ઉત્તમભાઈ મહેતા - જીવન ચરિત્ર

નસીબ ! તારો ખેલ અજબ ! – ભાગ : ૧

[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનુંશિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચેનથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અનેમુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામ મેમદપુરમાં જન્મ લઈને પ્રખ્યાત ટોરેન્ટ કંપનીની સ્થાપના કરીને વૈશ્વિક ફલક પર વડગામ તાલુકાનું નામ રોશન કરનાર અને આપણને સૌને ગૌરવ અપાવનાર શ્રીઉત્તમભાઈ એન.મહેતાનું જીવનચરિત્ર પ્રખ્યાત લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈદ્વારા “આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર” પુસ્તક સ્વરૂપે લખ્યુ છે જે આભાર સહ તે પુસ્તકમાંથી આ વેબસાઈટ ઉપર લખવામાં આવ્યું છે.આ પુસ્તકમાં કુલ ૨૫ અલગ અલગ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે,જે દરેક એક સાથે અને સમયેટાઈપ કરીને વેબસાઈટ ઉપર મુકવા શકય ના હોવાથી સમયાનુસાર એક એક પ્રકરણ આવેબસાઈટ ઉપર લખવામાં આવશે.“નસીબ તારા ખેલ અજબ ” એ પુસ્તકનું ૧૫ મુ  પ્રકરણ છે તેનો  ભાગ્-૧ અહી મુકવામાં આવ્યો છે .આ અગાઉ ચૌદ પ્રકરણ આપણે આ વેબસાઈટ ઉપર મુકી લખી ચુક્યા છીએ.ફરીથી આ લેખના લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ અને પુસ્તક પ્રકાશક ટોરેંટલિમિટેડ,અમદાવાદનો આભારી છું].

*****

uttambhaiવિધાતાની વિચિત્ર લીલા તો જુઓ ! એક આફત હજી માંડ દૂર થાય, ત્યાં બીજી મુશ્કેલી હાજરાહજુર ! પં. જવાહરલાલ નહેરુએ એક વાર કહ્યું હતું કે આપત્તિ આપણને  આત્મજ્ઞાન  કરાવે છે. આપણા ખમીરની અગ્નિપરીક્ષા કરીને દર્શાવે છે કે કેવી માટીના બનેલા માનવી છીએ !

એક બાજુ પ્રગતિની અદમ્ય ઝંખના અને બીજી બાજુ પીછેહઠ કરાવે તેવા સંજોગો ! જીવનના પ્રારંભથી ઘેરી વળેલા આર્થિક મુશ્કેલીનાં વાદળો માંડ વીખરાયાં, ત્યાં એકાએક આકાશની ક્ષિતિજમાંથી શારીરિક મુશ્કેલીનાં કાળા ભમ્મર વાદળાં ઘસી આવ્યાં અને ઉત્તમભાઈના જીવનને ઘેરી વળ્યા !

૧૯૭૩માં ઉત્તમભાઈ અમદાવાદના પ્રીતમનગર વિસ્તારમાં આવેલા ન્યૂ આશિષ ફ્લેટમાં રહેવા માટે આવ્યા. પહેલી જ વાર નદીને આ પાર તેઓએ વસવાટ શરૂ કર્યો. અહીં રહેવા આવ્યા બાદ ત્રણેક વર્ષે ઉત્તમભાઈને ઝીણો તાવ રહેવા લાગ્યો, રોજ ૯૯ ડિગ્રી તાવ આવે . પરિણામે મનમાં ચિંતા રહ્યા કરે. દર્દ કળાય નહી તેથી અનેક વિચારો આવે. એવામાં એમને શરીર પર ગાંઠ નીકળી. એમણે ડૉક્ટરને બતાવ્યું, અને ફરી પાછી વિચિત્ર મુશ્કેલી આવી. ડૉક્ટરે-ડોક્ટરે જુદા જુદા અભિપ્રાય મળવા લાગ્યા. એક ડૉક્ટરે ટી.બી. હોવાની દહેશત વ્યક્ત કરી તેઓ બીજા ડોક્ટરે  હોચકિન્સ નામનો રોગ હોવાનું દર્શાવ્યું. ઉત્તમભાઈને આ અનુભવ કોઠે પડી ગયો હતો. એમને જે રોગ થતો તેનું સાચું  નિદાન કરવું હંમેશા મુશ્કેલ બનતું હતું. આને કારણે ચિંતાના બોજ ખડકાય, કેટલાય સવાલો પેદા થાય. કયા પ્રાકારની સારવાર લેવી  એનુ કશું સ્પષ્ટ માર્ગદર્શન મળે નહીં.

