ધન્ય હો આવા મહાનુભાવોને……

[ વડગામ તાલુકાના નળાસર ગામના વતની અને બનાસકાંઠાના લોકસેવક સ્વ.શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેના પોતાના અનુભવો વડગામના ગાયત્રી ઉપાસક અને સમાજસેવક શ્રી મહોતભાઈ જીતાભાઈ પટેલે લખ્યાં છે જે તેમની ડાયરી માંથી લઈને અત્રે  વડગામ વેબસાઈટ ઉપર લખવામાં આવ્યો છે. આ માહિતી વડગામ.કોમને આપવા બદલ શ્રી મહોતભાઈ જીતાભાઈ પટેલનો અંત:કરણપૂર્વક આભાર… ]

GNPબનાસડેરીના એક પ્લાન્ટનું ઉદ્દઘાટન હતું. દૂર દૂર થી આમંત્રિત મહેમાનો તથા અધિકારી વર્ગ ડેરીના એક સભાખંડમાં ઉપસ્થિત થયો હતો. સભાખંડમાં ઘણા લોકો આવતા હતા અને ઘણા બહાર જતા હતા. થોડીવાર પછી જમણવાર થવાનો હતો.

દૂરથી એક માણસ ખાદીના સાદા કપડાં, ઝભ્ભો અને ધોતી, માથે ખાદીની સફેદ ટોપી પહેરીની આવતો દેખાયો તેના મોંઢા પર થાકની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી પણ જલ્દી જલ્દી તે સભાખંડ તરફ આવી રહ્યો હતો. હાથમાં એક સાદી થેલી હતી તેમાં કંઈક મહત્વના કાગળો હતા.

હું જ્યાં બેઠો હતો ત્યાં સભાખંડની શેતરંજી પર નીચે જ મારી જોડે બેસી ગયો. મેં સામે જોયું તો આતો બનાસડેરીના ચેરમેન અને બનસાકાંઠા જિલ્લા પ્રમુખ  શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ હતા. મને નવાઈ લાગી કે જેને ત્યાં ડેરીમાં આટલું મોટું ફંકશન છે, , જેણે આટલા લોકોને ડેરીમાં આમંત્રણ આપ્યું છે અને તે માણસ આમ સાદા ડ્રેસમાં અને અમારી વચ્ચે કેમ બેસી ગયો. સામે જ મોટા મહેમાનો અને અધિકારીઓ માટે ખુરશીઓ ગોઠવાયેલી હતી ત્યાં કેમ નહી ? મને ખૂબ જ સંકોચ થયો. હું કંઈ બોલી શક્યો નહી. પણ મારી જોડે બેઠેલા એક ભાઈએ કહ્યું. “ અરે ગલબા કાકા આપ અહીંયા નીચે ક્યાં બેસો છો ?” સાહેબ આપને તો ત્યાં અધિકારી સાહેબો જોડે ખુરશી પર બેસવાનું હોય. અહીં નીચે બેસીને અમેને શરમાવો છો.

તેમના કપડા થોડા મેલાં પણ હતાં. તેમણે કહ્યું  “ભાઈ ઉપર અને નીચે બધે બેસવાનું જ છે ને હું તો મારા ભાઈઓ જોડે નીચે બેસું તો જ ફાવે.” આ જુઓને ખુરશીમાં બેસી બેસીને હું તો કંટાળી ગયો છું મને નીચે કોઈ બેસવ દેતું જ નથી.

ફરી બીજા ભાઈએ પૂછ્યું “સાહેબ તમારે ત્યાં આટલું મોટું ફંકશન છે ને વાંસામાં ફાટેલો ઝભ્ભો પહેરીને કેમ  આવ્યા છો ? અને આ કપડા પણ મેલા જેવા દેખાય છે.”

તેમણે જવાબ આપ્યો “ભાઈ અમારે ક્યાં શાંતિ હોય છે.” આ ત્રણ દિવસથી સરકારી કામે અમદાવાદ ગયો હતો આજે જેમ તેમ કામ નિપટાવીને ડેરીમાં પ્લાન્ટનું  ઉદ્દઘાટન હોવાથી ગાડીમાં દોડતો દોડતો આવ્યો. આ ત્રણ દિવસથી ગાડીમાં બેઠા બેઠા આ ઝભ્ભો જુનો હ્તો અને વાંસા માંથી જળી ગયો હોવાથી ફાટી ગયો. આ ઘેર ન્હાવા ઘોવા જવાનો સમય ન મળવાથી કપડા પણ મેલાં થયા છે પણ શું કરું દોડધામથી થાકી ગયો છું. મેંલા કપડાથી કોઈ કાઢી થોડું જ મુકવાનું છે.

એક ભાઈ એ કહ્યું  “કાકા તમારે ત્યાં અવસર છે ને તમને કોણ કાઢી મુકવાનું છે ? “આપ તો મોટા માણસ છો પણ આપની કેટલી મોટાઈ છે…”

આ હતા બનાસડેરીના સ્થાપક ચેરમેન અને બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ સ્વ.શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ આપણા ગલબા કાકા….

સીધુ સાદું એમનું જીવન અને સાદી રહેણી કરણી કોઈ સભામાં પ્રવચન કરવા ઊભા થાય તો પણ સાદી ગામઠી ભાષામાં પ્રવચન કરે. જીવનમાં કોઈ જાતનો ડોળ કે દંભ નહી તે બનાસના ગાંધી કહેવાતા.

એટલા મોટા હોદ્દા પર હતા છતાં જરાય મોટાઈ એમનામાં દેખાતી ન હતી.

ધન્ય હો આવા મહાનુભાવોને………

શ્વેતક્રાંતિ ના સર્જક : – દેવેન્દ્ર પટેલ

[મનુષ્ય તરીકે કેટલું જીવ્યા એ મહત્વનું નથી પણ કેવું જીવ્યા એ મહત્વું છે …કયા પદ ઉપર છો એ મહત્વનું નથી પણ કેવું કર્મ છે એ મહત્વનું છે અને એટલે જ તો આયુષ્યમર્યાદા પૂર્ણ થયાના થોડા જ દિવસોમાં આ અવની પરથી કોઈનું નામો નિશાન ભૂસાઈ જાય છે તો કોઈનું અમર થઇ જાય છે. બનાસકાંઠા ની પ્રજા ને ધન્ય છે કે જેણે સાચા અને સજ્જન માણસો નાં આ પૃથ્વી ઉપરથી વિદાયને વર્ષોના વહાણા વહી ગયા બાદ પણ પોતાના દિલમાં તેમનું માન-સન્માન અક્બંધ રાખી જીવતા રાખ્યા છે અને તેમનામાંથી પ્રેરણા મેળવી રહ્યા છે. વડગામ તાલુકાના નળાસર ગામના વતની અને જીલ્લા નાં સાચા લોકસેવક ને વિદાય ને ૫૦ વર્ષ પૂર્ણ થવા આવ્યા હોય છતાં પણ એમના કાર્યોને , એમના જીવન ને વારંવાર યાદ કરવામાં આવતું હોય ત્યારે એ સત્ય સમજાય છે કે શરીર નાશવંત છે એટલે જાય છે સારા કર્મોની ફોરમ કાયમી રહી જાય છે. ગુજરાતના વરિષ્ઠ પત્રકાર આદરણીય શ્રી દેવેન્દ્રભાઈ પટેલ દ્વારા લિખિત સ્વ.શ્રી ગલાભાભાઈ નાનજીભાઈ પટેલ વિશેનો લેખ તાજેતરમાં તા. ૩૧.૦૭.૨૦૧૮ નાં ગુજરાતના અગ્રહરોળ નાં દૈનિક સંદેશ સમાચાર પત્ર માં પ્રકાશિત થયો છે જે અક્ષરશ: આદરણીય શ્રી દેવેન્દ્રભાઈ પટેલ ની પરવાનગી લઇ www.vadgam.com વેબસાઈટ ઉપર મુકવામાં આવ્યો છે જે આપ અહી વાંચી શકો છો…….!! ]

GNP-31.07.2018બનાસકાંઠા એ ગુજરાતનો સરહદી જિલ્લો છે.રાજસ્થાનના સૂકાભઠ્ઠ રણ અને કચ્છની કોરીધાકોર જેવી રેતાળ બનાસકાંઠાની ભૂમિ પર પ્રકૃતિની કૃપા ઓછી છે પણ તેની માટીનું એક આગવું ખમીર છે. અહીંના લોકો પાણીદાર છે. કોઈ મુંબઈ જઈ ઝવેરી બન્યા છે તો કોઈ મોટા ઉદ્યોગપતિ. આ ભૂમિએ સાક્ષરો, કવિઓ અને શાયરો પણ આપ્યા છે. દલુભાઈ દેસાઈ જેવા ઉત્કૃષ્ટ નેતાઓ અને વિશાળ દિલના માનવી પણ આપ્યા છે. લોકોને વર્ષો સુધી યાદ રહે તેવા અને બનાસકાંઠાની માટીની સુગંધના પ્રતીક એવા ગલબાભાઈ પટેલ પણ આપ્યા છે.

