ઉત્તમભાઈ મહેતા - જીવન ચરિત્ર, વ્યક્તિ-વિશેષ

વિદ્યાલયનો વિદ્યાકાળ – કુમારપાળ દેસાઈ

[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અને મુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામ મેમદપુરમાં જન્મ લઈને પ્રખ્યાત ટોરેન્ટ કંપનીની સ્થાપના કરીને વૈશ્વિક ફલક પર વડગામ તાલુકાનું નામ રોશન કરનાર અને આપણને સૌને ગૌરવ અપાવનાર શ્રી ઉત્તમભાઈ એન.મહેતાનું જીવનચરિત્ર પ્રખ્યાત લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ દ્વારા “આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર” પુસ્તક સ્વરૂપે લખ્યુ છે જે આભારસહ તે પુસ્તકમાંથી આ વેબસાઈટ ઉપર લખવામાં આવ્યું છે.આ પુસ્તકમાં કુલ ૨૫ અલગ અલગ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે,જે દરેક એક સાથે અને સમયે ટાઈપ કરીને વેબસાઈટ ઉપર મુકવા શકય ના હોવાથી સમયાનુસાર એક એક પ્રકરણ આ વેબસાઈટ ઉપર લખવામાં આવશે. વિદ્યાલયનો વિદ્યાકાળ એ પુસ્તકનું ત્રીજુ પ્રકરણ છે.આ અગાઉ પ્રકરણ  આપણે આ વેબસાઈટ ઉપર મુકી લખી ચુક્યા છીએ.ફરીથી આ લેખના લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ અને પુસ્તક પ્રકાશક ટોરેંટ લિમિટેડ,અમદાવાદનો આભારી છું.- તંત્રી : www.vadgam.com]

 

નવું વાતાવરણ અને નવી દીશા

સમગ્ર દેશમાં નવજાગૃતિનો સંચાર થયો હતો. પરાધીનતાની ઘોર નિદ્રામાંથી જાગ્રત થઈને દેશ પરાધીનતા સામે લડવા થનગની રહ્યો હતો. આઝાદીના એ ઉત્સાહયુક્ત, પ્રેરણાદાયી દિવસો હતા.

મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો સામે આઝાદી કાજે અહિંસક આંદોલન શરૂ કર્યુ હતું અને દેશભરમાં એના પડઘા ગાજતા અને ગુંજતા હતા. ગાંધીજીની સાદાઈ, સ્વદેશી,ગ્રામોદ્વાર અને અહિંસાની ભાવનાઓ યુવાનોનાં હદયમાં નવો પ્રાણ સંચાર કરતી હતી. આઝાદીના આશક યુવકો સરફરોશીની તમન્ના સાથે વંદેમાતરમના નારા પોકારતા અંગ્રેજોની તકાયેલી બંદૂક સામે ઊભા રહેતા હતા અને વખત આવે હસતે મુખે ફાંસીને માંચડે ચડીને પ્રાણની આહુતિ આપતા હતા.

એક બાજુ ઇ.સ. ૧૯૪૨માં આઝાદી માટે મથામણ ચાલતી હતી ત્યારે બીજી બાજુ અંગ્રેજોની ‘ભાગલા પાડો અને રાજ ચલાવો’ની કૂટ નીતિ અનુસાર હિંદુ અને મુસલમાન વચ્ચે વેર અને વૈમનસ્યનાં બીજ રોપાયાં હતાં. ભાઈચારાથી રહેતી બે કોમ વચ્ચે એટલો વિસંવાદ ભડકી ઊઠ્યો કે બંને કોમ એકબીજાની લોહીતરસી બની ગઈ હતી, કલકત્તા અને મુંબઈ જેવાં મહાનગરોમાં મોટા પાયે કોમી રમખાણ ફાટી નીકળ્યાં હતાં. લૂંટ, અત્યાચાર અને હત્યાનું તાંડવ મચ્યું હતું.

