પસવાદળ – મારું ગામ મારું જીવન : નીતિન રાવલ.
પીળું પડી ગયેલું સરકારી મકાન ઓટલા જેવી સાઈઝના બે પગથિયા વાદળી કલર કરેલો દરવાજો એમાં પ્રવેશ કરતા એના પછી રૂમ અને એના તરત પછી રસોડું પાછળ નાવા ધોવા માટેની ચોકડી ઘરની બહાર ડાબી બાજુ ઉભેલી પીપળી અને પગથિયા થી થોડા અંતરે ઉભેલી જૂની લક્ઝરી કમાન્ડર દિવાળીના દિવસનું આ દ્રશ્ય કાયમ માટેનું લગભગ હું દસેક વર્ષનો હશું ત્યારથી વ્યવસ્થિત યાદ છે આ બધું.
પપ્પા સરકારી વર્ગ ૩ ના કર્મચારી છ સંતાન પાંચ બહેનો અને હું એક ભાઈ. કમાન્ડરમાં આગળ પપ્પા બેઠા હોય વચ્ચેની સીટમાં બે મોટી બહેનો મમ્મી અને પાછળ અમે ચાર ભાઈ-બહેન ત્યાંથી મારું વતન પસવાદળ 90 કિલોમીટર ખરું કમાન્ડર ઉપડે એટલે એવું લાગે કે આ વતન ભણી વાટ શરૂ થઈ. અવનવા વતનના દ્રશ્યો મનમાં આવતા જાય અને રસ્તામાં એકાદ સ્ટોપેજ હોય પપ્પાને ચા પીવાની ટેવ ડ્રાઇવરને ચા પીવડાવે અને અમે બધા ચા પીએ અમદાવાદ પાલનપુર હાઇવે આવે ત્યાંથી 25 કિલોમીટર આગળ જતા ડાબી તરફ અમારા ગામનું બોર્ડ મારેલું ત્યાંથી અમારી સફરની રોમાંચકતા ચાલુ થાય કારણ કે ત્યાંથી ચાલતા જવાનું હવે ગામડાનું ઘર તો બંધ પડેલું ઘરવખરી ને થોડો ઘણો સામાન અમે ધાનેરાથી જ લેતા જતા સાથે પ્રાયમસ ખરો પેલો જૂનો પ્રાઇમસ. પ્રાયમસ પકડવાનો વારો મોટી બહેનનો આવે બીજું બધું થોડું ઘણું કપડા અને પોટલાઓ પકડી અમે વાટ પકડીએ વતન ભણી હવે ચાલતા જતા અવનવા પ્રશ્નો જાગે અને પપ્પાને પૂછતા જઈએ કે આપણા ગામના ખેતરો ક્યાંથી શરૂ થાય વચમાં એક પાડાનો તબેલો આવે હવે એ તબેલો વર્ષોથી ખંડેર હાલતમાં જોયેલો અને એ આવે ને મનમાં થોડો ડર લાગે. હવે ખંડેર ની હાલત જોઈને જ આપણને સ્વાભાવિક ભૂતનો ભાસ થાય એ પાડાનો તબેલો વટી જઈએ ને ગામની સીમ દેખાય ગામની સીમમાં પ્રવેશ કરતા જ ડાબી તરફ મારી ધોળી ધજા વાળા વીર દાદાની ધજાના દર્શન કરીએ દર્શન કરી સપાઈયોના મેલ્લામાં થઈ અને થોડો ઢાળ ચડીએ ત્યાં અમારો મેલ્લો આવે વચ્ચે વચ્ચે ગામવાસીઓ મળે અને ટહુકા સંભળાય ‘એ મુકેશભાઈ આવી ગયા આ વખત કેટલું રોકાવાના?’ અને જે પૂછે વળતો મારો પ્રશ્ન હોય, ‘ પપ્પા આ કોણ પપ્પા પેલું કોણ?’ તો પપ્પા કહે, ‘આ પરથીભાઈ , મનુભાઈ આ અકબરભાઈ આ મોજીમાં પેલા જોમતાજી અને એમની સાથે મદાજી’ એમ એમ ગામના પાત્રો મનમાં લીસ્ટ થતા જાય અને પછી અમારા વાણીયા બામણ નો મેલ્લો જમણી તરફ આવે. બે ઘર વચ્ચે 15 એક ફૂટની જગ્યા ડાબી તરફ બે ઘર આમ તો ઘર નહીં એ તો મેડી કહેવાય કેમકે ત્યાં અમારા ગામના નગરશેઠ નવીન કાકા નવીન કાકા પરીખ એમની મેડી અને સામે બે નળિયાવાળા ઘર એમાં જમણી બાજુ નું ઘર પપ્પાના ભાગે આવેલું અને પ્રવેશતા જમણી બાજુ નું પહેલું ઘર મોટા બાપા ના ભાગે જુના લાકડાના કમાડ , ઉપર નળિયા ,આગળ છાપરું અને ધૂળથી ભરેલું આંગણું મમ્મી બહેનોને કામે વળગાડે થોડી ઘણી ઘરની સફાઈ થાય હવે એ વખતે કોઈ ધૂળની એલર્જી પણ ના થતી.