પાલનપુર પાસે આવેલી સુપ્રસિદ્ધ બનાસ ડેરી એ ગલાબાભાઈ પટેલનું જીવતું જાગતું સ્મારક છે. ઉત્તર ગુજરાતમાં ગલબાભાઈ પટેલ ગલબાકાકાના નામથી જાણીતા હતા.
એ વખતે બનાસકાંઠા એ રાજસ્થાનના નજીકના રણ જેવી ભૂમિનો જિલ્લો હતો. લોકો ગરીબ હતા, પરંતુ બનાસ ડેરીની સ્થાપના બાદ આ વિસ્તારમાં સુખ અને સમૃદ્ધિ વધ્યા. આજે આખો જિલ્લો ગલબાભાઈ પટેલને યાદ કરે છે.
૧૯૬૦ના દાયકામાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ‘અમૂલ’ એક મોટું નામ હતું. એ સમયગાળા પછી ૧૯૬૯માં ગલબાભાઈ પટેલે બનાસ ડેરીના નામથી નાનકડી શરૂઆત કરી હતી. ૧૯૬૯માં નાના પાયે શરૂ થયેલી આ બનાસ ડેરી આજે દૂધ ઉત્પાદનમાં એશિયામાં મોખરાની ડેરીઓમાં સ્થાન ધરાવે છે.

એસ.ટી. બસમાં ફરતા

ગલબાભાઈ પટેલનું જીવન નિષ્કલંક અને સાદગીભર્યું હતું. બનાસ ડેરીથી પોતાના વતન જવા માટે ઘણી વખત તેઓ ડેરીના વાહનના બદલે એસ.ટી. બસનો ઉપયોગ કરતા હતા. ગલબાભાઈ પોતાનું વાસણ જાતે માંજતા. ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા પછી પણ તેમણે સ્વાશ્રયની આ પ્રણાલિકા ચાલુ જ રાખી હતી. એમની નમ્રતા અને સાદગી જોઈ ઘણાંને આશ્ચર્ય થતું. અહંકાર, ઘમંડ અને અભિમાનથી તેઓ જોજનો દૂર હતા.

ગલબાકાકાનું જીવન

ગલબાભાઈ પટેલનું જીવન સ્વયં એક નવલકથા જેવું છે. ગલબાભાઈ નાનજીભાઈ પટેલનો જન્મ ૧૯૧૮ની સાલમાં વડગામ તાલુકાના નળાસર ગામમાં થયો હતો.ગલબાભાઈના પિતા નાનજીભાઈ ખેતીની આવક ધરાવતા નળાસર ગામના મધ્યમ વર્ગના ખેડૂત હતા. અનેક બાધાઓ-માનતાઓ બાદ નાનજીભાઈના ઘરે પગલીનો પાડનાર જન્મ્યો પણ બાળક બે વર્ષનો થાય તે પહેલાં પિતા ચાલ્યા ગયા. પુત્રનું નામ ગલબો પાડયું. માતાથી વૈધવ્ય સહન ના થતાં તેઓ પણ છ મહિનામાં જ પતિની પાછળ અનંતયાત્રાએ ચાલ્યાં ગયાં. નિરાધાર બાળક ગલબાને ઉછેરવાની જવાબદારી કાકા દલુભાઈ પટેલે ઉપાડી લીધી. મેનાકાકીની હૂંફ મળી. ગામમાં સ્કૂલ નહોતી. છોકરાનું મન ના લાગતાં તે સીમમાં ઢોર ચારવા જતો.

ઢોર ચરાવતા હતા

એ વખતે આખા નળાસરમાં માત્ર એક જ છોકરો ભણેલો હતો અને તે ગલબાભારથી. તે પોતાના મામાને ત્યાં રહીને ભણી આવેલો. તેણે બાળક ગલબાને ભણાવવાનું શરૂ કર્યું. બાળક ગલબો અને ગલબાભારથી ઢોર ચરાવવા હવે એક જ સીમમાં જાય અને ત્યાં ઢોરને છૂટાં જ મૂકીને બંને ઝાડની નીચે બેસી જાય. ઢોર ચરાવતાં બાળક ગલબાની પ્રવૃત્તિ વિશે તેમના કાકા દલુભાઈ જાણી ચૂક્યા હતા. આખરે તેમણે બાળક ગલબાને સ્કૂલમાં ભણાવવાનું નક્કી કર્યું. જો બાળક ગલબો બે-ત્રણ ચોપડી ભણે તો સારું એમ વિચારી તેને નળાસરની બાજુમાં જ મજાદરની એક ગામઠી શાળામાં મૂકવામાં આવ્યો. ત્યાં બે ચોપડી સુધી અભ્યાસ ચાલતો હતો તે અભ્યાસ પૂરો કર્યા પછી બાળક ગલબાને વાસણામાં મૂકવામાં આવ્યો. વાસણાથી દોઢ કિલોમીટર દૂર કાણોદરમાં મોટી શાળા હતી અને ત્યાં સાત ધોરણ સુધી અભ્યાસ ચાલતો હતો. તેથી બાર વર્ષની ઉંમરે કાકા અને કાકીની છત્રછાયા છોડીને હવે મૂળી માસીને ત્યાં રહેવા આવવાનું થયું. માસીને સંતાન નહોતું તેથી તેમને બાળક ગલબામાં જીવવાનું આધારબિંદુ મળી ગયું. કાણોદરની પ્રાથમિક શાળામાં બાળક ગલબાએ અસ્પૃશ્યતાની પરવા કર્યા વિના કેટલાક દલિત વિદ્યાર્થીઓને મિત્ર બનાવી દીધા.

નિષ્ફળતાનો આરંભ

ગલબો હવે ગલબાભાઈ બન્યો. વાણોતર હવે વેપારી બન્યો. હળ હાંકનાર હાથે ત્રાજવાં તો પકડયાં, ગલબાભાઈ ગરીબોને મફત વસ્તુ આપી દેતા. ઉધાર માગે તેને ના પાડતા નહીં અને લેણદારો પાસે કડક ઉઘરાણી કરતા નહીં. થોડા સમયમાં ગલબાભાઈએ શેઠના અડધા પૈસાનું પાણી કરી નાખ્યું. છેવટે કંટાળીને શેઠે એ દુકાન બંધ કરી અને ઉમરદસીમાં લાકડાંની લાટી કરી. ગલબાભાઈ તરફની કોઈ અકળ મમતાએ બેચર શેઠે ત્યાં જ ગરબાભાઈને ભાગીદાર બનાવ્યા. થોડા સમય સુધી તેમણે લાકડાંની લાટી ચલાવી, પરંતુ તેમાં પણ તેમને સરિયામ નિષ્ફળતા જ મળી. આખરે ગલબાભાઈ પોતાના ગામ નળાસર આવ્યા. નળાસરમાં તેમણે દુકાન કરી, પરંતુ તેમાં પણ તેમણે નુકસાન જ કર્યું. દુકાન આપોઆપ બંધ થઈ ગઈ. ખેતી અને વેપાર ક્ષેત્રે નિષ્ફળતા મળ્યા પછી તેમણે છાપીમાં ઈસબગુલની ઘંટીમાં એક મજૂર તરીકેનું કામ શરૂ કર્યું. ઈસબગુલની ઘંટીમાં ત્રણ ત્રણ મણની બોરીઓ તેઓ ઉઠાવતા, પરંતુ એમાં પણ કાંઈ ફાવ્યું નહીં. ફરી તેમનો વેપારનો મોહ જાગ્યો. હવે તેઓએ ભેંસો તરફ લક્ષ દોડાવ્યું. ભેંસ પારખવામાં ગલબાભાઈ ઉસ્તાદ હતા. કોઈ પણ ભેંસને એક વાર જોઈને તેઓ તેની સાચી પરખ મેળવી લેતા.

