આપણા તિર્થસ્થળો

ગુરુનો ભોંખરો….

[વડગામ તાલુકાના મગરવાડા ગામના મૂળ વતની અને પ્રસિદ્ધ  સાહિત્યકાર આદરણિય શ્રી કિશોરસિંહ સોલંકી લિખિત લલિત નવલકથા ‘અરવલ્લી’ માંથી વડગામ તાલુકાના મુમનવાસ પાસે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા ગુરુના ભોંખરા વિશેનું આ પ્રકરણ આભાર સહ અહીં લખવામાં આવ્યું છે.પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવેલ છે.]

 

દાંતા જતાં રસ્તામાં ‘ગુરુનો ભોંખરો’ એ નામે ઓળખાતી એક ગિરિમાળા આવેલી છે. જો કે એના શિખર સુધી જવામાં ખૂબ જ તકલીફ લેવી પડે છે. પણ ત્યાં ધૂધલીમલનું આસ્થા સ્થાન છે અને આ વિસ્તારના વનવાસીઓ સિવાય પણ આજુબાજુના ગામના લોકો વારે તહેવારે ત્યાં દર્શન કરવા જાય છે અને પોતાની બાધા-આખડી કરીને માથું ટેકવીને પાછા ફરે છે.

આ ‘ગુરુના ભોંખરા’ની ચારેબાજુ ગાઢ જંગલ આવેલું છે. આમાં મોટાં મોટાં વૃક્ષો છે પણ વિશેષ કરીને તો એ વાંસવન કહેવાય છે. છતાંય ખાખરા પણ એટલા જ પ્રમાણમાં છે. જાસોર કરતાં અહીંનું જંગલ ગીચ અને લીલાશવાળું છે. લોકો એને ગુરુનો પ્રતાપ માને છે.

ત્યાં જવા માટે બે રસ્તા પડતા. એક તો જલોતરાથી બે-ત્રણ કિ.મી. જઈએ, ત્યાંથી પણ ઉપર ચડવાનું હતું. વચ્ચે એક બીજો ડુંગર પણ આવતો હતો, અને આ નીચાણવાળો વિસ્તાર હતો, તેથી ચોમાસામાં આ ભોંખરાની આથમણી દિશાનું બધું જ પાણી અહીં ભરાઈ રહેતું હોય છે. ખૂબ મોટું તળાવ છલોછલ છલકવા માંડે છે, અને એનું પાણી ક્યારેક તો આખો ઉનાળો ચાલતું હોય છે.

તો, ઊગમણી દિશાએ ગુરુના ભોંખરા ઉપર જવા માટે મુમનવાસથી એક રસ્તો જાય છે. ત્યાં આગળ જતાં એક આડબંધ બાંધ્યો છે, ત્યાં સુધી તમે કોઈ વાહનમાં જઈ શકો છો પણ પછી તમારે ત્યાંથી ચાલતા જ જવું પડે છે.

આવી હરિયાળી જોઈને અંદરથી આનંદ છલકાતો હતો કારણ કે, આ જ એવી ગિરિમાળા છે કે, જ્યાં લીલાશ જોવા મળે છે. અત્યારે ગરમી છે, તેથી હૂંફાળી લીલાશ લમણે વાગે છે. તળાવની પાળે બેઠા હોવ તો પાણીની સવારી કરીને આવતો ગરમ પવન ઠંડો થઈને તમને મળે છે. ઊગમણા ઊભેલા ભોંખરાનો પડછાયો સવારે આહલાદક વાતાવરણને જન્મ આપે છે. અહીં વાદળ તો નથી. પણ સવારનું વાતાવરણ સહેજ ધુમ્મસિયું લાગે છે. તો ઊગમણી દિશાએ બાંધેલા આડબંધના કારણે તો ખૂબ મોટા વિસ્તારમાં પાણી ભરાઈ રહે છે. ચોમાસામાં તો એ બાજુનો રસ્તો પણ પાણીથી ભરાઈ જાય છે.