ગામડે પહોંચતા લગભગ સાંજ થઈ ગઈ હોય સુર્યાસ્ત થવાની વાર હોય એટલે અમે ભાઈ બહેનો જીદ પકડતા કે પપ્પા ખેતરમાં જઈએ હવે ખેતરમાં કાકી અને ફઈ હોય જ ત્યાંથી પાછું દોઢેક કિલોમીટર ચાલતા ચાલતા ખેતર જઈએ વચમાં વિરેશ્વર મહાદેવ આવે ત્યાં દર્શન કરીએ ખેતરમાં પ્રવેશતા જ દૂર છાપરું દેખાય ત્યાં જઈએ એટલે કાકી બોલે , ‘આવી ગયા ભાઈ ‘ તરત જ હું બોલું કે ,’ધુળાભા ક્યાં છે?’ ધુળાભા અમારા ખેતર વાવે વર્ષોથી પ્લાસ્ટિક જેવા લાગતા ખેતર વાળા બુટ ધોતિયું ઘેલો મેલો ઝભ્ભો માથે ફાળિયું અને ફાળિયા ની અંદર ટોપી પહેરેલી હોય એ ધૂળાભા પાણી પીવા માટે પેલું પાંચ લીટરનું તેલનું ડબલુ આવે ને એ રાખતા એમાંથી અમને પાણી પીવરાવે. પછી અમારો પડી ગયેલો કૂવો જોવા જઈએ. ત્યાં ઘટાદાર લીમડો મારા ખેતરમાં એની નીચે બેસીએ સાંજ થતા કાકીએ ભેસ દોહી હોય તે દૂધની બયણી ભરે અને અમે પાછા ચાલતા ચાલતા ઘરે આવીએ.
ઘરે આવતા આવતા સાંજ ટાણું થઈ ગયું હોય ગામના બધા મંદિરોમાં ઘંટારવ શરૂ થઈ જાય અને પપ્પા બોલે ચાલો માતાજીના મંદિરે આરતી કરવા અમે આરતી કરવા જઈએ આરતીમાં ધ્યાન ઓછું અને પેલો પ્રસાદ મળે ને એમાં ધ્યાન વધારે એટલે ગોઠવાઈ જઈએ આરતી કર્યા પછી જે મહાપ્રસાદ આપે બા એ મહાપ્રસાદ અમૃત જેવો લાગે હાથની હથેળીમાં થોડો મૂકે અને અમે ખાઈએ અને કોઈક વખત તો ફરીથી લાઈનમાં આવીને બીજી વખતે લઈ લઈએ પાછા ઘરે આવીને ભાઈ બહેનોમાં વાતો થાય કે તે કેટલી વખત લીધો ઘેર આવ્યો એટલે મોટા બાપા તૈયાર હોય એમનો ખાટલો ઢાળેલો હોય ખાટલામાં બેસીએ બાપા જોડે વાતો કરીએ બાપા અવનવી વાતો કરે ત્યાં જ એલ એમ એલ વેસ્પા સ્કૂટર લઈને મોટો ભાઈ આવે એ વડગામ નોકરી કરતો એટલે એ આવે અને સ્કૂટર સ્ટેન્ડ ઉપર કરે એટલે સ્કૂટર ઉપર બેસી અને સ્કૂટર ચલાવતા હોય એવો આનંદ લેવાનો. રાત પડે રાત્રે અમે તો બાપાના ઘરે જઈએ ફઈ મસ્ત બિસ્કીટ જેવી ભાખરીઓ બનાવે એકાદ બે ભાખરી ખાઈ પછી ઘરે જઈએ મમ્મીએ જે કંઈ જમવાનું બનાવતી હોય જમીને પાછા રાહ જોઈએ ધુળાભાની હવે એ ધુળાભાનું બપોરનું ભાથું ફઈ અને કાકી લેતા જાય પણ રાત્રે તો એમને ઘરે જ આવવાનું અને રાત્રે ઘરે જમવા આવે ને એટલે હું ધુળાભા જોડે ગોઠવાઈ જાઉં. એમના માટે બિસ્કીટ ની ભાખરી ના ચાલે ઘઉંના રોટલા બે બનાવે ફઈ અને બે રોટલા મોટા મોટા ખાધા પછી ધૂળાભા બોલે , ‘ કાંતિભઇ’ એટલે બાપા એમને 10 રૂપિયા આપે . ત્યાંથી નીચે ઉતરી 10 રૂપિયાની બીડીની ગડી પેટી લઈ અને ડાંગ પકડી ખેતર ભણી હું ધુળાભાને પૂછું ‘ધૂળાભા ખેતરમાં તમને બીક નહીં લાગતી’ એટલે ધુળાભા કહે, ‘શાની બીક ઘરમાં તે વળી બીક લાગતી હોય ખેતર એ જ મારું ઘર.’
એક વખત એવું બન્યું કે બાપાએ રૂપિયાનો સિક્કો આપ્યો વાપરવા હું ઢાળ ઉતરી અને ચોપટે અમારા ભીખાભા વાણીયા ની દુકાન ત્યાં ગયો ત્યાંથી પેલા આમલી વાળા કચુકા લીધા બાજુમાં જોયું તો એરંડા પડ્યા હતા એટલે મેં ભીખાભાને પૂછ્યું કે , ભા ! એરંડા દુકાનમાં કેમ રાખો?’ એટલે કે , ‘બકા આ એરંડા લોકો વેણીને ભેગા કરીને લઈને આવે અને હું તોલીને થોડા પૈસા આપું’ અને મેં ઘેર આવીને બહેનોને વાત કરી કે ભીખાભા એરંડા વેચાતા લે. તો આપણે કાલે ખેતરમાં પ્લાન બનાવીએ અને થોડા ઘણા એરંડા તોડવા તો કોઈ દે નહીં નીચે પડ્યા હોય એ જ ભેગા કરવાના તો બીજા દિવસે અમે ભાઈ બહેનો ઉપડી ગયા ખેતરમાં બપોરનું જમી અને સીધા ખેતરમાં ગયા ત્રણ ચાર કલાક એરંડા ભેગા કર્યા એ પ્લાસ્ટિકની થેલીમાં લગભગ કિલો બે કિલો એરંડા ભેગા થયા હશે અને સાંજે આવીને ભીખાભાને આપ્યા ભીખાભા એ વખતે બે ત્રણ રૂપિયા કંઈક આપે. પૈસા તો કોને લેવા હતા વસ્તુ જ લેવાની હતી. એ દિવસે એટલો આનંદ થયો કે સાલુ ખેતરમાં વીણવાની મજા કોઈ થાક નહીં અને ઉલટા નું આનંદ. બધુ પપ્પાને કીધું પપ્પા કે ‘ખેતરમાં આવી રીતે જવાય? કાંટા વાગી જાય તો આ થઈ જાય તો પેલું થઈ જાય તો’ પણ અમે તો અમારી મસ્તી માં વતનની મોજ લૂંટવા આયા હતા પછી એક બીજી વસ્તુ એ ખબર પડી કે બાવળનો ગુંદ હોય ને એ ભેગો કરીને પણ વેચાય કા તો ઘરમાં વપરાય તે બે ત્રણ દિવસમાં બાવળના ગુંદ વીણવા જતા હવે બાવળના ગુંદ વીણવા જઈએ ને એટલે નારિયેળની પેલી કાચલી હોય ને એ લેતા જઈએ એમાં ગૂંદ ભરીએ. બહેનો બાવળ પર ગુંદ ચોટેલો હોય એ બતાવે ને હું તોડું. ઘણી વખત તો એકદમ પથ્થર જેવો ગોળ લીસો ગુંદ થયેલો હોય ક્યારેક થોડે ઊંચા હોય તો કંઈક લાકડું આજુબાજુમાં પડ્યું હોય તો એનાથી ઉતારીએ બેનો મને ઊંચો કરીને બાવળ ઉપર ચડાવે એટલે હું થોડોક ગુંદ લઈ લઉં એમ ગુંદ ભેગો કરતા અને મમ્મીને જઈને આપતા મમ્મી કે આ ગુંદને સાફ કરવો પડશે અને સાફ કરી મમ્મી એની પેત બનાવતી ગુંદ ની પેત.