મુંબઈ તરફ

ભેંસોનો વેપાર કરતાં તેમનું લક્ષ મુંબઈ તરફ ગયું. મુંબઈમાં છાપીના કેટલાક મુમન ભાઈઓએ ભેંસોનો તબેલો બનાવ્યો હતો. ગલબાભાઈએ પણ વિચાર્યું કે જો મુંબઈમાં ભેંસોનો તબેલો બનાવવામાં આવે તો પોતે સફળ થશે. તેઓ મુંબઈ ગયા અને ત્યાં તેમણે એક તબેલો બનાવ્યો. ભેંસોના તબેલાને કારણે તેઓ મુંબઈની જીવદયા મંડળીના સંપર્કમાં આવ્યા. ભેંસોના તબેલામાંથી ઓછું દૂધ આપતી ભેંસોને કતલખાને મોકલવામાં આવતી. આવી સેંકડો ભેંસો દર વર્ષે કતલખાનામાં વધેરાઈ જતી. જીવદયા મંડળી આવી ભેંસોને બચાવી લેતી, પરંતુ એ દુર્બળ ભેંસોને મુંબઈમાં ક્યાં રાખવી..?

જીવદયા : ભેંસોની સેવા

તેમણે જીવદયા મંડળીની સાથે નક્કી કરીને આવી ભેંસોને ગામડે લઈ જવાની જવાબદારી સ્વીકારી. મુંબઈથી તેઓ છાપીમાં આવ્યા અને છાપીમાં જીવદયા મંડળીની સ્થાપના કરી. મુંબઈની જીવદયા મંડળી ભેંસોને ટ્રેનમાં છાપી મોકલતી અને ગલબાભાઈએ ભેંસોની ડિલિવરી છાપી સ્ટેશનેથી મેળવીને ભેંસોને છાપી આસપાસનાં ગામડાંઓમાં મોકલી દેતા. ખેડૂતોને જીવદયા મંડળી તરફથી ભેંસોની ચરાઈ પેટે પૈસા આપવામાં આવતા અને ભેંસ ફરી પાછી સશક્ત થાય ત્યાં સુધીના વહીવટ જીવદયા મંડળીને નામે ગલબાભાઈ કરતા. દર વર્ષે લગભગ આવી ૬૦૦થી ૭૦૦ ભેંસો છાપી સ્ટેશને ઊતરતી હતી. ગલબાભાઈએ ત્રણ વર્ષ સુધી જીવદયા મંડળીમાં કામ કર્યું.

ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ

ગામડાંમાં વસતી વિધવાઓનું સન્માનભર્યું જીવન અને ખેડૂતોનું આર્થિક અને સામાજિક સ્તર ઊંચું લઈ જવું એ તેમનું સ્વપ્ન હતું. તેમના કઠોર પ્રયાસોને પરિણામે જિલ્લાના પાલનપુર અને વડગામ તાલુકાની આઠ સહકારી દૂધ મંડળીઓની નોંધણી સંપન્ન થઈ અને ૧૦ માર્ચ, ૧૯૬૬ના રોજથી દૂધ એકત્રિત કરી મહેસાણાની દૂધસાગર ડેરીમાં આપવાનું શરૂ કર્યું. આ પાયાના કાર્યથી ૩૧ જાન્યુઆરી, ૧૯૬૯ના રોજ સહકારી કાયદા હેઠળ બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. પાલનપુરની નોંધણી થઈ અને આ રીતે બનાસ ડેરી અસ્તિત્વમાં આવી. ૧૪ જાન્યુઆરી, ૧૯૭૧ના રોજ ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ ગલબાભાઈ નાનજીભાઈ પટેલના હસ્તે સંપન્ન થયો હતો. ૧૯૫૨માં આઝાદ ભારતમાં પ્રથમ રાષ્ટ્રવ્યાપી ચૂંટણીઓ આવી. એ ચૂંટણીઓમાં કોંગ્રેસ સંસ્થાએ ગલબાભાઈને ઉમેદવાર તરીકે પસંદ કર્યા. દ્વિભાષી મુંબઈ રાજ્યની ધારાસભાની એ ચૂંટણીમાં ગલબાભાઈ ચૂંટાઈ આવ્યા.

બનાસ ડેરી

પ્રજાકીય કાર્યોમાં ગલબાભાઈનું મહત્ત્વનું પ્રદાન છે બનાસ ડેરી. તેમના પ્રયાસથી ૧૯૭૦માં પાલનપુરની નજીક વિશાળ જગ્યાની પસંદગી થઈ અને તેમાં આજની બનાસ ડેરીની સ્થાપના થઈ. પરંતુ એ આનંદ લાંબો ટકે તે પહેલાં જ ગલબાભઈ આ નશ્વર દેહને છોડીને ચાલ્યા ગયા. ઉત્તર ગુજરાતના આંજણા પાટીદાર સમાજના તેઓ શ્રેષ્ઠ રત્ન હતા.
(સંપૂર્ણ)
www.devendrapatel.in

બનાસનાં લોકસેવક નું ઐતિહાસિક પ્રવચન.

[માત્ર ત્રણ ચોપડી જેટલું અક્ષરજ્ઞાન તેમજ અનેક અભાવો અને અગવડો વેઠીને પોતાની આગવી કોઠાસૂઝ થકી લોકસેવાના કેવા કેવા ઉત્તમ કાર્યો થઇ શકે તેનું અનુકરણીય ઉદાહરણ વડગામ તાલુકાના નાના એવા નળાસર ગામમાંથી શરૂ કરીને સમગ્ર બનાસકાંઠા જીલ્લાને આવરીને સ્વ.શ્રી ગલાબાભાઈ નાનજીભાઈ પટેલે “બનાસકાકા” તેમજ “બનાસનાં ગાંધી” જેવા લોકસન્માનો મેળવીને સફળતાપૂર્વક સિદ્ધ કરી બતાવ્યું છે. રાજકારણ તેમના માટે હરદમ સેવાક્ષેત્ર રહ્યું હતું .રવિશંકર મહારાજનું જીવનસૂત્ર “ઘસાઈ ને ઊજળાં થઈએ” એ ગલબાકાકા એ આત્મસાત કર્યું હતું . આજથી વર્ષો પૂર્વે પાલણપુરમાં ભરાયેલી બનાસકાંઠા જીલ્લા ખેડૂત પરિષદમાં સ્વ.શ્રી ગલાબાભાઈ નાનજીભાઈ પટેલે સ્વાગત પ્રમુખ અને ધારાસભ્ય તરીકે આપેલું આ ઐતિહાસિક પ્રવચન એ બાબતને અવશ્ય પ્રતિતી કરાવે છે કે સાચા લોકસેવક નાં વિચારો કેવા હોઈ શકે. !!

વડગામ તાલુકાના મેપડા ગામ ના જાગીરદાર પરિવારનાં શ્રી હારૂનભાઈ એ મને પોતાના પાસેનાં સંગ્રહિત વર્ષો પહેલાના અનામી એક પુસ્તકનાં થોડાક પાનાઓ આપ્યા જેમાં આ ઐતિહાસિક પ્રવચન. પુસ્તક જુનું હોવાથી એનું નામ શું છે લેખક કોણ છે તે ખબર નથી પણ મુદ્રક તરીકે નવીનચંદ્ર પોપટલાલ મહેતા , શ્રી સદ્દગુરુ મુદ્રાલય બારડપુરા , પાલણપુર એવી માહિતી પ્રાપ્ત થાય છે.

આ તબક્કે આવી ઐતિહાસિક માહિતી વડગામ.કોમ ને પૂરી પાડવા બદલ શ્રી હારૂનભાઈ બિહારી તેમજ તેના મુદ્રક સદ્દગુરુ મુદ્રાલય પાલણપુર નો આભાર માનું છું.]

