વ્યક્તિ-વિશેષ

SPG કમાન્ડો શ્રી અભુભાઈ ભવાનભાઈ ભૂતડીયા.

વડગામ તાલુકામાં આવેલ નાનું એવુ ગામ ટીંબાચૂડી.આ ગામની વિશેષતા એ છે કે આ ગામ માંથી અંદાજીત ૪૦ થી ૫૦ યુવાનો સરક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી ચૂક્યા છે.આજે આપણે મુલાકાત વડગામ તાલુકાના આ જ ગામના આવા જ એક વ્યક્તીની કરવાની છે કે જેણે  પોતાની કાબેલિયતથી C.R.P.F માં constable ની કારકિર્દી થી શરૂઆત કરીને SPG (Special Protection Group)કમાન્ડો (Black Commando) ના પદ સુધી પહોંચી આપણા દેશના વડાપ્રધાનોથી લઈને VVIP વ્યક્તીઓની સુરક્ષાની જવાબદારી વફાદારી પૂર્વક બજાવી છે તેમજ કઠીન પરિસ્થિતિઓમાં ઉગ્રવાદીઓ સામે જંગનો અનુભવ પણ મેળવી ચૂક્યા છે એવા ભાઈ શ્રી અભુભાઈ ભવાનભાઈ ભૂતડીયાએ અન્યોને પ્રેરણારૂપ પ્રગતિના સોપાનો સર કરી  વડગામ તાલુકાને ગૌરવ બક્ષ્યુ છે.

C.R.P.F માં constable થી SPG (Special Protection Group)કમાન્ડો સુધીની સફરની માહિતી અભુભાઈ એ મારી તેમની સાથીની મુલાકાત માં જે જણાવી તે તેમના જ શબ્દોમાં અહીં લખવાનો પ્રયત્ન કર્યો છે.

સન ૧૯૮૫-૧૯૮૬ માં હું બારમાં ધોરણમાં છાપી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે મારાથી મોટાભાઈ ફૌજમાં ભરતી માટે જતાં હતાં પણ દરેક વખતે તેમને કોઈ ને કોઈ શારિરીક ખામી બતાવીને તેમની ભરતી થતી ન હતી ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે હું પણ એક વખત ભરતીમાં જાઉં અને મને શરીરમાં કઈ ખામી બતાવે છે તે જાણી લઉં એટલા માટે સન ૧૯૮૬ એપ્રિલ મહિનામાં C.R.P.F ની પાલનપુર ભરતી હતી અને તે ભરતીમાં હું મારા ભાઈની સાથે શાળામાં રજા રાખીને ભરતી માટે પાલનપુર ગયો અને મને ભરતીમાં પાસ કરવામાં આવ્યો અને મારા ભાઈની છાતી નું માપ ઓછુ હોવાથી ફરીથી તેમની ભરતી કરવામાં આવી નહીં.

આ વખતે મારા મનમાં વિચાર આવ્યો કે જિંદગીમા પહેલી વખત સફળતા મળે છે તેને ઠોકર મારવી જોઈએ નહીં અને હું મારા માતા-પિતાના આશિર્વાદ લઈને ૧૯ વર્ષની ઉંમરે ફૌજમાં નોકરી જોડાઈ ગયો. C.R.P.F માં ૨૨ વર્ષ અને ૧૦ મહિના સુધી દેશના જુદા જુદા વિસ્તારો કલકત્તા,દાર્જિલિંગ,શ્રીનગર,નાગાલેન્ડ,મણીપુર,ચેન્નઈ,પંજાબ,ઉત્તરપ્રદેશ,આસામ વગેરે જગ્યાએ  નોકરી કરી વિશેષ અનુભવ પ્રાપ્ત કર્યો.આ નોકરી દરમિયાન સન ૧૯૯૮માં નાગાલેન્ડ કોહીમામાં એક દિવસ રાત્રે ઉગ્રવાદીઓની સામે પુરી રાત ફાયરિંગ ચાલતુ રહ્યું અને અંતે બે ઉગ્રવાદીઓને ફાયરિંગમાં મારી નાખ્યા અને બાકી ઉગ્રવાદીઓ જગ્યા છોડી જતાં રહ્યાં અને તેના કારણે અમારો કેમ્પ સુરક્ષીત બચી ગયો અને કોઈ મોટી હાની થવાથી બચાવ થઈ ગયો તે બદલ C.R.P.F  માં અમને અમારી પુરી ટીમને પોલીસ મેડલ એનાયત થયો હતો આ ઉપરાંત સન ૧૯૮૯ ડિસેમ્બરમાં જ્યારે જમ્મુ-કાશ્મીરના તે વખતના મુખ્યપ્રધાન ની દિકરી નું આંતકવાદીઓએ અપહરણ કર્યુ ત્યારે અમો કલકત્તામાં હતા અને કલકત્તામાં તાપમાન સમ હતુ ત્યારે અચાનક અમને આ ઓપરેશનની જવાબદારી સોંપવામાં આવી ત્યારે અમે નોર્મલ કપડા પહેરીને હવાઈ જહાજમાં બેઠા અને ત્રણ કલાક પછી જ્યારે અમને શ્રીનગરમાં બરફ વાળા વાતાવરણમાં ઉતાર્યા ત્યારે અમારી હાલત ઠંડીના લીધે બહુ જ ખરાબ થઈ ગઈ હતી.જ્યારે અમો અચાનક સમ વાતાવરણ માંથી “૦”  ડિગ્રી વાતાવરણમાં ગયા ત્યારે અમો પુરી રાત ઉંઘ્યા વગર જેમ તેમ કરી રાત પસાર કારી  જે અમારી નોકરીનો યાદગાર અનુભવ હતો.

