ચાંગાના અભેરાજ પટેલની ઇમાનદારી………..
ધાણધાર મલકમાંથી વહી જતી ઉમરદશી નદી,તેના બેઉ કાંઠા લીલાકુંજાર,આ ઉમરદશી નદી પૂર્વે થી આગળ વહી કુવાંરકાને મળવા કોળિયારામાં પ્રવેશ કરે છે.ઉમરદશી નદીનો રેલ્વેનો પુલ વટોળ્યા બાદ નદી આગળ વહેતા સૂકી ભઠ્ઠ થઈ જાય છે.ધાણધારના કાંકણ કાંઠે માની કાખમા તેડેલ બાળકની જેમ આ ઉમરદશીના સૂકા કાંઠા માથે ચાંગા ગામ શોભી રહ્યુ છે.
વડગામ તાલુકાનું ચાંગા ગામ પાલણપુર દીવાનના ભાઈ ઉસ્માનખાનજીનુ જાગીરનું ગામ. આ ઉસ્માનખાન ભારે દાન ધરમી ,ને પાંચેય વખત નમાજના પાબંધ,અલ્લાહના નેક બંદા,આખા મલકમાં લોકો માથે ઓલિયાને તપસી રાજવી તરીકેની છાપ.
આ ચાંગા ગામમાં અભેરાજ નામના આંજણા પાટીદાર રહે. ઈમની પાસે મોટી જમીન,તેને ખેડેને મોટા પાયે અનાજ પકવે,ને દિ’ ગુજારે ,ખાધે પીધે સુખી.ને ભારે ઇમાનદાર,ને ઇશ્વર પર ભારે ઇતબાર રાખવાવાળા કોઈનુ અહિત થાય તો અભેરાજનુ કાળજુ કપાવા માંડે,પાંચમા પૂછાતા અભેરાજની ઇજ્જત પાલણપુરના દીવાન પણ કરે તેવા વજુદ વાળા.
ગામ જાગીરનુ. હવે કોઈ જમાનામાં આજની જેમ મહેસૂલ નાણામાં વસુલ ન લેવાતુ પણ નાણાની અવેજીમાં અનાજનુ કળતર થતુને અનાજના ઢગલાના વજનનો અંદાજ કાઢી તેમાંથી રાજનો ચોથો ભાગ વસુલ લેવાતો. એમ ચાંગા ગામ માથે ઉસ્માનખાનજીના માણસો,કારભારી હવાલદાર ગામના આગેવાનો મળી કળતર કરવા આવી પહોંચ્યા છે,વારા ફરતી કળતર કરતા કરતા અભેરાજ પટેલના ખળે આવ્યા છે.
અભેરાજ પટેલના ખળામાં બાજરાનો અંબાર ખડકાણો છે.મોટુ મસ બાજરાના પુભડાનો ઢગ પડ્યો છે,અભેરાજ પટેલ રાજના અને ગામના આગેવાનોની આગતા સ્વાગતા કરી છે,ને મંડ્યા કળતર કરવા,અભેરાજનો બાજરો કળ્યો બારસો મણ,આ હિસાબે રાજભાગનો થ્યો ત્રણસો મણ,કારભારીએ ચોપડે બાજરો ટપકાવ્યો.પણ ભૂલથી ત્રણસો મણના બદલે ત્રીસ મણ નોધ્યો.કારભારી કળતરનું કામ પતાવી પાલણપુર આવ્યો.
હવાલદાર કળતરનો બાજરો વસુલ કરવા અભેરાજને ત્યા ગયા છે. ઈ જમાનામાં આજની માફક કાંટા બાટનો ઉપયોગ ન હતો.પણ માણા માપનો જમાનો ,કોઈ પણ અનાજ માણા માપથી ભરાતુ.
“પટોલ ! ત્રીસ મણ બાજરો રાજભાગનો ભરાવી દયો.”
“ત્રીસ મણ કે ત્રણસો મણ ? મારે તો ત્રણસો મણ બાજરો દેવાનો સે ! તો ચોપડે બરોબર ભાળો હવાલદાર સાબ ! “
“પટોલ ! રાજના ચોપડે તો ત્રીસ મણ બાજરો લેવાનો બોલે સે !” હવાલદારે ચોપડાના પાનામાં જોઈને જવાબ દીધો.
“હવાલદાર સાબ, મારે તો બારસો મણ બાજરો કળતરિયાઓએ કળ્યો’ તો તેથી મારે રાજભાગનો ત્રણસો મણ બાજરો દેવાનો સે.”
“હું કેવી રીતે વધારે લઈ શકુ ! ને ઈ બાજરો મારે મૂકવો ચ્યા ? તમે જાણોસો કે દરબાર તો તપસી સે, મને હુકમ થયો હોય તેટલો જ લેવાય.”
મારે પણ ઈ તપસીનો એક દાણો નો ખપે ! ને આવા તપસીનો દાણો હજમ નો થાય,ને મારે એક દાણાનો પણ હિસાબ પરભુને દેવો પડે !”