 

પાલણપુરમાં ભરાયેલી બનાસકાંઠા જીલ્લા ખેડૂત પરિષદમાં સ્વ.શ્રી ગલાબાભાઈ નાનજીભાઈ પટેલે સ્વાગત પ્રમુખ અને ધારાસભ્ય તરીકે આપેલું આ ઐતિહાસિક પ્રવચન

 

પૂજ્ય મહારાજશ્રી, ઉદ્ઘઘાટન કરનાર શ્રી વસાવડાજી તથા આ પરિષદ નાં પ્રમુખશ્રી, આમંત્રિત મહેમાનો, બેનો અને ખેડૂત બંધુઓ,

મને આપ સૌ નું સ્વાગત કરવામાં જે હરખ થાય છે તેનું વર્ણન હું કરી શકતો નથી. વધુ આનંદની વાત એ છે કે જેમની આ મંડળી ને શરૂઆતથી દોરવણી મળી છે તેઓ સંતપુરુષ અહી હાજર છે. આ મંડળ નું ઉદ્દઘાટન કર્યું હતું તે મહાપુરૂષ પૂજ્ય રવિશંકર મહારાજ અહી હાજર હોત તો સોનામાં સુગંધ મળત પણ તેમના આશીર્વાદ તો છે  જ, વિશેષ માં આ પરિષદ નું ઉદ્દઘાટન જેમનાં શુભ હાથે થાય છે તેઓ ઇન્ટુક જેવી દેશ ની મહાન મજૂર સંસ્થાનાં માજી પ્રમુખ અને આજે તેઓ જે મજૂર મહાજન સંધ નાં મહામંત્રી છે તે સંધને પૂજ્ય બાપુજી નાં આશીર્વાદ અને મુરબ્બી શંકરલાલ બેન્કર તથા આદરણીય બહેન શ્રી અનસૂયાબહેન ને આજલગી ઉત્તમ પ્રકાર ને દોરવણી મળી છે.

આ ઉપરાંત આ પરિષદ નું પ્રમુખ સ્થાન જેણે સ્વીકાર્યું છે તેવો પણ કોંગ્રેસ પૂરક એવા ભાલ નળકાંઠા ખેડૂત મંડળ નાં હાલ નાં પ્રમુખશ્રી છે કે જે મંડળ પાસેથી આપણે દોરવાણી મેળવી રહ્યા છીએ તેઓની પ્રત્યક્ષ હાજરી આપણામાં જોમ પૂરશે.

આ રીતે આ પરીષદ ને પરિપૂર્ણ ફતેમંદ બનાવે એવો સુંદર ત્રિવેણીનો સંગમ થયો છે. વધુમાં અહી પૂજ્ય મુનીશ્રીની પ્રેરણા નીચે ચાલતા પ્રાયોગિક સંઘોમાં કામ કરતા ચુનંદા કાર્યકરો અને ખેડૂતો આવવાથી આ પરીષદની શોભામાં ઘણો વધારો થયો છે આટલો આનંદ જણાવી હું આ તકે બે બોલ બીજા પણ કહી દેવા માંગુ છું.

દુનિયા અને દેશ નાં મોટા સવાલોની વાતો તો મુરબ્બીઓ જ કહી શકે પણ મારા જેવો ગામડિયો ખેડૂત પણ આટલું તો આજે ચોખ્ખું જાણી શક્યો છે કે અંતે નીતિ અને સચ્ચાઈ જ કામ આવશે, મુનિશ્રી એ નીતિ અને શુદ્ધ થવાની વાતો ખેફૂત મંડળ નાં પાયા માંથી વારંવાર મૂકી છે તે મને સો એ સો ટકા સાચી લાગી છે. તેમના આશીર્વાદથી આ બનાસકાંઠા ખેડૂત મંડળની સાચી રચના થઇ, તેની દોરવણી એને મળ્યા જ કરતી હતી પણ તેઓ આ વખતે અહી આવ્યા અને અને અમોને નજરો નજર જે જોવા મળ્યું તેથી ખાતરી થઇ કે ગામડાની એકતા, નીતિનો પાયો તથા હંમેશની સાચી દોરવણી આ ત્રણ આપણી સિદ્ધિ નાં મૂળ પાયા છે. તેમની આ પાંચ માસની જિલ્લાની હાજરીથી શુદ્ધિ પ્રયોગ જોવા મળ્યો. અમલદારો પણ આપના દેશના સેવકો છે તેવો વિચાર અનુભવવા મળ્યો.

સહકારી પ્રવુતિમાં પણ નીતિ નાં પાયાવાળા મંડળોનું સંચાલન જોઈએ તે જણાઈ ગયું. ખાંડનું કારખાનું એ એવા યંત્રો તથા ગામડાના ઉદ્યોગો વચ્ચે મેળ બેસાડવાની વાત સમજવા મળી. જીલ્લા કોંગ્રેસ સાથે અપવાદ બાદ કરતા અમારા સબંધો તો સારા જ હતા. પણ કોંગ્રેસ નું રાજ્કીય માતૃત્વ શું, પ્રાયોગિક સાંધો શા માટે, લાવાદિનો મહિમા શા માટે, આ બધુ પ્રત્યક્ષ અને વર્ગ માં જોવા જાણવા મળ્યું તેથી અમારી શ્રદ્ધા મજબૂત બની ગઈ છે.

સમાજવાદનાં ઢબની સમાજ રચના કોંગેસે અવાડી મુકામે કરેલા ઠરાવોનું રહસ્ય અમોને આથીજ સમજાયું. નાનાને નાનું અને વધારે સાધનવાળાને વધારે લવાજમ ભરવાની વાત પણ અમોને હવે જ ખરી રીતે સમજાઈ.

એ જ રીતે કોંગ્રેસ જેવી દેશ ની મહાન સંસ્થાએ લોકોના સાચા બળ મારફત ગામડાઓનાં પ્રાણરૂપ ખેડૂતોને અનાજ કપાસ નાં પરવડતા ભાવો આપવા જોઈએ. પેટનું પુરૂ થતું  ન હોય તેટલી જમીન ધરાવનાર જાત ખેડૂતો પાસેથી મહેસુલની આવક જતી કરવી જોઈએ. પહોંચતા વર્ગ પાસેથી જ કરવેરા લેવા. આવી પાયાની વાતોમાં ગામડાઓને પૂરેપૂરો ટેકો આપવો જોઈએ.

સમય થોડો છે, કામ ઘણું છે એટલે હું વધુ વખત નહિ લઉં. પણ અમારા મંડળે મુનીશ્રીની નૈતિક નજરે જે થોડીક ભૂલો કરેલી તે અમોએ મોટે ભાગે સાફ કરી છે અને હવે ફરી શુદ્ધ થઈ અમો અમારા ખેડૂત મંડળને ચોક્કસ દિશા પર લઇ જઈશું એવી ખાતરી આપીએ છીએ.

આપના જીલ્લામાં તાજા થયેલા ગોપાલક મંડળ અને થનારા ગ્રામોદ્યોગ મજુર મંડળ ની સાથે સ્નેહ સહકારથી વર્તીએ એજ મારી પ્રભુપ્રાર્થના છે. મુરબ્બીઓ અમને આ પંથમાં જવાના આશિર્વાદ આપે.

બનાસકાંઠા પ્રાયોગિક સંઘ – ભાલકાંઠા પ્રાયોગિક સંઘને પગલે ચાલીને અમોને મજબૂત નૈતિક દોરવણી આપે. કોંગ્રેસરૂપી રાજકીય ક્ષેત્રની અમારી માતા અમને હુંફ આપે. મુનિશ્રી વારંવાર કહે છે તેમ સામાજિક તેમજ આર્થિક બાબતોમાં અમે સ્વતંત્રપણે છતાં પ્રાયોગિક સંઘની નૈતિક દોરવાની નીચે આગળ ને આગળ વધીએ આ અમારે અંતરની ઈચ્છા છે.

અમો ગામડીયા છીએ. શહેરમાં પરિષદ ભરાય છે કારણકે મુનીશ્રીનું અહી ચાતુર્માસ છે. અમારા બાળા ભોળા ખેડૂતોના મંડળે જ આ વ્યવસ્થા કરી છે પણ અમોને પાલનપુર નો પુરેપુરો સાથ મળ્યો છે. તેથી અમો કૈંક કરી શક્યા છીએ. અત્યારે શિયાળુ વાવેતરનો વખત છે છતાં જે ખેડૂતોની સંખ્યા આવી છે તેથી મને સંતોષ થાય છે. ખાતરી તો રહે છે જ કારણ કે શબરીના બોર રામને પણ મીઠા જંગલમાં અને ઝુંપડીમાં લાગ્યા હતા.

અમો ગામડીયા છીએ. શહેરમાં પરિષદ ભરાય છે કારણકે મુનીશ્રીનું અહી ચાતુર્માસ છે. અમારા બાળા ભોળા ખેડૂતોના મંડળે જ આ વ્યવસ્થા કરી છે પણ અમોને પાલનપુર નો પુરેપુરો સાથ મળ્યો છે.

