કરોડોમાં એક……ક્યારેક !
વડગામના બજારમાં રામચંદભાઈ દરજી ઝભ્ભા અને ગાંધી ટોપીના સ્પેશ્યાલીસ્ટ ગણાતા હતા.એક દિવસ એમની દુકાનમાં પરસેવે રેબઝેબ એવી એક ખાદીધારી વ્યક્તિ આવી.આવતાં જ લાગલું કહ્યું.”આ જોને ભાઈ રામચંદ ! આ ઝભ્ભો પીઠેથી અને બાંયેથી ફાટીગયો છે.લે સહેજ થીગડાં મારી દે”કહીને આવનારે ખાદીનો ઝભ્ભો કાઢીને આપ્યો.રામચંદ દરજી થીગડા ગોતવાની વેતરણમાં પડ્યા.સફેદ કપડામાંથી કાપવા જાય છે ત્યાં “અરે હા…હા.” કરતાં રામચંદભાઈના હાથ પેલી વ્યક્તિએ પકડી પાડ્યા. “કેમ ?” “અરે થીગડાં પણ ખાદીના જ જોઈએ ! “ “એ ક્યાંથી લાવવાં?”ને પેલા ગ્રાહકને ચમકારો થયો.તેણે શરીરે લપેટવા એક ટુવાલ મંગાવ્યો.ટુવાલ કમરે વીંટી તેમણે ધોતિયું કાઢી રામચંદને કહ્યું.”લે ભાઈ ! આ ધોતિયાને છેડેથી થીગડાં માટે એક સળંગ ચીંથરું કાપી ઝભ્ભાને થીંગડાં મારી આપ.” ને રામચંદભાઈએ પેલી વ્યક્તિના સૂચન પ્રમાણે સંચાની મદદથી ઝભ્ભાને થીંગડાં મારી આપ્યાં,જે પહેરીને તૈયાર થઈને પેલી વ્યક્તિએ લાગલી જ ચાલવા લાગી.ને રામચંદભાઈ પણ ‘એ આવજો,ગલબાભાઈ !’ કહીને સંચો ફેરવવા લાગ્યા.
પેલા સંચાવાળા રામચંદભાઈ દરજી છેલ્લે વડગામમાં જુની પોલીસ કચેરી સામેની દુકાનમા કપડા સેવી રહ્યા હતા,આજે એમના દિકરા કામ કરે છે.પેલા ગલબાભાઈ નામના મુરબ્બી એટલે આપણા સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ! એ વખતના વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ અને પછીથી બનાસડેરીના આદ્યસ્થાપક ગલબાભાઈ એટલે બનાસકાંઠાના ખેડૂતો નહિ પણ તમામ લોકોના હમદર્દ ! તેઓ બોમ્બે સ્ટેટ સમયે (ત્યારે ગુજરાત રાજ્ય અલગ નહોતું પડયું) ધારાસભ્ય તરીકે પણ રહી ચૂકેલા.
બનાસકાંઠાની ધૂળમાં પાકેલું એ અણમોલ રતન મુંબઈ રાજ્ય વખતે મુંબઈમાં સ્થિત હતું.બનાસકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદકોની સહકારી મંડળી તરીકે તેમણે ‘બનાસડેરી’ પાલનપુરમાં શરૂ કરી તે પહેલાં તેમણે મુંબઈમાં પોતાની આગવી ‘બનાસ ડેરી’ થોડીક ભેંશો રાખી ઉભી કરી હતી.પણ ધંધાઓમાં તેમની સચ્ચાઈ અને ન્યાયપ્રિયતા હંમેશાં નડતી રહી હતી તેમ અહિં પણ નડી અને તેથી ઘણું આર્થિક નુકશાન થયેલું.તેથી વતનમાં યુવાવસ્થાએ કરેલા ધંધાઓમાં જેમ ખોટ આવી પડેલી તેમ મુંબઈમાં પણ બન્યું.
ગલબાભાઈ કોઈપણ ધંધો કરતા ત્યારે પોતાના ‘લાભ’ નું ન વિચારતા ‘સામા માણસને નુકશાન ન થવું જોઈએ’ એ ખ્યાલ રાખતા.એથી ઘણા ધંધા કર્યા છતાં કોઈ પણ ધંધામાં લાગ્યા નહોતા.એમને હંમેશા ઘરનો માલ વેચીને ખોટ ખાવી પડતી.
