શ્રી મણિભદ્ર વિર દાદા - મગરવાડા

શ્રી મણિભદ્ર દાદા જીવન ઝરમર : ભાગ -૯

[ પ્રસ્તુત લેખ પુસ્તક યક્ષાધિરાજ શ્રી મણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથીસાભાર લખવામાં આવ્યો છે. પુસ્તકના મૂળ લેખક શ્રી રશ્મિકાંત જોષી છે અનેપ્રકાશક યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ-ગાદિપતિ, મગરવાડા છે.આ પુસ્તકમાનીમાહિતી વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ યતિવર્ય શ્રી વિજયસોમજીમહારાજ સાહેબનો આભારી છું. પુસ્તક માની બધી વિગતો એક સાથે લખવાનું શક્ય નહોવાથી ક્રમશ: પુસ્તક માની માહિતી આ વેબસાઈટ ઉપર લખવામાં આવે છે. ]

 

‘કેવો અભિગ્રહ લેવાની ભાવના છે ?’
ગુરુજી ! શત્રુંજય પહોંચ્યા પછી આદિનાથ દાદાના જ્યાં સુધી દર્શન ન કરું, ત્યાં સુધી સધળા પ્રકારના આહારનો ત્યાગ એ જ મારો અભિગ્રહ બની રહો.’ (ઠામ ચોવિહાર આયંબિલ તપ)
‘ માણેકશા ! બહુ કઠિન વ્રત તમે માગો છો. પુન: એકવાર વિચારી લો. આગ્રાથી પાલિતાણા વચ્ચે સેંકડો માઈલનું અંતર છે. પથ્થર કાંકરા ને ધૂળથી ભરેલા કાચા રસ્તા છે. રસ્તામાં વિકટ વનપ્રદેશ છે…રાની પશુઓ છે…ચોર લૂંટારા, ડાકુઓનો ભય છે. વળી ટાઢ, તડકા જેવી મુશ્કેલીઓ વચ્ચે શું તમે વ્રતપાલન કરતા યાત્રા પૂર્ણ કરી શકશો?’ આટલું કહી ગુરુદેવ પળવાર અટક્યા. પ્રતિભાવ જાણવા તેમણે માણેકશાના મુખ પર દ્રષ્ટિ સ્થિર કરી. સઘળા સભાજનો પણ કાન સરવા કરી માણેકશા ભણી જોવા લાગ્યા. માણેકશાના ચહેરા પર અજબ દ્રઢતા તરવરતી હતી. તેમની આંખોમાં અડગ સંકલ્પ ડોકાતો હતો. પળવાર ગુરુદેવના નાયનોમાં ઝાંખીને ખૂબ જ ગંભીરતાથી ગુરુદેવનો ચરણ સ્પર્શ કરી માણેકશા દ્રઢતાથી બોલ્યા…… ’સંપત્તિની પ્રાપ્તિ સારુ સંતાપ વહોરવા કરતાં જીવનની સાર્થકતા સારુ સાહસ શા માટે ન કરવું ? આપ જેવા સમર્થ ગુરુદેવના આશીર્વાદ મળી જાય તો પછી ચિંતા શી વાતની ? વ્યર્થ જીવનયાત્રાના અંતે સ્મશાનયાત્રા નિશ્ચિત જ છે, તો પછી પરભવની પુણ્યકમાઈ સારુ તીર્થયાત્રા શા માટે ન કરવી?’ તીર્થાધિરાજની યાત્રામાં દાદાનું ધ્યાન ધરતાં કદાચ પ્રાણ પણ ચાલ્યા જાય, તો એનાથી વળી રૂડો મૃત્યુનો અવસર અન્ય કયો હોઈ શકે? આત્મવિશ્વાસથી ભરેલી માણેક્શાની હર્દયસ્પર્શી વાત સાંભળી ગુરુદેવ મલક્યા. ખૂબ જ પ્રેમથી માણેકશાને વ્રત સાથે આશીર્વાદ આપ્યા. ઝૂકીને માણેકશાએ ગુરુદેવનો ચરણસ્પર્શ કર્યો. ગુરુદેવે તેમના મસ્તક પર વાસક્ષેપ નાખી ધ્રમલાભ આપ્યો. સભા સમાપ્ત થઈ. લોકો માણેકશાની ભક્તિ અને દ્રઢતાની પ્રશંસા કરતા વિખરાયા. ભાર ખુશી અનુભવતા શેઠ ઉતાર પહોંચ્યા. શેઠનો ખુશખુશાલ ચહેરો જોઈને મુનીમે ભારે આશ્ચર્ય પામ્યા. તેમણે વિનયપૂર્વક પૂછ્યું……. ’શેઠજી! આજે તો આપ ભારે પ્રસન્ન જણાઓ છો? કોઈ મોટો સોદો પાર પાડી આવ્યા છો કે શું?’ ’હા મુનીમજી! આવા અણમોલ સોદાના આવસર જીવનમાં વારંવાર નથી આવતા. જો સોદો પાર પડ્યો તો ફાયદો જ ફાયદો છે…..”’ ‘શેઠજી કેટલા લાખનો ફાયદો થશે?’ આતુરતાથી મુનીમે પૂછ્યું. ‘કેટલા લાખ ? અરે મુનીમજી ! કરોડોનો સોદો થયો છે….લાભ જ લાભ છે. અચ્છા, તમે એક કામ કરો ?’ ‘ફરમાવો શેઠજી!’ ‘તમે આપણી પેઢીનું કામ થોડો સમય સંભાળી લો. ટૂંક સમયમાં હું સંઘ સાથે શત્રુંજય તીર્થની પદયાત્રા કરવાનો છું. બોલો, મુનીમજી ! કરોડોના લાભની વાત છે કે નહી?’ પછી માણેકશાએ તેમને માંડીને વાત કરી. વાત સાંભળીને શ્રધાળુ મુનીમજી બોલી ઊઠ્યા…. ‘સાચ્ચે જ શેઠજી! આનાથી ઉત્તમ લાભ બીજો હોઈ શકે જ નહીં.’ આપ ઘણા જ પુણ્યશાળી આત્મા છો…! ખૂબ જ ભાગ્યશાળી છો !’ ત્યાર પછી શેઠ આગ્રામાં જ રોકાઈ ગયા. વિગતવાર ઘરે સમાચાર મોકલી દીધા. માતા જિનપ્રિયા તથા પત્ની આનંદરતિને સમાચાર જાણી આનંદ થયો. તેમણે શુભકામનાનો સંદેશ પાઠવ્યો. માણેકશા શત્રુંજય તીર્થયાત્રાની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા, કારતકી પૂર્ણિમાના દિવસે શ્રી હેમવિમલસૂરિજીનો ચાતુર્માસ પૂર્ણ થયો. ગુરુદેવે સ્થળાંતર કર્યું. માણેકશા ગુરુદેવના દર્શને ગયા. ચરણસ્પર્શ કરી માંગલિક સાંભળી ગુરુદેવના આશીર્વાદ પામ્યા અને સિધ્ધાચળની યાત્રાએ પગપાળા પ્રસ્થાન કર્યુ. આગ્રાના ધર્માનુરાગી શ્રાવકોએ શુભકામના પાઠવતા શેઠ તથા તેમના સંઘ સાથે જોડાયેલા સાધકોને ભાવભરી વિદાય આપી. ગુરુદેવ પણ અન્યત્ર વિહાર કરી ગયા. શિયાળાના ટૂંકા ઠંડાગાર દિવસોમાં હાડ ધ્રુજાવતા કાતિલ પવનો ફુંકાઈ રહ્યા છે….ઉબડ ખાબડ કંકર-કંટકવાળા ધૂળિયા કાચા રસ્તાઓ પર ચાલતા માણેકશાના કોમળ પગોમાં ઉઝરડા પડ્યા છે, છાલાં પડેલાં સ્થાનેથી લોહી નીકળી રહ્યું છે…અસહ્ય ઠંડીમાં ગાત્રો ધ્રુજી રહ્યા છે….માણેકશાના અધમૂઆ થયેલા સાથીદારો પીડા ભોગવતા પરાણે સાથે ચાલી રહ્યા છે, પરંતુ માણેકશા મસ્ત છે. તેમના મુખ પર વેદના-ઉચાટ કે પીડાની એક લકીર પણ જણાતી નથી. મુખ પર તેમના વિલસે છે…પરમ શાંતિ ઉત્સાહ અને ઉમંગના ભાવ…અંતરમાં…પરમાત્મા શ્રી આદિનાથ દાદાના જાપ સાથે પૂજ્ય ગુરુદેવનું નામ સ્મરણ ચાલે છે. ઉપવાસના પરમ તપથી તેમનો ચહેરો ચમકી રહ્યો છે. ધાર્મિક જીવનમાં આમ તો માણેકશાએ ઘણી તપસ્યાઓ કરી હતી, પરંતુ આવી વિકટ તપસ્યાતો જીવનમાં પ્રથમવાર કરી રહ્યા હતા, તેમ છતાં પરમાત્મા શ્રી આદિનાથ દાદાનાં દર્શનની અપાર લગન, અતૂટ શ્રધ્ધા અને અચળ સંકપ્લ શક્તિના સહારે તેઓ ઉત્સાહથી પદયાત્રા કરતા આગળને આગળ વધી રહ્યા છે. ૧૬ મી સદીના એ કાળમાં દિવસે પણ ડર લાગે તેવા ઘટાટોપ નિર્જન જંગલોમાં વાઘ, સિંહ, દીપડા, વરુ અને ચિત્તા જેવા ખૂંખાર જંગલી જાનવરોનો ભય હતો. આ ઉપરાંત ચોર, લૂંટારા, ડાકુ, ઠગ અને પિંઢારા રાતદિવસ ફરતા રહી નિર્દોષોને રંજાડતા રહેતા હતા. મુસાફરોને લૂંટીને તેમને જાનથી મારી નાખતા હતા. આવા જોખમી રસ્તે, ખતરનાક લોકોના સંભવિત હુમલાના ભય વચ્ચે માણેકશા અને સંધમાં જોડાયેલા શ્રાવકો રાત્રિવિરામ કરતા, પરંતુ તેમને ઊની આંચ ન આવી. ન કોઈ જંગલી પશુએ તેમને રંજાડ્યા, ન ચોર ડાકુનો હુમલો થયો. અવિચળ શ્રધ્ધા અને હિમ્મતના બળે અવિરત યાત્રા કરતા માણેકશા સંધના શ્રાવકો સાથે ગુજરાતમાં પ્રવેશ્યા. આગળ વધતા તેઓ મગરવાડા નામે ઓળખાતા ઘોર જંગલી વિસ્તાર સમીપ પહોંચ્યા. લગભગ પાંચસો વર્ષ પહેલા વર્તમાનમાં વસેલા મગરવાડા ગામના સ્થાનકે વિકટ વન હતું. ધોળા દિવસે પણ એકલદોકલ માનવી આ વિસ્તારમાં જતા ડરતો હતો.(વર્તમાન મગરવાડા ગામથી થોડા અંતરે પ્રાચીન અવશેષો મળી આવ્યા છે, જેના પરથી અનુમાન કરી શકાય કે એકાદ નાનુ નગર મગરવાડાના વન્ય વિસ્તાર પાસે વસેલું હોવું જોઈએ.)
કુદરતી સંજોગાધીન માણેકશાનો સંધ આવા વિકટ વનવિસ્તારમાં આવી પહોંચ્યો. સૂર્યાસ્ત થતાં પહેલા જ વૃક્ષોથી ઘેરાયેલી ખુલ્લી સમતલ જગ્યામાં પડાવ નાખવામાં આવ્યો. ચૌવિહારમાં માણેકશા સિવાય બધાએ જમે લીધું હતું. થોડીવાર વાતચીત કરી, પદયાત્રાથી થાકેલા હોવાથી પોઢી ગયા. શિયાળાની કાતિલ ઠંડીમાં, જંગલના એકાંતમાં, નિ:શબ્દ વાતાવરણમાં કામળા રજાઈઓ ઓઢી સૌ ઘસઘસાટ સૂઈ ગયા. માણેકશાએ પણ પ્રતિક્રમણ પૂર્ણ કરીને, આદિનાથ દાદાનું નામ સ્મરણ કરતાં પથારીમાં લંબાવ્યું. તીર્થનું ધ્યાન ધરતા તેઓ ગાઢ નિંદ્રામાં સરી પડ્યા.
ધીરે ધીરે રાત જામવા લાગી. ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યું. સાંય સાંય ચાલતા પવનથી વૃક્ષોનાં પાંદડા અને ડાળીઓ વિચિત્ર અવાજ ઉત્પન્ન કરવા લાગ્યાં. તંબૂઓના પડદા ફરફરવા લાગ્યા. ધીરે ધીરે રાત્રિના અંધકારને ચીરતો ચંદ્ર ગગનઘોખમાં વિહરવા લાગ્યો. સુમસામ જણાતા જંગલમાં સન્નાટાને ચીરતા દૂર દૂર કયાંક ઘૂવડ બોલવા લાગ્યા. ચીબરીઓ કર્કશતાથી બોલવા લાગી. શિયાળિયાની લારીથી વાતાવરણ વધુ બિહામણું ભાસવા લાગ્યું.