અન્ય કોઈ માનવી આવી દિશાહીન પરિસ્થિતિમાં મૂંઝવણમાં મુકાઈ જાય. હતાશ કે નાસીપાસ થાય. કેટલાય તર્ક-વિતર્ક કરે, પણ ઉત્તમભાઈમાં પોતાના રોગને તટસ્થપણે જોવાની એક દ્રષ્ટિ હતી. એક ડૉક્ટર જે ચિકિત્સકની મનોવૃત્તિથી દર્દીના રોગનો વિચાર કરે, વિશ્લેષણ કરે, અભ્યાસ કરે , એ રીતે તેઓ પોતાના રોગને જાતે પારખતા હતા. એ માટે ઉપયોગી મેડિકલ સાહિત્ય વાંચી જાય. નિષ્ણાતોનો સંપર્ક સાધી પોતાના રોગ વિશે ચર્ચા કરે. અંતે રોગનું નિદાન મેળવ્યા પછી જ એમને શાંતિ થતી હતી.

ઉત્તમભાઈ પોતાની શારીરિક પ્રકૃતિના પૂરા પારખુ હતા. પોતાને થતા રોગોની વિલક્ષણતા અને વિચિત્રતાનો એમને સાંગોપાંગ ખ્યાલ હતો, તેથી આટલા અભિપ્રાય મેળવીને તેઓ અટક્યા નહિ. એમણે અમદાવાદના એક ડૉક્ટરને સ્લાઈડ આપી અને નિદાન આવ્યું કે ઉત્તમભાઈને ‘હોચકિન્સ ડિસીસ’ નામનું કેન્સર થયું છે. ઉત્તમભાઈએ મુંબઈમાં રહેતા અને એમના પ્રત્યે અગાધ લાગણી રાખતા ડૉ. ભણશાળીને ફોન કર્યો.  એમણે ઉત્તમભાઈની પાસેથી એમની તબિયતનો અહેવાલ સાંભળીને કહ્યું કે તમને ટી.બી. હોય કે હોચકિન્સ હોય, પણ એ બંને માટે તમારે બારેક મહિના તો  દવા લેવી જ પડશે. આથી પહેલાં મુંબઈ આવો અને અહીં બરાબર નિદાન કરાવો.

બીમારી સાથે ઉત્તમભાઈ મુંબઈ ગયા. મુંબઈના એક નામાંકિત પેથોલોજિસ્ટને આ સ્લાઈડ બતાવી અને એણે કહ્યું કે તમને ‘હોચકિન્સ ડિસીસ’ થયો છે. ઉત્તમભાઈને થયું કે મુંબઈ આવ્યા છીએ તો તાતા હોસ્પિટલમાં પણ બતાવી દઈએ. સ્લાઈડ લઈને તેઓ તાતા હોસ્પિટલમાં ગયા. તાતા હોસ્પિટલમાં તો દર્દીઓની લાંબી લાંબી કતાર હોય. ઉત્તમભાઈને અહીં કોઈ પરિચિત નહીં. પાંચસો દર્દીઓની લાઈનમાં ઉત્તમભાઈ અને શારદાબહેન ઊભાં રહ્યાં. ઉત્તમભાઈએ તાતા હોસ્પિટલમાં બતાવ્યું તો ડૉક્ટરે કહ્યું કે એમને ‘એંજિયો ઇમ્યુનો બ્લાસ્ટિક લિમ્ફએડેનોપથી’ નામનો રોગ થયો છે. વધુમાં એમને કહેવામાં આવ્યું કે ભારતમાં આ રોગનો આ સર્વપ્રથમ કેસ છે.

ઘરની છત નહીં, પણ આખુંય આકાશ માથા પર તૂટી પડે તો શું થાય ? એવો ભાવ ઉત્તમભાઈએ અનુભવ્યો. એક તો કેન્સરની વ્યાધિ આમેય ભયાવહ ગણાય. એનું નામ સાંભળતાં જ વ્યક્તિના હોશકોશ ઊડી જાય ! એના કાને મોતનો પગરવ સંભળાવા માંડે ! ઓસરતા જીવનના વાયરાનો અનુભવ થાય ! એમાંય વળી એવું કેન્સર કે જે કોઈને થયું ન હોય ! ભારતમાં એ રોગીની કોઈને ભાળ કે જાણ ન હોય !

ઉત્તમભાઈના હર્દયમાં વલોવી નાખે તેવું મંથન જાગ્યું. જીવનમાં સતત આર્થિક, શારીરિક અને માનસિક વિટંબણાઓનો સામનો કર્યો હતો. સહેજે ડગ્યા કે થાક્યા વિના સઘળા પડકાર ઝીલ્યા હતા, પણ આવા મહારોગની તો મનના કોઈ ખૂણામાં કલ્પના કરી નહોતી !

રોગથી ક્યારેય ઉત્તમભાઈ બેબાકળા કે ભયભીત થયા નહોતા. રોગ આવે એટલે એનાં રોદણાં રડવાને બદલે એના ઉપાયોનું સંશોધન શરૂ કરી દેતા હતા.

