ગલબાભાઈ નાનજીભાઈ પટેલના સંસ્મરણો : ભાગ – ૧
[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ. આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે “ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યુ હતું. જેમાગલબાભાઈના સમકાલિન મહાનુભાવો દ્વારા સ્વ. ગલબાભાઈને શ્રધાંજલી સંદેશ સાથે ગલબાભાઈ સાથે તેઓના અનુભવોનું સંકલન કરવામાં આવ્યુ છે, જે વડગામવેબસાઈટ ઉપરસમયાનુસાર વિવિધ મહાનુભાવોના ગલબાભાઈ વિશેના લેખો અને શ્રધાંજલી સંદેશ લખવામાં આવશે. આ તબક્કે સ્વ.શ્રી ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથ સમિતિનો આભારી છું]
(૧)
શ્વેત ક્રાંતિના ભગીરથ
ગલબાભાઈ પટેલ એટલે – બનાસકાંઠા જિલ્લામાં શ્વેત ક્રાંતિનું અવતરણ કરાવનાર ભગીરથ.
બનાસકાંઠા જેવા હંમેશા વરસાદની અપૂર્ણતા અને અચોક્કસતા ધરાવતા જિલ્લાના ખેડૂતોનું જીવન-ધોરણ શ્વેત ક્રાંતિના સર્જન અને વિસ્તરણ સિવાય કદાપિ આબાદ બની શકે નહિ, તેવુ તેઓ દ્રઢપણે માનતા હતા. અને તેમની આ દ્રઢ માન્યતા અને અવિરત પ્રયત્નોના ફલ સ્વરૂપે જિલ્લામાં “બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધનું” સર્જન થયું.
બદલાતા સમય અને તેની દીર્ધકાલીન અસરોના તેઓ પ્રખર અભ્યાસી અને દીર્ઘદ્રષ્ટા હતા. રાજ્યમાં જ્યારે શ્વેત ક્રાંતિ એક બે જિલ્લાઓના સીમાડા પૂરતી મર્યાદિત રહી હતી ત્યારે તેમણે પોતાની દીર્ઘદ્રષ્ટિ વાપરીને તેમજ અથાગ પ્રયત્નો કરીને લગભગ રણપ્રદેશ જેવા ગણાતા બનાસકાંઠા જિલ્લામાં શ્વેત ક્રાંતિનું અવતરણ કરાવ્યું.
આમ તો સ્વ. ભાઈ શ્રી ગલબાભાઈનું નામ અવારનવાર મેં સાંભળેલું ખરું, પરંતુ તેમની ખેડૂતોના પ્રશ્નો સમજવાની અને તેમની હૈયાસૂઝથી ઉકેલવાની આગવી શૈલી તેમ જ તીવ્ર ઉત્કંઠા, હૈયાસૂઝ, નીડર અને નિખાલસ છતાં કોમળ સ્વભાવ સાથે સ્પષ્ટ વકતા તરીકેનો નિકટથી પરિચય તો દૂધ સંઘના ચેરમેનના નાતે અવારનવાર મ્યુ. ડેરી તેમ જ ગુજરાત કો.ઓ.મીલ્ક માર્કેટિંગ ફેડરેશનની મીટિંગોમાં મળતા અને સાથે બેસતા થયા ત્યારે જ થયો.જ્યારે જ્યારે ખેડૂતોના અને દૂધ ઉત્પાદકોનાં હિતોના રક્ષણનો સવાલ ઊભો થતો ત્યારે તેના હિતોના રક્ષક તરીકે અડીખમ યોધ્યા તરીકે બહાર આવતા. ખેડૂતો અને દૂધ-ઉત્પાદકોનાં હિતોને નુકસાન નો સહેજ પણ વાતથી તેઓ અકળાઈ ઊઠતા.
જિલ્લામાં શ્વેત ક્રાંતિના સર્જન દ્વારા ખેડૂતને બેઠો કરી, આબાદ બનાવી “વેરાન ભૂમિ” નું કલંકિત બિરુદ પામેલા બનાસકાંઠાને “લીલીછમ વાડી” બનાવવાનું તેમનું સ્વપ્ન હતું. આ ભગીરથ કાર્ય પાડવાનું જાણે કે તેમણે બીડું ઝડપ્યું હોય તેમ જીવનના છેલ્લા શ્વાસ સુધી તેઓશ્રી પ્રયત્નશીલ રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના રણપ્રદેશમાં તેઓ “મીઠી વીરડી” સમાન હતા,
તેઓના સ્વપ્નો અને આદર્શોને સાકાર કરવાની મહાન જવાબદારી આપણને સોંપી ગયા છે, ત્યારે આપણે સૌ કાર્યકરોએ તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી તેમના અધૂરાં કાર્યો પૂર્ણ કરી તેમના સ્વપ્નને વાસ્તવમાં સાકાર કરીએ એ જ સદગત પ્રત્યે સાચી શ્રધાંજલી અર્પિત કરી ગણાશે.
