ઉત્તમભાઈ મહેતા - જીવન ચરિત્ર

નસીબ ! તારો ખેલ અજબ ! ભાગ : ૨

[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનુંશિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચેનથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અનેમુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામ મેમદપુરમાં જન્મ લઈને પ્રખ્યાત ટોરેન્ટ કંપનીની સ્થાપના કરીને વૈશ્વિક ફલક પર વડગામ તાલુકાનું નામ રોશન કરનાર અને આપણને સૌને ગૌરવ અપાવનાર શ્રીઉત્તમભાઈ એન.મહેતાનું જીવનચરિત્ર પ્રખ્યાત લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈદ્વારા “આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર” પુસ્તક સ્વરૂપે લખ્યુ છે જે આભાર સહ તે પુસ્તકમાંથી આ વેબસાઈટ ઉપર લખવામાં આવ્યું છે.આ પુસ્તકમાં કુલ ૨૫ અલગ અલગ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે,જે દરેક એક સાથે અને સમયેટાઈપ કરીને વેબસાઈટ ઉપર મુકવા શકય ના હોવાથી સમયાનુસાર એક એક પ્રકરણ આવેબસાઈટ ઉપર લખવામાં આવશે.

“નસીબ તારા ખેલ અજબ ” એ પુસ્તકનું ૧૫ મુ  પ્રકરણ છે તેનો  ભાગ્-૨ અહી મુકવામાં આવ્યો છે .આ અગાઉ ચૌદ પ્રકરણ આપણે આ વેબસાઈટ ઉપર મુકી લખી ચુક્યા છીએ.ફરીથી આ લેખના લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ અને પુસ્તક પ્રકાશક ટોરેંટલિમિટેડ,અમદાવાદનો આભારી છું].

પુસ્તકમાંના પ્રકરણ નસીબ તારો ખેલ અજબનો ભાગ-૧ અગાઉ મુકાઈ ચૂક્યો છે હવે આગળ વાંચો આ પ્રકરણ નો ભાગ -૨

આ પ્રકરણનો અગાઉનો ભાગ : ૧ વાંચવા અહીં ક્લીક કરો.

 

U N Maheta-26.05.2017એવી જ રીતે એની સારવારની પધ્ધતિઓ પણ વિવાદાસ્પદ હતી. આ રોગ અંગે છેલ્લામાં છેલ્લા સંશોધનો જાણવા માટે ઉત્તમભાઈએ એક ઉપાય અજમાવ્યો. એમણે વિશ્વભરની કેન્સર સોસાયટીઓને પત્ર લખ્યા. પોતાના રોગનું વિવરણ લખ્યું અને એને અંગેની ઉપયોગી સામગ્રી હોય તો મોકલવા વિનંતી કરી. પરિણામે એક એવી પુસ્તિકા મળી ગઈ કે જેમાં વિદેશની કેન્સર સોસાયટીઓનાં સરનામાં હતાં. આવાં સરનામાઓ પરથી  અઢીસો જેટલા પત્રો લખ્યા અને એમાં આવી કેન્સર સોસાયટીઓને પૂછાવ્યું કે આ રોગની જેમણે શોધ કરી હોય તેમના નામ અને સરનામાં હોય તો આપે, તેમજ એની સારવાર માટે કઈ હોસ્પિટલમાં જવું તે અંગે સૂચન કરશે, તો તેઓ એમના આભારી થશે. ઉત્તમભાઈની આ વિશેષતા હતી. કોઈ પણ બાબત અંગે બને તેટલી માહિતી બધા સ્ત્રોતમાંથી એકત્રિત કરવા પ્રયત્ન કરતા હતા.

આ સમયે વિશ્વના એક અત્યંત આધારભૂત સામયિક ‘ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન’ પાસેથી ઉત્તમભાઈને પ્રત્યુત્તર મળ્યો, તેઓએ જણાવ્યું કે આ વિષયમાં કોઈ નિષ્ણાત હોય તો તે રોબર્ટ લ્યુક્સ અને હેન્રી રાપાપોર્ટ છે.

દરમ્યાન ઉત્તમભાઈને પાંચ-પાંચ ડિગ્રી તાવ આવતો હતો. ગાંઠો ધણી વધી ગઈ હતી અને પુષ્કળ ચળ આવતી હતી.

