પ્રવાસવર્ણન

સરસ્વતીના પ્રદેશ માં…. – અલિપ્ત જગાણી

[વડગામ.કોમ ને આ કૃતિ મોકલવા બદલ શ્રી અલિપ્તભાઈનો ખૂબ ખૂબ આભાર. વડગામ તાલુકાના નાંદોત્રા ગામના મૂળ વતની અને ધાનેરા શહેર તલાટી તરીકે કાર્યરત શ્રી દિનેશભાઈ જગાણી કે જેમણે પોતાનું તખલ્લુસ “અલિપ્ત” રાખ્યુ છે. તેઓ કવિતા તેમજ અન્ય સાહિત્ય લખવા વાંચવાનો અને ફોટોગ્રાફી અને પ્રવાસ નો શોખ ધરાવે છે. આપ તેમનો આ સરનામે dmjagani@gmail.com સંપર્ક કરી શકો છો.]

 

બનાસકાંઠા  જીલ્લાના વડગામ અને પાલનપુર તાલુકાનો વિસ્તાર ધાનધાર તરીકે ઓળખાય છે. ધાનધાર નો અર્થ ધાન્ય નો ભંડાર એવો કદાચ થાય છે. અહી ના ખેતરો જુવો તો ધાનધાર નામ સાર્થક લાગે. આવી ઉપમા આ વિસ્તાર ને અપાવનાર છે સરસ્વતી નદી-વડગામ તાલુકા ની જીવાદોરી.

લીલા ધાનથી લહેરાતા ખેતરો, વિશાળ કદના આંબા, લીમડા, નીલગીરી  ને જામ્બુ ના વૃક્ષો, કમનીય વળાંકો વાળા રમ્ય રસ્તાઓ, અરવલ્લીની ટેકરીઓ અને એમના પર આવેલા સ્થાનકો આ વિસ્તાર ની ઓળખ છે. કેટલાય સુંદર સ્થળો આ લખુ છું ત્યારે નજર સામે આવે છે. કરનાળા થી થુર ગામ સુધી નો ખુબસુરત રસ્તો, એ બન્ને ગામો ના પર્વત, શેભર પર્વત અને જંગલ, મુમનવાસ થી દાંતા ગામ જતો રસ્તો અને ત્યાંથી ખેતરો અને પર્વતો નું દ્રશ્ય, પાણિયારી આશ્રમ, ગુરુ નો પર્વત, મોકેશ્વર ડેમ, સરસ્વતી કિનારે સલેમકોટ થી શેરપુરા ગામ નો સુંદર વળાંક વાળો રસ્તો.

મારું ગામ પણ અહી આવેલું હોવાથી આ વિસ્તાર ના સૌદર્યનો લાહવો બચપણ થી મળ્યો છે. મારા ગામ મા કોઈ નદી કે પર્વત નથી એ વાત નો વસવસો હમેશા રહ્યો  છે પણ સરસ્વતી મારા ગામ થી ત્રણેક કિલોમીટર છેટે વહે છે. આ ‘વહે છે’ શબ્દ મન ને જરા ખટકે છે, વહેતી હતી એવું લખવું યોગ્ય ગણાશે. મોકેશ્વર પાસે ડેમ બંધાયા પછી  વહેણ સુકાઈ ગયું છે. ફક્ત નદી ની રેત રહી ગઈ છે. હાં ક્યારેક અતિવૃષ્ટિ જેવું હોય ને ડેમ ના દરવાજા ખુલે તો થોડા સમયગાળા માટે નદી વહેતી જોવા મળે ખરી. પણ એ ઝાડી-ઝાંખરાં વાળું ડહોળું પાણી હોય. એક વાર આવા પાણી મા બધાજ કપડા કાઢીને સાંજ ના સમયે દોસ્તો સાથે સ્નાન કર્યાનું યાદ આવે છે.

મારા ગામ થી દુર સરસ્વતી  કિનારે હનુમાનજી નું એક મંદિર છે. શનિવારે આસપાસ ના ગામોમાંથી લોકો દર્શન કરવા આવે. અમે ત્રણ-ચાર અંતરંગ મિત્રો કોલેજ ના દિવસો દરમિયાન નિયમિત પણે ત્યાં ચાલતા જતા. જોકે અમારા જવાનું કારણ શ્રદ્ધા નહિ પણ રસ્તાનું સૌન્દર્ય અને એકાંત રહેતા. કાચો ધૂળ વાળો  રસ્તો છતાં વાતો-વાતોમાં આવતા જતા ના છ-સાત કિલોમીટર ક્યારે કપાઈ જય તેનું ધ્યાન જ ના હોય. થાકનું તો નામ જ નહિ! રસ્તા મા તરહ-તરહ ની વાતો ચાલ્યા કરે. મુખ્ય વિષય હોય પુસ્તકો, ગઝલો, સૌદર્ય ને છોકરીઓ! કઈ નવું લખાયું હોય, નવી કવિતા કે શેર ધ્યાન મા આવ્યા હોય તો આખું અઠવાડિયું શનિવારના દિવસની પ્રતીક્ષા રહે.

