Poem-Gazal

ગઝલ : ગલબાભાઈ મગનભાઈ શ્રીમાળી

[વડગામ તાલુકાના બસુ ગામના રહિશ એવા ગલબાભાઈ મગનભાઈ શ્રીમાળી કે જેઓ ‘ગુલાબ શ્રીમાળી’ ના ઉપનામે પણ ઓળખાય છે, વ્યવસાયે નિવૃત પ્રાથમિક શિક્ષક શ્રી ગલબાભાઈ શિક્ષણ, સમાજસેવા, સમાનતા, રાષ્ટ્ર પ્રેમ અને ચિત્રકલા નો વિશેષ શોખ ધરાવે છે. તેઓની બે ગઝલની રચનાઓ બનાસકાંઠાના કવિઓની રચનાઓના પુસ્તક “બનાસનો કલરવ” પુસ્તકમાં પ્રસિધ્ધ થઈ હતી જે આભાર સહ અહીં મુકવામાં આવી છે.પુસ્તકની વિગત ગઝલના અંતમાં આપવામાં આવી છે.]

 

(1) મુક્તિ

મુજ માત ભૂમિ ભારતી

વર્ષો થકી રોતી રહી…

પરાધીનતા, પાપથી છૂટવા

સ્વપ્ન, નિશ-દિન જોતી રહી…

થયા અગ્રે યુગ પુરૂષ

આઝાદીનો આત્મા…

એક પોતડી એક લાકડી

એ…ગાંધી મહાત્મા

ઝફર,સુભાષ,ભગત.લક્ષ્મી મળી

લાલ, બાળ, રવિ, વળી ઝાંસી ભળી

સર્વે સપૂત હિંદના નરનારી મળી

વ્હોરી શહીદી મુક્ત કરવા

મુજ માત ભૂમિ ભારતી…

રંગપૂર્ણિ રાજેન્દ્ર થકી

જતન કર્યુ જવાહરે

પૂર્ણ પ્રાપ્તિ વલ્લભે કરી

ઓપ આપ્યો આંબેડકરે…

વિધિ ગણતંત્ર રચના થકી

મુક્ત કરી માત ભૂમિ ભારતી

 

(2) હોમાઈ ગઈ

લડાવી લાડ લાડકીને

ભીના થકી કોરાં કરી

ઉમંગથી ઉછેરી કન્યા

મોટી કરી માવડીએ…

સાન,સમજ,શિક્ષણ

કળા,કૌશલ્ય થકી

પરણાવી પૈસો પૂંજી વેડફી

વળાવી સાસરે ઉમંગથી…

બહુ દિન થોડા રહી

નિજ દેહે દુ:ખ ભારે સહી

“રંક” માત-તાત, તુજનાં

સહી વચન, નણંદ-સાસુ તણાં…

શોભે નહિ મુજ દ્વારે

વળી મૂઢ માર મારે…

ક્રોધાતુર નયને પતિ…

શું લાવે ! રંક જનની…

રહે ધ્રુજતી નિજ દ્વારે

નયન થકી આંસુ સારતી…

ને મુંજાઈ તે, કોડીલી હોમાઈ ગઈ…

એક દિન દહેજના ખપ્પરે-ભડકતી આગમાં !

[ પુસ્તક:-બનાસનો કલરવ..બનાસકાંઠાના કવિઓની રચનાઓ. પ્રકાશક:-બનાસકાંઠા સાહિત્યકલા સંઘ અને શ્રીમતી હીરાદેવી એસ. ગુપ્તા હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ,પાલનપુર. પ્રાપ્તિસ્થાન:-ડૉ. સુરેન્દ્ર ગુપ્તા, બનાસકાંઠા સાહિત્યકલા સંઘ અને શ્રીમતી હીરાદેવી એસ. ગુપ્તા હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ,પાલનપુર]

www.vadgam.com