લગ્નવિધિ
[લગ્નવિધિનો આ લેખ પૂજ્ય શ્રી મોટા વિરચિત વિધિવિધાન પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે.આ પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
પહેલા વેદી છે.વેદીને ચારબાજુ ચાર ખૂણા છે.તે ચાર દિશાના ચાર ખૂણા સૂચવે છે.તેની બહાર દેખાતા પગથિયાં ત્રિગુણાત્મક પ્રકૃતિનાં સૂચક છે અને વેદીની ઉંડાઈએ જીવનની ગૂઢતા અને ગહનતા દર્શાવે છે.એમાં પ્રગટાવેલો અગ્નિ એ જ્ઞાન (પ્રકાશ) અને ગરમી (શક્તિ)નો ધોતક છે.એ પ્રગટ દેવ છે. જ્ઞાન અને શક્તિ વિનાનું જીવન એ જીવન નથી.તેની ઉપર ચારેબાજુ એક એક પાન અને તે ઉપર એક એક સોપારી મુકેલ છે.તે ગણપતિનું પ્રતિક છે.પછી એમાં અગ્નિ હોય છે.તે અગ્નિની એટલી બધી શી જરૂર ? અગ્નિ સર્વત્ર ફેલાયેલો છે.આકાશમાં આકાશ સાથે છે,તેમા સૂક્ષ્મરૂપે અગ્નિ છે.જળમાં પણ અગ્નિ છે, પૃથ્વી માં પણ અગ્નિ છે,આપણા શરીરમાં પણ અગ્નિ છે.આપણા લોકોએ એટલે કે અસલના લોકોએ જોયુ કે અગ્નિ બહુ ઉપયોગી છે.અગ્નિ વિના માણસ ક્ષણવાર પણ જીવી શકે નહિ.માટે તે પરમેશ્વર,દેવ છે.શક્તિ છે.
અગ્નિ એ શક્તિ છે.તેને ચેતતો રાખવો જોઈએ,પણ ચેતતો રાખવા માટે તેને આહુતી આપવી જોઈએ.આહુતિ આપીએ તો જ ચેતતો રહે.તમે તેને શાની આહુતિ આપશો ? કામ,ક્રોધ,લોભ,મોહ,મદ,મત્સર,રાગદ્રેષ,અંહ આદિની આહુતિ આપશો,તો આપણા જીવનમાં તે અગ્નિ ચેતતો,શુધ્ધ પણે ચેતતો રહે.અગ્નિની જીવનમાં ઘણી આવશ્યક્તા છે.રોમેરોમ માં અગ્નિ છે.આપના શરીરમાં એ અગ્નિ શુધ્ધ ચેતનવંતો રહે માટે એને કામક્રોધાદિક ,લોભમોહાદિક,રાગદ્રેષાદિક,અહમ આદિની આહુતિ આપ્યા કરશો.એટલા માટે આપણી સંસ્કૃતિમાં દરેક વિધિમાં અગ્નિને મહત્વ આપેલુ છે.તલ,જવ અને ઘંઉ એનાં પ્રતીક છે.
હવે કંકુનો ચાંલ્લો,ચૂનો અને હળદરથી કંકુ બને છે.ચૂનાના ગુણધર્મ જાણીતા છે.એ દઝાડે એટલો તેજ છે.એટલો જ દઝાડેલા ને શાતા આપનાર છે.હાડકાને મજબૂત કરી શકે છે.હળદર લોહીને શુધ્ધ કરવાનું કામ કરે છે. આ બનેંના મિશ્રણથી કંકુ થાય છે.કંકુ ત્યાગનું સૂચક છે અને લાલ રંગનું છે.જેમ આપણું લોહી લાલ છે.આ લોહી એકદમ ખાઈએ તેવુ જ કંઈ બનતુ નથી.કેટલુય છોડી દે છે.ખાઈએ પેટમા જાય,એમાં અનાજ સાથે બીજા કેટલાંય મિશ્રણ થાય,આંતરડામાં જાય,તેમાંથી કેટલોક ભાગ કાઢી નાખે છે.ત્યાગ કર્યા કરે છે અને છેવટે શુધ્ધ સ્વરૂપે લોહી બને છે.