સવારે આ આડબંધની પાળે તમે એકબાજુ બેઠા હોવ તો પાણી ઉપર રમતો તડકો તમને શાંતિથી બેસવા ન દે. પરાવર્તિત થઈને તમારી આંખોને ઢાંકી દે. તો સામેના શિખરો ઉપર બેસીને તમને ટગર ટગર તાકી રહે. વૃક્ષોની ટોચ ઉપર ઊભો ઊભો તમારી સામે હસતો રહે, અને લીલાશને પીતો રહે. તો વૃક્ષોની ડાળીએ ચહચહાટ કરતાં પંખીઓ તમને બોલાવતાં હોય એવું લાગે. આવા અવાજો મારા કાનના પડદા સુધી ક્યારેય પહોંચ્યા નહોતા.

પાંચ પટ્ટાવાળી અને ત્રણ પટ્ટાવાળી ખિસકોલીની ચપળતા જોઈને આપણને આશ્ચર્ય  લાગે. ખોરાકની શોધમાં અહીં-તહીં દોડતી, પાછલા પગ ઉપર બેસીને આગલા પગથી કશુંક ખાતી કે ટક…ટક…ટક…અવાજનાં વાતાવરણમાં ઝાંજર ઝમકાવતી જોવાનો લ્હાવો છે.

પવનમાં એકબીજાને અથડાતાં વાંસનો કચુડાટ કરતો ઘેરો અવાજ ક્યારેક ભય સૂચક લાગે છે તો પંખીઓનો અવાજ કર્ણપ્રિય લાગે છે. નિરભ્ર નભની અટારીએથી ઉપર આવતો સૂરજ ધીમે ધીમે આકરો થતો જાય એટલે તમારે કોઈ વૃક્ષ ની છાયા શોધવી જ પડે. પણ મને આ પર્વતની આખી શ્રુંખલા હદયસ્પર્શી લાગી. ગુરુના પર્વત ઉપર જતો પગરસ્તો ઊંચો-નીચો, ઉબડ-ખાબડ હતો. ક્યારેક તમારે નાનાં નાનાં ઝાડવાંની ડાળીઓ પકડીને એક બાજુ કરવી પડે, ચાલવામાં ધ્યાન ના રાખો તો નાની નાની પથરીઓમાં તમે સરકી જાઓ, તો મોટી શિલાઓ તમને ઝીલી લે. થોડું વાગે, ધ્યાન ન રાખો તો વધારે પણ વાગે. રસ્તા જેવો રસ્તો નહિ, છતાં પણ રસ્તો, ઘણા લોકોની અવરજવર હોવાના કારણે પગદંડી જેવું લાગ્યા કરે. આવતાં જતાં લોકોના પગ તળે કચડાઈને ઘાસ ચપ્પટ થઈને પડ્યું હોય, આજુબાજુનો આળો હટેલો હોય. અરવલ્લીના આ વિસ્તારમાં આ જ ગિરિમાળાઓ છે જે આંખ અને મનને ઠારે છે. નહિતર બીજે બધે જ ડુંગરા ઊઘાડા બની ગયા છે. જંગલો બધાં જ વસૂકી ગયાં છે. જંગલી પશુઓએ વનવટો લઈ લીધો છે. લીલાશે તો ભગવો ધારણ કરી લીધો છે. આટલા સમયથી અહીં કેમ અવાયું નહિ ? આ એ જ જંગલ છે જ્યાં રાજા મહારાજાઓ, નવાબો અને શિકારીઓ એક જમાનામાં શિકાર કરવા આવતા. વાઘનો શિકાર કરીને એના મરેલા શરીર પાસે બેસીને, ભાલા, તલવાર કે બંદૂક પકડીને પોતાની બહાદુરીના ફોટા પડાવતા. તે આજે પણ કોઈ ખંડેર થઈ ગયેલા રાજમહેલોની ભીંતે ટીંગાળાયેલા જોવા મળે છે.