આવી પરિસ્થિતિ વચ્ચે પાલનપુરથી આવેલા ઉત્તમભાઈએ મુંબઈની કોમી રમખાણોથી સળગતી ધરતી પર પગ મૂક્યો. મુંબઈ જેવા મહાનગરમાં કોઈ સગાસબંધી નહીં, અરે ! સામાન્ય પરિચિત ગણાય તેવુ પણ કોઈ નહોતું. એમાં વળી હુલ્લડના વાતાવરણમાં તો જાતજાતની અફવાઓ આવે. ક્યાંક ખંજર ભોંકાવાના બનાવો બને તો કયાંક જીવતા સળગાવી દેવાની અમાનવીય ઘટનાઓ બનતી હતી. માનવ દાનવ બન્યો હતો. માનવતા વીસરાઈ ગઈ હતી.

પોતાના એક સબંધીના સંઘાથે તેઓ પાલનપુરથી મુંબઈ આવ્યા. એક-બે દિવસ સબંધીને ત્યાં રહીને શ્રી મહાવીર જૈન વિધ્યાલયમાં આવ્યા.

શ્રી જૈન વિદ્યાલય એટલે જૈન સમાજે રચેલું અજોડ વિદ્યાતીર્થ. શિક્ષણ વિના સમાજમાં અજવાળું ફેલાતું નથી એવી ભાવના સાથે આજથી પંચ્યાસી વર્ષ પહેલા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના યુગદર્શી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીએ પ્રેરણા આપી હતી. એ સમયે એમને ધાર્મિક રૂઢિચુસ્તતા અને આર્થિક સંકડામણનો અનેક અવરોધો સહન કરવા પડ્યા હતા. પરંતુ અંતે શ્રી મહાવીર જૈન વિદ્યાલય એ મૂર્તિપૂજ્ક જૈન સમાજમાં વિદ્યાનું મહત્વનું કાર્ય કરનારી સંસ્થા બની. આર્થિક રીતે મુશ્કેલી અનુભવતા તેજસ્વી વિદ્યાર્થીઓને ઉજ્જવળ-વિદ્યાકીય કારકિર્દી રચવા માટે આર્થિક સહાય આપી. કેટલાય દૂરદૂરનાં ગામડાંમાં વસતા,તેજસ્વી જૈન યુવાનોને મુંબઈ,અમદાવાદ,વડોદરા જેવા નગરોમાં અભ્યાસની સગવડ પૂરી પાડી.

એ સમયના શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મહામાત્ર શ્રી કાંતિલાલ કોરા સર્વત્ર ‘કોરા સાહેબ તરીકે જાણીતા હતા. શાંત વ્યક્તિત્વ, બહુ ઓછું બોલે, કિંતુ શિસ્તના એટલા જ આગ્રહી. વિદ્યાર્થીઓ એમનાથી ડરે પણ ખરા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા આવેલા શ્રી યુ.એન.મહેતા એમને મળવા ગયા. મુંબઈનું નવું વાતાવરણ અને એમાં આવા કડક મહામાત્ર !

કોરાસાહેબે એમને કહ્યું કે તમે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાનો સહીવાળો કાગળ લાવો તો જ તમને પ્રવેશ આપું. ઉત્તમભાઈ વિચારમાં ડુબી ગયા. કાગળ તો મળે તેમ હતો, પણ એમના નિવાસસ્થાને જવું કઈ રીતે? મુંબઈથી સાવ અજાણ્યા અને એમાંય હુલ્લડનું ભયભરેલુ વાતાવરણ. વળી વિદ્યાલયમાં મૂકવા આવેલા પેલા સબંધીને ફરી છેક વિદ્યાલય સુધી બોલાવાય પણ કઈ રીતે? તેઓ તો એમને વિદ્યાલયમાં મૂકીને ચાલ્યા ગયા હતા.

યુવાન ઉત્તમભાઈએ ઊંડો વિચાર કર્યો. શિસ્ત અને વ્યવસ્થાના આગ્રહી કોરાસાહેબ કશું ચલાવી લે તેવી વ્યક્તિ નહોતા. શ્રી મોતીચંદભાઈ કાપડિયાના હસ્તાક્ષર વિનાના પત્ર સિવાય પ્રવેશ મેળવવો મુશ્કેલ હતો. વળી અભ્યાસમાં આગળ વધવું એ તો દ્રઢ નિશ્ચય  હતો. આથી મન  મક્કમ કરીને અજાણ્યા મુંબઈમાં એકલા નીકળી પડ્યા. વાતાવરણ ભેંકાર હતું, પણ થાય શું ? તેઓ શ્રી મોતીચંદભાઈ કાપડિયાને મળ્યા અને એમની સહી વાળો કાગળ લઈને આપ્યો ત્યારે એમને શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં પ્રવેશ મળ્યો.