આ વાતો કસળો છે એટલે અમારી રાબ અને રોટી આપને અહી સંતોષ નહિ આપે પણ બનાસકાંઠા ખેડૂત મંડળ તરફથી આપની મમતાળુ સ્નેહ લાગણી સરભરાની ખામી આપને ખૂંચવા નહિ દે એવી આશા અને પરમાત્માની પ્રાર્થના સાથે આપ સૌ મહેમાનોની મીઠી લાગણી હૈયે રાખીને હું આ પરિષદની શરૂઆતમાં શ્રધા જાહેર કરીને બેસી જવાની તક લઉં છું.

– ગલબાભાઈ નાનજીભાઈ પટેલ (ધારાસભ્ય)

સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ જન્મશતાબ્દી વર્ષ ઉજવણી.

GNP JS-5૧૦૦ વર્ષ અગાઉ ધાણધારી ધરા વડગામ તાલુકાના નળાસર ગામે જન્મ ધારણ કરી ગલબાભાઈ માંથી સમગ્ર બનાસકાંઠા જિલ્લા માં બનાસ કાકા – ગલબાકાકાના  હુલામણા નામ સાથે લોક હર્દય માં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ નુ જીવન ચરિત્ર સૌ કોઈ માટે આદર્શ  એટલા માટે છે કે અંધશ્રધ્ધા અને શિક્ષણથી વંચિત તે સમયના પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાના લોકસમુદાયને જાગૃત કરી તેઓનું જીવનધોરણ ઊંચું આવે તે હેતુ નિસ્વાર્થ ભાવે એ સમયમાં કોઈ પણ જાતની સુવિધાઓ વગર અનેક મુશ્કેલીઓ અને અગવડો-અવરોધો  વચ્ચે સતત મથતા રહી બનાસકાંઠા જિલ્લાને બેઠો કરવા માટે એમણે  સાથી મિત્રોને સાથે રાખીને જે ભગીરથ પુરુષાર્થ કર્યો છે તેનુ મૂલ્ય શબ્દોમાં આંકી શકાય તેમ નથી.

તે સમય ની પરિસ્થિતિ સાથે આજની પરિસ્થિતિ ની તુલના કરવામાં આવે તો સમજાય  કે આજે ટેકનોલોજી યુગ માં સરળ લાગતું કામ એ સમય માં માત્ર ત્રણ ચોપડી ભણેલા ગલબાભાઈ એ  કઈ પ્રેરણાથી કેવી કોઠાસૂજ્ સાથે પાર પાડ્યું હશે એ સમજવું મુશ્કેલ નહિ લાગે ! બચપણથી જેમને ભાગે માત્ર સંઘર્ષ જ અને અભાવો વચ્ચે જીવન પસાર કરવાનું આવ્યું હોય, એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ વચ્ચે નાસીપાસ થયા વગર  તે વ્યક્તિ પોતાનું ભલું કરવાની જગ્યાએ અન્યોનું ભલું કરવાનું કેવી રીતે વિચારી શકે ?

સામાન્ય ખેતમજૂરથી માંડીને દેશના વડાપ્રધાન જ્યારે ગલબાભાઈને યાદ કરીને તેમને ઉચિત શ્રધાંજલી અર્પતા હોય તે તેની પાછળનું એકમાત્ર કારણ તેઓશ્રીએ સાચા અર્થમાં કોઈ પણ જાતના નાત-જાતના ભેદભાવ વગર કે પક્ષાપક્ષી વગર કે પ્રાંતવાદ વગર  નિસ્વાર્થભાવે કરેલી લોકસેવા છે. બનાસના ગાંધીના ઉપનામને સાર્થક કરતા સત્ય અને સાદગીના રાહ ઉપર બનાસકાંઠા જિલ્લામાં કરેલ અનેક સેવાકીયકાર્યોની સુવાસ આટલા વર્ષોના વહાણા વહી ગયા બાદ પણ આજે પણ અનુભવી શકાય છે. બનાસડેરીની ઊંચી ઈમારતો વચ્ચે ન દેખાતા મજ્બૂત  પાયા તે સમયની અનેક મુશ્કેલીઓ અને અથાક પ્રયત્નોના અંતે  એક પૂણ્યશાળી આત્મા દ્વાર નાખવામાં આવ્યા હતા તે ઘણા ઓછા લોકો જાણે છે કારણ કે કહેવત છે પાયાની ઇંટો તો દેખાય નહી. આજે ગલબાભાઈ નાનજીભાઈ પટેલે શરૂ કરેલી બનાસડેરી તેમના અનુગામી ચેરમેનશ્રીઓ  સ્વ. શ્રી ગલબાભાઈ માનજીભાઈ પટેલ, સ્વ.શ્રી દલુભાઈ દેસાઈ, શ્રી પરથીભાઈ ભટોળ, શ્રી શંકરભાઈ ચૌધરી અને  અન્ય સહકારી આગેવાનોના સનિષ્ઠ અને સતત નિષ્ઠાપૂર્વકના પ્રયાસોને અંતે વટવૃક્ષ બનીને ફુલીફાલી રહી છે તે જિલ્લાના ખેડૂતો માટે સુખદ ઘટના છે.

જે સમાજ પોતાના મહાનુભાવોના સતકર્મોને  ભૂલી જાય છે તે સમાજ સાચા માર્ગે વિકસી શક્તો નથી તે ઉક્તિને યાદ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી બનાસડેરી દ્વારા પોતાના આદ્યસ્થાપક અને પ્રથમ પ્રમુખ સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલની ૧૦૦ જન્મજ્યંતીને જન્મશતાબ્દી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરીને એક સંતપૂરૂષને સાચી શ્રધાંજલી અર્પવાની સાથે સાથે પ્રેરણાદાયી કાર્ય કર્યુ છે કારણ કે ગલબાભાઈ એક માત્ર બનાસડેરી સ્થાપી એટલુ જ નહી પણ પોતાના સમકાલીન સામાજિક આગેવાનોને સાથે રાખીને કોઈ પણ વ્યક્તિગત સ્વાર્થ વગર જિલ્લામાં અસંખ્ય સેવાકીય કાર્યોનું કહી શકાય કે અભિયાન ચલાવીને બનાસકાંઠા જિલ્લાને લાગેલ પછાતપણાના કલંકને દૂર કરવાના ભરપૂર પ્રયત્નો આદર્યા હતા.

૨૦૧૭ની ફેબ્રુઆરી મહિનાની ૧૫મી તારીખે વડગામ તાલુકાના પ્રસિધ્ધ યાત્રાધામ મગરવાડા ગામમાં સાંજે ૪.૩૦ કલાકે સહકારી અને રાજકીય આગેવાનો, વિવિધ સંસ્થાઓના પદાધીકારીઓ, વિવિધ જાતી-મંડળોના આગેવાનો, સ્થાનિક અને આજુબાજુ વિસ્તારના અનેક ખેડૂતો અને અન્ય લોકો બનાસકાકા ગલબાકાકાની જન્મશતાબ્દી નિમિત્તે નિકળનારી પદયાત્રામાં જોડાવા માટે ઢોલ-નગારા અને શરણાઈઓના સૂર વચ્ચે ઉત્સાહભેર એકઠા થઈ રહ્યા હતા. ભારત સરકારના કેન્દ્રિય મંત્રીશ્રી હરીભાઈ ચૌધરી  તેમજ બનાસડેરીના ચેરમેનશ્રી અને રાજ્યના આરોગ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ અન્ય સંસ્થાઓના પદાધિકારીઓ તેમજ પીઢ સહકારી આગેવાનોની ઊપસ્થિતિમાં મગરવાડા વિરમંદિરમાં દાદાના દર્શન કરી  ગાદીપતિ પૂજનિય વિજયસોમરત્નજી મહારાજ સાહેબના આશિર્વચનો સાથે ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે પદયાત્રાના શ્રીગણેશ કર્યા હતા.