૧૯૭૭માં નીલપર્ણા સોસાયટીમાં ઉત્તમભાઈએ મકાન બાંધવાનું શરૂ કર્યું. ૧૯૭૮ના માર્ચ મહિનામાં એનું વાસ્તુ હતું. એવામાં ઉત્તમભાઈને જાણ થઈ કે ડૉ. હેન્રી રાપાપોર્ટ ખુદ પહેલી વાર મુંબઈ આવી રહ્યા છે. જોકે તેઓ મુંબઈમાં માત્ર છ કલાક  રોકાવાના હતા. ઉત્તમભાઈએ વિચાર્યુ કે આ તો ઘેર બેઠા ગંગા આવી ગણાય ! આવી સામે ચાલીને મળેલી સુવર્ણતક ગુમાવાય ખરી ? ભલે ડૉક્ટર છ કલાક જ રોકાવાના હોય, પણ મળવાની કોશિશ તો કરવી જોઈએ.

કેટલાક લોકો પરિસ્થિતિ પ્રમાણે નકારાત્મક વલણ ધરાવતા હોય છે. કોઈ મનમાં એવુંય વિચારે કે આવા સમર્થ ડૉક્ટર પહેલી જ વાર આવતા હોય અને ફક્ત છ કલાક રોકાવાના હોય, તેમાં આપણો ગજ કયાં વાગવાનો ! પણ ઉત્તમભાઈ જુદી માટીના માનવી હતા. સંજોગોને આધીન થવાને બદલે સંજોગોને પડકારનારા હતા. સંજોગો સામે માથું ઊંચું રાખીને આગળ વધવામાં માનનારા હતા. સંજોગો આગળ ઝૂકી જનારા નહોતા. આથી ઉત્તમભાઈએ તાતા હોસ્પિટલના એમના ડોક્ટર મિત્રોને કહ્યું કે મારે કોઈ પણ રીતે એમની મુલાકાત લેવી છે. તાતા હોસ્પિટલના કેટલાક ડૉક્ટરો ઉત્તમભાઈ પ્રત્યે અંગત સ્નેહ ધરાવતા હતા. એમણે ઉત્તમભાઈને કહ્યું કે ગમે તે થશે, પણ તમને રાપાપોર્ટ તપાસે તેવી વ્યવસ્થા જરૂર કરી આપીશું.

 

નીલપર્ણા સોસાયટીના મકાનના વાસ્તુ પછીના દિવસે જ ડૉ. રાપાપોર્ટ મુંબઈ આવવાના હતા. સવારે આઠ વાગ્યે ઉત્તમભાઈના ઘરના વાસ્તુનું મુહૂર્ત હતું. કેન્સરની ‘કોપ થેરાપી’ પણ ચાલતી હતી. બરબર એ જ વખતે એક તાર આવ્યો. આ તાર રોબર્ટ લ્યુક્સનો હતો. રોબર્ટ લ્યૂક્સ જેવી મહાન વ્યક્તિ ઉત્તમભાઈના એક પત્રના જવાબ રૂપે તાર કરે તેવી જ કલ્પના જ કયાંથી થાય ? ગમે તેટલા પૈસા ખર્ચો તો પણ રોબર્ટ લ્યુક્સની એપોઈન્ટમેન્ટ મેળવવી મુશ્કેલ હતી. એ રોબર્ટ લ્યૂક્સે સામે ચાલીને ઉત્તમભાઈને લોસ એન્જલસથી તાર કર્યો કે તમારી સ્લાઈડ મોકલાવો અને તમારા કેસનું યોગ્ય મૂલ્યાંકન કરીને તમને જાણ કરીશું.

ઉત્તમભાઈએ વિચાર્યુ કે વાહ રે કિસ્મત ! તારી લીલા અનેરી ! તારી બલિહારી કેવી ! રૂઠે ત્યારે નસીબ એવું રૂઠે કે દેશમાં કોઈને થયો ન હોય તેવો રોગ લાગુ પડે. રીઝે ત્યારે નસીબ એવું મુશળધાર વરસ્રે કે અશક્યને પળવારમાં શક્ય બનાવી દે ! નસીબ, અજબ તારા

ખેલ !