એ સમયે ટેકનોલોજીનો અભ્યાસ કરવાનું ઉત્તમભાઈને આકર્ષણ હતું. મનમાં ખ્યાલ પણ એવો કે નવા ક્ષેત્રમાં જઈએ તો કંઈક નવું કરી શકીએ. નોકરી મળવાની શકયતા પણ ઊજળી રહે. મુંબઈની વિખ્યાત વિલ્સન કોલેજ માં પ્રવેશ મેળવ્યો. શ્રી મહાવીર જૈન વિદ્યાલયથી વિલ્સન કોલેજ માત્ર દોઢેક કિલોમીટરના અંતરે હતી. મુંબઈમાં કોલેજ તરીકે એની નામના પણ સારી હતી. ઉત્તમભાઈ સવારે ઝડપથી ભોજન પતાવીને કોલેજમાં જતાં હતા અને સાંજે પાછા આવી જતા. અભ્યાસ માટેનાં પુસ્તકો તો શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાંથી મળતા હતા. આ સિવાય બીજો છ-સાત રૂપિયાનો મહિને પરચુરણ ખર્ચ થતો હતો. ઉત્તમભાઈ વિલ્સન કોલેજમાં હતા ત્યારે ટેનિસ અને બેડમિન્ટન જેવી રમતો ખેલતા હતા. એકવાર કોલેજની ચૂંટણીમાં તેઓ ઊભા રહ્યા હતા અને વિજયી બન્યા હતા. એમના એ સમયના સાથી કે.સી.શાહે થોડા સમય અગાઊ જૈફ ઉંમરે પણ આ ઘટનાનું જીવંત સ્મરણ વર્ણવ્યું હતું.

મુંબઈના શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સામે આવેલું મેદાન આજે ઑગષ્ટ ક્રાંતિ મેદાન તરીકે જાણીતું છે. ગોવાલિયા ટેન્કનું આ મેદાન રાષ્ટ્રના અગ્રણી નેતાઓના બુલંદ અવાજથી એ જમાનામાં સતત ગુંજતું હતું. ‘ભારત છોડો’ (ક્વિટ ઇન્ડિયા)ની ઝુંબેશનો શુભારંભ આ મેદાનથી થયો હતો.

એ સમયના ઉત્તમભાઈના મિત્રોમાં સર્વશ્રી વી.વી.શાહ, સી.એન.શાહ, બી.ટી.પરમાર અને એ.એન.શાહ હતા. અભ્યાસ પછી શ્રી વી.વી.શાહે કટલરી અને હોઝિયરીનો વેપાર કર્યો. સી.એન.શાહ ડૉકટર થયા અને મુંબઈના સેંડહર્સ્ટ રોડ પર દવાખાનું ખોલ્યું તેમજ બી.ટી.પરમાર હિન્દીના અદ્યાપક બન્યા. આ મિત્રોની મંડળી સાથે રહેતી, સાથે વાંચતી અને સાથે જુદી જુદી રમતો ખેલતી હતી. મુંબઈના બાહ્ય વાતાવરણની ઉત્તમભાઈ પર કશી અસર થઈ નહી. એક તો ભણવાની લગની, બીજું વિદ્યાલયનું વાતાવરણ અને ત્રીજું વિદ્યાર્થી તરીકે સાદાઈભર્યુ જીવન. એમની પાસે એટલા પૈસા પણ નહોતા કે જેથી એ કોઈ મોજશોખનો વિચાર કરી શકે.

વિદ્યાલયના પ્રવેશ સમયે યુવાન અને ઉત્સાહી ઉત્તમભાઈને કોરાસાહેબનો શિસ્તનો આગ્રહ ક્યારેક અકળાવનારો લાગતો હતો. એમ પણ લાગતું કે તેઓ નવા-સવા વિદ્યાર્થી પ્રત્યે વધુ પડતો કડક અભિગમ ધરાવે છે, પણ એમની અગ્નિપરીક્ષામાં પસાર થયેલો વિદ્યાર્થી જેમ જેમ અભ્યાસમાં આગળ વધતો જાય અને તેજસ્વિતા દાખવતો જાય તેમ તેમ એને તેઓ સ્નેહ અને સુવિધાઓ આપતા હતા. અત્યંત મિતભાષી કોરાસાહેબના હર્દયમાં વિદ્યાર્થીઓ માટે અપાર સ્નેહ હતો.