તેમન મુંબઈ નિવાસ સમયે અવાર-નવાર વતનમાં આવે જતાં.તેઓ ‘રાજકારણી’ હોવા કરતાં ‘સમાજસેવી’ વધુ પ્રમાણમાં હતા.મુંબઈમાં હતા ત્યારે એમને ત્યાં મહેમાન બનીને મિત્ર તરીકે (હાલના વડગામ લક્ષ્મણ્પુરાના સર્જક) શ્રી લક્ષ્મણભાઈ હાથીભાઈ ધુળીયા ગયેલા.મુરબ્બી લક્ષ્મણભાઈ હાથીભાઈ ધુળીયા એ વખતે ઓઈલ એન્જિનના હોંશિયાર કારીગર હતા.બનેં સાથે રહેતા.એકવાર શ્રી ગલબાભાઈને ત્યાં વતનથી સમાચાર ગયા કે તેમને ઘેર પુત્રીરત્નનો જ્ન્મ થયો છે.થોડાક સમય પછી લક્ષ્મણભાઈ હાથીભાઈ ને પણ સમચાર મળ્યા કે તેમને ઘેર દિકરો અવતર્યો છે.બનેં જણા હરખાયા અને પરસ્પર પ્રેમથી હાથ મિલાવીને મુંબઈમાં જ ‘વેવાઈ’ બની ગયાં.જેમનું વેવિશાળ યાને સગપણ થયું એ બાળકો શાંન્તાબેન અને કાનજીભાઈ નળાસર અને વડગામમાં પારણિયે ઝુલતાં હતાં ! એ વખતે આપણા સમાજના લગ્ન અને રીતરિવાજો જ એવા હતાં.પછી તો બંને થોડાક સમજણાં થયાં હશે એટલે લગ્ન પણ થઈ ગયાં.હાલ એ યુગલના ત્રણ સંતાનો અભાયસ કરી રહ્યા છે.બધાંય સ્કોલર છે.મૂળે બે ય લોહી સંસ્કાર ખરાં ને? સ્વ.ગલબાભાઈના એક પુત્ર વાઘજીભાઈ ‘બનાસ ડેરી’માં અધિકારી તરીકે કામ કરી ચૂક્યા છે અને તેઓ પણ નિતિપૂર્ણ જીવન જીવી ગયા અને નોકરી માંથી નિવ્રુત થયા બાદ થોડાક વર્ષો પછી સ્વર્ગે સિધાવ્યા છે.બીજી બે દિકરીઓ શાળામાં શિક્ષિકાઓ હતી અને આજે નોકરીમાંથી નિવ્રુતિ લીધા બાદ પોતાના પરિવાર સાથે સુખપૂર્ણ જીવન વિતાવી રહ્યા છે.
સ્વ.ગલબાભાઈ એટલે એક સાદી નિરાડંબરી સેવાભાવી વ્યક્તિ.તેઓ ખાદીને વર્યા નહોતા પણ ખાદી તેમને વરી હતી.
આપણે આગળ જોઈ ગયા તેમ ધોતી, ઝભ્ભો અને ટોપી એ એમનો પહેરવેશ હતો.ગામઠી મોચીએ બનાવેલાં દેશી ચંપલ પહેરીને બને ત્યાં સુધી ચાલીને જ તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત કે અન્ય સ્થળે જતા.તાલુકા અને જિલ્લાની પંચાયતોમાં વરસો સુધી પ્રમુખ તરીકે તેમણે સેવાઓ આપી હતી.ધરાસભ્ય તરીકે પણ અતિ લોકપ્રિય અને સેવાભાવી વ્યક્તિ તરીકે પૂજાતા.કોઈને લાંચ રુશ્વત લેવા દે નહિ પછી પોતે તો શાના લે ?એમની એ સેવાભાવનાથી ઘરના ચોપડાનું ખાતું જમા પાસા કરતાં ઉધાર પાસાની ખાસ તરફેણ કરતું.
ઋણ-રાહતનો કાયદો આવ્યો ત્યારે ગુજરાતના દેવાદાર ખેડૂતો વાણીયાઓના દેવામાંથી મુક્ત થઈ ગયા હતા.ગુજરાત વિધાનસભામાં કાયદો લાવનાર પણ ખાસ ગલબાભાઈ હતા.છતાં એમણે એમના માગતાદારોને હપ્તે હપ્તે તમામ ઋણ ચૂકવી આપ્યું હતું.તેમણે પોતે ઋણ મુક્તિ સ્વીકારી નહોતી.પોતે પહેરેલા ખાદીનાં કપડાંઓને ક્યારેય ગળી નહોતા કરાવતા કે ઇસ્તરી પણ નહિ.પછી તેમનાં અહિંસક ચમડાનાં ચંપલ બિચારાં પોલીશ પણ ક્યાંથી પામે?
