સેસ સ્ટોરી

[વડગામ તાલુકાના વડગામ ગામના વતની અને સુરતમાં હિરા ઉધ્યોગક્ષેત્રે કાર્યરત આદરણિય શ્રી સેવંતીભાઈ પ્રેમચંદભાઈ શાહે  હિરા ઉધ્યોગ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરીને વડગામને વૈશ્વિક લેવલે વિશેષ ગૌરવ પ્રદાન કર્યુ છે. તેઓશ્રીની સક્સેસ સ્ટોરી તાજેતરમાં સંદેશ દૈનિક વર્તમાન પત્રમાં પસિધ્ધ થઈ હતી જે અહીં આભાર સહ મુકવામાં આવી છે.]

 

ધસક્સેસ સ્ટોરી’માં આપણે આ વખતે ફરી હીરાઉદ્યોગના એક ઉદ્યોગપતિની વાત કરીશું. હીરાઉદ્યોગમાં સુરતના વીનસ જ્વેલનું મોટું નામ છે. તેમનું નામ જેટલું મોટું છે એટલી જ તેમની શાખ મજબૂત છે. વિશ્વસનીયતા અને નીતિનિયમોપૂર્વક વ્યવસાય કરવો એ તેમનો ટ્રેડમાર્ક છે. આજે ડાયમંડ ઉદ્યોગમાં વીનસ જ્વેલનું નામ ખૂબ આદરપૂર્વક લેવાય છે. વીનસ જ્વેલે આટલાં વર્ષોમાં પોતાની જે શાખ જમાવી છે એમાં તેમના માલિક સેવંતીભાઈ શાહની દૂરંદેશી વિચારસરણીનો મોટો ફાળો છે. સેવંતીભાઈ શાહ પાલનપુર પાસેના એક ગામમાં રહેતા હતા. ત્યાં રોજગારીની પૂરતી તક નહોતી, તેથી બે પૈસા કમાવા તે સુરત આવ્યા અને આજે કરોડોનો કારોબાર કરે છે.

સેવંતીભાઈ કહે છે કે ગામમાં કોઈ ધંધા-વ્યવસાય હતા નહીં. રોજગારીની પૂરતી તક નહોતી, તેથી રોજગારી માટે બહાર નીકળવું જ પડે એમ હતું. મારા પરિવારમાંથી એક ભાઈ હીરાના કારોબારમાં મુંબઈ હતા. શરૂઆતમાં હું મુંબઈ ગયો હતો ત્યારબાદ સુરત આવ્યો હતો. ૨૧ જૂન, ૧૯૬૫ના રોજ હું સુરત આવ્યો હતો. સુરતમાં બે વર્ષ બાદ પોતાનો કારોબાર શરૂ કર્યો. ત્યાર પછી ૧૯૬૯માં વીનસ જ્વેલની શરૂઆત કરી હતી.

નીતિનિયમો અને વિશ્વાસ મોટી મૂડી છે અને એનું મૂલ્ય લાંબા ગાળે સમજાય છે. સેવંતી શાહ કહે છે કે, “મેં જ્યારથી બિઝનેસ શરૂ કર્યો ત્યારે કેટલાક નિર્ણયો સાથે જ કર્યો હતો. એ વખતે કારીગરો કામના કલાકો ઉપરાંત પણ કામ કરતા હતા, રવિવારે પણ કામ કરતા હતા. મેં નિયમ કર્યો કે સાંજે સાડા છ વાગ્યે ઓફિસેથી નીકળી જવાનું. એ નિયમમાં મેં આજ સુધી કોઈ સમાધાન નથી કર્યું. ફેક્ટરી ચાલુ કરી ત્યારે એવો એક ચીલો હતો કે રાત્રે પણ કામ કરાવો, રવિવારે પણ કામ કરાવો. વેકેશનમાં પણ કામ કરાવો વગેરે વગેરે. પણ મેં કામના કલાકો સેટ કરી દીધા હતા અને એમાં કોઈ દિવસ ફેરફાર કર્યા નથી.