અને ચોખા એ પુરુષાર્થ છે.તે પુરુષાર્થનું પ્રતીક છે.ચોખા શરીરને પુષ્ટ અને બળવાન બનાવનાર અનાજ છે.એનાથી મળતી શક્તિથી પુરુષાર્થ પ્રેરવાનો છે.ત્યાગની ભૂમિકા પર પુરુષાર્થ હોય તો જ એકબીજા દીપે.એટલે આ જીવનમાં ત્યાગ અને પુરુષાર્થ બે રાખ્યા,તો તમે ફતેહ પામશો,એ સમજાવવા માટે આપણા આર્ય રૂષિઓએ આ પ્રતીક આપ્યું છે.
પછી આ નાડાછડી કાચા સૂતરની છે.એ સ્નેહનું પ્રતીક છે.એની કોમળતા એટલી બધી છે કે તૂટે નહિ એ માટે ખૂબ જ સાવધ રહેવાનું છે.જરા એને તાણીએ તો તૂટી જાય.કાચા સૂતરને તાંતણે તમે બંધાઓ છો.આ સંસારમા અનેક પ્રકારની મુશ્કેલીઓ આવશે,વિઘ્નો આવશે,યુધ્ધો આવશે,કોયડાઓ આવશે,સમસ્યાઓ આવશે,દુ:ખો આવશે,વિપત્તિઓ આવશે,પણ તમે બંધાયેલા છો નાડાથી.યાદ રાખજો કે તમે છૂટી ના જાઓ એટલા માટે આ નાડાછડી છે.આ સંસારમાં એવુ બધુ થવાનું.કોઈનું નહિ થાય એવુ નહિ,બધાંયને થવાનું પણ તમે ધીરજ રાખશો,સહિષ્ણુતા રાખશો,સમતા રાખશો,તટસ્થતા રાખશો,મૌન ધારણ કરશો,આપણને ગમે તે લડી બોલી ગયુ હોય તો પણ તે વખતે શાંત રહેવુ.મૌન ધારણ કરો તો કલેશ કંકાશ વધતો અટકી જશે. એ વખતે મુલાયમ બનશો.આવા કાચા સૂતરને તાંતણે વરકન્યા ગંઠાય છે.આ નાડા છડી વરકન્યા તથા માતાપિતા પરસ્પરને બાંધે છે.એથી બધા જ સ્નેહમાં પરસ્પર દઢ્ રહે એમ સૂચવાયુ છે.
નહિ તો આ સંસારમાં ક્લેશ કંકાશથી જીવવુ,તે તો ભયંકર છે,તે બદતર જીવન છે.એના કરતાં મરવું સારુ.ક્લેશ કંકાશમાં જીવવું,એકબીજા પર વિશ્વાસ ન હોવો તે જીવવામાં મજા નથી.
અગ્નિને પધરાવવા,પ્રગટાવવા માટે એની ભૂમિકા તૈયાર કરવા માટે ચંદન નાંખવામાં આવે છે.
જીવવું કોને ગણાય ? તેની વ્યખ્યા શી ? જે જીવન ક્રાંતિને પ્રેરે,ક્રાંતિને પ્રેરનારું છે,તે જ જીવન કહેવાય.
લગ્ન કોને કહેવાય ? લગ્ન કોને કહે છે ? જીવનની ઉત્ક્રાંતિ થવાને માટે લગ્ન છે.છોકરા પેદા કરવા નહિ,પણ જીવનની ઉત્ક્રાંતિ થવા,ઉર્ધ્વગામી થવા,ભગવાન તરફ જવા,ભગવાનનો અનુભવ મેળવવા માટે લગ્ન છે.અથવા જીવનના કોઈ આદર્શને માટે મરી ફીટવું એને માટે લગ્ન છે,પણ કામનાને પોષવા માટે લગ્ન નથી.આપણા શાસ્ત્રો પણ એમ જ કહે છે કે સંયમને માટે લગ્ન છે.
ગ્રહશાંતિ : લગ્નવિધિના પહેલા ગ્રહશાંતિની વિધિ છે.આપણા શાસ્ત્રીય કર્મકાંડોમાં “ગ્રહોની શાંતિ માટે આ વિધિ રાખવામાં આવે છે.પણ ગ્રહદશા તો જીવદશાની ભૂમિકા પર છે.પણ અહીં જીવાત્મા આત્મશક્તિ,દ્રઢ સંકલ્પ અને ઉત્કટ પુરુષાર્થ ધ્વારા અત્મદશા અનુભવવા લાગ્યો છે.આથી લગ્નજીવનની શરૂઆત કરતા પહેલા “ગ્રહશાંતિ”નો સંકલ્પ વિધિ જરૂરી છે,કારણ કે ઘરમાં કોઈ પણ કિંમતે શાંતિ પ્રસન્નતા જળવાય તો જ તે ઘર કહેવાય.