હાથમાં ધજા-પતાકાઓ, બેનરો, સૂત્રચારો અને ડીજે ના તાલે નદીના પ્રવાહની જેમ ઝડપભેર મગરવાડાથી ગલબાભાઈની જન્મભૂમિ નળાસર તરફ આગળ ધપી રહેલી પદયાત્રાનું માર્ગમાં પશુપાલકો દ્વારા ગલબાભાઈ અમર રહો ના નારા સાથે ઠેર ઠેર ઢોલ-નગારા શરણાઈઓ, કુમકુમ તિલક અને ફૂલહાર થી ભવ્ય સ્વાગત થઇ રહ્યું હતું. તો ટીંબાચૂડી અને માલોસણા ગામના ગ્રામજનો દ્વારા પદયાત્રાનું સામૈયું કરીને નાની સભાના સુંદર આયોજન થકી નાના ગામને મોટું ગૌરવ બક્ષ્યું હતું. કર્મશીલ ગલબાભાઈ નાનજીભાઈ પટેલના સત્કાર્યો પ્રતિ  જાણે લોકલાગણીનો પડઘો પડી રહ્યો હતો.ગલબાભાઈ નાનજીભાઈ પટેલ એ કોઈ એક સમાજના નેતા ન હતા તે સર્વ સમાજના લોકસેવક હતા તે ખાસ યાદ રાખવું જરૂરી છે ખાસ કરીને ત્યારે કે જ્યારે તેમની જન્મ શતાબ્દીના વર્ષની ઉજવણીનો તેમના જન્મ દિવસ ૧૫.૦૨.૨૦૧૭થી પ્રારંભ થઇ રહ્યો છે.

GNP JS-4

બનાસડેરીના ચેરમેન અને આરોગ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ પદયાત્રા દરમિયાન ટીંબાચૂડીમાં જાહેર સભાને સંબોધતા જણાવેલ કે કમનસીબે આપણા જિલ્લાના એક સાચા લોકસેવક સ્વ. ગલબાકાકા ના પ્રેરણાદાયી સત્કાર્યો ને યાદ કરી જન જન સુધી પહોંચડાવાના એટલા નકકર કાર્યો આજ સુધી થયા નથી તેઓશ્રીના સેવાકીય ગુણોનો જનહિત હેતુ  ખરેખર પ્રચાર-પ્રસાર થવો  જોઈએ એટલો આપણે કરી શક્યા નથી. સૌરાષ્ટ્રની જેમ આપણા જિલ્લાને ગલબાકાકાના સમકાલિન કોઈ ઝવેરચંદ મેઘાણી મળી ગયા હોત તો ગલબાભાઈનો આખો ઇતિહાસ વિશિષ્ટ રીતે આલેખાયો હોત જે જિલ્લાની આવનારી પેઢીને ખૂબ ફળદાયી સાબિત થઈ શક્યો હોત..

પદયાત્રામાં જોડાયેલા બનાસડેરીના ચેરમેન અને રાજ્ય આરોગ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી, બનાસડેરીના  ડીરેક્ટરશ્રીઓ અન્ય આગેવાનોએ પદયાત્રીઓ સાથે સાથે માર્ગમાં આવતા ગલબાભાઈ ના ખેતર ની મુલાકાત લઇ સદ્દગતની તસ્વીર ને ફૂલહાર કરી જુના સંસ્મરણો વાગોળ્યા હતા. ગલબાભાઈ ઘરે થી પોતાના ખેતરમાં જવા માટે બને ત્યાં સુધી હોદાની રૂએ પોતાને મળેલ વાહનનો ઉપયોગ કરવાની જગ્યાએ પગપાળા જવાનું પસંદ કરતા હતા. ઉચ્ચ હોદા ઉપર બિરાજમાન હોવા છતાં ખેતરના કામ જાતે કરવાનું પસંદ કરતા હતા અનેક લોકો જ્યારે ગલબાભાઈ ને જીલ્લાના કે ડેરીના કામ અર્થે જ્યારે તેમને મળવા ખેતરમાં જતા ત્યારે એક સામાન્ય ખેતમજૂર ની જેમ તેઓને મજૂરી કરતા જોઈ તેઓને અચરજ થતું. રવિશંકર મહારાજે જ્યારે ભૂમિદાન અભિયાન શરૂ કરેલું અને તે અંતર્ગત નળાસર ગામની મુલાકાતે આવેલા ત્યારે ગલાબાભાઈએ પોતાના ખેતરની અમૂક જમીન ભૂમિવિહીન લોકોને દાન કરેલી.

નળાસર ગામના ઝાંપે ગ્રામજનો દ્વારા પદયાત્રીઓની ઉમળકાભેર રાહ જોવાઈ રહી હતી. નાના ગામને શોળે શણગારે સજાવવામાં આવ્યું હતું. ઉત્તેજનાસભર વાતાવરણ વચ્ચે પ્રસંગને અનુરૂપ ઢોલ ઢબૂકી રહ્યા હતા તો શરણાઈઓ નુ ગુંજન વાતાવરણને ઉત્સાહ પ્રેરી રહ્યું હતું. પોતાના ગામ નળાસરને સમગ્ર જિલ્લા માં તેમજ વિશ્વ લેવલે પ્રસિદ્ધ કરનાર પોતાના ગામના સંતાન સ્વ.ગલબાભાઈના કાર્યોને આજે સમગ્ર બનાસકાંઠા જીલ્લો યાદ કરીને સાચી શ્રધાંજલી અર્પી રહ્યો હતો. જેમ જેમ પૂણ્યશાળી આત્માની જન્મભોમકા નજીક આવતી દેખાઈ તેમ તેમ પદયાત્રીઓમાં અનેરો રોમાંચ છવાયેલો સ્પષ્ટ જોઈ શકાતો હતો. આખરે એ પળ પણ આવી જ્યારે આથમતી સંધ્યાએ નવો ઉજાસ લઈને “ગલબાકાકા અમર રહો” – જબ તક સૂરજ ચાંદ રહેગા ગલબાભાઈ કા નામ રહેગા સૂત્રોચારો સાથે પદયાત્રીઓએ નળાસર ગામમાં ઉત્સાહભેર પ્રવેશ કર્યો…ગામલોકો પદયાત્રીઓને સામૈયુ કરીને હર્ષભેર આવકાર્યા. બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીને હરખઘેલા ગ્રામવાસીઓએ ઊંચકી લીધા ચારેબાજુ ગલબાભાઈના નામનો જયજયકાર થઈ રહ્યો હતો.

બનાસડેરીના ચેરમેન અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી, મંત્રી શ્રી કેશાજી ચૌહાણ તેમજ જિલ્લાના અન્ય આગેવાનો સાથે સ્વ. ગલબાભાઈના નિવાસસ્થાને પુષ્પાંજલી અર્પણ કરવા પહોંચ્યા જ્યાં તેમનુ સમસ્ત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ પરિવાર દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. ગલબાભાઈ જે મકાનમાં રહેતા હતા તે મકાનની મુલાકાત લઈ  ગલબાભાઈને પુષ્પાજંલી અર્પણ કરી પરિવારજનો સાથે ગલબાભાઈના  સંસ્મરણોને તાજા કરી ગલબાભાઈના જીવન વિશે વિશેષ માહિતી મેળવી. દરમિયાન ગલબાભાઈ નાનજીભાઈ પરિવાર દ્વારા બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈનો ગલબાભાઈની જન્મ શતાબ્દી ઊજવણી કરવાના નિર્ણય લઈ યથાયોગ્ય સન્માન કરવા બદલ હર્દયપૂર્વક વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