બીજી અગત્યની વાત એ કે તે વખતે કાયદાકીય ધારાધોરણ મુજબ ધંધો થતો ન હતો. મેં નક્કી કર્યું કે કામ તો ધંધાના ધારાધોરણ મુજબ જ કરવું. કર્મચારીને પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઇટી જે કંઈ મળે એ આપવાનું જ. બોનસ એક્ટ લાગુ કરવાના વગેરે. મેં જ્યારે ફેક્ટરી શરૂ કરી અને વ્યવસાયના નિયમો મુજબ ધંધો કરવાનો છું એવી વાત કેટલાક લોકોને ખબર પડી તો તેઓ તો મને એમ જ કહેતાં હતાં કે હું ધારાધોરણ અપનાવીને મોટી ભૂલ કરવાનો છું. જોકે હું ડગ્યો નહોતો. શરૂઆતમાં મને થોડી તકલીફ પડી હતી, પણ પછી તો ખૂબ સારી રીતે બધું ગોઠવાઈ ગયું હતું. લોકોના મનમાં એવી છબી છે કે કાયદા-કાનૂન કારીગરોના હિતમાં છે, પણ હું આટલાં વર્ષોના અનુભવે કહું છું કે એ જેટલા કારીગરોના હિતમાં છે એટલા જ ધંધો કરનારા માલિકોના હિતમાં પણ છે, કારણ કે એમ્પ્લોયર-કારીગરને જ્યારે જોબ સિક્યોરિટી મળે છે ત્યારે તેમની કામ પ્રત્યેની વફાદારી પણ વધી જાય છે, તેથી સરવાળે કંપનીને ફાયદો થાય છે. મને એ વાતનો સંતોષ છે કે યોગ્ય સમયે મેં યોગ્ય પહેલ કરી.”

અત્યારે કીમતી હીરાના કારોબારમાં ભારત ખૂબ ચમકે છે, પણ અગાઉ એવું નહોતું. ભારતનો હીરાઉદ્યોગ નાના હીરા અને સસ્તા હીરાનું મેન્યુફેક્ચરિંગ કરવાવાળો ઉદ્યોગ હતો. કીમતી હીરાના કારોબારમાં ભારત પ્રવેશ્યું એમાં પણ કંઈકઅંશે વીનસ જ્વેલ નિમિત્ત બન્યું હતું. એની એક રસપ્રદ વાત સેવંતીભાઈ કહે છે કે, “ત્રીસેક વર્ષ પહેલાં એક સમારંભમાં હીરાઉદ્યોગના એક-એક મહાનુભાવે કહ્યું કે નાના અને સસ્તા હીરાના કારોબાર પૂરતો જ ભારતનો ઉદ્યોગ મર્યાદિત રહેશે, એનાથી આગળ નહીં વધી શકે. એ વખતે સમારંભમાં હું પણ હાજર હતો. મને એ વાત અસર કરી ગઈ. મને પડકાર ઝડપવાનું મન થયું. મેં મોટા અને એક્સપેન્સિવ હીરાના કારોબારમાં ઝુકાવ્યું. એ કારોબારમાં કેટલાંક વર્ષ સુધી અમે માત્ર એકલા જ હતા. બાદમાં કેટલાક લોકોને પણ અમારી જેમ મોટા પાયે વ્યવસાય કરવાની ઇચ્છા થઈ. તેમણે અમારા કારોબારનું નિરીક્ષણ કર્યું. મોટા પાયે વ્યવસાય ફેલાવવો હોય તો એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, એ રીતે કામ કરનારા માણસો જોઈએ. એ વખતે એવા કુશળ કારીગરો વીનસ જ્વેલ પાસે જ હતા, તેથી માણસો જો જોઈતા હોય તો વીનસ જ્વેલ એક સારું પ્લેટફોર્મ હતું, તેથી નવા કારોબારી અમારા કારીગરો લેવા માંડયા હતા. એક તબક્કો એવો આવ્યો કે અમારા જે મૂળ કારીગર હતા એમાંના પંદર-વીસ ટકા પણ અમારી પાસે બચ્યા નહોતા. જે લોકો અમારી કંપની છોડીને જતાં હતાં તેમને અમે સારો પગાર જ આપતા હતા, તેમની સાથે વ્યવહાર પણ ખૂબ સારો કરતા હતા. પણ બીજી કંપનીઓવાળા તેમને ખોટા વાયદા અને લાલચ આપીને લઈ જતા હતા. એ વખતે મને થયું કે લોકો ભલે જતાં હોય, ખોટાં પ્રોમિસ પર જનારા લોકો ત્યાં ઝાઝું નહીં ટકે. ધીમે ધીમે સ્થિતિ એવી ઊભી થઈ કે અમારે ત્યાંથી કોઈ કર્મચારી નોકરી છોડીને જતાં જ નહોતા. કર્મચારીઓને અમારી વિશ્વસનીયતા અને દૂરંદેશીપણું સમજાયાં હતાં.”

હીરાનો કારોબાર કરતી ભારતની નાની કંપનીની પણ વિદેશમાં ઓફિસ હોવાની જ. વીનસ જ્વેલ એવી કંપની છે કે જેની ઓફિસ વિદેશમાં નથી. આટલી મોટી કંપનીની વિદેશમાં ઓફિસ નથી એ તેની મર્યાદા નહીં પણ વિશેષતા છે. વીનસ જ્વેલ ભારતમાં બેઠા બેઠા જ વિદેશમાં માલ વેચે છે. તેમનો ૬૦ ટકા માલ ઇન્ટરનેટ પર વેચાય છે. જેમાંનો ૩૫-૪૦ ટકા માલ તો ૨૪ કલાકમાં જ ખપી જાય છે.