શ્રી મહાવીર જૈન વિદ્યાલયને કારણે ઉત્તમભાઈ અભ્યાસમાં આગળ વધી શક્યા. બાકી એ સમયે એમની આર્થિક સ્થિતિ એવી હતી કે ફી અથવા પુસ્તકો માટે પચીસ રૂપિયા કાઢવા પણ મુશ્કેલ બન્યા હોત. આવી પરિસ્થિતિમાં મુંબઈ મહાનગરમાં ત્રણ ત્રણ વર્ષ સુધી અનુકૂળતા સાંપડી, તેનું ઋણ તો કઈ રીતે ફેડી શકાય ? વિદ્યાલયના હોત તો તેમનો વિદ્યાવિકાસ થયો ન હોત. વળી મુંબઈના વાતાવરણમાં ઉચ્ચ અભ્યાસની તક મળી ન હોત. પછાત ગણાતા બનાસકાંઠાના વિસ્તારમાં એમનો ઉછેર થયો હતો. જ્ઞાંતિ માં કે આસપાસના સમાજમાં પણ કોઈ વિશેષ જ્ઞાન પ્રકાશ નહોતો. આવે સમયે ઉત્તમભાઈના મુંબઈના અભ્યાસને કારણે એમનો દ્રષ્ટિકોણ વિશાળ બન્યો, એટલું જ નહી પણ એમણે અંગ્રેજી ભાષા પર પણ પ્રભુત્વ મેળવ્યું.

૧૯૪૧થી જ વિશ્વયુદ્ધ ને કારણે મુંબઈમાં બ્લેક-આઉટ ચાલતો હતો. રાત્રે લાઈટના પ્રકાશનું એક નાનુંશું કિરણ પણ ઘરની બહાર દેખાવું ન જોઈએ તેની ખૂબ સાવઘાની રાખવામાં અવતી હતી. રાત્રે લગભગ અંધકાર છવાયેલો રહેતો.

૧૯૪૨માં વળી એક નવી ઘટના અને એક નવું વાવાઝોડું આવ્યું. વિશ્વયુદ્ધની રણભેરી ગાજતી હતી. જાપાન ચડાઈ કરવાની તૈયારી કરી રહ્યું છે એવા સમાચારે મુંબઈ લગભગ ખાલી થઈ ગયું. મુંબઈમાં વ્યવસાય કે ધંધો હોવાથી અનિવાર્યપણે જેમને રહેવું પડે તેમ હતું તેઓ રહ્યા. પણ તેઓય એમનાં સગાંવાહાલા અને સંબંધીઓને પોતાના વતનમાં મૂકી આવ્યા.

શ્રી મહાવીર જૈન વિદ્યલયમાં અભ્યાસ કરતા હતા ત્યારે અનેક વિદ્યાર્થીઓ એમના મિત્ર બન્યા. મિલનસાર સ્વભાવ અને મહેનતુ વિદ્યાર્થીની એમની છાપને કારણે એમનો મિત્રવર્ગ વિશાળ હતો. એ વખતે પોતાના સહધ્યાયી અને પાછળની નામાંકિંત ડૉક્ટર બનેલા સી.એન.શાહનું એમને સ્મરણ છે. એવા એમના બીજા સહધ્યાયી હતા કે.સી.શાહ. જ્યારે એમના મિત્ર ડૉ.રસિકલાલ મલુકચંદ ભણશાળી સાથે તો ઉત્તમભાઈ દસેક વર્ષ ભણ્યા હતા. યુવા વયના ઉત્તમભાઈની દિનચર્યામાં વ્યાયામ અને રમતગમતને મહત્વનું સ્થાન હતું. પાલનપુરમાં અને એ પછી મુંબઈમાં હતા ત્યારે તેઓ દંડબેઠક કરતા હતા. જુદા જુદા પ્રકારના વ્યાયામમાં તેઓ નિપુણ હતા. પરિણામે એમનો શારીરિક બાંધો ઘણો મજબૂત હતો અને આરોગ્ય અકબંઘ જળવાયેલું રહેતું હતું. વિદ્યાલયના અભ્યાસકાળ દરમિયાન તેઓ વિદ્યાલયના રમતગમત મંત્રી હતા. આને કારણે રજિસ્ટ્રાર કોરા સાહેબને અવારનવાર મળવાનું બનતું હતું. એમાં પણ ઉત્તમભાઈ જનરલ સેક્રેટરી થયા ત્યારે વખતોવખત વિદ્યાર્થીઓના પ્રશ્નોની રજૂઆત કરવા પણ જતા હતા. એ જમાનામાં મોટા પગારની નોકરી છોડીને વિદ્યાના સ્નેહથી કોરા સાહેબ વિદ્યાલયનું સંચાલન કરતા હતા. તેઓ ક્યારેક રાત્રે રાઉન્ડ લઈને વિદ્યાર્થીઓની પ્રવૃતિઓની પૂરતી ભાળ રાખતા. એ સમયે એમનું આકરું લાગતું શિસ્તપાલન વિદ્યાર્થીઓના જીવનધડતરમાં ઘણો મહત્વનો ભાગ ભજવી ગયું.

શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં અભ્યાસ કરતી વખતે ઉત્તમભાઈ મનોમન એના પ્રણેતા યુગદર્શી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીજી મહારાજની મહાનતાનો વિચાર કરતા હતા. ઈ.સ.૧૯૧૪માં સમાજના ઘણા મોટા વિરોધ વચ્ચે એમણે હિંમતભેર આ સંસ્થાનો પાયો નાખ્યો અને અગણિત વિદ્યાર્થીઓને વિદ્યાદાન આપ્યું. વળી આર્થિક સંકડામણના કારણે કોઈ વિદ્યાભાસ ન કરી શકે તો તેને આ સંસ્થા ગ્રાન્ટ નહીં, કિંતુ લોન આપતી હતી. એમનો આ વિચાર અનોખો હતો.

ઉત્તમભાઈ એમના જીવનકાળ દરમિયાન એવું સતત અનુભવતા કે મંદિરો બંધાવવામાં, સ્વામીવાત્સલ્ય કરવામાં, યાત્રા યોજવામાં અને સંઘ કાઢવામાં પહેલેથી જ શ્વેતાંબર જૈનો પુષ્કળ ધન વાપરતા હતા, પણ આવી પરિસ્થિતિમાં શ્વેતાબંર જૈનોમાં આવો વોદ્યાભાસ વિકસે એવી ભાવના સાથેનો આ પ્રયત્ન યુગદર્શી આચાર્યની આવતીકાલ જોવાની શક્તિ અને દ્રષ્ટિ બતાવે છે. ઉત્તમભાઈને વિદ્યાલયમાંથી બારસો રૂપિયાની લોન મળતી હતી. તેઓ સંસ્થામાં રહીને ત્રણ વર્ષ સુધી ભણ્યા. ઉત્તમભાઈ કમાતા થયા કે તરત જ એમણે એ લોન પરત કરી દીધી.

વિજ્ઞાન વિદ્યાશાખામાં અભ્યાસ શરૂ કર્યા પછી ઉત્તમભાઈની સમક્ષ એક સવાલ એ આવ્યો કે કયા ક્ષેત્રમાં અભ્યાસ આગળ ધપાવવો ? આ સમયે એમણે પાલનપુરના પોતાના પરિચિત ડૉક્ટરની સલાહ લીધી હતી. ડૉક્ટરોએ એમને એમ કહ્યું કે મેડિકલ લાઈનમાં હવે વિશેષ વિકાસની કે મોટા આર્થિક લાભની બહુ શકયતા રહી નથી. વળી તમે સાયન્સનો વિષય લીધો છે, તો ટેકનોલોજીના ક્ષેત્રમાં જશો તો ભવિષ્યમાં ઘણી ઊજળી તકો રહેશે. નવા ક્ષેત્રોનું ખેડાણ કરી શકશો. વ્યવસાયની ઘણી શક્યતાઓ ખોળી શકશો.

