ગલબાભાઈ નાનજીભાઈ પટેલ - જીવન ઝરમર

બનાસકાંઠાને મારે દોડતો કરવો છે. – ગિરીશ એ. શાહ…

[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ.  આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે “ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યુ હતું. જેમાગલબાભાઈના સમકાલિન મહાનુભાવો દ્વારા સ્વ. ગલબાભાઈને શ્રધાંજલી સંદેશ સાથે ગલબાભાઈ સાથે તેઓના અનુભવોનું સંકલન કરવામાં આવ્યુ છે,  જે વડગામવેબસાઈટ ઉપરસમયાનુસાર વિવિધ મહાનુભાવોના ગલબાભાઈ વિશેના લેખો અને શ્રધાંજલી સંદેશ લખવામાં આવે છે. આ તબક્કે સ્વ.શ્રી ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથ સમિતિનો આભારી છું]

 

 

GNP-25ભારત-પાક સંઘર્ષના એ દિવસો હતા. બનાસકાંઠાના સુઈગામ આગળની આંતરરાષ્ટ્રીય સરહદ તે વખતે સળવળી ચૂકી હતી. નગરપારકરનાં સેંકડોની સંખ્યાંના શરણાર્થીઓ સુઈગામના અતિથિ બન્યાં હતા. રાજ્ય સરકારે એ શરણાર્થીઓ માટે ખાસ કેમ્પ શરૂ કર્યો હતો.

આવી સ્ફોટક પરિસ્થિતિમાં પણ-આમ સામાન્ય રીતે સાવ શાંત રહેતું બનાસકાંઠા એકદમ સફાળુ બેઠું થયું હતું. દેશના અન્ય બાંધવોની સાથોસાથ બનાસકાંઠાને પણ આ રાષ્ટ્રીય આપત્તિ ટાણે કંઈક કરવાના કોડ હતાં.

ડિસેમ્બરની તે ખુશનુમા સાંજ હતી. બનાસકાંઠાની ધરતી તે મારો પ્રથમ દિવસ હતો. આ ધરતી એટલે ‘ફુલ, અત્તર અને તસવીરકલાનું સંગમસ્થાન. કેટલાક તેની સાથે ‘ધૂળ’ ને પણ સંલગ્ન કરતા હતાં.

સ્ટેશન વિસ્તારમાં હું ઊતર્યો હતો તે સરકારી ‘રેસ્ટ હાઉસ’ માં ભોજન પછીથી આરામથી લેટ્યો હતો. એક જીપે તેમાં પ્રવેશ કર્યો. તેમાંથી એક આકર્ષક યુવાને બહાર આવી મારી તરફ ડગ માંડ્યાં.

“આપ શાહ સાહેબ?”

“ હા. જી. ”

આગંતુક તે વખતના પાલનપુરના ઋણ અધિકારી શ્રી પ્રફુલભાઈ ઠકકર હતા. તેમણે તે વખતના બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર શ્રી રમેશભાઈ છાયાનો સંદેશ આપ્યો. હું અને શ્રી ઠક્કર તેમની જીપમાં પાલનપુરના હર્દયસમ ‘દીલ્હી-ગેટ’ વિસ્તારમાં ગયા. એક મંચ પર પાલનપુર શહેર તેમજ જિલ્લાના કાર્યકરો એકત્ર થયા હતા. સામે સારુય પાલનપુર ‘કંઈક કરવાના ‘ મૂડમાં યોગ્ય દોરવણી ઝીલવા એકત્ર થયું હતું.

મંચની પાછળના ભાગમાં થઈને એક બીડીની દુકાનમાં મેં મારું સ્થાન લીધું. મને પાછળથી જાણ થઈ કે એ દુકાન મારા વ્યાપારી-પત્રકાર-મિત્ર શ્રી પીતાંબર પઢિયારની હતી.

જાહેર સભાનો આરંભ થયો. જિલ્લા કલેક્ટર શ્રી સહિત અનેક કાર્યકરોએ સમયના આ પડકારને ઝીલી લઈ નાગરિક સરંક્ષણ પ્રવૃત્તિઓ સહિત ‘સરક્ષણ ફાળો’ એકત્ર કરવાનો નિરધાર કર્યો. સમયની તાકિદ સૌને સ્પર્શી ચૂકી હતી. એક પછી એક કાર્યકરો તેમની વાત કહેતા, તે વખતે મારી પડખે બેઠેલા મારા અન્ય પત્રકાર મિત્ર શ્રી હરગોવિંદ વૈદને હું તેમની ઓળખાણ પૂછી લેતો. આ રીતે જિલ્લાના કાર્યકરો મારફત હું મારા હવે પછી બનનારા – અને હવે તો મારા બની ચૂકેલા બનાસકાંઠાની જાણકારી પ્રાપ્ત કરી રહ્યો હતો.

“— અને આ અમારો ગલબો કાકો “

શ્રી વૈદે મંચ પર સીધા સાદા, ઈસ્ત્રી વગરનાં પણ ધોયેલાં, ગળી કે ટીનોપાલ વગરનાં ધોતી-ઝભ્ભામાં સજ્જ એક કાર્યકર તરફ મારું ધ્યાન દોરતાં કહ્યું”. તેમની ભાષા જરા તોછડી પણ કપટરહિત, હર્દયસ્પર્શી અને તેમાં શબ્દોનો કોઈ આડંબર ન હતો. તેમના મંતવ્યમાં બનાસકાંઠાની ગ્રામપ્રજા વધુ અનાજ પકવીને ‘સરહદના સંત્રીને સહાયરૂપ થવાની વાત હતી.

ગલબાભાઈ પટેલનો મારો એ પહેલો પરિચય. એ પછીથી તો તેમને અનેક પ્રસંગોએ મળવાનું મારે થતું. તેમના દ્વારા બનાસકાંઠાના એક માત્ર ઉદ્યોગ અને સહકારી સાહસ ‘બનાસ-ડેરી’ની સાહસગાથાથી હું પરિચિત થયો. તેમના સપનાની ઝાંખી તેમણે પોતે અને ડેરીના જનરલ મેનેજર શ્રી. એચ.બી.દેસાઈએ તે વખતે મને કરાવી હતી. આજે તો તે જ્ઞાનસાકાર બની ચૂક્યું છે. બનાસકાંઠાના ખેડૂતો, પશુપાલકો અને તેનાં ગ્રામ-અર્થકારણની ‘બનાસડેરી’ આજે તો સબળ કડી બની ચૂકી છે.

ગલબાભાઈ સાથે અનેક સમારંભોમાં જવાનું થતું, અત્યંત નિરાભિમાની, સરળ, અને સાદા એવા આ ગલબાભાઈ પત્રકારોના સન્મિત્ર હતા. તમનું ભોજન પણ એટલું જ સાદું. દૂધપાક-પુરાના જમણમાંય તેમની થાળીમાં તો બાજરાનો રોટલો જ હોય ! જવલ્લે જ આસ્વાદવાળા મળતા રોટલાનો લાભ તેમની સાથોસાથ અમને પણ મળતો.

તેમની સાથે વાતચીત દરમિયાન તેઓ હરહમેંશાં બનાસકાંઠા જિલ્લાના ઉત્કર્ષની ઊલટભેર ચર્ચા કરતા.

બીજા જિલ્લાની માફક બનાસકાંઠા દોટ મૂકે તેવું મારે કરવું છે….અને શાહ સાહેબ…એવું કાંક કરો કે અમારા જિલ્લાનું છાપામાં કંઈકને કંઈક રોજ આવતું રે….”

– એ સાદા-સીધા ખેડૂતના મનમાં મારી એક વાત બરાબર બેઠી હતી :

“ કાકા, જે કંઈ પ્રવૃત્તિ થાય છે તે બહારની દુનિયાએ જાણવી જરૂરી છે. આપણે તો દુષ્કાળ, ગરીબી માંથી બનાસકાંઠાને મુક્ત કરી તેને નવા ઉદ્યોગો દ્રારા દોડતો કરવો છે..”

પછી પત્રકાર-મિત્રો તરફ ફરી તે કહેતા પણ ખરા, “તમે ધારો તો અમારું સ્વપ્ન સિધ્ધ કરી શકો તેમ છો.”

ઘણી વખત ગલબાભાઈ મારી તરફ જોઈ કહેતા, “સાહેબ, આ જિલ્લો પછાત… એટલે સજા પામતા અધિકારીઓને અહીં મોકલવામાં આવે છે…પણ આવતી વખતે ‘રડતા એ અધિકારીઓ જતી વખતે “હસતા’ જાય છે…એટલી ઘનિષ્ટતા અને પ્રીત્યું તેઓ અમારી સાથે લગાડતા જાય છે.”

– અને સાચે-સાચ એમ જ છે.

તે દિવસે ગલબાભાઈના અવસાન વખતની સ્મશાન યાત્રા છેક પાલનપુરથી તેમના વતન નળાસર સુધીની- એ યાદગાર પ્રસંગ હતો. તે વખતે ત્યાં શહેર અને ગામડાનો ભેદ સાવ ભૂંસાઈ ગયો હતો અને મોટો માનવ મહેરામણ સદ્દગતને શ્રધાંજલી અર્પવા ઊમટ્યો હતો.

ડિસેમ્બરની તે સાંજે આરંભાયેલો મારો ગલબાકાકાનો પરિચય સ્મશાનયાત્રાને અંતે તેમના પાર્થિવ દેહને અગ્નિ-સંસ્કાર અપાયો તે સાથે પૂરો થયો હતો. ૧૯૭૪માં મેં પાલનપુર સ્થળાતંર પછીથી છોડ્યું ત્યારબાદ જ્યારે જ્યારે ‘બનાસડેરીની મુલાકાત લઉં છું કે વર્તમાનપત્રોમાં જ્યારે ‘બનાસડેરી’ની પ્રવૃત્તિ-વિસ્તરણની વિગતો વાંચું છું ત્યારે ‘ગલબોકાકો’ મને સહેજે યાદ આવે છે !

આ વેબસાઈટ ઉપર લખવામાં આવેલ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેના અન્ય   લેખો વાંચવા  અહીં ક્લીક કરો.