નળસરને ગાંદરે સભામંડપ હકડેઠ માનવમેદની થી ઊભરાઈ રહ્યો હતો. બનાસકાંઠાના સાસંદ અને કેન્દ્રીયમંત્રી શ્રી હરીભાઈ ચૌધરી, બનાસડેરીના ચેરમેન અને રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી, દિયોદરના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી કેશાજી ચોહાણ, ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ, બનાસડેરી અને બનાસબેંકના ડિરેક્ટરશ્રીઓ, બનાસબેંકના ચેરમેન અને અગ્રણી ધારાશાસ્ત્રી શ્રી એમ.એલ.ચૌધરી, બનાસબેંક અને બનાસકાંઠા જિલ્લા પંચાયતના  પૂર્વ ચેરમેન અને વડગામ તાલુકાના પીઠ સહકારી આગેવાન શ્રી દલસંગાભાઈ જે. પટેલ તથા વડગામ તાલુકા તેમન જિલ્લાના અન્ય સહકારી આગેવાનોએ આજના પ્રસંગે ઉપસ્થિત જનમેદની સમક્ષ  ગલબાભાઈની ઉત્તમ જીવનશૈલી તેમજ તે સમયના પછાત બનાસકંઠા જિલ્લાના ના તમામ સમાજને જગૃત કરી બેઠો કરવામાં તેઓશ્રીનું યોગદાન, દુષ્કાળના સમયમાં તેઓશ્રીએ હાથ ધરેલી કામગીરી , તે સમયના સમાજમાં પ્રવર્તેલી અંધશ્રધ્ધા, આભડછેટ  તેમજ કુરિવાજો જેવી બદીઓને નાબુદ કરવા તેમણે ઊઠાવેલી જહેમત તેમજ તેમના અન્ય સેવાકીય કાર્યોને બિરદાવી સમાજના વિકાસમાં સ્વ.શ્રીએ આપેલ યોગદાનને યાદ કરી સદ્દગતની જ્ન્મશતાબ્દી વર્ષની ઉજવણીને યથાયોગ્ય ગણાવી હતી. બનાસડેરીના ચેરમેને લાક્ષણિક અદામાં ગલબાકાકાને યુગપુરુષ તરીકે ગણાવતા જણાવ્યું હતુ કે નિયતી એ મને ગલબાકાકાના સતકાર્યોને ઉજાગર કરવાની જે તક આપી છે તેને હું મારું સદ્દભાગ્ય ગણું છુ. તેઓશ્રીના આશીર્વાદથી જિલ્લાના લોકોની  સેવા કરવાની મને તક મળી છે. બનાસકાંઠામાં ગલબાકાકાના આશીર્વાદથી મેડિકલ કોલેજ શરૂ કરવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે અને આ મેડિકલ કોલેજનું નામકરણ પણ લોકસેવક સ્વ. ગલબાકાકાના નામે થશે તે આપણા સૌના માટે ગૌરવની બાબત છે. સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો થકી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ જન્મશતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવશે અને સદ્દગતના અધુરા રહેલા સપનાઓને સૌના સાથ સહકારથી પુરા કરવાનો પુરો પ્રયાસ કરવામાં આવશે.

સંસારમાં રહી સાધુજીવન ગ્રહણ કરવું કપરૂ કામ છે જેને સહજતાથી સ્વ. ગલાબાભાઈએ જીવનપર્યત નિભાવ્યું એ કોઈ સંત ના બિરૂદ કરતા ઓછું ના ગણી શકાય પણ ગલાબાભાઈને એવી લાલસા પણ ક્યા હતી ? પણ પણ સમાજે આદર્શ જીવન જીવી જનારા પોતાના લોક્સેવકો ને ક્યારેય ભૂલવા ના જોઈએ એ પણ એટલું જ જરૂરી છે જે સંદર્ભે સ્વ. ગલબાભાઈએ કરેલા સત્કર્મો ની કદરરૂપે બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી  અને સંચાલક મંડળ દ્વારા સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલની જન્મશતાબ્દી વર્ષની ઉજવણીનો જે નિર્ણય લેવાયો છે તે સ્વ. ગલબાભાઈને સાચી શ્રધાંજલી અર્પવાની સાથે યથાર્થ છે.

૨૦૧૭ના સમગ્ર વર્ષ દરમિયાન બનાસડેરી, જિલ્લાની તમામ દૂધ મંડળીઓ તેમજ અન્યત્ર વિવિધ કાર્યક્રમો થકી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ જ્ન્મશતાબ્દી વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

નળાસર દૂધમંડળી, નળાસર ગ્રામપંચાયત, બનાસડેરી તેમજ ગ્રામજનો દ્વારા પદયાત્રા કાર્યક્રમને યોગ્ય આયોજન થકી સફળ બનાવ્યો હતો.

– નિતિન એલ.પટેલ (વડગામ)

નિષ્કામ કર્મયોગી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ.

[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ.  આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે “ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યુ હતું. જેમાગલબાભાઈના સમકાલિન મહાનુભાવો દ્વારા સ્વ. ગલબાભાઈને શ્રધાંજલી સંદેશ સાથે ગલબાભાઈ સાથે તેઓના અનુભવોનું સંકલન કરવામાં આવ્યુ છે,  જે વડગામવેબસાઈટ ઉપરસમયાનુસાર વિવિધ મહાનુભાવોના ગલબાભાઈ વિશેના લેખો અને શ્રધાંજલી સંદેશ લખવામાં આવશે. પ્રસ્તુત લેખ શ્રી કરશનભાઈ એન. પટેલ દ્વારા લખવામાં આવ્યો હતો.આ તબક્કે સ્વ.શ્રી ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથ સમિતિનો આભારી છું]

 

g-2‘ બનાસડેરી ’ ના આદ્યસ્થાપક, સાદગી અને સેવાના અનન્ય ભેખધારી લોકસેવક અને સૌજન્યમૂર્તિ સમા બનાસકાંઠાના લોકલાડીલા નેતા સ્વ. શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલની સાનિધ્યમાં રહી કામ કરવાની થોડીક તક મળી છે; ત્યારે સદ્દગતના જીવન કવન વિશેની મારા હર્દયમાં રહેલી ઊંડી ભાવનાઓ વ્યકત કરતાં અત્યંત ગૌરવ અનુભવું છું.

ખેડૂતોના સાચ રાહબર

સદ્દગત ગલબાભાઈ એક સામાન્ય સ્થિતિના ખેડૂતપુત્ર માંથી જિલ્લા-ભરમાં અને તે પછી સમગ્ર ગુજરાતમાં લોકનેતા તરીકે ખૂબ સારી ખ્યાતિ અને લોકચાહના મેળવી પોતાના જીવનને સાર્થક કરી ગયા અને પોતાના જીવનની સુવાસ અને પમરાટ ચિરકાલીન સમય માટે સર્વત્ર પ્રસરાવી ગયા.

ખેડૂત આલમને નિશદિન મૂંઝવતી સમસ્યાઓના ઉકેલને પોતાનું જીવનધ્યેય સમજી તે માટે અવિરતપણે સખત પરિશ્રમ ઉઠાવ્યો અને તે માટે સમગ્ર જિલ્લાનો વ્યાપક પ્રવાસ ખેડી ગ્રામ્ય જનતાના પ્રશ્નોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. ખેડૂતોના પ્રાણપ્રશ્નોના સમુચિત ઉકેલ માટે આજીવન ઝઝૂમતા રહ્યા. સ્વ. શ્રીએ નિ:સ્પૃહી લોકસેવા દ્વારા અનન્ય લોકચાહના પ્રાપ્ત કરી હતી. પછાત બનાસકાંઠાને અગ્રેસર બનાવવા માટે સ્વ. શ્રી ગલબાભાઈએ જીવનભર જે સેવા બજાવી છે; તે જિલ્લાના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે,

ધારાસભામાં પ્રવેશ : વામનમાંથી વિરાટ

સને ૧૯૫૨માં તથા સને ૧૯૫૭માં યોજાયેલી રાષ્ટ્રવ્યાપી સામાન્ય ચૂંટણીઓમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે નજીવા ખર્ચે વિશાળ બહુમતિથી બૃહદ મુંબઈ રાજ્યની ધારાસભામાં ચૂંટાઈ આવ્યા અને ત્યાં પણ તેઓશ્રી  ખેડૂતોના પ્રાણપ્રશ્નો માટે ઝઝૂમતા રહ્યા. સેવા અને સાદગીએ તો તેમના હર્દયમાં અપૂર્વ સ્થાન જમાવી દીધું હતું.

એક વખત રાજ્યની ધારાસભાના મંત્રીમંડળના સભ્યો તથા ધારાસભ્યો માટે યોજાયેલ એક ભોજન સમારંભમાં પ્રધાનો કાંટા તથા ચમચીથી જમતા હતા, જ્યારે સ્વ.શ્રી ગલબાભાઈ હાથથી જમતા હતા, જ્યારે સ્વ.શ્રી ગલબાભાઈ હાથથી જમતા હતા ત્યારે એક પ્રધાન મહાશયે તેઓશ્રીને, ‘ તમને જમતાં નથી આવડતું ? એમ કહી ટોણો માર્યો; ત્યારે તેઓશ્રીએ એ વખતે વળતો કેવો સરસ પ્રત્યુત્તર આપ્યો કે, “તમે જેના લોહી અને પસીના વડે તૈયાર થયેલુ અનાજ ખાઓ છો તે જગત તાત જે રીતે જમે છે તે રીતે હું જમું છું. આવા સમારંભોમાં તમારા બાપની મૂડી નથી વપરાતી; આ મૂડી તો ગરીબ ખેડૂતોના પસીનામાંથી પેદા થયેલી છે. દેશમાંથી અંગ્રેજોને તો કાઢ્યા; પરંતુ તમે નવા અંગ્રેજ બની બેઠા. “ કેટલો ઉમદા ઉત્તર ! આવો ઉત્તર તો સાચા અને નિ:સ્પૃહી લોકસેવકના મુખમાંથી જ નીકળી શકે.

