મજાદર નાં રામદેવપીરના મંદિર ની ગાથા…….
વડગામ તાલુકામા વસ્તીની દ્રષ્ટિએ બીજા નબર નુ સ્થાન ધરાવતા મજાદર ગામ મા હિન્દુ અને મુસ્લિમ સમાજ ના લોકોની વસ્તી સરખી છે.અહી આ બંને કોમ ના લોકો વર્ષો થી ભાઈચારા થી રહેતા આવ્યા છે.આ ગામ વર્ષો અગાઉ તુંવર રાજપુતોએ વસાવ્યું હતું .જેમની યાદ માં ગામ મા આજે પણ વાડી નામનુ ખેતર અને વાડી નામનો કૂબો મોજુદ છે.આપણે અહી રામદેવપીર ની વાત કરવાની છે,ત્યારે એ જાણવું જરૂરી છે કે ,રામદેવપીર કયા કુળ મા અવતર્યા હતા.લોકવાયકા મુજબ રામદેવપીર તુંવર કૂળ માં અવતર્યા હતા અને આજે એક પરચાધારી દેવ તરીકે ગામે ગામ પૂજાય છે. તુંવર રાજ્પૂતો એ સમય જતા મજાદર ગામ માંથી સ્થળાંતર કર્યુ હતુ,અને જુદી જુદી જગ્યાએ જઈ વસવાટ કર્યો હતો.હાલ ડભાડ ખાતે વસતા તુંવર -મુસલમાન લોકો મજાદર ગામ ના જ વતની હોવાનું લોક્મુખે ચર્ચાય છે.
મજાદર ગામમા તુવર લોકોના વાડી નામના ખેતર ની દક્ષિણે રેલ્વે સાઈડીંગની બાજુ મા હાલ જે મંદિર આવેલુ છે ત્યાં વર્ષો અગાઉ માત્ર એક નાનકડી દેરી હતી,જેની પૂજા તુંવરો ના સ્થંળાતર બાદ ભગત શ્રી ધનાભાઈ સુંદરાભાઈ પ્રજાપતિ કરતા હતા.તેઓ ધન ભગત તરીકે આજુબાજુ ના ગામો મા પ્રચલિત હતા. તુંવર રાજ્પૂતોની કુળદેવી મીનળદેવી માતા નું મંદિર પણ મજાદરમા મોજૂદ છે.
એ વખતે મજાદર મા ધનો ભગત રામદેવપીર ની પૂજા કરતા અને રેલ્વે માં નોકરી પણ કરતા હતા.આ ધના ભગત શ્રધાળુ દર્શનાર્થીઓને બાધા આપતા હતા.ઘણા લોકો ની બાધા તથા પૂજા-અર્ચનાથી પરચાધારી દેવ રામદેવપીર તેમની ઇચ્છઓ પૂર્ણ કરતા હતા.જેથી આજુબાજુ ના તમામ ગામો ઉપરાંત દૂર દૂર થી શ્રધાળુઓ ભક્તિભાવપૂર્વક પીરની બાધા રાખી નૈવેધ તથા નેંજા ચઢાવી જતા હતા.અહી દર માસની સુદ અગિયારસ અને ભાદરવા સુદ-૧૦,૧૧ અને ૧૨ એમ ત્રણ દિવસ રામદેવપીર નો મેળો ભરાય છે.
એક વખત એ વખત ના નાનકડા મંદિર ની બાજુ મા રેલ્વે સાઈડીંગમા રેલ્વેનુ કામ ચાલતુ હતુ,ત્યારે ખ્યાતિના આધારે એક અંગ્રેજ રેલ્વે અધિકારીએ ધના ભગત ની મુલાકાત લીધી અને રામદેવપીરની બાધા અને પૂજા અર્ચનાથી મનોકામના ફળે છે તેવુ જાણતા આ નિ:સંતાન અંગ્રેજ રેલ્વે અધિકારી એ રામદેવપીરની બાધા રાખતા સમયાંતરે આ રેલ્વે અધિકારી ના ઘરે પારણું બંધાયું હતુ.પોતાની મનોકામના પૂર્ણ થતા આ રેલ્વે અધિકારી ખુશ થઈ ગયા હતા અને તેમના સહયોગ થી સને ૧૮૬૦ની સાલ મા રામદેવપીર ના એક સુંદર મંદિર નું નિર્માણ થયુ હતુ.
હાલ મા રામદેવપીર ના મંદિર ના પૂજારી તરીકે ધના ભગત ના વારસો સેવા આપી રહ્યા હતા. અહી આવતા હજારો ધર્મપ્રેમી શ્રધાળુઓ માટે પીવાના પાણી તથા રહેવા માટે ધર્મશાળાની સગવડ રામાપીર મંદિર ટ્રસ્ટ ધ્વારા કરવામા આવે છે.આ ટ્રસ્ટ ની રચના તા.૦૭.૦૪.૧૯૫૩ના દિને થઈ હતી,જેમા સૌ પ્રથમ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સ્વ.પટેલ ધનરાજભાઈ ફતાભાઈ એ સેવા આપી હતી.હાલ મા છેલ્લા ૧૦ વર્ષ ઉપરાંત થી ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ગોવિંદભાઈ આર.પટેલ (કુણીયા) સેવા આપી રહ્યા છે.
(નેશનલ વેલ્ફેર ફાઉંડેશનના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)
(ફોટોગ્રાફ્સ:-ધવલ ચૌધરી)