દર વખતની જેમ ગામમાં અમે જઈએ અને બે ત્રણ જગ્યાએ જમવાનું આમંત્રણ ના હોય એવું ના બને ગામની વ્યવસ્થા એવી ગોઠવાયેલી સવારે ભીખાભાઈ નાઇ હાદ પાડવા આવે કે ફલાણા ફલાણાના ઘરે જમવાનું છે હા કટમ એટલે ઘરમાં ખુશીની લહેર ફેલાઈ જાય અને બીજા દિવસે પહોંચી જવાનું જમવા. અમારું ગામ એટલે પસવાદળ અને પૌરાણિક નામ પુષ્પાવતી નગરી એટલે ગામના દરેક તરફની એન્ટ્રીમાં એક એક મંદિર. દરેક સ્થળે વારાફરતી એક એક મંદિરના દર્શન કરવા જઈએ. વરસના મોટાભાગના દિવસોએ ગામમાં હોમ હવન ચાલુ જ હોય. ગામના રહેવાસી પણ એટલા ધાર્મિક, શ્રધ્ધાળુ, માયાળુ પ્રેમાળ કે વાત જ ના પૂછો. હું અંગત રીતે મને નસીબદાર માનું છું કે મારું ગામ પસવાદળ છે.
સોનામાં સુગંધ ત્યારે ભળે કે પપ્પા એવો મેસેજ આપે કે નબદાફઈ જોસનાફઈ અને રમીફઈ કાલે આવવાના છે એટલે અમારો પ્રશ્ન તરત હોય કે ‘પકો , નીલિયો , હાર્દિકને બધા આવવાના છે?’ એ બધા ભાણીયા એટલે એ તો સાથે આવે અને અમે જે ઘર માથે લઈએ અને એ આવવાના હોય ને એટલે અમારો હિંચકો બંધાઈ જાય લાકડાનો ખાટલી વાળો હીંચકો એને ઢોલડી કહીએ અમે ઢોલડી હીંચકા માં અમે બધા હમાઈ જઈએ અને બપોરે બે થી ત્રણ કલાક હીચકા ની મોજ પાછા નવરા પડીએ એટલે ચકા રમીએ ચકા અને જો અશોક ફુવા આયા હોય તો રાત્રે અમારી એક બે કલાકની વાર્તાઓ પાકી ભૂતના કિસ્સાઓ સંભળાવે અને અમે ટૂટીઓ વળીને આજુબાજુમાં બેઠા હોઈએ એ કિસ્સાઓ હજીયે યાદ છે બે ત્રણ દિવસ ફઈઓ રોકાય ને ખબર પડે કે આ દિવસે ફઈઓ જવાની છે સાતની લોકલ માં એટલે હું તો ખાસ આગલા દિવસે રાત્રે ફઈને થેલીઓ સંતાડી દઉં. સવારે શોધમ શોધ ચાલુ ક્યાં ગઈ થેલી ક્યાં ગઈ ગમે તે કરીને સાત વગાડવાના હોય જાણી જોઈને હંતાડેલી હોય અને મને કે , ‘ટીનિયા તેજ હંતાડી હશે.’ મે કીધું , ‘એક દિવસ રોકાઈ જા ને હવે અમે બે ત્રણ દિવસ રોકાવાના છીએ તમે એક દિવસ રોકાઈ જાવ’ એટલે લાગણીને વશ થઈ ફઈ કે , ‘હેડ તાણ આજે નથી જતા કાલે જઈશું બસ પણ કાલે પાક્કા જતા રહીશું રોકતા નહીં’. અને એક દિવસ ફઈનું રોકાણ કૃષ્ણ સુદામા ના મિલન જેવું લાગે ફરી એક દિવસ વધારે રોકાય એ દિવસોનું મહત્વ એ દિવસોને નીચોવીને રાત દિવસ સવાર બપોર સાંજ જે આનંદ લેતા એવું લાગતું કે આ જીવન છે અને આ આનંદ રહેશે હંમેશા માટે. સમયનું ચક્ર ચાલે જાય અને દર દિવાળીએ આવું દ્રશ્ય ભજવાતું જાય પણ પેલું બાળ માનસમાં એટલી અખૂટ શ્રદ્ધા એટલો વિશ્વાસ કે મારી દુનિયા આ જ છે અને મારો ધંધોય આ જ છે. રમવું ફરવું જલસા કરવા આનંદ લૂંટવો પણ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ સ્થાયીકરણ હતું ને એ તૂટતું ગયું દસમાનુ બોર્ડ આવ્યું 11-12 સાયન્સમાં ભણવાનું વેકેશનના ભોગે. બે ત્રણ દિવાળીતો ગામમાં ના જવાય કોલેજો ચાલુ થઈ બહેનોના લગ્ન લેવાયા ઘરમાંથી બહેનોએ ગઈ સાસરે. ત્યારે બદલાવ નજર સામે દેખાતો થયો પપ્પા મમ્મીની ઉંમર થઈ કોલેજ કરીને હું નોકરી લાગ્યો મારી સગાઈ ની વાતો આવવા માંડી હવે એ બદલાવ એવો તો આત્મામાં ભળી ગયો તો કે જૂનું છૂટી ગયેલું દુઃખ એ યાદ જ નહોતું આવતું.
સમય તમને સમય નથી આપતો સમય આગળ આગળ જ જાય છે સમય પાસે સમય માંગ્યો તો તમારો સમય ગયો સમય સાથે કદમ મિલાવવા જ પડે. મારા લગ્ન થયા હું નોકરીએ લાગ્યો ખરા સમયની શરૂઆત થઈ સંસારની શરૂઆત થઈ વર્ષો પછી મારા પપ્પાની વિદાય થઈ એના બે ત્રણ વર્ષ પછી મમ્મીની વિદાય થઈ મારી પાંચે પાંચ બહેનો સાસરે જતી રહી. હું રોહિણી અને મારા બે દીકરા રહ્યા ઘરમાં. પણ સમય એવો બદલાયો કે પેલી કમાન્ડર પેલો અમારો પ્રાઇમસ , પેલી ત્રણ કિલોમીટર ચાલતા જવાની વાત એની જગ્યાએ મારી ગાડી આવી. ગામડાના ઘરે અને ગાંધીનગરના ઘરે ગેસનો સ્ટવ આવી ગયો અને અમારા જે ઘર હતા ને એ ઘર કાટમાળ થઈ ગયા ત્યાં ખુલ્લા પ્લોટ થઈ ગયા નવીનચંદ્ર શેઠની મેડી જમીન દોસ્ત થઈ ગઈ , ખેતરમાં જવાની ઈચ્છા નથી થતી ત્યાં ધુળાભા નથી ને પેલું પાણી પીવાનું પાંચ લીટરનું તેલનું પ્લાસ્ટિકયુ નથી મારી ફઈ નથી પેલા બાવળ કયા ગયા એ ખબર નથી બાવળ દેખાતા જ નથી દર મહિને પગાર આવે છે એરંડા વીણવા ક્યાં જવું એવો પ્રશ્ન નથી ઉદભવતો રૂપિયાની જગ્યાએ છોકરાઓ 