પાણીદાર બનાસના શિલ્પી : ગલબાકાકા
[પ્રસ્તુત લેખ ડૉ.બાબુભાઈ પટેલ (સલીમગઢ) દ્વારા લખવામાં આવ્યો છે સ્વ.શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશે સુંદર લેખ લખવા બદલ ડૉ.બાબુભાઈનો આભાર]
“ગલબાકાકા એટલે ગલબાકાકા, એમની તોલે કોઈ ના આવે..” બનાસના લોકોનો આ સહજ સંવાદ આજે સાચા અર્થમાં સાર્થક પુરવાર થઈ રહ્યો છે. આજનું જે ધબકતું બનાસ છે, એ ગલબાકાકાની દેણ છે.
તત્કાલ સમયે ફૂલ, અત્તર કે ડાયમંડની ઝાકમઝોળ છોડી દૂધની કેડી કંડારવી અઘરું જ નહીં, અશક્ય પણ હતુ. પરંતુ ગલબાકાકા એ કરી શક્યા અને ખૂબ સારી રીતે કરી શક્યા. બનાસ ઉપર નપાણીયા મલકનું મ્હેણું હતું. અને પૂર્વ બનાસને બાદ કરતા પશ્ચિમમાં તો પીવાના પાણીના પણ સાંસા હતા. જ્યાં દુકાળ ઉપર દુકાળ વેઠીને બનાસ જેવી બનાસ પણ વારંવાર સુકાઈ જતી એવા કટોકટીના સમયે દૂધની નદીઓના સપના જોવાની હિંમત તો માત્ર ગલબાકાકા જ કરી શકે.
જો કે એમણે કરી બતાવ્યું. અને આજે એ દૂધ ભરેલી નદીઓ દિલ્હીના સીમાડા વટાવી ચૂકી છે.
તદ્દન અભાવો અને ગરીબીમાં ઉછરેલા, નાની ઉંમરે નોંધારા બન્યા અને વગડે ઢોરો ચરાવી મોટા થયેલા તેમજ વામન પુરુષે વિરાટ રૂપ ધારણ કરી સ્વયં બનાસ બની ગયેલા ગલબાકાકાના અહીંની પ્રજા ઉપર અનંત ઉપકારો છે.
કલ્પના કરો, જો ગલબાકાકા જ ના હોત તો..??
છેવાડાના પ્રત્યેક પશુપાલકને પગભર કરવામાં ગલબાકાકાનું યોગદાન અનન્ય છે. અને એટલે જ ગલબાકાકા કોઈ એક પરિવારના ના રહેતા સમગ્ર બનાસના બની ગયા છે. કોઈ એવું ગામ નથી જ્યાં ગલબાકાકાની છબી નથી. અને એ છબી પ્રત્યેક વ્યક્તિના હાડ સાથે વણાઈ ગઈ છે. એટલે જ તો ગલબાકાકા પારકા ઓછા અને પોતીકા વધારે લાગે છે.
હું નાનો હતો ત્યારે ગલબાકાકાની છબી માટે મારા દાદા સાથે ઝગડી પડતો. મારા મગજમાં ફીટ થઈ ગયેલું કે આ તો લાલબહાદુર શાસ્ત્રીનો ફોટો છે. જો કે એ લાગતાય એવા. થોડોક મોટો થયો અને ખસા રામજીબાપાના ઘરે ગલબાકાકાને રૂબરૂ જોયા ત્યારે સમજાયુ કે મારા શાસ્ત્રી તો સાચે જ ગલબાકાકા છે. આજે આટલા વર્ષે સમજાય છે કે આપણા ગલબાકાકા પણ શાસ્ત્રીજીથી ક્યા કમ હતા. બનાસના લાલ, બનાસના બહાદુર..!!
હું પહેલી ચોપડી ભણતો અને અમે ડેરીમાં દૂધ ભરાવવાની શરૂઆત કરેલી. મારા દાદા આંટાવાળી બરણી લઈ ઠાવકાઈથી દૂધ ભરાવવા જતા. આજેય બરાબર યાદ છે, પહેલો પગાર ચારસો ને અઢાર રૂપિયા આવ્યો હતો. અને એ લઈ દાદા હટાણું કરવા ગયા હતા. હટાણું કરતાય બેતાળીસ રૂપિયા વધ્યા. જે દાદીમાએ વટબંધ કોશળીના ગજવામાં સંઘરી રાખ્યા હતા. અમે દશીયું માંગતા તો કહેતા : “પહેલો પગાર તો પ્રસાદ કહેવાય. એને આ રીતે વેડફી ના નંખાય..” કદાચ અમારા માટે એ કરકસરનો પાઠ હતો. એવું લાગે છે આજે..
પછી તો દૂધનો વ્યવસાય ફાવી ગયો. દાદી, બા, બહેન અને છેલ્લે ગીતાએ પણ સારા એવા ઢોર દોહ્યા અને ઘરને પગભર કર્યું. બનાસકાંઠામાં જેટલો જ ફાળો પુરુષોનો છે એટલો જ કે ક્યાંક તો એથી વધારે સ્ત્રીઓનો છે.
મારા ગામની કેટલીએ બહેનો મહિને લાખ આસપાસનું દૂધ આજે પણ ભરાવે છે. એટલો તો અમારો સરકારી પગાર પણ નથી. હું ફિક્સ પગારમાં જોડાયો ત્યારે મારી બહેન અને ગીતા મહીને મારાથી આઠગણું કમાતા. એ ક્રાંતિ નહોતી, તો બીજું શું હતું..!!
અને આવા તો ઉદાહરણ ઘેર ઘેર હતા.
એટલે ગલબાકાકા આટલા વ્હાલા લાગે છે, પોતીકા અને પ્યારા લાગે છે.
વંદન વંદન દાદા,
તમારી શેષ સ્મૃતિને હૃદયથી વંદન..
અને સવિશેષ તો તમારી કેડીને દિલ્હીનો ધોરીમાર્ગ બનાવનાર શંકરભાઈ સાહેબને અઢળક અભિનંદન..
આભાર બનાસ..
તું અમારું માવતર છો અને અમે તારા છોરું..!!
– ડૉ.બાબુ પટેલ (સલીમગઢ)