વાસ્તુની સાંજે ગુજરાત મેઇલમાં ઉત્તમભાઈ મુંબઈ ગયા. એમને મનમાં એવો ખ્યાલ હતો કે વયોવૃધ્ધ હેંન્રી રાપાપોર્ટ વહેલી સવારે હોસ્પિટલમાં કઈ રીતે આવી શકશે ? આથી એ સવારે સાડા આઠ વાગ્યે તાતા હોસ્પિટલ પર પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે હેંન્રી રાપાપોર્ટ તો ક્યારનાય આવી ગયા હતા. એથીય વિશેષ એમણે ક્યારનોય એમની સ્લાઈડનો અભ્યાસ કરી લીધો હતો. ! આ વિષયના નિષ્ણાત  અને વિશ્વવિખ્યાત હેંન્રી રાપાપોર્ટ ઉત્તમભાઈ સાથે લાગણી અને ઉષ્માભેર અડધો કલાક સુધી વિગતે વાત કરી. એ પછી ઉત્તમભાઈએ તાતા હોસ્પિટલના ડૉક્ટરોને રોબર્ટ લ્યુક્સના તારની વાત કરી, તો એ સાંભળીને બધા જ સ્તબ્ધ બની ગયા. રોબર્ટ લ્યુક્સ તાર કરે એ કોઈની કલ્પનામાં આવતું નહોતું ! ઉત્તમભાઈએ સ્લાઈડ મોકલવાની વાત કરી.

આમ તો સ્લાઈડ મળે તેમ નહોતી, પરંતુ લ્યુક્સનું નામ પડતાં કોણ ના પાડે ? રાપાપોર્ટ ‘ એંજિયો ઇમ્યુનો બ્લાસ્ટિક લિમ્ફએડેનોપથી’ હોવાનું નિદાન કર્યુ અને લ્યુક્સે પણ આ જ રોગ હોવાનું કહ્યું. બીજી બાજુ ઉત્તમભાઈએ ‘કોપ થેરાપી’ પૂરી કરી.

થોડા સમય બાદ વળી એક ઘટના બની. ઉત્તમભાઈએ એક પાર્ટીનું આયોજન કર્યુ હતું. તે પણ પૂરું થયું. રાત્રે એ એમના ડોક્ટર મિત્રોને સ્ટેશન પર વળાવવા ગયા. મનમાં અમેરિકા જવાના વિચારો ઘોળાતા હતા. ઉત્તમભાઈના જીવનની વિચિત્રતા એ હતી કે ક્યા સમયે ક્યાંથી એવી આપત્તિ આવી પડે તેનો ખ્યાલ પણ ન હોય. વળી એમના જીવનની વિલક્ષણતા એ હતી કે આવા મુશ્કેલીના સમયમાં કલ્પના પણ ન કરી હોય ત્યાંથી કોઈ મહત્વના વ્યક્તિની અણધારી મદદ કે હૂંફ મળી જાય.

 

પછીને દિવસે સવારે ઉત્તમભાઈ ઊઠ્યા ત્યારે થોડી બેચેની લાગતી હતી. થોડો તાવ પણ હતો. ડૉક્ટરે કમળાનું નિદાન કર્યુ. કેન્સરની સારવાર માટે અમેરિકા જવાના હતા, પરંતુ એકાએક કમળો અવરોધ બનીને ઊભો રહ્યો. કમળો હોય તો અમેરિકા જઈ શકાય નહીં અને આમેય એવી સ્થિતિમાં અમેરિકા જવાનું સલાહભર્યુ નહોતું. બે-ત્રણ દિવસ વધુ તાવ રહ્યો અને પાંચમાં દિવસે તો કમળો ખૂબ વધી ગયો. કમળો એટલો બધો હતો કે એમાંથી બચવું મુશ્કેલ હતું.

એ વખતે અમેરિકાથી આ વિષયના નિષ્ણાત ડૉક્ટર શ્રી નવીનભાઈ પરીખ આવ્યા હતા.   કેન્સરના નિષ્ણાત તબીબ ડૉ. પંકજ શાહને પણ બોલાવ્યા હતા અને અમદાવાદના ખ્યાતનામ ફિઝિશિયન ડૉ. સુમન શાહને તો સતત સાથે રાખતા હતા. આ રીતે અમદાવાદના નિષ્ણાત ડૉક્ટરો દ્વારા ઉત્તમભાઈની સારવાર થતી હતી, પરંતુ સ્વાસ્થયમાં કોઈ સુધારો જણાતો નહોતો.

કમળો થયાને નવેક દિવસ થયા હશે અને ઉત્તમભાઈએ શારદાબહેનને કહ્યુ, “ જીવ ખૂબ ઊંડે જતો હોય તેવો મને અનુભવ થાય છે.”