10 રૂપિયા ની નોટ માગે છે ગામમાં બધે બ્લોક અને આરસીસીના રોડ થઈ ગયા ધૂળ ક્યાય દેખાતી નથી એટલે જ હવે ધૂળની એલર્જી થઈ ગઈ છે. મને લાગતું કે બધું સ્થાયી રહેશે પણ ભગવાન કઈ સ્થાયી રહેવા દેતો નથી બધું ત્યાં જ પડ્યું છે ગામની જમીન ત્યાં છે ધાનેરાની જમીન ત્યાં છે તો આ બધું ગયું ક્યાં? કોણ લઈ ગયું? આ સમય; સમય કાળ બનીને આવે છે એ કાળ જ છે આપણો મોટામાં મોટો દુશ્મન હોય તો એ સમય અને નજીકમાં નજીકનો મિત્ર હોય તો એ સમય. સ્થાયી હતું એ બધું જ અસ્થાયી છે એ હવે માનવું પડે છે અનુભવી શકાય છે અને હું માનું છું. તો શું મારે દસ વર્ષના દીકરાને આ વાત કહેવી કે ના કહેવી એ જ દ્વિધામાં હોઉં છું એના માટે તો આ હાલ જે પરિસ્થિતિ છે એ સ્થાયી હશે. પ્લોટમાં મૂકેલી અર્ટીગા ગાડી, ગાડી લઈને ખેતરમાં જવાનું ₹10 ની નોટ વાપરવાની મોબાઇલમાં રચ્યા પચ્યા રહેવાનું પણ મારા બાળપણમાં જે અભાવ હતો એ આજે મારા માટે નિભાવ છે આજે મારા દીકરાને આ સ્થાયી લાગતું હશે એ અભાવ પણ ક્યાંક એને દેખાતો હશે પણ હજુ વર્ષો વીતશે પછી એને લાગતો આ અભાવ એ અસ્થાયી બનશે. એનો નિભાવ બનશે અને નવી પેઢી બદલાશે એટલે એ પેઢી માટે ફરીથી અભાવ અને ફરીથી નિભાવ આ સ્થાયી અને અસ્થાયી ચક્ર છે એમાં સાલુ જીવન પૂરું થઈ જાય છે.
આ બધું કોઈ કાળે પાછું તો આવવાનું જ નથી પણ ક્યારેક ક્યારેક જીવતા છીએ ત્યાં સુધી ભૂતકાળમાં ડોક્યુ કરી લેવાનું મન થાય છે ભલે હયાત ના હોય એ વસ્તુઓ એ વ્યક્તિઓ પણ એમની યાદ ભીતર કોહરામ મચાવે છે મને લાગે છે આ જીવનમાં આ સંસ્મરણો આ યાદો તાજી કરવી એ ક્યાંકને ક્યાંક નેચરલ હિલિંગ છે. 60- 70 વર્ષના જીવનમાં આ સ્થાયી અસ્થાયી દુનિયામાં બીજું તો શું કરી શકાય ભોગવિલાસ સિવાય. બસ આવું મનોમંથન કરીએ એ જ જીવન અને આ આપણું મનોમંથન કોઈ સાંભળવા તૈયાર નથી કારણ કે સમય એમને રોકે છે સ્થાયીકરણ લોકોના મનમાં ઘર કરેલું સ્થાયીકરણ એમને રોકે છે પણ આપણને ક્યાં ખબર પડે છે કે ઘડીના છઠ્ઠા ભાગમાં સ્થાયી હતું ન હતું અસ્થાયી થઈ જાય છે. આથી જ તો મતભેદ થાય પણ મનભેદ ના થવા જોઈએ. જીવી લઈએ જેટલું જીવાય એટલું પ્રેમથી.
નીતિન રાવલ , નીમુ’રા

Follow