એક જમાનો હતો આ જંગલમાં વાઘ, ચિત્તો, દીપડો, હેણાપરા, જંગલી બિલાડીઓ, નાર, ઝરખ, વણિયર, હરણાં, શિંકારા, ચિત્તલ, સાબર તથા રીંછ જેવા વન્ય પ્રાણીઓ હતાં. જેમાંથી આજે તો ક્યાંક દીપડા, રીંછ કે ઝરખ જેવા શિકારી અને હરણાં, રોઝ જેવાં ઘાસાહારી પ્રાણીઓ જોવા મળે છે. મને હમીરસિંહે ચેતવ્યો હતો કે, ‘સાયેબ….એકદમ એકલા આગળ નીકળી ના જતા. ન કરે નારાયણને કયાંક ઝરખ-બરખ હોય તો ?’ પણ આ જંગલમાં જંગલી પ્રાણીઓ કરતાં માનવ પ્રાણીઓના ઘસારાને કારણે ડરીને ક્યાંક સંતાઈ ગયાં છે અથવા તો નાશ પામ્યાં છે.

ગુરુના ભોંખરાનો રસ્તો સીધો હતો : લગભગ ત્રણેક કિ.મી. જેટલું તો અંતર હશે. તેથી સવારની ઠંડાશ હોવા છતાં પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. આજુબાજુનાં ગાઢ વૃક્ષોની છાયા ઘણી મદદ કરતી હતી તોય થોડું થોડું ચાલીને એકાદ પથ્થર ઉપર બેસવું પડતું હતું. ખાસ્સા ઉપર ગયા પછી નીચેનો આખો વિસ્તાર રમણીય લાગતો હતો. જાણે કોઈના માથા ઉપર લીલાશ પાથરી ન હોય ! એ લીલાશ ઉપર નર્તન કરતો તડકો જોવો એ પણ એક લ્હાવો હતો. પણ મારી બધી જ ચેતના હાંફવામાં રોકાયેલી હતી. ઊંડા ઊંડા શ્વાસ લેવાથી રાહત થતી હતી. આ દેવ-દેવીઓનાં સ્થાન પર્વતોની ગિરિમાળા અને શિખરો પર રાખ્યાં હશે, એનું ગણિત સમજાતું જતું હતું. માણસ ત્યાં જ્તાં સુધીમાં તન-મન, અને કર્મથી નિર્લેપ બની ગયો હોય ! એના શરીર અને મનનો કચરો સાફ થઈ ગયો, પ્રકૃતિના સૌંદર્યે એને ઝાલી લીધો હોય એટલે વહેતા ઝરણા જેવો માણસ આસ્થાના સ્થાને આવીને ઉભો રહેતો હોય છે.

હું એક ઉંબરાના વિશાળ વૃક્ષની નીચે પડેલા એક પથ્થર ઉપર બેઠો બેઠો હાંફતો હતો. એની ડાળીએ- ડાળીએ કલરવ ટપકતો હતો. સામે ઉભેલી પર્વતમાળાઓ પગથિયાં જેવી લાગતી હતી. પવનની ઠંડાશ મનને હરી લેતી હતી. એક ચોક્કસ પ્રકારની સુગંધ રેલાઈ રહી હતી. ‘આ ઉંબરો અહીં ક્યાંથી ?’ એવો પ્રશ્ન મેં હમીરસિંહને કર્યો ત્યારે એણે કહ્યું : ‘ગુરુ મહારાજની કૃપા છે.’ અહીં આ પ્રકૃતિ સૌંદર્યના મૂળમાં કોઈ તપોબળ કામ કરી રહ્યું છે, નહિતર છપ્પનિયા દુકાળ વખતે પણ ગુરુના ભોંખરા ઉપર આવેલા કુંડમાંથી પાણી સુકાયું નહોતું, એવી લોકવાયકા આજે પણ ચાલતી હતી.

