વડગામ તાલુકાની આજકાલ – ભાગ-૧
[ વિવિધ પુસ્તકો, સંદર્ભગ્રંથો, વર્તમાનપત્રો, સામયિકો, માંથી વાંચવામાં આવતી તથા લોકમુખે સાંભળવામાં આવતી વડગામ તાલુકાને લગતી સંક્ષિપ્ત માહિતીનું સંકલન કરીને વિવિધ અજાણી, માહિતીપ્રદ વાતો ‘વડગામ તાલુકાની આજકાલ’ વિષય સાથે વિવિધ ભાગોમાં સમાયંતરે આ વેબસાઈટ ઉપર લખવામાં આવશે. આ સંદર્ભે આવી માહિતી ઉપલબ્ધ કરાવનાર તેના મૂળ લેખકો,પત્રકારો, પ્રકાશકો, સંસ્થાઓ, વિવિધ સંગઠનો તથા માહિતી આપનાર સર્વે પ્રજાજનો આ તબક્કે આભાર વ્યક્ત કરું છું.]
- વડગામ કંટ્રોલરૂમ ખાતે વડગામમાં ચાલુ મોસમનો કુલ વરસાદ તા. ૦૯.૦૮.૨૦૧૪ સુધીમાં ૩૨૫ મી.મી (૧૩ ઇંચ) નોંધાયો. ગઈ સાલ (૨૦૧૩) માં આ સમયે વડગામમાં કુલ વરસાદ૫૯૩ મી.મી (૨૩.૭૨ ઇંચ) નોંધાયો હતો. ગઈ સાલ કરતા આ સમયે (ઓગષ્ટ-૧૪) ના પ્રથમ અઠવાડિયા સુધી ૨૬૮ મી.મી (૧૦ ઇંચ) વરસાદ ઓછો થયો છે.આ વર્ષે શ્રાવણ માસમાં સતત વાદળછાયા વાતાવરણમાં ક્યારેક ઝાપટારૂપે તો ક્યારેક સતત ઝરમર વરસતો વરસાદ આકાશી ખેતિ માટે આફતરૂપ પણ બની શકે છે તેવા અણસાર દેખાઈ રહ્યા છે. ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં વડગામ પંથકમાં વાદળોએ ગગનમાં સામ્રાજ્ય જમાવી સૂર્યનારાયણને તડીપાર કર્યા હોય તેવુ લાગી રહ્યું હતું.
- શ્રી બાવન આંટા રાજપૂત સમાજ વિકાસ મંડળના પ્રમુખ અને જિલ્લા પંચાયતના માજી સભ્ય,વડગામ તાલુકાના ખેતી બેંકના માજી ચેરમેન, કોંગ્રેસના અગ્રણી અને વડગામ તાલુકાના સેવાભાવી અગ્રણી શ્રી પ્રતાપજી ચેલાજી સોલંકીનું તાજેતરમાં તા.૨૭.૦૬.૨૦૧૪ના રોજ દુ:ખદ અવસાન થયુ હતું. સદગત સ્વ. પ્રતાપજી ચેલાજી સોલંકી પોતાના મળતાવડા સ્વભાવને કારણે તેઓ અઢારે આલમમાં લોકપ્રિયતા હાંસલ કરી હતી. સદ્દગતના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના….
- અગાઉના વર્ષોમાં કુદરતી મહેરને લીધે વડગામ વિસ્તાર લીલો છમ હતો. વધુ વરસાદને લીધે પાણીના તળ ઉપર હતા. બારેમાસ નદી-નાળા તળાવો છલોછલ ભરાયેલા રહેતા હતા. જેથી વડગામ ધાન્ધાર પંથક તરીકે ખ્યાતિ ધરાવતો વિસ્તાર હતો. સમય જતા વરસાદ ઓછો થતો ગયો જેથી દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ, પાણી ખૂટી પડ્યુ, કુવાના પાણીના તળ ઉંડા જતા રહ્યા,જેથી અહીંના ખેડૂતો-પશુપાલકો મુંજાયા છતાં પરિશ્રમ એ જ પારસમણિ કહેવત સાચી ઠરી અહીંના મહેનતકશ ધરતી પુત્રોએ આધુનિક ખેતિની પહેલ કરી ઉજ્જડ પડેલ જમીનોને ખેતી માટે તૈયાર કરી ટપક ફુવારા પધ્ધતિથી ફળફળાદી તથા શાકભાજીની બાગાયત ખેતિનો પ્રારંભ કર્યો,જેમાં તેઓને સફળતા સાંપડતા બહારના વેપારીઓ સાથે કોન્ટ્રાક્ટ કરી વડગામ તાલુકામાં તૈયાર થયેલ દાડમ,પપૈયા વગેરે પંજાબ,રાજસ્થાન હરિયાણા વગેરે માર્કેટમાં મોકલવાનો પ્રારંભ કરેલ છે. દર વર્ષે આંતરરાજ્ય માર્કેટના વેપારીઓ વડગામ વિસ્તારના વણસોલ, જલોત્રા, ઘોડીયાલ, ધનપુરા વગેરે જગ્યાએ થી બાગાયતી પાકોની ખરીદી કરે છે. આમ વડગામના ખેડૂતો ભારતના અન્ય રાજ્યો સાથે પણ પોતાના બાગાયતી પાકોનો વેપાર કરી કમાણી કરી રહ્યા છે.