ઉપરોક્ત C.R.P.F  માં તેમની કારકિર્દી ની માહિતી તેમના શબ્દો માં વાંચ્યા બાદ હવે આપણે તેમની ભારત સરકારની cabinet secretariat ની સીધી દેખરેખ નીચે કાર્યરત SPG (Special Protection Group) માં Senior Security Assistant તરીકે નીમણૂક અને કામગીરી અંગે થોડુ જાણીએ.

SPG ની સ્થાપના ઇ. સ. ૧૯૮૫ના વર્ષમાં તત્કાલીન વડાપ્રધાન  શ્રીમતી ઈંદિરા ગાંધીની હત્યાના બનાવને ધ્યાનમાં રાખી કરવામાં આવી હતી. SPG માં વિવિધ પોલીસ દળમાંથી તેમ જ એન એસ જી કમાન્ડો (નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ કમાન્ડો) ગ્રુપમાંથી ૩૦૦૦ જેટલા વ્યક્તિઓને પસંદ કરી નિમણુંક આપવામાં આવી હતી. ઇ. સ. ૧૯૯૧ના વર્ષમાં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના બનાવ પછી SPG ને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે.આ દળમાં વિવિધ સુરક્ષા દળોમાંથી ચુનંદા વ્યક્તિઓની ભરતી કરવામાં આવતી હોય છે અને તેની તાલીમ બહુ જ કઠિન હોય છે આ ઉપરાંત C.R.P.F માં પાંચ વર્ષનો અનુભવ,Service Book Record સારો હોવો જોઈએ તેમજ ત્રણ વર્ષ N.S.G.(National Security Guard ) નો કોર્ષ કર્યા બાદ SPG Group માં ભરતી થઈ શકાય.

SPG માં પસંદગી પામવું આપણે માનીયે એટલુ સહેલુ નથી હોતુ એના માટે દ્રઢ નિર્ધાર,મજબૂત મનોબળ,શારિરિક ક્ષમતા વગેરે બાબતો હોવી અનિવાર્ય હોય છે.VVIP વ્યક્તિઓ તેમજ તેમના રહેઠાણ તેમની ઓફીસો તેમજ આવી વ્યક્તિઓની જાહેર મીટીંગો તેમજ ચૂંટણી રેલી વખતે સુરક્ષાની તમામ જવાબદારી આ દળ સંભાળતુ હોય છે.ZERO Error Duty કરવાની હોય છે,એટકે થોડી પણ ભૂલ ચલાવી લેવામાં ના આવે.નાની સરખી ભૂલ પણ માફ કરવામાં નથી આવતી અને નાની સરખી બેદરકારીથી તમને પાછા તમારા જે તે સુરક્ષાદળમાં મોકલી દેવામાં આવે છે,એટલે કે આ ગ્રુપ માં ફરજ બજાવતા જવાને સતત સચેત રહેવું પડતું હોય છે.

વડગામ તાલુકાના ટીંબાચૂડી ગામના વતની અભુભાઈ ભવાનભાઈ ભૂતડીયા SPG Group માં જોડાવા માટે N.S.G.(National Security Guard ) માં સખત ગણાતી કમાન્ડો ટ્રેનિંગ લીધી અને તે સફળતા પૂર્વક પૂર્ણ કર્યા બાદ તેમની સન  ૧૯૯૨માં SPG Group માં Senior Security Assistant નિમણૂક થઈ,જે તેમના મજબૂત મનોબળ અને દ્રઢ ઇચ્છા શક્તિનું પરિણામ હતું. SPG ગ્રુપમાં કુલ ૧૫ વર્ષની નોકરી દરમિયાન તેમણે વિવિધ મહત્વપૂર્ણ જગ્યાઓએ ફરજ બજાવી છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી,રાહુલ ગાંધી તેમજ અન્ય વડાપ્રધાનોની તેમણે બહુ જ નજીકમાં રહી વફાદારી પૂર્વક આ મહાનુભાવોની સુરક્ષાની સફળતાપૂર્વક પોતાની ફરજ બજાવી છે.

જ્યારે SPG Group માં તેમની નોકરીનો સમયગાળો પૂર્ણ થયો ત્યારે તેમના અધિકારીઓની હાજરીમાં તેમના સુંદર કાર્યની કદરરૂપે ભવ્ય વિદાય સભારંભ ગોઠવવામાં આવ્યો હતો.સોનિયા ગાંધી એ તેમને કહ્યું કે તમે આટલા વર્ષ અમારી સુરક્ષા માટે ફરજ બજાવી છે તે તમારા ધર્મપત્નિને કેવી રીતે ખબર પડશે હું તેમને મળવા માગુ છું અને સોનિયા ગાંધી એ અભુભાઈના ધર્મપત્નિને બોલાવ્યા અને  અભુભાઈ અને તેમના ધર્મપત્નિ સાથે યાદગીરીરૂપ ફોટોગ્રાફ્સ પણ પડાવ્યો.

મન હોય તો માળવે જવાય એ ઉક્તિને સાર્થક કરતા માત્ર દશ ધોરણ પાસ વ્યક્તી ધારે તો ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે તેનું સુંદર ઉદાહરણ વડગામ તાલુકાના શ્રી અભુભાઈએ પુરૂ પાડ્યુ છે,અને વડગામ તાલુકાને ગૌરવ બક્ષ્યુ છે તે બદલ તેમને અભિનંદન.આપ પણ અભુભાઈને તેમની સફળતા માટે તેમના મો.નં ૯૪૨૯૧ ૯૪૫૬૬ ઉપર અભિનંદન આપી શકો છો.

www.vadgam.com