અહીંનું જગત જાણે જુદુ લાગતું હતું, થાક હતો, હાંફ હતી, પરસેવો હતો પણ શીતળતાનો અનુભવ થતો હતો, અહીં આજે પણ વડની વડવાઈઓ જેવી દાઢીવાળો કોઈ સાધુ ફરતો જોયો છે, એવી વાતો વાતાવરણમાં ઘોળાતી હતી.

ખરી કસોટી તો હવે હતી, ઉપર ચડવા માટેનો કોઈ રસ્તો જ નહોતો. પણ કોઈ શ્રધ્ધાવાને એક સાંકળની વ્યવસ્થા કરેલી હતી. ઊભી વિશાળ શીલા ઉપર સાંકળ લટકતી હતી, એ પકડીને પગ ભરાવતાં ભરાવતાં ઉપર ચડવાનું હતું. જોખમ તો ન પૂછો એવું હતું. જો હાથમાંથી સાંકળ છૂટી તો પાસેની ખીણ માંથી આપણે કોઈને જડી પણ ન શકીયે. ઘણા કાચા કાળજાના અહીંથી પાછા ફરેલાં છે. પણ આપણે તો ‘પગલું ભર્યું કે ના હઠવું’ ની નેમ વાળા હતા. ઉપર ચડતાં ચડતાં તો આંખે અંધારા આવી ગયાં, પણ ચડ્યો ખરો ! થોડીવાર ત્યાં પથ્થર પર પોરો ખાધો અને પછી નીચે જોયું તો કાળજું કંપી ઊઠ્યું ! સહેજ પણ ચૂક્યા હોત તો ? હે ગુરુ મહારાજ ! મારી લાજ તમારે હાથ હરિ સંભાળ જો રે’ એનું આપોઆપ રટણ થઈ રહ્યું !

સૂરજનો સાથ લઈને, તડકાની આંગળી પકડીને જ્યારે ગુરુના ભોંખરાની ઉપર પહોંચ્યા ત્યારે તો મારા આનંદની કોઈ મણા ન રહી. એક વિશાળ ગુફા, એમાં નીચા વળીને , બકરી બનીને અંદર પ્રવેશ્યા ત્યારે તો ગુરુજીની ભવ્ય મૂર્તિ ! ડાબી બાજુએ મોટો રૂમ, એની પાસે જલતો અખંડ દીપ ! ધૂપસળીઓ અને લોબાન – ગૂગળના ધૂપની સુગંધ….થાકના કારણે કે શ્રધ્ધાના કારણે આપણા જોડાયેલા હાથ અને શીષ નમી રહે ! ત્યારથી બહાર નીકળીએ તો બરાબર પાસે જ પાણીનો નાનકડો કુંડ ! મેં જોયું કે, કુંડમાં પાણી એકદમ સ્વચ્છ હતું !

ત્યાં કેટલાક લોકો ચૂરમું લઈને આવેલાં હતાં. સામે ધખતી ધૂણીમાંથી અંગારા કાઢીને એમાંથી નીતરતા ચૂરમાનો ધૂપ કર્યો ત્યાં તો ઘીનો ધુમાડો બધે ફરી વળ્યો. મને એની સુગંધ ગમી ! ત્યાં કોઈએ નારિયેળ વધેર્યું, કોઈએ થોકબંધ ધૂપસળીઓ સળગાવી અને દીપ પ્રગટાવ્યો, કંકુના ચાંલ્લા કર્યા અને પછી પ્રસાદ લઈને અહીં આવ્યાની ધન્યતાનો અનુભવ કર્યો.