શારદાબહેને પૂછ્યું, “આવું તમને શા પરથી લાગે છે ?”

ઉત્તમભાઈએ જવાબ આપ્યો. “ આજ સુધી ઘણીવાર તબિયત લથડી છે, બેચેની રહી છે. પણ ક્યારેય આજે થાય છે તેવો અનુભવ થયો નથી.”

પડોશમાં રહેતા સ્વજનસમા ડૉ. રસિકભાઈ પરીખને બોલાવવામાં આવ્યા. એમણે આવતાંની સાથે ઉત્તમભાઈની પરિસ્થિતિ જોઈને કહ્યું કે તેઓ તો કોમામાં જઈ રહ્યા છે અને તાત્કાલિક સારવાર કરાવવામાં નહીં આવે તો વાત વણસી જશે. એમણે શારદાબહેનને સદ્દભાવથી પૂછ્યું,

“મહેતાની જરૂરી કાગળો પર સહી લઈ લીધી છે ને ?”

શારદાબહેને ગંભીર અવાજે કહ્યું, “એમનું કામ ઘણું વ્યવ્સ્થિત અને ચોક્કસ છે. સહી લેવાની જરૂર નથી.”

ડૉક્ટરોની પાસે હાથમાં માત્ર અર્ધો કલાક હતો અને જો ઉત્તમભાઈ “કોમા”માં જાય તો તેઓ કેટલો સમય બેભાન રહે તેનો અંદાજ મૂકી શકાય તેમ નહોતો. કોમામાં બારેક મહિના પણ નીકળી જાય. વળી મગજને લોહી ન મળે તેથી અને કમળો હોવાથી મગજ અને શરીર બંનેને કેટલું નુકશાન થાય તે કલ્પના બહારની વાત હતી.

પહેલા ડોક્ટરોએ વિચાર્યું કે ઉત્તમભાઈને હોસ્પિટલમાં દાખલ કરીએ. પરંતુ પ્રત્યેક પળ મહત્વની હોવાથી એમને ઘેર રાખીને સઘળી સઘળી સારવાર કરવી શરૂ કરી દીધી. ડૉ. હર્ષદ જોશી આવ્યા. બીજા ન્યૂરોલોજિસ્ટ પણ આવ્યા. ઉત્તમભાઈને મોટામાં મોટો ડોઝ આપવામાં આવ્યો અને એમના જીવન પરથી ઘાત ટળી ગઈ.

એ પછી એક મહિનામાં તો ઉત્તમભાઈ પુન: સ્વસ્થ થઈ ગયા અને બીજા પખવાડિયામાં આવી જીવલેણ માંદગીમાંથી ઉત્તમભાઈ બહાર આવી ગયા. કોઈને કલ્પના પણ ન થાય તેટલી ઝડપે સાજા થઈ ગયા.

ક્યારેક એ ડૉ. રસિકભાઈ પરીખને એ પછી પૂછતા કે, “ ખરેખર એમની સ્થિતિ એટલી બધી ગંભીર હતી કે પછી ડૉક્ટરોની ધારણા ખોટી હતી ?”

ડૉ. રસિકભાઈ પરીખ કહે, “એ તો જેણે જોયું હોય એને જ ખ્યાલ આવે.” એમને પોતાને પણ ઉત્તમભાઈ આમાંથી બહાર આવશે એવી અંગર રીતે સહેજે આશા નહોતી.

પુન: આરોગ્ય સાંપડતા ઉત્તમભાઈ એ અમેરિકા જવાનો વિચાર કર્યો. તેઓ એમના બ્લડના રિપોર્ટ પણ લોસ એંન્જલસના ડૉ. રોબર્ટ લ્યુક્સને મોકલતા હતા. એમના રિપોર્ટ જોયા પછી ડૉક્ટરોને પણ આશ્ચર્ય થયું કે દોઢેક મહિનામાં કઈ રીતે આટલી ઝડપથી પુન: સ્વાસ્થય મેળવ્યું !

ઉત્તમભાઈ કમળાની ગંભીર બીમારીમાંથી બહાર આવ્યા. જીવનનો એક અત્યંય દુ:ખદ અને વ્યથાભર્યો અધ્યાય પૂરો થયો, પણ હજી આફતોનો અંત ક્યાં હતો ? શરીરમાં ગાંઠો હતી. ચળ આવતી હતી અને કેન્સર તો શરીરમાં બેઠું જ હતું.