વ્યક્તિ-વિશેષ

મર્હૂમ ભીખુભાઈ ઉમરદરાજખાન બિહારી

ભીખુભાઈ બિહારી

પાલનપુર સ્ટેટના કેટલાક પ્રતિષ્ઠિત જાગીરદારો પૈકીના એક ઠાકોરશ્રી ઉમરદરાજ ખાનજી જેવા મુત્સદી, સંસ્કારી પિતાની છત્રછાયામાં ઉછરેલા મર્હૂમ ભીખુભાઈને સુસંસ્કાર, નૈતિકતા, વિનમ્રતા, સાથે રાજકારણ વારસામાં મળ્યા હતા. કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓને લઈને માધ્યમિક શાળા સુધીનું જ શિક્ષણ તેઓ પ્રાપ્ત કરી શક્યા હતા. પરંતુ ભણતર કરતાં ગણતર જેમનું મૂઠેરી ઉંચું હતું એવા ભીખુભાઈ પોતાના ખુશમિજાજી મિલનસાર સ્વભાવ, મહેમાનનવાજી, મિતભાષી અને બુદ્ધિચાતુર્ય જેવા ગુણોથી એમનું વ્યક્તિત્વ શોભતું હતું. તેઓશ્રીએ નિ:સ્વાર્થ જનસેવા તેમજ લોકસંમ્પર્ક દ્વારા સમગ્ર જિલ્લામાં તેમજ રાજ્યમાં એક વિશાળ મિત્રવર્ગ ઉભો કર્યો હતો.

મિત્રોના આગ્રહને લઈને તેમજ લોકસેવા જેવા ઉમદા હેતુથી પ્રેરાઈને ઈ.સ. ૧૯૭૩ માં કોંગ્રેસ પક્ષમાં જોડાયા અને સક્રિય રાજકારણ અપનાવ્યું. ઇ.સ. ૧૯૭૩ થી ૧૯૭૮ પાંચ વર્ષ સુધી માદરે વતન વડગામ તાલુકાના ગીડાસણ ગામના બિન હરીફ સરપંચ રહ્યા તે સમય દરમિયાન તાલુકામાં અને જિલ્લામાં લોકસેવા અને વિકાસના કાર્યો કર્યા. જેથી જિલ્લાભરમાં અપ્રતિમ લોકચાહના પ્રાપ્ત કરી. વળી સહકારી સંસ્થાઓ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તેમજ વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી.

ઇ.સ. ૧૯૮૧ ની જિલ્લાપંચાયતની ચૂંટણીમાં વડગામ સીટ ઉપર વિજય મેળવ્યો અને તા. ૨૭.૦૧.૧૯૮૧ ના રોજ બનાસકાંઠા જિલ્લા પંચાયતના બિન હરીફ પ્રમુખ તરીકે નિયુક્ત થયા. જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે આગવી સૂઝબુઝ થી જિલ્લાને પારદર્શક ભ્રષ્ટાચારરહિત, કાર્યક્ષમ વહિવટ આપ્યો, લોકપ્રશ્નોનું ત્વરિત નિરાકરણ માટે સંન્નિષ્ઠ પ્રયત્નો કર્યા. જિલ્લા વિકાસના કામોને અગ્રતા આપી. તેઓશ્રીએ ફક્ત બનાસકાંઠા જિલ્લામાં જ નહી સમગ્ર રાજ્યમાં એક અનેરી લોક ચાહના પ્રાપ્ત કરી.

તેઓશ્રીએ જીલ્લા પંચાયતના પ્રમુખપદના હોદ્દાની ગરીમા વધારી અને તેની મહત્તાનો ખ્યાલ લોકો સુધી પહોંચાડ્યો. તેઓશ્રીના અકાળ અવસાનની ઘડીએ શ્રી મોરારદાન ગઢવી (સરકલ) માંણકાના મુખે સરી પડેલ કાવ્યની કેટલીક પંક્તિઓ અહીં પ્રસ્તુત છે.

શુધ્ધ જીવન, મનડું સરળ, નહિં આડંબર નામ,

સજ્જન બની શોભાવ્યું, આ ગીડાસણ ગામ,

જીલ્લા પંચાયત પ્રમુખ પદ પામીને, કીધાં અનેરા કામ,

કુળાચાર જગે મહેકાવતાં, ચલતાં કુળની ચાલ,

પયગંબરે પૈગામ કીધો, બોલાવ્યા નિજ ધામ,

ઉમરદરાજ નંદ પરે ઉંમર કંપ આવીયાં,

લૂંટાઈ ગયાં ભાગ્ય, અનાથ દીન દુખીયાં નાં.

જ્યારે પોતાની કારકીર્દિનો સૂર્ય સોળે કળાએ ખિલી રહ્યો હતો ત્યારેજ બ.કાં.જિ. પંચાયત પ્રમુખ સેવાકાળ દરમિયાન જ માત્ર ૪૪ વર્ષની યુવા વયે આકસ્મિક અકાળે તા. ૨૭.૦૩.૧૯૮૪ના રોજ આ ફાની દુનિયા છોડી ચિર વિદાય લીધી. સમગ્ર લોકસમાજના પ્રેરણારૂપ એવા આપ પર સમગ્ર વડગામ તાલુકાને ગૌરવ છે.

“ જીંદગીની એજ સાચે સાચ પડઘો છે ગની !

હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે.

[શ્રી તાલેમહંમદખાન સિલ્વર જ્યુબિલી, જાગીરદાર એજ્યુકેશન ટ્રસ્ટ, પાલનપુર- ત્રિવેણી મહોત્સવ-૨૦૦૯ ની સફર સ્મૃતિકા માંથી સાભાર.]

www.vadgam.com