આથી ઉત્તમભાઈએ ડૉક્ટરોને પૂછ્યું કે, “આ રોગમાં દર્દીને  શું શું થાય છે ? દર્દીના આયુષ્ય પર આની કોઈ અવળી અસર થાય છે ખરી ?” કોઈ ડોક્ટર આનો સ્પષ્ટ ઉત્તર આપે નહીં. આ સમયે ઉત્તમભાઈ મુંબઈમાં એમના સાળાના મકાનમાં રહેતા હતા. ડૉક્ટરો અંગેનું મોટા ભાગનું કાર્ય તેઓ જાતે જ પાર પાડતા. બીજાની સહાય ભાગ્યે જ લેતા, કારણ કે અંતે સઘળું કામ પોતાને જ કરવાનું છે એમ માનતા હતા.

તાતા હોસ્પિટલમાં બતાવ્યા પછી એ સાબિત થઈ ચૂક્યું હતું કે ઉત્તમભાઈને એક પ્રકારનું કેન્સર થયું છે. હજી માંડ ઉદ્યોગમાં સ્થિર થઈને વિકાસ સાધતા હતા, ત્યાં જ નવી અણકલ્પી આફત આવી પડી. અમદાવાદમાં આવીને  એમણે ડૉ. દેવેન્દ્ર પટેલને બતવ્યું, એમના સૂચનથી ઉત્તમભાઈએ એ સ્લાઈડ અમેરિકામાં વસતા ડૉ. જતીનભાઈને મોકલી આપી. આમ તો ઉત્તમભાઈના રોગની સ્લાઈડ જે કોઈ ડૉક્ટર જોતા તે પોતાની પાસે રાખી લેતા હતા, કારણ એ કે એ સ્લાઈડ ઘણી વિલક્ષણ હતી. એના આધારે આગવું સંશોધન થાય તેવું હતું. ‘હોચકિન્સ’ થયાનું કહેનારા ડોક્ટરો પણ એમની પાસેથી લીધેલી સ્લાઈડ એમને પાછી આપતા નહોતા.

એક વાર ઉત્તમભાઈને થયું પણ ખરું કે આમ કરવા જતાં સ્લાઈડ ખૂટવા માંડશે. તાતા હોસ્પિટલના ડૉક્ટરોએ જે નિદાન કર્યુ હતું, તેમાં ડૉ. જતીનભાઈએ સમંતિ બતાવી હતી. એમ પણ કહ્યું કે તતાનું નિદાન તદ્દન બરાબર છે. ડૉ. જતીનભાઈએ ઉત્તમભાઈને એમ પણ જણાવ્યું કે તેમે ચાર મહિના ન્યૂયોર્કમાં આવો. તમને નિરીક્ષણ (Observation) હેઠળ રાખીને સારવાર કરીએ.

આ સમયે ઉત્તમભાઈને કેન્સરના ઇંજેક્શન લેવા પડતા હતાં. અત્યંત વેદનાજનક ‘કૉપ થેરાપી’ પણ ચાલુ કરવી પડી હતી. ક્યારેક વિચારતા કે દેહના રોગો અને શરીરની પીડામાંથી કયારે છૂટકારો મળશે ! વળી હિંમત અને ધૈર્ય રાખીને સ્વસ્થતાપૂર્વક રોગના નિદાનની દિશામાં આગળ વધતા હતા.

એ સમયગાળામાં એમના પુત્ર સુધીરભાઈ દિલ્હી જતા હતા ત્યારે ઉત્તમભાઈએ પોતાના એક સાઈકિયાટ્રિસ્ટ મિત્ર  ડૉ. મોહનની સહાયથી ‘ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ રિસર્ચ’ માં પોતાની સ્લાઈડ જોવા માટે મોકલાવી હતી. આ જોઈને ત્યાંના પેથોલોજિસ્ટોએ પણ કહ્યું કે એ ‘એજિયો ઇમ્યુનો બ્લાસ્ટિક લિમ્ફએડેનોપથી’ નામનો રોગ છે. ભારતમાં સર્વપ્રથમ કેસ  તરીકે  ઓળખાયેલા આ રોગથી ઉત્તમભાઈ મૂંઝાયા નહીં. એમના જીવનની આ રફતાર હતી. કોઈનેય ન થતું  હોય તેવું એમને થાય ! એની સામે તેઓ બુધ્ધિપૂર્વક પોતાના પ્રયત્નો સતત ચાલુ રાખે ! લાંબી મહેનત, પારાવાર કષ્ટો, દીર્ઘ વિચારવિમર્શ બાદ એમને અંતે સફળતા હાથ લાગતી હતી. આથી આ રોગને અંગે ઉત્તમભાઈએ સ્વયં સંશોધન શરૂ કર્યું. પુસ્ત્તકાલયમાંથી જુદા જુદા ગ્રંથો મંગાવ્યા અને આ રોગ અંગે વિસ્તૃત માહિતી મેળવી.

સામાન્ય રીતે આ રોગમાં વ્યક્તિનું આયુષ્ય ત્રણથી છ મહિનાનું ગણાતું હતું. વળી આ રોગ કઈ રીતે શરીરમાં થાય છે કે પ્રસરે છે એની કોઈ વૈજ્ઞાનિક માહિતી મળતી નહોતી.

(ક્રમશ: )

ભાગ – ૨ વાંચવા અહીં ક્લીક કરો.