આટલી ઉંચાઈએ, માથા પર સૂરજ આવવા થયો હોવાં છતાં, શીતળ મધુરો પવન લહેરાતો હતો. અહીં ખૂબ ઓછા વૃક્ષો હતાં. બીલીના ઝાડ હતાં. બીજાં પણ હતાં. છતાં જાણે આ શિલાઓ વ્યવસ્થિત ગોઠવીને મૂકીના હોય ! અને આશ્ચર્ય તો એ વાતનું હતું કે, પથ્થરોને તોડીને એની વચ્ચેથી એક વૃક્ષ  ઊભું હતું. તમે નિરાંતે એની છાયાંમાં વિશાળ શિલા ઉપર બેસીને, આડા પડીને આરામ કરી શકો, એવું. સહેજ આગળ ઉપર એક બીજી વિશાળ શિલા જે ગુરુના ભોંખરાની ટોચ ગણાય. ત્યાં પણ ખૂબ મોટી જગ્યા હતી.

હું બે શિલાઓ વચ્ચેની જગ્યા કુદીને ત્યાં ગયો તો મારા આશ્ચર્ય વચ્ચે ત્યાં ખાસ્સી રાખ પડેલી, પછી મને જાણવા મળેલું કે, સૌથી પહેલા હોળી અહીં પ્રગટાવવામાં આવે છે. હોળીના દિવસે તળેટીની પાસે આવેલા એક ગામના બે-ચાર યુવાનો અહીં આવે છે. હોળી માતાની વિધિ કરે છે. અને પછી હોળી પ્રગટે એ ગુરુના ભોંખરાથી દૂર દૂર સુધી આવેલાં વીસ-પચીસ ગામડામાં જોવાય, એ પછી જ  એ ગામોમાં હોળી પ્રગટાવવામાં આવે છે, આવું તો વર્ષોથી ચાલ્યું આવે છે.

અમે આ વિસ્તારના અરવલ્લીના સૌથી ઊંચા શિખર ઉપર ઊભા હતા. આ ભોંખરાની આથમણી દિશામાં જાણે ઝાંય પડતી હોય અને આછું ધુમ્મસ છવાયું હોય, એવું લાગતું હતું. તો સામેના ભાગમાં દૂર દૂર પથરાયેલા પર્વતોની રમણીયતા સ્પર્શતી હતી. જે જે ટેકરીઓ દૂર દૂર જતી હતી એ ગમતી હતી, દૂરથી આવતાં આ ગુરુનો ભોંખરો રમણીય લાગતો હતો પણ અહીં આવતાં સુધીમાં એની રમણીયતા રગેરગમાંથી ટપકીને નીકળી ગઈ હતી, પણ ખૂબ આનંદ હતો અહીં આવ્યાનો !

હું કુંડની પાસે ગયો ત્યારે ત્યાં ઊભેલા એક ભાઈએ પાણી લઈને માથે ચડાવ્યું અને જમણા હાથની હથેળીમાં લઈને આચમન કર્યું. હું એની શ્રધ્ધાને નમી રહ્યો. મને પણ પ્રશ્ન થયો કે, પાણીનો ગુણધર્મ છે કે, એ ક્યાંય બંધાઈ ના રહે, તો આટલી ઊંચાઈએ, સિમેન્ટ-કોંક્રીટના તળિયા વિના આ પાણી કેવી રીતે સંઘરાઈ રહ્યું હશે ? સૌનો એક જ જવાબ હતો ! ‘ગુરુ મા’રાજનો પરતાપ !” મને પણ ગુરુ મહારાજના અશરીરી અને અશબ્દ આશીર્વાદ મળ્યા હતા, નહિતર અહીં સુધી આવી શકાયું ન હોત !

(પુસ્તક :- ‘અરવલ્લી’, લેખક:- શ્રી કિશોરસિંહ સોલંકી, કિમંત :- રૂ.૧૮૦/- ,પ્રાપ્તિસ્થાન :- પાર્શ્વ પબ્લિકેશન, ઝવેરીવાડ, રિલિફ રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૦૧)

આ વિષય ના અન્ય લેખ :-

પ્રચલિત સ્થળ ગુરૂ ધૂધલીમલ- પાણીયારી