વીનસ જ્વેલની અન્ય એક વિશેષતા એ પણ છે કે તેમણે કોઈ પણ પ્રકારના બ્રાન્ડિંગ વગર કંપનીને વિશ્વસ્તરીય બ્રાન્ડ બનાવી છે. એનું કારણ છે વિશ્વસનીયતા. સેવંતીભાઈ કહે છે કે, “હું માનું છું કે પ્રોડક્ટનાં વખાણ લોકો જ કરે અને એકબીજાને કહે એ જ સાચું બ્રાન્ડિંગ છે. એ પછી કોઈ વિશેષ રીતે બ્રાન્ડિંગ કરવાની જરૂર પડતી નથી. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે દુનિયામાં કોઈ પણ પ્રોડક્ટ વેચાય એ માટે એનું કેમ્પેઇન થાય છે, એડવર્ટાઇઝમેન્ટ થાય છે. સેલ્સપર્સન ઠેર ઠેર જાય છે. અમારે ત્યાં એવી સિસ્ટમ છે કે અમારા સેલ્સપર્સનને પણ કોઈનો સંપર્ક કરવાની મનાઈ છે. અમારાં ધારાધોરણ થોડાં અલગ છે. જે ગ્રાહકો અમારો સંપર્ક કરે તેમને ખૂબ જ સારી અને સંતોષકારક રીતે ટ્રીટમેન્ટ આપવી. જેને લીધે તેમને વિશ્વાસ બંધાય છે, સારો અનુભવ થાય છે. જેને સારો અનુભવ થશે એ આપોઆપ કાયમનો કસ્ટમર બની જશે. એ બીજાને પણ જણાવશે કે તમારે આ પ્રકારના હીરા જોઈતા હોય તો વીનસ જ્વેલનો સંપર્ક કરો, તેથી એવી રીતે અમારા ગ્રાહક બનતા ગયા. અમેરિકામાં અમારો એક ગ્રાહક એવો છે જે દર વર્ષે વીસ મિલિયન ડોલર કરતાં વધુ રકમનો માલ મારી પાસેથી ખરીદે છે. આજ સુધી અમે એકબીજાને ક્યારેય મળ્યા જ નથી. ન હું તેને મળવા અમેરિકા ગયો છું કે ન તે મને મળવા ભારત આવ્યો છે. એ ઇન્ટરનેટ દ્વારા અમારો ગ્રાહક બન્યો અને અમારા વ્યાપારી સંબંધ સરસ રીતે વિકસ્યા અને આજ દિન સુધી એ જળવાઈ રહ્યા છે. આવા બીજા અનેક ગ્રાહક છે.”

હીરા એવી વસ્તુ છે કે માણસ ખૂબ પરખી પરખીને ખરીદે છે. ત્યારે ધંધાર્થી જો ખરીદતો હોય તો એ તો ખૂબ કાળજી રાખવાનો જ, તેથી સવાલ એ થાય કે ઇન્ટરનેટ પર એ કેવી રીતે શક્ય બને? એમાં પણ વિશ્વસનીયતા જ કામ કરતી હોય છે. સેવંતી શાહ કહે છે કે, ‘અમે હીરાનું સંપૂર્ણ વિવરણ ઇન્ટરનેટ પર રજૂ કરીએ છીએ. એના કલર, ક્લેરિટી, કટ વગેરે સહિત હીરાની ગુણવત્તા અને બારીકી દર્શાવતી તમામ ચીજોનું અમે વિગતવાર વર્ણન રજૂ કરીએ છીએ. વળી, અમારા ધંધાનો આટલા વખતનો વિશ્વાસ પણ એમાં શાખ પૂરે છે, તેથી ઇન્ટરનેટ પર અમારો કારોબાર ચાલે છે.”

યુવાઓને સંદેશ

જે કામમાં આગળ વધવું હોય એનું પૂરેપૂરું જ્ઞાન મેળવીને આગળ વધો. શોર્ટકટ ન અપનાવો.

જે ક્ષેત્રમાં આગળ વધવું હોય એ વિષે વૈચારિક રીતે સ્પષ્ટ થઈ જાવ. એક વખત વિચારો સ્પષ્ટ થઈ જાય એ પછી એમાં કોઈ સમાધાન ન કરો.

પછેડી પ્રમાણે જ સોડ તાણવી.

સંદેશ્માં પ્રસિધ્ધ થયેલ મુળ અહેવાલ વાંચવા અહીં ક્લીક કરો.