– ભુરાભાઈ ખોડીદાસ પટેલ
(૨)
મોટાઈ નહિ-માનવતા
ગલબાભાઈ એટલે સાદગીની જીવંત પ્રતિમા. કરચલીઓવાળાં કપડા પહેરીને ગાંધીજીના અનુયાયી દાવો કરતા અને કપડામાં જાતે કાણું પાડી થીગડાં મારીને સાદગીનો દેખાવ કરતા નેતાઓ કરતાં ગલબાભાઈની સાદગી જુદી જ હતી. તેઓ વાસ્તવિક રીતે સાદા હતા. દરેક સ્થળે તેમની વર્તણૂક સાદગીમય જ રહેતી. એનો પ્રત્યક્ષ પરિચય તો મને ત્યારે જ થયો કે જ્યારે હું અને મારા સબંધી મુરબ્બી શ્રી ગલબાભાઈને મળવા તેમના વતન નળાસર ગામે ગયા હતા. લગભગ સવારના સાતેક વાગ્યાનો સમય હશે…અમે ઘેર પહોંચીને પૂછ્યું તો જાણવા મળ્યું કે તેઓ ખેતરમાં ગયા છે. અમારે ઉતાવળ હતી તેથી અમે ખેતર તરફ જવા નીકળ્યા ત્યાં રસ્તામાં જ દૂધનું બોગેણું માથા ઉપર ઉપાડીને આવતા ગલબાભાઈ અમને સામા મળ્યા. અમે તેમની સાથે ઘેર આવ્યા. ગલબાભાઈ અમને બેસાડીને ઘરમાં ગયા. થોડીવારમાં તો બહાર આવીને તેમણે કહ્યું કે ચાલો ઘેંસ અને દૂઘ ખાવા ! મને આશ્ચર્ય થયું. અત્યારે નાસ્તો…? તેમણે હસીને કહ્યું –“ પ્રેમજી પટેલ, નેતાગીરી કરવી હોય તો વહેલા ઊઠીને કુટુંબનું કામકાજ જાતે પતાવી લેવું, ને જે કાંઈ હાજરમાં ખાવાનું હોય તેનાથી પેટપૂજા કરીને જ બહાર નીકળવું કે જેથી આખો દિવસના ધીબાકા.’
હું તો તેમના આ શબ્દો સાંભળીને આવાક થઈ ગયો. લોકોની સેવા કરવાની તેમની રીત અદ્દભૂત હતી.
તેઓ જેવા સાદા હતા તેવા જ સહનશીલ પણ હતા. જ્યારે તેઓ બોર્ડિંગમાં આવતા ત્યારે અમે વિદ્યાર્થીઓ ઘણી વખત તેમને તંગ પણ કરી મૂક્તા- છતાંય તેઓ હસતા રહેતા.
ગલબાભાઈ મારા વડીલ હતા. હું તેમને પૂજ્યભાવે નિહાળતો. તેઓને મારા પર ખૂબ પેમ હતો. એક વખત મારે ડેરીનો ઇન્ટરવ્યુ આવ્યો. જો કે તે વખતે હું પાલનપુર-માર્કેટ કમિટિના સેક્રેટરી તરીકે ચાલુ જ હતો; પરંતુ મારી ઇચ્છા હતી કે મને ડેરીમાં નોકરી મળી જાય તો સારું. મારો ઇન્ટરવ્યુ જોઈને ગલબાભાઈ જાતે જ મોટર લઈને મને તેડવા આવ્યા. ડેરીમાં પહોંચીને તેઓ કેબિનમાં ચાલ્યા ગયા અને હું ઉમેદવારોની સાથે બાંકડા ઉપર બેસી ગયો. મેં જોયું, ઉમેદવારોના મોંઢા ઉપર કાળી શાહી જાણે ઢળી ગઈ હતી. ડેરીના ચેરમેન ખુદ જેને પોતાની કારમાં લઈને આવે છે, તેના સિવાય હવે આ જગ્યા માટે વધુ લાયક ઉમેદવાર કોણ હોઈ શકે ? હું હર્ષથી ફૂલાતો હતો. કેટલાક તો ઇન્ટરવ્યુ ન આપવા માટે પણ ગુપસુપ કરતા હતા. છેવટે ઇન્ટરવ્યુંનું કામકાજ શરૂ થયું, મારો નંબરા આવ્યો. ઇન્ટરવ્યુ પૂરો પણ થયો. જ્યાર રીઝલ્ટ આવ્યું ત્યારે હું પસંદ થયેલો ન હતો. હું ગુસ્સો કરું તે પહેલાં તો તેમણે મને બોલાવીને ખૂબ હળવાશથી પૂછ્યું કે –“ પ્રેમજીભાઈ, તમારી હાલની નોકરી બરાબર નથી ?”
મેં કહ્યું –“આ નોકરીમાં બઢતીની કોઈ તક નથી.” ત્યારે તેમણે ધીમેથી કહ્યું : “બઢતી એટલે પગાર વધારો જ ને ! પ્રેમજીભાઈ, તમારે પગાર વધારે લેવો છે કે લોકેને ઉપયોગી થવું છે ? તમારી નોકરીમાં તમે ત્યાં પણ ખેડૂતોના ભલા માટે જ બેઠા છો ને ?”
હું કંઈ પણ બોલવા સમર્થ ન હતો. પગાર વધારાને ગૌણ ગણીને સેવા કરવાની વાત હું નકારે શક્યો નહીં. તેમણે જે પ્રેમથી મને ઇન્ટરવ્યુમાં નાપાસ કર્યો હતો તે રીત કેવી અદ્દભૂત કહેવાય ! તેમના પ્રત્યેનું માન તે દિવસથી વધી ગયું !
” દીઠું અણદીઠું કરે, બોલ્યું પાળે જે,
અવગુણ ઉપર ગુણ કરે ઉત્તમ પુરુષ તે. “
– પ્રેમજીભાઈ બી. પટેલ
આ વેબસાઈટ ઉપર લખવામાં આવેલ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેના અન્ય લેખો વાંચવા અહીં ક્લીક કરો.
————————————————————————————————————————————————–
Really nice man of the galba bhai patel