ખેડૂતોના સાચા હમદર્દ તરીકેનું એક અન્ય ઉમદા ઉદાહરણ ખાસ ઉલ્લેખનીય છે કે દેશના તે વખતના બૃહદ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી પદે સ્વ. શ્રી મોરારજીભાઈ દેસાઈ હતા. સ્વ. શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ તત્કાલીન મુંબઈ રાજ્યના જાહેર બાંધકામ ખાતાના મંત્રીપદે હતા. ત્યારનો એક પ્રસંગ છે. રાજ્યની ધારાસભામાં તે દિવસે વિકાસને લગતી બાબતો અંગે ચર્ચા ચાલતી હતી. ચર્ચામાં ભાગ લેતા સ્વ. શ્રી ગલબાભાઈએ પોતાની તળપદી ભાષામાં બોલતા જણાવ્યું કે સરકાર નજીવી કિંમતના પાવડા, ત્રિકમ અને તગારાં રાખવા માટે હજારો રૂપિયાના ખર્ચે ગોડાઉન બાંધે છે, જ્યારે જેના પસીનામાંથી પેદા થયેલી આ મૂડી આ રીતે વપરાય છે તે જગત તાત સમો ખેડૂત પોતાની રૂપિયા બે હજારની કિંમતની બળદની જોડી શિયાળાની કડકડતી ઠંડી, ઉનાળાનો ગરમ તાપ અને ચોમાસામાં વરસાદના જોરદાર ઝાપટાં વચ્ચે થોરની વાડની ઓથે બાંધીને છાણાં કે ઝાડ-ઝાંખરાનું ઓશીકું કરી ઉપર આભ ને નીચે ધરતી, સાચા રખેવાળ રામના ભરોસે ઝેરી જીવજંતુઓની વચ્ચે સૂઈ રહીને પોતાની મહેનતકશ જિંદગીનો લ્હાવો માણે છે. આ જગત તાત ખેડૂતના બે બળદના રક્ષણ માટે આ સરકાર ચાર પતરાં કે પાંચ થેલી સિમેન્ટ આપી શક્તી નથી. તો પછી આઝાદી કોના માટે  ? સ્વ. શ્રીની આવી વાતો સાંભળી મુ. શ્રી મોરારજીભાઈ પણ રોષે ભરાતા અને સ્વ. શ્રી ગલબાભાઈને કેટલીક વખત રોષયુક્ત સ્વરમાં ઠપકો પણ આપતા. પરંતુ જરા પણ મચક આપે તો ગલબાભાઈ શેના ?

પંચાયતી રાજના યશસ્વી સુકાની

સને ૧૯૬૩માં ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજ અમલમાં આવતાં સદ્દગત ગલબાભાઈ વડગામ તાલુકા પંચાયતના પ્રમુખપદે બિનહરીફ ચૂંટાયા અને પાંચ વર્ષ સુધી તાલુકાભરની જનાતાની અનન્ય સેવા બજાવી. સને ૧૯૬૮માં સર્વાનુમતે જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા. તેમના વહીવટકાળ દરમિયાન જિલ્લો ભીષણ દુષ્કાળના કારમા પંજામાં સપડાયો ત્યારે આ દુષ્કાળગ્રસ્ત જિલ્લાનાં માનવ તથા પશુધનને ઉગારવા સદ્દગતશ્રીએ રાતદિવસ જોયા વિના અથાક પરિશ્રમ ઊઠાવ્યો.

મૂંગું પશુધન અને તેમાંયે ખાસ કરીને ગાયો, પાણી તથા ઘાસના અભાવે પગ ઘસીને મરવા લાગી ત્યારે અનુકંપાના ભંડાર સમા આ નિષ્કામ કર્મયોગીના હર્દયકુંજમાં દુ:ખનો પારાવાર દાવાનળ ભભૂકી ઊઠ્યો. તેમણે પાલનપુર અને વડગામ તાલુકાનાં ગામડાઓમાં ઠેર ઠેર સભાઓ ભરીને ખેડૂતોને હર્દયસ્પર્શી અપીલ કરી કે, “તમો દરેક ખેડૂત ઓછામાં ઓછી એક ગાયને બચાવો. તમને ખૂબ પૂણ્ય થશે. તમારાં ઢોરોનો ઓગાઠ ખાઈને તે જીવશે. આટલું કામ જરૂરથી કરો. ભગવાન તમારું ભલું કરશે. “સાચા કર્મયોગીના આવા પવિત્ર સાદે ખેડૂતોના હર્દયને હચમચાવી નાખ્યુ અને દરેકે ખેડૂતે એક એક ગાય પાળવાની તૈયારી બતાવી. ઉપરાંત જીવદયા મંડળી – મુંબઈના કાર્યકરો તથા જિલ્લાના સંસદસભ્ય શ્રી સદોબા પાટીલને  ગીતાના સંદેશ સમો ગાયોનો પોકાર પહોંચાડી ગાયોની વહારે ધાવા અપીલ કરી. મૂંગા પશુધનને ઉગારવા પશુનીરણ કેન્દ્રો ખોલાવ્યા. ગરીબ અને નિરાધાર લોકો માટે રાહત-રસોડાં અને સુખડી વિતરણ કેન્દ્રો શરૂ કરાવ્યાં. પીવાના પાણીની અને છાશની પરબો તથા રાહ્તકાર્યો દ્વારા માનવ તથાં પશુધનના નિભાવ માટે અથાક અને અવિરત પરિશ્રમ દ્વારા અનન્ય સેવા બજાવી. અને તે દ્વારા અનનય લોકચાહના પ્રાપ્ત કરી.

હર્દયની વિશાળતા અને સચ્ચાઈ, દ્રષ્ટિની દીર્ઘતા અને લોકો સાથેનું તાદાત્મય માણસને પોતાના વ્યક્તિત્વની ખિલવણી માટે જબરું બળ આપે છે. સ્વ. શ્રી ગલબાભાઈના વ્યક્તિત્વને આ ગુણોથી જ બળ અને પોષણ મળતું હતું. તેમની શક્તિનો સ્ત્રોત તેમના આ ગુણોને જ આભારી હતો.

સહકારી પ્રવૃત્તિના મહાન પુરસ્કર્તા

સહકારી ક્ષેત્રે સદ્દગતની સેવાની સૌથી મહાન અને અજોડ સિધ્ધિ “ બનાસ ડેરી “ છે. સ્વ. શ્રીના સમગ્ર જીવનભરની સેવાના નિચોડરૂપે આ “ડેરી” તેમના જીવંત સ્મારક રૂપ છે. જિલ્લામાં શ્વેત ક્રાન્તિ મારફતે જિલ્લાના ખેડૂતો તથા પશુપાલકોની આર્થિક અને સામાજિક કાયાપલટ કરવામાં  અને તે માટે સદ્દગત જીવાત્માએ સેવેલા સોનેરી સ્વપનો સિધ્ધ કરવામાં આ સહકારી સાહસ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રદાન કરે તે માટેની વિશેષ જવાબદારી તેઓશ્રીના સાથીઓ અને અનુયાયીઓ ઉપર આવી પડેલ છે. તે કામ તેઓ નિષ્ઠાપૂર્વક અને ઉત્સાહપૂર્વક પાર પાડી સ્વર્ગસ્થની કલ્પનાઓને મૂર્તિમંત બનવશે તેવી શ્રધ્ધા છે.

સેવામૂર્તિ સ્વ. શ્રી ગલબાભાઈના જીવનમાંથી પ્રેરણા મેળવી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે  શક્ય તે તમામ પ્રયાસો આદરી સદ્દગત પ્રત્યેનું ઋણ અદા કરવા સૌ કોઈ આગળ આવે તે ઉચિત ગણાશે.

બનાસકાંઠાના વિશાળ ખેડૂત સમાજ અને ગામડાંની જનતાને હક્કો અને અધિકારો માટે  જાગ્રત કરનાર  આ મહામાનવનું સાચુ સ્મારકતો તેઓશ્રી જે આદર્શો અને મૂલ્યો માટે જીવનભર ઝઝૂમ્યા તેને મૂર્તિમંત કરવા માટે  તેમના સૌ સાથીઓ અને મિત્રો કટિબધ્ધ બને તે જ છે.

આ વેબસાઈટ ઉપર લખવામાં આવેલ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેના અન્ય   લેખો વાંચવા  અહીં ક્લીક કરો.