વ્યક્તિ-વિશેષ

શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં વડગામ તાલુકાનું ગૌરવ એટલે પંડિત ઇશ્વરચંદ્ર કેદારનાથ.

www.vadgam.com

(વિધ્યામંદિરની સેંટ્રલ લાઈબ્રેરીમાં મારા હાથમાં એક પુસ્તક આવ્યુ.પુસ્તકનું નામ હતુ “બનાસની અસ્મિતાનો ઉન્મેષ” અને તેની અંદર એક શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં આગવું સ્થાન ધરાવનાર વ્યક્તિત્વ વડગામ તાલુકાના કોદરામ ગામના પંડિત ઇશ્વરચંદ્ર કેદારનાથ  વિશે જાણવા મળ્યુ અને વિશેષ ગૌરવની લાગણી અનુભવી ત્યારબાદ અત્યારે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિન્ગ આર્ટ્સ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ (ફેકલ્ટી ડીન) તરીકે કાર્યરત તેઓશ્રીનો  સંપર્ક કરી તેમની વિકાસ યાત્રા વિશે વધુ માહિતી જાણી.)

વડગામ તાલુકાના કોદરામ ગામમાં એક સંગીત,સાહિત્ય અને સંસ્કારને સમર્પિત કલાકાર કુટુંબમા પંડિત ઇશ્વરચંદ્ર કેદારનાથ નો જન્મ થયો. જેમણે પાંચ વર્ષની બાળવયથી જ પોતાના માતા-પિતા પાસે સંગીતની સાધના શરૂ કરી હતી. તેઓશ્રીના માતાશ્રી સ્વ.શ્રી સંતોક બા લોક્ગીતો,ભજનો અને વિવિધ પ્રકારના હળવા શસ્ત્રીય સંગીત ક્ષેત્રે જાણીતા હતા જ્યારે તેઓશ્રીના પિતાશ્રી પંડિત કેદારનાથજી જુના ગુજરાતી નાટક ક્ષેત્રે જાણીતા હતા અને જેઓને એક્ટર,ગાયક,તબલાવાદક અને કવિ તરીકે અનેક એવોર્ડ મળેલા છે. પંડિત ઇશ્વરચંદ્ર કેદારનાથ ૭ ધોરણ સુધી કોદરામની પ્રાથમિક શાળામાં અભ્યાસ પુરો કરી પાલનપુરની પ્રસિધ્ધ વિવિધલક્ષી વિધ્યામંદિર શાળામાં અભ્યાસ અર્થે આવ્યા અને ૮ થી ૧૧ ધોરણ સુધી આ શાળા માં અભ્યાસ કરી ૧૯૭૨ ના જૂનમાં વધુ અભ્યાસ અર્થે વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજ સયાજીરાવ વિશ્વવિધ્યાલયની મ્યુઝીક  કોલેજ (હાલની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ) માં શાસ્ત્રીય ગાયન ના અભ્યાસ અર્થે પ્રવેશ લીધો.૧૯૭૬ માં B.mus.Vocal ફર્સ્ટ ક્લાસ સાથે અને ૧૯૭૮માં M.mus.Vocal  ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી પદવી પ્રાપ્ત કરી.આ સમય દરમિયાન તેમને ભારતીય શાસ્ત્રીય સંગીતની વિશિષ્ટ ઘરાના શૈલી “ભેન્ડી બજાર” ઘરાના ગાયકીમાં જેનું વિશેષ ખ્યાતિ છે એવા મહાન સંગીત ગુરૂ “સંગીત રસરાજ” સ્વ.પંડિત શિવકુમાર શુક્લ પાસે ગંડાબંધ શિષ્ય (સંગીત ને સમર્પિત શિષ્ય) તરીકે ૧૯૭૭ થી ૧૯૯૮ સુધી સંગીતની વૈજ્ઞાનિક  તાલિમ મેળવવાનો અવસર પ્રાપ્ત થયો.

પંડિત ઇશ્વરચંદ્ર કેદારનાથની ગાયકી ભેન્ડી બજાર ઘરાના ની વિવિધ રજૂઆતો માં જેવી કે બંદિશ,મધ્ય વિલંબિત લય, આકર્ષક બોલ આલાપ, બોલતાન,સપાટ અને વક્રસપાટ તાન, વિશિષ્ટ પ્રકારની વિવિધલયમાં ગવાતી સરગમ અને તાન વગેરે માં જન્મજાત પ્રતિભા જોવા મળે છે.

