સેંભર ગોગનું ભવ્ય મંદિર
નાગ દેવતાને હિંદુ ધર્મમાં દેવનું સ્થાન આપી એની પૂજા કરવામાં આવે છે. નાગ દેવતાનાં સ્થાનકો પૌરાણિક સમયમાં ગામે ગામ હતાં.કેટલાક મહોલ્લાઓમાં નાગબાપજીની નાની દેરીઓ પણ બાંધવામાં આવતી. શ્રદ્રાળુઓ નાગ દેવતાને ગોગ મહારાજ તરીકે સંબોધતા,બાધા-માનતા રાખતા અને તેના ચમત્કારનો પણ અનુભવ કરતા. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના સેંભર ગામે ગોગ મહારાજનું એક અદ્દભૂત મંદિર આવેલું છે. સેંભર ગામ ઐતિહાસિક અને પૌરાણિક છે.એક દંતકથા આધારે આ ગામના મંદિરમાં જે મૂર્તિ હતી તે મૂર્તિ ગામનો નાશ થતાં સરસ્વતી નદીમાં પડેલી તે અણસોલા ગામના પટેલોએ બળદગાડામાં ચડાવી આગલ લઈ જતાં ગાડામાંના પટેલને પવન આવતા મૂર્તિએ હયાત મંદિરની જગ્યાએ સ્થાન હોવાનું દર્શાવતાં આ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી.
આ ગામમાં વહોળાની નજીક વર્ષો પહેલા રાજસ્થાનની એક ચમત્કારિક લોકકથાને આધારે ગોગ મહારાજનું એક મંદિર બનાવવામાં આવ્યું હતું.જેનું દર્શન કરવા ભાવિકો દૂરદૂરથી આવતા એટલે ત્યાં નાની ધર્મશાળા જેવું શરૂ કરેલું.દરમ્યાનમાં ચોમાસામાં વરસાદના પાણીનો આવરો વધી જતાં,ભાવિકોની અવરજવર ઘટવા માંડી.મંદિર જિર્ણ થવા માંડ્યું. આ સંજોગોમાં વહોળાના ઉંચાણવાળા વિસ્તારમાં નાનકડું નવું મંદિર ઊભુ કરવામાં આવ્યું.ત્યાં શ્રદ્રાળુઓ વધુ પ્રમાણ માં આવવા લાગતાં અને શ્રદ્રાના પ્રતિકરૂપે શ્રીફળો ચડાવતા રહેતાં,કેટલાક ભાવિકોને આ મંદિરને વિકસાવવાની ભાવના જાગી અને મહેસાણા જિલ્લાના ચાણસોલ ગામના ભાવિકોએ એક ટ્રસ્ટ બનાવી,નવીન મંદિર માટે સારૂ એવું ફંડ એકઠું કર્યું અને ગોગ મહારાજના જુના મંદિરની બાજુમાં કલાકારીગરીના અદ્દભૂત નમૂનારૂપ એક ભવ્ય મંદિર આકાર પામ્યું. જોતા જ આંખડી ઠરી જાય અને વાહ-વાહ પોકારી જવાય એવા આ મંદિરના સ્થંભો ઉપર ચડ ઉતર, ઘુમટ ઉપર –જ્યાં નજર નાખો ત્યાં નાગબાપજીની આકૃતિઓ જ ગોઠવાયેલી છે.
લાખો નાગદેવતાની પથ્થર ઉપરની કોતરણી ખરેખર મનને હરી લે છે. મંદિરની બાજુના ભાગમાં વૃક્ષ ઉપર શ્રદ્રાળુઓએ ધરાવેલા શ્રીફળનો ઢગ જોતાં,દર્શનાર્થીઓની સંખ્યા અને ભાવનાનો અંદાજ આવી જાય છે.પાછળના ભાગમાં પાર્ટી માટે વિશાળ હોલ ધાર્મિક પ્રસંગ ચિત્રોથી શોભી રહ્યો છે. મંદિરે આવવા માટે બે તરફ રેતના મોટા ટેકરા વચ્ચે થી પસાર થતો રસ્તો પર્યટકોને ભાવિકોને આનંદ આપે તેવો છે.સેંભર કોદરામથી ૫ અને વડગામથી ૧૫ કિલોમીટર દૂર આવેલું છે.અહીં બસ અને વાહનો દ્વારા આવી શકાય છે.
(લેખ:-સ્વરાજ્ય દિપોત્સવી અંક-૨૦૦૭ માંથી સાભાર.લેખક:-જીતેન્દ્રભાઈ સી.મહેતા.ફોટોગ્રાફ્સ:-ધવલ એન.ચૌધરી)