અચાનક ઝાડીમાં સળવળાટ થયો સૂકાં પાંદડાં ખખડવાનો તો ક્યાંક ડાળીઓ ભાંગવાનો અવાજ થયો. વૃક્ષો પર નિરાંતે પોઢેલા પક્ષીઓ કલબલાટ કરતાં અહીં તહીં ઉડવાં લાગ્યાં. ગીચ ઝાડીમાંથી કેટલાક બુકાનીધારી ડાકુઓ પોતાના ઘોડાઓ સાથે પ્રગટ થયા. વૃક્ષોનાં થડ સાથે ઘોડાઓને બાંધી ડાકુઓ ચૂપકીદીથી આગળ વધ્યા અને સંધના પડાવને ઘેરી લીધો. કાળા પોશાકમાં સજ્જ, મુખ પર બુકાની બાંધેલા ઊંચી પડછંદ કાયા ધરાવતા ત્રણ ચાર ખૂંખાર ડાકુઓ હાથમાં ખુલ્લી તલવારો સાથે સંધના શ્રાવકોને બાનમાં લેતાં યાત્રાળુઓ અચાનક થયેલા અણધર્યા હુમલાના કારણે અવાચક બની ગયા અને ડાકુઓએ પોતાની પાસેની ખુલ્લી તલવારો શ્રાવકોને માથે ધરી દેતાં શ્રાવકોમાં રોકકળ મચી જવા પામી. ડાકુઓએ શ્રાવકોને ધમકી આપતા ખુલ્લો પડકાર ફેંક્યો….તમારી પાસે જે પણ કંઈ માલ-મિલકત હોય તે તાત્કાલિક અમારા ચરણે ધરી દો નહીતર તમારા એકેયની ખેર નથી આ તલવાર કોઈની સગી નહી થાય….યાત્રાળુઓ ભયના માર્યા થર થર કાંપી રહ્યા હતા અને ડાકુઓ હાકલા-પડકારા કરતા હતા તેવામાં અચાનક થયેલા કોલાહલને કારણે નજીકમાં જ સુઈ રહેલા માણેકશા અચાનક જાગી ગયેલ અને તાત્કાલિક પરિસ્થિતિ પામી જઈ માણેકશા શેઠે પોતાની નજીકમાં ઉભેલા ડાકુને જોરથી ધક્કો મારતાં ડાકુ ભોંય ભેગો થઈ ગયેલ અને આ દ્રશ્ય જોઈ બીજા ડાકુઓ ગુસ્સામાં આવી માણેકશાને બાનમાં લઈ લીધા અને પડકાર કર્યો “ અલ્યા વાણિયા તારી પાસે જે કંઈ પણ હોય તે તાત્કાલિક અમારા ચરણે ધરી દે નહીંતર તારા આ સંધને ખેર નથી અને એક પણ યાત્રાળુને જીવતો બચવા દઈશું નહી…..” માણેકશાએ આ ધમકીનો જવાબ આપતાં જણાવ્યું….” એ અધર્મીઓ અમે યાત્રાળુઓ છીએ અને અમો અમારા પાસે કંઈજ માલ-મિલકત રાખતા નથી અને હોય તો પણ તમને અમે કશું જ આપવાના નથી….. ‘તે જ વખતે સામે ઉભેલ ડાકુએ પોતાની તલવાર માણેકશાની ગરદન પર ધરી દેતાં માણેકશાએ તેનો સામનો કરી તલવારને પોતાની ગરદનથી દૂર હડસેલતાની સાથે જ માણેકશાની પીઠ પાછળથી માણેકશાની ગરદન પર એક ડાકુએ તલવારથી વાર કરતાં ‘જય જય દાદા…..! જય આદિનાથ….! જય શત્રુંજયનાથ…..!’ ના ઉદ્દગારો સાથે શેઠના પ્રાણ નીકળી ગયા. માણેકશાનું શરીર ત્રણ ટુકડામાં વિભાજિત થઈ ગયું હતું. મસ્તક, ધડ અને પગ અલગ પડી ગયા હતા. [ ક્રમશ:]

અત્યાર સુધી આ વેબસાઈટ ઉપર શ્રી માણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર વિશેના લખાયેલા લેખો વાંચવાઅહીં ક્લિક કરો.

———————————————————————————————————————————

Tree-plantation-2015