નારિયેળ : એ જીવદશાનું પ્રતીક છે.માટે એનું સમર્પણ યજ્ઞકુંડના જ્ઞાનાગ્નિમાં કરવાનો વિધિ છે.
મીંઢળ : લગ્ન જેવા પ્રસંગમાં ખુશી,હર્ષ,ઉલ્લાસ,ઉમંગના ઉભરાઓથી હદયના ધબકારા વધી જાય છે.હાથે મીંઢળ બાંધવાથી હદયના ધબકારા કાબૂમાં રહે તેવો ગુણ મીંઢળમાં છે.આ હેતુને ધ્યાનમાં રાખીને આપણા રૂષિમુનિઓએ હાથે મીંઢળ બાંધવાનો રિવાજ પાડેલો.
લગ્નની ભાવના : લગ્નની પાછળ શી ભાવના રહેલી છે,તેના વિશે ચૌદ શ્લોકો છે,તે પણ પ્રતીકરૂપે છે.જીવનની ચૌદ ભૂમિકાઓ કહેવાય છે.કેટલાક સાત કહે છે.હું ચૌદ ભૂમિકામાં માનું છું.તેથી ચૌદ ભૂમિકાના ચૌદ શ્લોકો લખ્યા છે,તે અનુષ્ટુપમાં છે.લગ્ન એકલા ભોગવિલાસ માટે નથી.એ તો તપ માટે જ છે.સમાજમાં દેશનું, પિતૃઓનું, ઋષિઓનું અને દેવનું ઋણ અદા કરવા માટેનું સાધન છે.
ગુલાબ: ગુલાબનું કેટલુ સૌન્દર્ય છે! આ સૌન્દર્ય સાથે તેમાં કાંટા પણ છે.આ કાંટાને પણ પ્રેમથી ભોગવી લેવા જોઈએ.
સપ્તપદી: લગ્નવિધિની અંદર સપ્તપદી બહુ મોટામાં મોટો ભાગ ભજવે છે.જે લગ્નમાં સપ્તપદી ન બોલાઈ હોય તે લગ્ન ન ગણાય.તેનું રહસ્ય છેક નીચેથી માંડીને ઉપર લઈ જાય છે.એ અંગેના શ્લોકોમાંનું રહસ્ય સમજવા જેવું છે.
મંગળફેરા: જીવનમાં ધર્મ,અર્થ,કામ અને મોક્ષ એ ચાર પગલા છે.આપણા ઋષિમુનિઓએ ધર્મ અને મોક્ષની વચ્ચે અર્થ અને કામને મૂક્યા છે.અર્થ અને કામ એવા રાખવા કે જેથી ધર્મ અને મોક્ષ સચવાય.આ હેતુ થી જ ઋષિમુનિઓએ અર્થ અને કામને ધર્મ અને મોક્ષ ની વચ્ચે મૂક્યા છે.આ ચારફેરાને મંગળફેરા કહે છે.એ પણ લગ્નવિધિમાં ખૂબ જરૂરી છે.આજે જીવનમાં અર્થ અને કામ બે મહત્વના થઈ પડ્યા છે.ધર્મને કોઈ માનતું નથી અને મોક્ષની વાત તો ઠીક છે.
ધર્મ, અર્થ અને કામ – એ ત્રણમાં પ્રક્રુતિ આગળ છે.જીવનમાં પ્રકૃતિ અને પુરુષ બંને છે.પુરુષ સુષુપ્ત છે.જ્યારે મોક્ષની સ્થિતિ આવે છે ત્યારે પુરુષ મોખરે રહે છે અને પ્રકૃતિ પાછળ રહે છે-ગૌણ બની જાય છે.
મંગળફેરા કરતા પ્રથમ ત્રણ પગલામાં ધર્મ,અર્થ અને કામમાં કન્યા મોખરે રહે છે.ચોથું પગલું આવે ત્યારે પુરૂષ મોખરે રહે છે.બધે તમે જોજો આ રિવાજ છે.ધર્મ,અર્થ અને કામ – આ ત્રણ ભૂમિકામાં કન્યા એટલે પ્રક્રુતિ મોખરે રહે છે,જ્યારે મોક્ષની ભૂમિકામાં પુરૂષ મોખરે રહે છે.
કન્યાદાન: કન્યા એવી કોઈ વસ્તુ નથી કે તેનું દાન કરાય. તે તો માતાપિતાનું એક અંગ છે અને આ સનાતન યજ્ઞ ચાલે છે.તેમાં દિકરી સ્વેચ્છાએ સમર્પિતા છે,એવી ભાવના છે.
