વિશિષ્ટ દાન – શ્રી જીતેન્દ્રભાઈ સી. મહેતા
[શ્રી ચંન્દ્રકાંતભાઈ ધુડાલાલ ગાંધીએ પોતાના કે પરિવારના નામ પર નહિ પણ બનાસકાંઠાના મૂકસેવક શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલના નામ ઉપર સોળ લાખ રૂપિયાનું દાન આપ્યું ! તે અંગેની પ્રેરણાત્મક માહિતી સ્વરાજયના તંત્રી આદરણિય શ્રી જીતેન્દ્રભાઈ સી.મહેતા દ્વારા પ્રકાશિત સ્વરાજ્ય સાપ્તાહિકના ગૌરવપૂર્ણ ૬૦ વર્ષ નિમિત્તે પ્રકાશિત સ્મરણિકામાં આપવામાં આવી હતી,તે લખાણ અહીં આભાર સહ લખવામાં આવ્યુ છે.]
પાલનપુર સમાજ કેન્દ્રના મુંબઈના પ્રતિનિધિ તરીકે સતત ૪૫ વર્ષ સુધી બનાસકાંઠાના રેતાળ વિસ્તારના ગામડાઓમાં પોતાના ખર્ચે ઘૂમતા રહીને સમાજ કેન્દ્રના દાન અને સહાય વડે પ્રાથમિક શાળાના મકાનો, પીવાના પાણીના બોર, પૂર પીડિતો માટેના મકાનો અને દુષ્કાળના સમયમાં કેટલ કેમ્પો (ઢોરવાડા)નું ઉત્સાહભેર આયોજન કરનાર પાલનપુરના વતની આદરણિય શ્રી ચંન્દ્રકાંતભાઈ ધુડાલાલ ગાંધી બનાસકાંઠાના ઘણા બધા આગેવાનો- કાર્યકરોના સંપર્કમાં રહ્યા. તેમા પ્રમાણિક્તાપૂર્વક, જ્ઞ્યાતિવાદથી પર રહીને આગવી કોઠાસૂઝથી બનાસકાંઠામા સેવાની સુવાસ પ્રસરાવનાર વડગામ તાલુકાના નળાસર ગામના વતની અને મૂક સેવક શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ તરફ એમને માન ઊભું થયેલું.
આ ગલબાભાઈનું નામ જળવાઈ રહે માત્ર એટલા હેતુએ એમના નામના કોઈ જ ડોનેશન થતાં ન હતાં તેવા સંજોગોમાં એમના નામે પાલનપુરની કુંવરબા શાળાને સોળ લાખ રૂપિયાનું દાન આદરણિય શ્રી ચંન્દ્રકાંતભાઈ ગાંધીએ ૨૦૦૩ના જાન્યુઆરીમાં આપ્યું.
આ દાન વિશિષ્ટ એટલા માટે ગણાય કે, પોતાના નાણાં પોતાના કે પોતાના પરિવારના નામે નહિ પણ અન્ય સમાજની વ્યક્તિની સેવા પ્રવૃત્તિને અંજલીરૂપે જ્યાં અન્ય કોઈ દાન ન આપે ત્યારે અપાયું છે. બીજા અર્થમાં આ પ્રામાણિક વ્યક્તિની મૂકસેવાની કદર છે !
આ વેબસાઈટ ઉપર લખવામાં આવેલ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેના અન્ય લેખો વાંચવા અહીં ક્લીક કરો.