આમ અભેરાજ પટેલ અને હવાલદાર ને લમણાઝીંક ચાલી રહી છે. હવાલદાર ત્રીસ મણ બાજરા પર એક દાણો ભરવા તૈયાર નથી.તો અભેરાજ રાજભાગનો પુરો બાજરો વસૂલ દેવા તૈયાર છે.અભેરાજ ગામના કળતરિયા આગેવાનોને સાકરી લાવ્યા. કળતરીયાઓ એ પણ કબૂલ્યુ કે “રાજભાગનો ત્રણસો મણ બાજરો અભેરાજ પાસેથી વસુલ લેવાનો છે.” પણ હવાલદાર એકનો બે ન થયો.અભેરાજ પટેલ,કળતરિયા અને હવાલદાર બધા મળી ઉપડ્યા પાલણપુર ઉસ્માનખાનજી પાસે .
ઉસ્માનખાનજી આગળ અભેરાજે વિનંતી કરી,ઉસ્માનખાનજીએ પોતાના કારભારીને બોલાવ્યો.
“આ અભેરાજ પટેલ પાસેથી કેટલો બાજરો કળતરનો લેવાનો સે ?”
“થોભો બાપુ ! મને ચોપડો જોવા દયો” ને કારભારીએ ચોપડાના પાના ઉથલાવ્યા,ચોપડાને પાને જોઈ “તરીસ મણ બાજરો ! બાપુ વસુલ લેવાનો સે.”
“ ના મે’તા સાબ ! મારે તો વજેનો ત્રણસો મણ બાજરો દેવાનો સે , તમારા લખવામાં ભૂલ થઈ લાગે સે, નતર (નહીતર) પૂછી જુઓ આ કળતરિયાઓને ! તમારા ચોપડે સુધારો કરો,મારે આ તપસી દરબારનો દાણો નો ખપે.
મારાથી આ ચોપડામાં સુધારો નો થાય,પટોલ મે ચોખ્ખુ દેવા જેવુ લખ્યુ સે.”
“તમારી ભૂલ થઈ સે, ને ઈ ભૂલ સુધારી લ્યો, નતર મારે આ બાજરો મેલવો ચ્યા ?”
અભેરાજ પટેલની ઇમાનદારીની મક્કમતા ભાળી કારભારી,દરબારીઓ પણ દંગ થઈ ગયા.
“તો ઈમા અલ્લાહનો ભેદ હશે, પટોલ ! નહિતર મીંડુ ઓછુ ન થાય !” ઉસ્માનખાનજીએ પટેલને જવાબ દીધો.
“ઈ ગમે તે હોય ,બાપુ ! મારે તો રાજ ભાગનો એક દાણો અખજ છે, ગાયના રગત બરાબર સેને આ ગાયનુ રગત મારે મેલવુ ચ્યા ? ને ઈ તમને મમારક (મુબારક) સે.”
કારભારી ચોપડો સુધારવા તૈયાર નથી, તેમ અભેરાજ રાજભાગનો દાણો રાખવા તૈયાર નથી.
ઉસ્માનખાનજી અભેરાજની ઈમાનદારી પર વારી ગ્યા સે .ને ઉભા થઈને પટેલની પીઠ થાબડી શાબાશી દીધી.ને હુકમ કર્યો. “આ અભેરાજનો ત્રણસો મણ બાજરો મે’તા વસુલ લ્યો,તે તેટલો જ બાજરો આપણા તરફથી ઉમેરો,ને છસો મણ બાજરો કબૂતરખાને,કૂતરાની વેલ હારૂ ને ગરીબોને દાન દઈ દયો; આમા મારા અલ્લાહમિયાનો કોઈ ભેદ સે,ને તેનો ભેદ તે જ જાણે સે , નહિતર આમ નો થાય ! “
અભેરાજ પટેલે દરબારનો આ ફેંસલો સાંભળી માંથેથી જાણે હજારો મણનો બોજ ન ઉતર્યો હોય ! તેવો હળવો ફૂલ બન્યો,ને ઉસ્માનખાનજીને હાથ જોડ્યા,ને હર્ષના બે- એક આંસુડા વહાવ્યા.
જબદલ રે જશ દીકરો, મરે ન બૂઢો થાય;
સૂમાને સો દીકરા,અવતર મર મર જાય.
પાલણપુર રાજ માં ચાંગા નિવાસી ફતામીયા ફોજદારની પણ ભારે હાક અને ધાક હતી. ચોર-લૂંટારા તેમના નામથી થર થર કાંપતા હતા.તેઓ પોલીસ ખાતામા ફોજદારી કરતા હતા પણ સ્વભાવના રમુજી એટલા જ હતા આજે પણ તેમના કિસ્સા લોકો યાદ કરીને ભૂતકાળ વાગોળતા સાંભળવા મળે છે.
(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)
Really it’s great feeling after know the history of our region!!!
Yes..Ikbalbhai…It’s great feeling to all of us to know our Region History….