આ વિધિ પછી વરકન્યા એકબીજાને હાર પહેરાવે છે.તે ધ્વારા એવો સંકેત કરાયો છે કે લગ્નજીવનને પુષ્પો જેવું કોમળ,સ્વીકારાત્મક અને સુગંધિત બનાવવાના એકબીજાના સંકલ્પને બનેં ઉમળકાથી ફળાવવા મથશે.
લગ્ન સબંધ એ પવિત્ર ભાવના છે.એ ભાવના એટલે તો પુરૂષ પ્રકૃતિ નો હદયથી સુમેળ સાધીને એ પરમ ચેતનને,પરમ તત્વને જાણવું,સમજવું,અનુભવવું તે છે.
પ્રભુ આપણને આપણા જીવનમાં એવા લગ્નના આદર્શની ભાવનામાં હદયથી જીવંત ખ્યાલ રખાવી તેને ફલિત કરાવો એ જ પ્રાર્થના.
લગ્નભાવના
(અનુષ્ટુપ)
હાજરીમાં વડીલોની પ્રતિજ્ઞા લઈએ અમે,
યજ્ઞ આ જિંદગીકેરો સાથે આચરશું અમે.
અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,
થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.
જિંદગીકેરું જાણીને અનોખું મૂલ્ય જીવને,
યજ્ઞ ની ભાવના પેરે માંડીશું ડગલા અમે.
અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,
થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.
આહુતિ વ્રુતિઓકેરી સમર્પ્યા કરીને પથે,
સંયમે જીવનપુષ્પ વિકસાવીશું પ્રેમપે.
અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,
થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.
વ્રત આ જિંદગીકેરું સહેલું તે નથી પાળવું,
જાણીને આજે તે બનેં જોડાઈએ ચહી ઉંડું.
અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,
થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.
ભોગવાઈ જતાં પ્રેમ ભાવ તો ઉડી જાય છે !
ત્યાગ સમર્પણે પ્રેમ ઓર શો તે ખીલ્યા કરે !
અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,
થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.
પ્રેમના ભાવનું જ્ઞાન કેળવી કેળવી હદયે,
ચાહી ચાહી અમે બનેં સાથે ઉડીશું જીવને.
અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,
થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.
ડગલા સાત તો સાથે ચાલ્યાથી મિત્રતા સ્ફુરે,:
જીવનની ભૂમિકામાં વર્તીશું તેમ ઉભયે,
અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,
થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.
મહાણવા મહાલવા કાજે જિંદગીકેરું મૂલ્ય શું ?
જિંદગી તપને અર્થે,ભાવે એક થયા જશું.
અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,
થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.
ગુલાબકેરું સૌંદર્ય નર્યુ ના ભર્યુ જીવને,
કાંટાયે છે જાણી જોડાઈએ અમે હર્દયે.
અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,
થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.
સુખને દુ:ખ ને શોક હર્ષાદિકેરી વ્રુતિઓ,
વેદવા સમભાવે તે,મળીએ આજ જીવને.
અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,
થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.
મહત્વ આપી સાથીને મિટાવી દઈ જાતને,
આપ ઉગાડવા કાજે જોડાઈએ પરસ્પરે.
અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,
થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.
પ્રેમના ભોગવી જાણે,આપતાં આપતાં ચહી,
ભાવ ખીલવવાને તે આજે જોડાઈએ અમે.
અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,
થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.
આનંદ જિંદગીકેરો ભીંજાઈએ જ ભાવથી,
બીજાને સ્પર્શવા કાજે એક તો બનીએ અમે.
અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,
થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.
દિલ તલસતા ભાવે આજે બેઉ અમે પથે,
જિંદગી પામવા કાજે એક તો બનીએ ખરે.
અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,
થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.
[પુસ્તક પ્રાપ્તિની વિગત:-પૂજ્ય શ્રી મોટા વિરચિત વિધિવિધાન, પ્રકાશક:-ટ્રસ્ટિમંડળ હરિ ઓમ આશ્રમ સુરત, પ્રાપ્તિ સ્થાન:-હરિ ઓમ આશ્રમ,સુરત-૩૯૫૦૦૫ અને હરિ ઓમ આશ્રમ નડિયાદ-૩૮૭૦૦૧, કિંમત – રૂ.૧૦/-]