આ ઉપરાંત તેઓશ્રીએ નીચે જણાવેલા નવા રાગો અને તાલોનું પણ સર્જન કર્યુ છે.

રાગ  :- અમરદીપ,નભધ્વનિ, શીવકાફી, શિવ મલ્હાર, શિવકૌંસ, શિવાંબર, શિવગુર્જરી, શંકર કાનડા

તાલ :-  ગુરૂતાલ-૧૭ માત્રા, નભતાલ -૧૧ માત્રા, ગુર્જરતાલ – ૧૩ માત્રા, શીવતાલ-૧૦ માત્રા

ગુજરાત સંગીત નાટક એકેડેમી ધ્વારા તેમને વિવિધ સંગીત સંમેલનો જેવા કે બૈજુ સંગીત સંમેલન,તાનારીરી સંગીત સંમેલન,ઓમકારનાથ સંગીત સંમેલન માં પોતાની કલાની રજૂઆત માટે આમંત્રણ મળેલા છે અને તેમણે સફળતાપૂર્વક પોતાની ગાયકીની રજૂઆત આવા સંગીત સંમેલનોમા કરેલ છે. અમદાવાદ દૂરદર્શન ઉપર પણ ૧૯૮૬ થી આજ સુધી પોતાની ગાયકીની વિવિધ રજૂઆતો પોતે કરતા આવ્યા છે.આ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યો જેવા કે બિહાર,રાજસ્થાન,મધ્યપ્રદેશ વગેરે જગ્યાએ સંગીત કાર્યક્રમો આપેલા છે.

ભારતીય શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે ઉત્કૃષ્ટ  યોગદાન આપવા બદલ હમણાં જ તેમને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરફથી ૨૦૦૯-૨૦૧૦ નો મહત્વનો ગૌરવ પુરષ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

તેઓશ્રીએ દુનિયાના વિવિધ દેશો જેવા કે ઝામ્બીયા ,ઝીમ્બાબ્વે, કેન્યા,મોરેશીયસ અને બ્રિટન ની મુલાકાત લઈ ત્યાં પણ પોતાના સંગીતના અનેક પ્રોગ્રામો કરેલા છે.

શાસ્ત્રીય સંગીતના નિષ્ણાત તરીકે તેઓશ્રી all India Radio વડોદરામાં પણ સેવા આપી રહ્યા છે.

વડોદરાની વિશ્વ વિખ્યાત યુનિ. ની સુપ્રસિધ્ધ ફેકલ્ટી ઓફ પરફોર્મિન્ગ આર્ટ્સ વિભાગના  ૨૫ કલાકારો (શિક્ષકો અને વિધ્યાર્થીઓ) ૨૦૦૯ ના સપ્ટેમ્બર માં  ડરહમ યુનિવર્સિટી યુ.કે. ના આમંત્રણથી સાત દિવસ માટે ડરહમ યુનિવર્સિટી યુ.કે. માં સંગીત,નૃત્ય અને નાટ્યના સફળ કાર્યક્રમો આપ્યા હતા.મહારાજા સયાજીરાવ યુનિ.ના તત્કાલિન કુલપતિ પ્રો.રમેશ ગોહેલ સાહેબે પંડિત ઇશ્વરચંદ્રને ઉપરોક્ત કાર્યક્રમના વહીવટી વડા તેમજ ટીમ લિડર તરીકે નિમ્યા હતા.

ભારતીય શાસ્ત્રીય સંગીતમાં નોંધપાત્ર પ્રદાન બદલ તેઓશ્રીને અનેક ખાનગી સંસ્થાઓ તેમજ સરકારી સંસ્થાઓ દ્વારા  અનેક એવોર્ડો આપીને બહુમાન કરવામા આવેલ.