એ વખતે રસ્તો કાચો હતો. બન્ને બાજુ વેલો, વગડાઉ ફૂલો ને ઝાડવાઓ થી શોભતી વાડ, લીલા ખેતરો. રસ્તામાં કોઈ અજાણ્યું પંખી કે માળો પણ ક્યારેક જોવા મળી જાય. ચોમાસામાં તો બધું સજીવન થઇ જાય. આગળ જતાં બે-ત્રણ ખેતર ના શેઢા પર લઇ જતી પગદંડી આવે. આખા રસ્તે એનું આકર્ષણ સૌથી વધારે.બન્ને તરફ ભીની નીંક હિય. ક્યારેક મંદ ખળખળ અવાજ સાથે વારી વહી જતા પણ જોવા મળે. બન્ને તરફ મોલ લહેરાતો હોય. એક બે વળાંક પણ સરસ. પગદંડી પૂરી થયે V આકારના લાકડા થી બનાવેલ છીંડા જેવું આવે. પછી વળી એક ખેતર જેટલો બન્ને તરફથી ઝાડવા ધસી આવ્યા જેવો રસ્તો ને પછી એક નાનું  ગામ. આ ગામ પસાર કરી એકાદ કિલોમીટર લાંબી પાકી સડક મંદિર સુધી દોરી જય છે. જોકે અમે ઘણી વાર કોતરોમાંથી જતો શોર્ટકટ પસંદ કરતા, કાટકોણ ત્રિકોણની કર્ણ જેવો રસ્તો.

મંદિર તરફ રસ્તાનો કાટખૂણે આવતો વળાંક પણ ખુબ સરસ. અહી રસ્તો થોડો ઉપર ઢાળ ચડી કમાનાકારે નીચે તરફ ઢળી મંદિર સુધી લઇ જય. એક તરફ ખેતરો બીજી તરફ કોતરો. રસ્તાના છેડા પર ડાબી તરફ સુંદર લોન વાળો વિવિધ ફૂલછોડ થી શોભતો બગીચો. પહેલા ખુબ સરસ સંભાળ લેવાતી હમણાં તો સાવ ઉજ્જડ લાગે છે. જમણી તરફ પીપળાનું સુંદર વૃક્ષ. ચોમાસા મા પલળી ગયેલા એના કુમળા પાન રમ્ય લાગે.

બેઠા ઘાટ નું નાનું મંદિર. બધા હનુમાન મંદિરો મા હોય એવી હનુમાનની સિંદુર મઢેલી પ્રતિમા. અહી થી દ્દુર-દુર સુધી નજર પહોચે. ઝાંખા દેખાતા  વૃક્ષોથી શોભતી ક્ષિતિજ રેખા અહીંથી સુંદર લાગે. દુર ક્ષિતિજ પર કોઈ ગામ હોવાનો અણસાર આપતી પાણીની ટાંકી પણ સુંદર દેખાય. મંદિરની બીજી તરફ નદીની દિશામાં ઉતરતા પગથીયા. પગથીયા ના છેડે નદી ભણી જતી પગદંડી જે આગળ કોતર મા ખોવાઈ જાય છે. પાસે નાનો ચેકડેમ અને પછી નદી. પગદંડી ની ડાબી તરફ એક પ્રાચીન કુવો છે. એના ઉપર ગરગડી પણ ખરી. બધા કહે છે પહેલા નદી આ મદિર ને અડીને વહેતી. ત્યારે આ કુવો ભરેલો રહેતો હશે. મેં એ કુવાની પ્રદક્ષિણા કરી ને જોયો છે. એ પગદંડી પર ચાલીને નદી તરફ ગયો છું. પાસે કોતરમાં આવેલી બોરડીના બોર પણ ખાધા છે.

આવા કેટલાય રમણીય સ્થળો સરસ્વતીના આ પ્રદેશ ને શોભા બક્ષી રહ્યા છે. પણ, સરસ્વતી ના પ્રવાહની જેમ જ સ્વાર્થી મનુષ્યના હાથે નાશ ન પામે તો જ નવાઈ.

-દિનેશ જગાણી ‘અલિપ્ત’    ૨૪/૧૧/૨૦૧૩