૧૯૪૨ની ‘ભારત છોડો’ ની મુંબઈના ઓગષ્ટ ક્રાંતિમેદાનમાં થયેલી વિરાટ ઐતિહાસિક સભામાં ઉત્તમભાઈએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમયે મહાત્મા ગાંધીજીની વિચારસરણીનો એમના પર પ્રભાવ પડ્યો હતો. પરિણામે આડંબરને બદલે સાદાઈથી રહેવું, પોતાની જાત પર નિર્ભર રહેવું, બને તેટલી ઓછી અપેક્ષા રાખવી અને કોઈની પાસે બિનજરૂરી માંગણી કરવી નહી એવી એમની પ્રકૃતિ કેળવાઈ હતી.ગાંધીજીના ગ્રંથોમાંથી માટીના પ્રયોગો અને કુદરતી ઉપચારની પ્રેરણા મેળવી હતી. આ સમયે પંડિત જવાહરલાલ નહેરુ, અબ્દુલ કલામ આઝાદ અને જે.બી. કૃપાલાની જેવા રાષ્ટ્રના મહાન નેતાઓને નજીકથી નિહાળવાનો લ્હાવો મળ્યો હતો.

નિશાળના અભ્યાસ દરમ્યાન ઉત્તમભાઈ ખમીસ અને લેંઘો પહેરતા, જ્યારે કોલેજના અભ્યાસ વખતે ખમીસ અને પેન્ટ પહેરતા હતા. તેઓ વિલ્સન કોલેજમાં હતા ત્યારે ખ્રિસ્તી ધર્મગ્રંથ બાઈબલના અભ્યાસનો દર અઠવાડિયે એક વર્ગ રહેતો હતો અને તેમાં સહુ કોઈને ફરજિયાત અભ્યાસ કરવો પડતો. આની વિરુધ્ધમાં વિદ્યાર્થીઓએ હડતાલ પાડી હતી. ઉત્તમભાઈએ આમાં સક્રિય સાથ આપ્યો. કોલેજના પ્રિન્સિપાલ મેકેન્ઝે વિદ્યાર્થીઓ તરફ ઉદાર લાગણી ધરાવતા હતા તેથી આ પ્રશ્ન ચગાવવાને બદલે એનું શાંત સમધાન ખોળવામાં આવ્યું.

ઉત્તમભાઈએ મનમાં વિચાર્યુ કે ટેકનોલોજીમાં જવું હોય તો બી.એસ.સી. માં પ્રવેશ મેળવીને સાયન્સ વિદ્યાશાખામાં જવું પડે. ઉત્તમભાઈ પાલનપુર રાજના વતની હતા અને એ સમયે રજવાડાંના વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે ઘણી મુશ્કેલી પડતી હતી. એમણે મુખ્ય વિષય તરીકે કેમેસ્ટ્રી અને ગૌણ વિષય તરીકે ફિઝિક્સ રાખ્યું હતું. તેજસ્વી ઉત્તમભાઈએ બી.એસ.સી.માં સારા એવા ટકા મેળવ્યા પરંતુ ટેકનિકલ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવા માટે તે પૂરતા ન હતા. ઉત્તમભાઈને કેમેસ્ટ્રીમાં સારા માર્કસ આવ્યા હતા અમે તે વિષયમાં ઊંડો રસ પડતો હતો, પરંતુ એમની સામે મુખ્ય સવાલ તો તત્કાળ નોકરી મેળવીને આજીવિકા માટે આવક ઊભી કરવાનો હતો. ભણવાનું મોંઘું થતું હતું. વળી વિદ્યાલયમાં ગ્રેજ્યુએશનથી આગળ અભ્યાસ કરનારને માટે નિવાસની વ્યવસ્થા નહોતી. વધુ અભ્યાસ માટે પૈસાની પણ વ્યવસ્થા કરવી પડે તમ હતી.

યુવાનીનાં સ્વપનો વાસ્તવિક્તાના ધરાતલ પર આવતાં ક્યારેક આથમી જાય છે તો કવચિત વિલક્ષણ વળાંક લે છે. ઉત્તમભાઈને નોકરી કરવાનો નિર્ણય કરવો પડ્યો. કોઈ નવા ક્ષેત્રમાં ઝંપલાવવાના કેટલાય અરમાન હર્દયમાં હતાં. પ્રગતિ સાધીને આગળ વધવાની કેટલીય મહેચ્છા હતી, પણ સવાલ એ હતો કે પાસે કોઈ આર્થિક પીઠબળ નહોતું કે વારસાગત વ્યવસાય નહોતો, આથી તત્કાળ કમાણી માટે નોકરીની શરણાગતિ સ્વીકારવી પડી.

(ક્રમશ..આવતા લેખમાં-પ્રકરણ-૪ )

પ્રકરણ :- / ૨