આ ઉપરાંત તેઓશ્રીએ ગુજરાતની તમામ મ્યુઝીક  કોલેજના બોર્ડ ઓફ એકઝામીનર્સના મેમ્બર તરીકે સેવાઓ આપી છે જે આ પ્રમાણે છે. ભાવનગર યુનિ., સરદાર પટેલ યુનિ., હેમચંદ્રાચાર્ય યુનિ.પાટણ, જે.જી.કોલેજ ઓફ પરફોરમિંગ આર્ટ્સ,અમદાવાદ ગુજરાત યુનિ., મહાત્મા ગાંધી ઇન્સ્ટીટ્યૂટ,  યુનિ.ઓફ મોરેશિયસમાં પણ એકઝામીનર,વર્કશોપ સંચાલક અને કલાકાર તરીકે ૨૦૦૫ અને ૨૦૦૭ માં પંદર દિવસ દરમ્યાન સેવાઓ આપી છે. લલિત નારાયણ મિશ્રા મિથિલા યુનિ.દરભંગા બિહારની મ્યુઝીક  કોલેજમાં પણ પરીક્ષક તરીકે અને કલાકાર તરીકે તેઓશ્રીને ૨૦૧૦માં આમંત્રણ મળ્યુ હતુ.

૧૯૮૨માં પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય ગાયનની સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાં તેઓશ્રી પ્રથમ આવ્યા હતા.વિવિધ સંસ્થાઓએ તેઓશ્રીનું સન્માન પણ કરેલ છે,જેમ કે ૧૯૮૨માં વડોદરા મહાનગર પાલિકા દ્વરા સન્માન,૨૦૦૩માં આસ્થા ફાઉન્ડેશન,પાલનપુર,બનાસકાંઠા દ્વારા સન્માન,૨૦૦૩માં ગુજરાત તુરી સેવા સમાજ સંઘ દ્વારા ગાંધીનગર ખાતે “સમાજ રત્ન” એવોર્ડ દ્વારા સન્માન,૨૦૧૦માં ગુજરાત તુરી સેવા સમાજસંઘ દ્વારા “તેજસ્વી તારલા” તરીકે સન્માન.

તેઓશ્રી ૧૯૮૦ જાન્યુ.માં લેક્ચરર તરીકે એમ.એસ.યુનિ.વડોદરા કોલેજમાં જોડાયા ત્યારબાદ ૨૦૦૨માં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તેરીકે નિમાયા,જે અત્યારે કાર્યરત છે (૧૦ વર્ષથી), ૨૦૦૩ થી ૨૦૦૫ (લગભગ દોઢેક વર્ષ ઇનચાર્જ ડીન તરીકે અને ૨૦૦૮ થી અત્યાર સુધી ડીન તરીકે સેવા આપી રહ્યા છે.(ડીન તરીકે તેમનું છઠ્ઠુ વર્ષ ચાલી રહ્યુ છે.)

આમ વડગામ તાલુકાના કોદરામ ગામની પ્રાથમિક શાળા માંથી શરૂ કરેલી શૈક્ષણિક સફર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ડીન સુધી પહોંચી તેમજ એક કલાકાર તરીક દેશ-વિદેશમા અનેક પ્રશંસા તેમજ એવોર્ડો મેળવી,સેવા કાર્યો કરી વડગામ તાલુકાનુ નામ દેશ-વિદેશ મા આપની સંગીત ક્ષેત્રે ઉજ્જ્વળ કારકિર્દી થકી રોશન કરવા બદલ વડગામ તાલુકાના પ્રજાજ્નો તરફ્થી આપને ખૂબ ખૂબ અભિનંદન.

નોંધ- અહીં એક વાત આ યુનિ. અંગે એ પણ જાણીએ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે ૧૮૮૬ની ૨૭મી ફેબ્રુઆરીએ કલા અને સાહિત્યને પ્રોત્સાહન આપવા વડોદરામાં દેશની સર્વ પ્રથમ ગાયન શાળાની સ્થાપના ઉસ્તાદ મૌલાબક્ષ પાસે કરાવી હતી. ત્યારબાદ ૧૯૪૯માં મ્યુઝીક કોલેજ થઈ.૧૯૫૩માં College of Indian Music dance and dramatics  ની શરૂઆત થઈ.૧૯૮૪માં સ્વતંત્ર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ તરીકે રચના થઈ.ઉસ્તાદ ઇનાયતખાન અને ઉસ્તાદ ફૈયાજખાન જેવા શાસ્ત્રીય સંગીતના ધુરંધરોને સયાજીરાવે વડોદરામાં આશ્રય આપ્યો હતો.