ગલબાભાઈ ઘરના તમામ કામોમાં મદદ કરાવતા હતા.ખેતરમાં જાય ત્યારે ભેંશોનું છાણ ઉકરડામાં નાખવાનું કામ કરે.ભેંશોને પાણી પાય અને નવડાવે પણ ખરા.પશુઓ અને ખાસ કરીને ભેંશો માટે એમને અપાર પ્રેમ હતો.તેઓ ભેંશોના આબાદ પરખંદા કારીગર હતા.ઘેરથી ચાલતા ખેતરે જાય ત્યારે રસ્તામાં પડેલ પોયલા ઉપાડી ઉપાડીને ખેતરમાં નાખી દે.છાણનો અપવ્યય તેમને અકળાવતો.એકવાર એમના વેવાઈ (લક્ષ્મણભાઈ હાથીભાઈ ધુળીયા)એમને મળવા ગલબાભાઈને ગામ નળાસર ગયેલા.ત્યારે ગલબાભાઈ ખેતરમાં જઈને થોરિયાઓની વાડ સ્મારવાનું કામ કરતા હતા.વેવાઈ એમને મળવા ખેતરે ગયા તો તેમને પણ થોરિયાઓની વાડ બનાવવાના કામમાં લગાડી દીધા ! બનેંએ ખેતરની સરસ વાડ બનાવી દીધી.આ હતી એમની પરોણાગતની પદ્ધતિ.તેઓ પોતે પણ કોઈ સગાને ત્યાં જાય તો સગો જે કામ કરતો હોય તે કામમાં જોડાઈ જાય.પછી નિરાંતે વાતો કરે અને મહેમાનગીરી પણ માણે.આપણા લક્ષ્મણભાઈ હાથીભાઈ ધુળીયા કહે છે.”ગલબાભાઈને ચેણાની ઘેંશ અને દૂધ ખુબ ભાવતાં.તે સમયે ચેણાંની ઘેંશ અને ભેંશનું દૂધ એ અમૃતોપમ આહાર હતા.
બાજરીનો રોટલો સાથે ગોળ-ઘી અને શાક તથા છૂટા તાંસળે (કાંસાનાં જ !) દૂધ,ઘી અને ઘેંશ એ ઉત્તમ આહાર હતો.એ આહારના આરોગનારા પણ કંચનવર્ણા અને તંદુરસ્ત હોય એમાં શું નવાઈ?આજે તો ચેણાના તાંદળાય ખોવાઈ ગયા છે.અછતના વર્ષોને પાણીની તંગીએ દૂધ એ માત્ર વેચવાની વસ્તુ રહી છે.જે ખેડૂતની આબરૂ જાળવી રહી છે.
ગલબાભાઈ ન હોત તો દુધની આટલી સુવ્યવસ્થિત મોટી ડેરી ન હોત,તો પાણીની તંગીના આ વર્ષોમાં ખેડૂતોની આબરૂનું શું થાત એ કોઈ કહી શકે તેમ નથી.એશિયા ખંડમાં દૂધની શ્વેતક્રાંતિમાં ભારત અગ્રેસર છે.ભારતમાં ગુજરાત અને ગુજરાતમાં બનાસડેરી પ્રથમ ચાર ક્રમમાં આવે છે.આજે બનાસડેરીના દુધનું માખણ Test of India તરીકે વિશ્વમાં પંકાવા લાગ્યું છે.ગલબાભાઈએ વણકરોની-હરીજનોની મંડળીઓ કરી હતી.એમણે સિંચાઈ માટે પાતાળકૂવાઓની સહકારી સિંચાઈ મંડળી ઉભી કરી હતી.એ અભણ ફરિસ્તાએ મનમાં ને મનમાં અનેક લોકોપયોગી યોજનાઓ ઘડી હતી.પણ એક દિવસ કાળ એમને આંબી ગયો.કદિ દવા ન લેનાર આ લોકસેવકને સામાન્ય દવાનું રીએક્શન આવ્યું અને એક ઢળતી સાંજે પાલનપુરમાંથી ગલબાભાઈની અંતિમ યાત્રા નિકળી.
ડાલાં કાઢી નાખેલી ખુલ્લી ટ્રકમાં લાખ્ખોનો એ મુકસેવક ખાદીની સફેદ ચાદર નીચે પોઢ્યો હતો અને એનો આત્મા અનંતની યાત્રાએ રવાના થઈ ગયો હતો.એ યાત્રામાં હું પણ જોડાયો હતો.ડીસાની કોલેજમાંથી મારા મિત્ર માનસિંહભાઈએ જેઓ દૂધ પરિવહનના કોન્ટ્રાક્ટર હતા.તેમને મળવા હું પાલનપુર આવ્યો હતો.ઓચિંતાના જ માનસિંહભાઈના ગુરુબંધુ શ્રી હરિસિંહભાઈએ રડતાં રડતાં મને ટુવાલ પકડાવી દીધો અને તેમની સાથે હું પણ પેલી વિરાટ સ્મશાન-યાત્રામાં જોડાઈ ગયો.શ્રી ગલબાભાઈ હવે સ્વ.ગલબાભાઈ થઈ ગયા હતાં આગળ ગલબાભાઈની અર્થી ટ્રકમાં મુકેલ હતી અને પાછળ.. પાછળ….હજારો રડતાં માનવીઓનો મહેરામણ ચાલ્યો આવતો હતો.અમે પગપાળા ચાલતા ચાલતા ગલબાભાઈના ગામે સૌની સાથે જતા હતા અને ‘ગલબાભાઈ…..અમર રહો! ના નારા ગમગીન હૈયાઓ દ્વારા ગુંજતા હતા.રાત્રિના અંધારામાં વગડામાં ચિતા જલતી હતી અને હજારોની મેદની સુમસામ હતી.મેં મારી જીંદગીમાં પહેલીવાર જોયેલી એ વિરાટ સ્મશાન-યાત્રા હતી!જીવતાં કે મરતાં સૌ એમની સાથે હતું અને એ સૌની સાથે હતા,છ….તાં આગળ થઈ ગયા?ગલબાભાઈ તો ગલબાભાઈ જ હતા.હવે નવા ગલબાભાઈઓ ક્યાંથી પાકશે?એમણે ઉભી કરેલી એમની સ્મારકસમી ડેરી જોઈને જ આપણે તો મન વાળવું રહ્યું ! હજારોમાં નહિ, લાખ્ખોમાં નહિ……પ….ણ કરોડો માંનવીઓમાં ક્યારેક જ આવો એકાદ ઓલિયો સેવક પાકે છે.શ્રી ગલબાભાઈને લોકો ‘બનાસકાકા’ના હુલામણા નામથી ઓળખતા હતા.તમને ગલબાભાઈની કોઈ જોડે સરખામણી કરવાની ઇચ્છા થતી હોય તો મહાત્મા ગાંધી,લાલબહાદુર શાસ્ત્રી કે રવિશંકર મહારાજ સાથે સરખાવી શકો.નળાસરના એ સપુતે સમગ્ર બનાસકાંઠાની ચિંતા સતત કરી હતી.એવું વિરલ માનવમોતી હવે આ ધરતીમાંથી નહિ જ જડે!
ગલબાભાઈ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા ત્યારની વાત છે.એક દિવસ એમની ઓફિસમાં જલોત્રાના એક પટેલે આવીને ફરિયાદ કરી કે,’કાકા,મારી ખેતી સૂકાય છે અને વિજળી ખાતાવાળા મારા ખેતરમાં ડી.પી.ગોઠવતા નથી કંઈક મદદ કરોને ?”લાગલો જ જવાબ મળ્યો!”લે હેંડ મારી સાથે વિજળીની ઓફિસમાં”ને પગરખાં ય પહેર્યા વિનાના ગલબાભાઈ ખેડૂતને લઈને વિદ્યુતબોર્ડની ઓફિસમાં પહોંચી ગયા.વિજળીવાળા સાહેબને પકડી તુરત જ ઓર્ડર કઢાવ્યો ને બીજા જ દિવસે પેલા ખેડૂતભાઈની મોટર ચાલુ થઈ ગઈ!
સાવ પાતળી દેહ્યષ્ટિ.માફકસરની ઉંચાઈ.ગંભીર ગામડિયા પટેલનો લાલ લાલ ચમકતી ચામડીવાળો ચહેરો.ચારે છેડે પહેરેલું ધોતિયું, ઝભ્ભો ને ગાંધી ટોપી.કોક વાર લાંબા ઝભ્ભા ઉપર જવાહર જેકેટ પણ હોય.સાચાબોલી આખાબોલી પ્રેમાળ ભાષા અને સ્મિતસભર ભાષાના મમતાળું શબ્દોથી સાંભળનાર તુરત જ તેમને વશ થઈ જાય તેવું વ્યક્તિત્વ ગલબાકાકાનું હતું.
૧૯૬૪ માં પાલનપુરના આચાર્ય યાજ્ઞિક સાહેબની કેબીનમાં બેસીને હું કોલેજનું ટાઈમ ટેબલ ગોઠવતો હતો.ત્યાં ઓચિંતા ગલબાકાકા આવ્યા.પ્રિ.નટુભાઈ યાજ્ઞિકે તેમની ઓળખાણ કરાવી અને એ બંને વાતો કરવા લાગ્યા.એ બે સાચુકલા માણસોની વાણીનું હું મુકભાવે અમૃત પીતો હતો ત્યાં ગલબાભાઈએ વાત કાઢી કે મારે બનાસકાંઠામાં ડેરી કરવી છે.મારાથી વચ્ચે જ બોલાઈ ગયું.”કાકા,આ માટે માનસિંહભાઈને મળોને?”કાકાને એ વાત ગમી ગઈ.તે અને માનસિંહભાઈ(દુધ સાગર ડેરી વાળા)મિત્રો જેવા જ હતા.તુરત યોજના બની ગઈ.ટાટાની બંધ પડેલી ઓઈલમીલની વિશાલ જગ્યા ખાલી હતી.એક્વાયર થઈ.૧૯૬૬ માં ચિત્રોડા,મેમદપુર,સીસરાણા,ધોતા,સકલાણા,પાંચડા અને વડગામનાં આઠ ગામોનો દૂધનો સૌ પ્રથમ રૂટ શરૂ થયો અને દૂધ મહેસાણા સાગર ડેરીમાં જવા લાગ્યું.બીજી વહીવટી વ્યવસ્થા થવા લાગી અને ૧૯૬૯ના જાન્યુઆરીની ૩૧મી તારીખે ‘બનાસડેરી’ની વિધિવત શરૂઆત થઈ ૧ લી નવેમ્બર ૧૯૬૯ થી બનાસડેરીનો વહીવટ શરૂ થયો.૧૯૭૧ માં બનાસનો ચીલીંગ પ્લાન્ટ શરૂ થયો.ત્યાર પછી ડેરી સાથેનો ગલબાભાઈનો પુરૂષાર્થભર્યો ઇતિહાસ સૌ કોઈ જાણે છે.બનાસડેરી જેવી સુંદર ડેરી અત્યારે જોઈને મને ભૂતકાળ યાદ આવે છે કે જ્યારે આ ડેરી નહોતી ત્યારે રેલ્વેના પાટે પાટે પડતર જગ્યાએ અમે અવાર-નવાર ફરવા જતા હતા.
એક હિન્દી કવિએ સાચે જ ગાયું છે કે,માણસની જીંદગીમાં જેમ વધુ ને વધુ દુ:ખો અને કઠણાઈઓ પડે છે તેમ તેમ તેના જીવનનો ઇતિહાસ સુ-યશ બની જાય છે.માત્ર બે વરસની ઉંમરે ગલબાભાઈએ પિતા ગુમાવેલા અને અઢી વરસની ઉંમરે એમનાં માતા ગુજરી ગયેલાં અઢી વરસના ગલબાભાઈ-“માસુમ ગલબાભાઈ”અનાથ(!)બની ગયેલા વત્સલ કાકા-કાકીએ અને પછી મામા-મામીએ તેમની કાળજી રાખેલી.કાણોદરની પ્રાથમિક શાળામાં સાત ધોરણ સુધી ભણેલા અને ત્યાર પછી નાની ઉંમરે જ વાણીયાની દુકાનમાં”વગર પગારના વાણોતર થયેલા.મોટા થઈને લાકડાની ‘લાટી’શરૂ કરેલી.પછી તો અનેક ધંધા અજમાવી જોયા પણ ગલબાભાઈએ અંતરની સચ્ચાઈ અને સ્વભાવની ઉદારતાને કારણે ક્યંય નફો ન કર્યો.બટાકાના વેપારમાં ય ખોટ ગઈ.ઇસબગુલની ઘંટીમાં પણ એવું થયું.મુંબઈમાં દૂધના સહિયારા ધંધામાં પણ ખોટ ! ગલબાભાઈ એ સત્ય ક્યારેય ન સમજ્યા કે “વેપારમાં સફળ થવું હોય તો અસત્યનો થોડોક તો આશરો લેવો પડે ! “ટૂંકમાં વેપારી જેને ‘કુનેહ’ કહે છે તે તેમનામાં નહોતી.
૧૯૪૨માં ‘હિંદ છોડો’ લડતમાં ગલબાભાઈએ મુંબઈ છોડ્યું અને વતનમાં આવ્યાં.ત્યાં આવી નવાબ સાહેબે ખેડૂતોના રોકડિયા પાક ઉપર નાંખેલા વેરાનો વિરોધ કરવા લોકો સાથે ચળવળ ચલાવી એ ઉપરાંત નવાબશ્રી દ્વારા નંખાયેલા ખંડણી,મલ્લવેરો,કોરડિયો ભોર,હાથી કડલ,મગબાફણું વગેરે ખેડૂતો ઉપરના વેરાઓ અને ભારણ બંધ કરાવ્યાં.
મહાત્મા ગાંધીની ૪૨ ની ચળવળ ચાલતી હતી.ગલબાભાઈ ગાંધીજીના રંગે રંગાઈ ગયા.એ વખતથી તેઓ બનાસકાંઠામાં એક સામાજિક નેતા તરીકે બરાબરના ઉભરી આવ્યા.આમ જનતાએ તેમના નેતૃત્વમાં પુરેપુરો વિશ્વાસ મૂક્યો હતો અને ગલબાભાઈ જેમ કહે અને જે કહે તે કરવા સૌ તૈયાર હતા.
૧૯૪૮માં તેઓ ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસમાં જોડાયા અને સહકારી પ્રવ્રુતિઓની શરૂઆત કરી અને છાપી મુકામે જિલ્લાની પ્રથમ સહકારી મંડળીની ૧૯૪૯ માં સ્થાપના કરી.
ત્યારપછી રવિશંકર મહારાજ અને મુનિ સંતબાલજીને મળ્યા અને બનાસકાંઠામાં સ્થાપિત હિતો સામે “જિલ્લા ખેડૂત મંડળ”ની સ્થાપના કરી.૧૯૪૭માં ભારત આઝાદ થયું.રાજાઓ અને નવાબોનાં રજવાડાં ગયાં પણ…..
બનાસકાંઠા નવાબના બેંતાલીસ જાગીરદારોએ એમના કરવેરા ચાલુ રાખ્યા હતા ! વચલો રસ્તો કાઢી ગલબાભાઈએ જાગીરદારોના ભલા માટે “ઉધેડું” કાઢી મધ્યસ્થી કરી.૧૯૫૨ માં દ્વિભાષી મુંબઈ રાજ્યમાં ધારાસભ્ય બન્યા.એ વખતે ખેડૂતોના ભલા માટે નળાસર ટીંબાચૂડી ઇરીગેશન સોસાયટીની સ્થાપના કરી ખેડૂતોને માટે ખેતી સહકારી સિંચાઈની વ્યવસ્થા કરી ને રસ્ટન એન્જિનોથી ખેતીની સિંચાઈ યોજનાની શરૂઆત કરી.એ પછી મજાદર લિફ્ટ ઇરીગેશન સોસાયટીની સ્થાપના કરી.૧૯૫૪માં હરિજનો માટે વણકર મંડળીઓ ઉભી કરી “ભારત દર્શન”ના પ્રવાસો કરાવ્યા.
શ્રી રઘુવીર ચૌધરીના શબ્દોમાં કહીએ તો “ગલબાકાકાની જિંદગી તો ઉત્તર ગુજરાતની એક વિરલ ઘટના છે”-એમ કહી શકાય.આજે સ્વ.ગલબાકાકા યાને બનાસકાકાની પ્રતિમા બનાસડેરીના પ્રાંગણમાં એમના સાકાર થયેલાં સ્વપનોની સાક્ષી પુરે છે.
– શ્રી શંકરભાઈ ચૌધરી
(ભૂતપૂર્વ ડાયરેક્ટર, આર્ટ્સ કોલેજ વડગામ).
આ વેબસાઈટ ઉપર લખવામાં આવેલ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેના અન્ય લેખો વાંચવા અહીં ક્લીક કરો.