- ૧૧૦ ગામડાનો બનેલો વડગામ તાલુકો આજ સુધી વિકાસથી વંચિત રહી ગયો છે. પ્રજાના પાયાના પ્રશ્નોનો કોઈજ નિકાલ થતો નથી. જીઆઈડીસીની રચના, ખેડૂતો માટે સિંચાઈની વ્યવસ્થા,મુક્તેશ્વર ડેમમાં નર્મદાના પાણી નાખી વડગામ તાલુકામાં આવેલ તળાવો ભરવાની વાત સ્વપન્ન બની ગઈ છે. તો તાલુકાના મુખ્ય મથક વડગામમાં ટ્રાફિકની સમસ્યા દિનપ્રતિદિન જટીલ બની રહી છે. રાજકિય કાવાદાવા માં વ્યસ્ત સ્થાનિક નેતાગીરી તેમજ એકતાના અભાવે પ્રજાજનો અનેક હાડમારીઓનો અનુભવ કરી રહ્યા છે.
- વડગામ તાલુકાના મુમનવાસ ગામેથી ૩ કિ.મી દુર પર્વતમાં ગુરૂ ધુધળીનાથ બાપાનો ભાંખરો આવેલો છે. ત્યાંના મહંત શ્રી બાલકરામ ગીરી બાપુ દ્વારા એક ભવ્ય આશ્રમ બનાવવામાં આવ્યો છે. તેને લોકો પાણીયારી આશ્રમ તરીકે ઓળખે છે. ગુરૂ ધુધળીનાથ બાપાના સાડા ત્રણસો ધુણા આવેલા છે. તેમાનો આ એક ધુણાની જગ્યાએ ભવ્ય આશ્રમ આવેલો છે. ત્યાં દર વર્ષે વસંત પંચમી નિમિત્તે યજ્ઞ રાખવામાં આવે છે.
- વડગામ તાલુકાના નાના એવા નળાસર ગામમાં જન્મેલા નિસ્વાર્થ અને સાદગીના પ્રતિક, બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ મહાન દીર્ઘદ્રષ્ટિવાળા વિરલ વ્યક્તિ હતા. તેમનું સ્વપ્ન હતું કે જિલ્લાના છેવાડાના ગામડામાં રહેતી વિધવા પણ દાતરડાના હાથા પર સ્વમાનભેર જિંદગી જીવી શકે અને ગામડાઓના ખેડૂતોનું સામાજિક અને આર્થિકસ્તર વાસ્તવિક રીતે ઊંચું આવે એવા ધંધા વિકસાવવા. તેમનું આ સ્વપ્ન ત્યારે સાકાર થયું જ્યારે ખેડા જિલ્લા સહકારી માળખા આધારિત ‘અમૂલ પેટર્ન’ સહકારી દૂધ સંઘનું સર્જન બનાસકાંઠા જિલ્લામાં થયું. તેમના કઠોર પ્રયાસોને પરિણામે તા. ૩૧.૧૦.૧૯૬૯ના રોજ સહકારી કાયદા હેઠળ બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., પાલનપુરની નોંધણી થઈ. ૧૪.૦૧.૧૯૭૧ના રોજ ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલના વરદ્દ હસ્તે સંપન્ન થયો હતો.
- પવિત્રશ્રાવણ માસમાં શિવલીંગ ઉપર જળાભિષેક માટે પવિત્ર સરસ્વતી નદીના જળથીજળાભિષેક કરવાનો મહિમા છે. જેને કારણે સરસ્વતી નદી ઉપર બાંધવામાં આવેલા વડગામ તાલુકામાં આવેલા મુકતેશ્વર ડેમમાંથી શ્રાવણ માસમાં જળાભિષેક માટે બનાસકાંઠા, મહેસાણા અનેપાટણ જિલ્લાના શિવભકતો કાવડમાં પગપાળા સરસ્વતીના જળ લઇ જાય છે.જયાં કાવડીયાઓના વધામણાં કરી સરસ્વતી જળને શિવલીંગના જળાભિષેક માટે લઇ જવાય છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.
- વડગામ બસસ્ટેન્ડથી માર્કેટયાર્ડ સુધીનો માર્ગ દિનપ્રતિદિન રાહદારીઓ માટે તેમજ વાહનચાલકોમાટે મુશ્કેલીઓમા વધારો કરી રહ્યો છે. બિસ્માર હાલતમાં પડેલો આ સડક માર્ગ અકસ્માત ઝોન તરીકે વિકસી રહ્યો છે. તાજેતરમાં પડેલા વરસાદે વધુ એક નોટિસ આપી છે આ નોટિસ સામે સરકારી તંત્ર કેવા પગલા લે છે તે જોવું રહ્યું.
- દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી યુ.એચ.ચૌધરી આર્ટ્સ કોલેજ વડગામના એન.એન.એસ વિદ્યાર્થી પાંખ દ્વારા કોલેજ કેમ્પસને હરિયાળુ બનાવવાના ભાગ રૂપે તા.૦૪.૦૮.૨૦૧૪ના રોજ કોલેજ પરીસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત પાલનપુર સરકારી એન્જી. કોલેજના પ્રિન્સિપાલ શ્રી કે.બી.કેલા અને અમીરગઠ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી એન.કે.ચૌધરીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.
********
‘સ્વરાજ’ નો સાચો અર્થ એ છે કે તેમાં કોઈ કોઈનું શોષણ કરે નહી, સમાજના સઘળા અંગોનો વિકાસ સરખી રીતે થાય. – સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ.