વિદાયની વસમી પળો : શ્રી એન. સી. જુડાલ
[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ. આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે “ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યુ હતું. જેમા ગલબાભાઈના સમકાલિન મહાનુભાવો દ્વારા સ્વ. ગલબાભાઈને શ્રધાંજલી સંદેશ સાથે ગલબાભાઈ સાથે તેઓના અનુભવોનું સંકલન કરવામાં આવ્યુ છે,જે વડગામ વેબસાઈટ ઉપર સમયાનુસાર વિવિધ મહાનુભાવોના ગલબાભાઈ વિશેના લેખો અને શ્રધાંજલી સંદેશ લખવામાં આવશે. આ તબક્કે સ્વ.શ્રી ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથ સમિતિનો આભારી છું.]
ત્રીજી જાન્યુઆરી ૧૯૭૧નો એ દિવસ મારા માટે સ્મરણપટ ઉપરથી ક્યારેય નહીં ભૂંસાય. મેં એક ડૉક્ટર તરીકે કેટલાય માણસોને મરતાં જોયાં છે. તે દિવસે મેં મનુષ્યને નહિ, પેલા કવિના શબ્દોમાં- મોતને મરતાં જોયું –“ મૃત્યુ મરી ગયું રે લોલ ! ” જીવનમાં મને તે જ દિવસે કવિઓ અને કવિતા યથાર્થ લાગ્યાં હતાં…બાકી તો હું સાયન્સનો જીવ……
હું પાલનપુર સિવિલ હૉસ્પિટલમાં દર્દીઓને તપાસતો હતો. ત્યાં અચાનક મેં ઊંચે જોયું…સામે જ ગલબાભાઈ પૂનમભાઈ પટેલ સાથે દાખલ થયા. ગલબાભાઈને જોતાં જ એ પ્રસંગ મારા માનસપટ પર છવાઈ ગયો. હું મારી એમ.બી.બી.એસની પરીક્ષા પૂર્ણ કરીને છેલ્લી ઇન્ટરશીપ માટે પાલનપુર સિવિલ હૉસ્પિટલમાં આવેલો. તે સમયે ચૌધરી ચા ભંડાર પર હું મારા ભાઈને મળવા જતો હતો. ત્યાં હાથમાં કપ લઈને એક ગામડિયો બેઠેલો. દુકાનમાં પ્રવેશ કરતાં પહેલાં જ મારા ભાઈએ મારી ઓળખાણ તેમને આપી દીધેલ. મને પણ ભાઈએ કહ્યું કે આ ગલબાભાઈ છે. નામ સાંભળેલું, ક્યારેય જોયેલા નહીં. મારી ઓળખવિધિ બાદ તરત જ તેઓ બોલી ઊઠ્યા : “ ખેડૂતના દીકરા થઈ ડૉક્ટર તો બન્યા…પણ હવે ખેડુની ખબર રાખજો.”
એ શબ્દો મેં સાંભળ્યા. કોણ જાણે કેમ એ શબ્દોએ મારા હૈયાને હચમચાવી મૂક્યું. સાદા ચહેરા ઉપર ચમકતી વિશિષ્ટ પ્રતિભાને હું જોઈ રહ્યો. કોઈનેય પરાણે વડીલ માની લેવા પ્રેરે તેવું તેજ તેમના મોઢા પર ચમકતું હતું. થોડીક ક્ષણોની એ મુલાકાત અંતરપટ પર સદાને માટે કોતરાઈ ગઈ….એ પછી તો જ્યારે જ્યારે મારી પાસે કોઈ ખેડૂત દર્દી આવે ત્યારે હર્દયમાં પડેલા પેલા શબ્દો મારા કાનમાં ગુંજવા માંડે. ખેડૂત તરીકેની હું મારી જાતને શિક્ષણ દરમિયાન ભૂલી ગયો હતો…પણ ગલબાભાઈના શબ્દો મને મારી જાત પ્રત્યે સભાન રાખતા રહ્યા….ખેડૂત તરીકેનું મારું અસ્તિત્વ ફરીથી જીવીત થઈ ચૂક્યું હતું, જે આજેય હું નથી ભૂલ્યો.
બે વર્ષ એ વાતને વીતી ગયાં. પછી તો ગલબાભાઈની ન કોઈ મુલાકાત, ન એમના વિશે ખાસ કોઈ વાત; પણ આજે તેમને હૉસ્પિટલમાં આવેલા જોઈને હું તેમને માન આપવા ખુરશી પરથી ઊભો થઈ ગયો. તેમણે હસતાં હસતાં મને કહ્યું—-
“ડૉક્ટર તમારું કામ ચાલુ જ રાખોને !” એટલું કહીને તેઓ ડૉ. મોગરા પાસે જઈને બેસી ગયા…ત્યાં તેઓ ધીરે ધીરે વાતો કરતા હતા. હું ફરી મારા દર્દીઓને તપાસવાના કાર્યમાં વ્યસ્ત થઈ ગયો….
થોડીવાર વાતો કરીને ગલબાભાઈ તથા પૂનમભાઈ બનેં બહાર નીકળી ગયા. એ પછી લગભગ પંદરેક મિનિટનો સમય વ્યતીત થયો હશે ત્યાં તો ઓ.પી.ડી ની ઓસરીમાં દોડાદોડી થઈ ગઈ. કેટલાક ડૉક્ટરો દોડતા હતા. સિવિલ સર્જન પણ ઑપરેશન થિયેટર તરફથી દોડીને જતા હતા. કેટલાક પગોના અવાજ, કોલાહલ, વાતાવરણમાં અચાનક પરિવર્તન. આ બધુ જોઈને મને પણ જિજ્ઞાસા થઈ. હું પણ બહાર આવ્યો. હાંફળા ફાંફળા ડૉક્ટરોને જોઈને હું પણ મારી ફરજ સમજીને સિવિલ સર્જનના રૂમ તરફ દોડ્યો. ત્યાં તો ગલબાભાઈ પાટ ઉપર આંખો બંધ કરીને સૂતા હતા. સિવિલ સર્જન અને ડૉક્ટરો તેમને બચાવવા પ્રયત્ન કરી રહ્યા હતા. મેં જોયું થોડી ક્ષણોમાં કંઈક અવનવું બની ગયું હતું ! ગલબાભાઈને સામાન્ય શરદી હતી. ડૉક્ટરે પેનિસિલિનનું ઇન્જેક્શન આપ્યું હતું…અચાનક તેમને રીએક્શન આવ્યું હતું. જે ક્ષણે હું પરિસ્થિતિ સમજ્યો…મને ચક્કર આવી ગયા. મારું મગજ શુન્ય શું બની ગયું. મને આજે એ યાદ નથી. પણ કોઈએ બૂમ પાડી: જલદી કરો, ઇન્જેક્શન લાવો. કયું ઇન્જેક્શન ? કેવું ? શા માટે ? મને કાંઈ સમજાયું નહી. બેહોશ શો હું દોડ્યો. મારા પગની એક ચંપલ સિવિલ સર્જનના રૂમમાં હતી; બીજી હૉસ્પિટલના મેદાનમાં. હાંફળો ફાંફળો બહાર નીકળીને સીધો જ હું સામેની દવાની દુકાને પહોંચ્યો. મેં એક ઇન્જેક્શનની માંગણી કરી. દુકાનદારે કહ્યું: ઇન્જેક્શન ખલાસ થઈ ગયું છે….અને મારી છાતીના પાટિયાં જાણે બેસી ગયાં…જે મને દોડાવ્યો હતો તે ભય ! મારું હર્દય હતાશ થઈ ગયું. બીજી દવાની દુકાને જવાનું ન તો હું વિચારી શક્યો, ન જઈ શક્યો, અભાનાવસ્થામાં હું દોડતો દોડતો પાછો આવ્યો. નથીના સમાચાર દેવા જ તો ! મેં ઉતાવળથી કહી દીધું. કહી દીધું નહીં કહેવાઈ ગયું. “ગલબાભાઈ ખલાસ થઈ ગયા.”
(તે સમયની મારી વર્તણૂક હું હજુય નથી સમજી શક્તો) પરંતુ મારા જવાબની હવે ત્યાં કોઈનેય ક્યાં પરવા હતી ! અફસોસ ! એક સફેદ ચાદર નીચે હવે એ દેહ ઢંકાયેલો પડ્યો હતો. હવે ન તો તેને જરૂર હતી ઇન્જેક્શનની કે ન તો દવાની ! બનાસકાંઠાનો દીપક તો બુઝાઈ ગયો. હું તો પાર્થિવ દેહને ન જોઈ શક્યો. મારી આંખો આંસુથી ભરાઈ ગઈ હતી. એક ખુરશી પર જઈને હું ફસડાઈ પડ્યો. તે દિવસે મને મારી જાત પર ધિક્કાર વછૂટ્યો. મારું તબિબી જ્ઞાન આજે લાચાર હતું….! ઓહ…વધુ અફસોસ તો મને એ હતો કે જે હૉસ્પિટલમાં મનુષ્ય બચવા આવે છે તે જ સ્થાને ગલબાભાઈ શું મૃત્યુને ભેટવા આવ્યા હતા ?
થોડીવારમાં તો માણસો ઊભરાવા લાગ્યા. ખાટલામાંથી ઊભો થઈ શકે તેવો કોઈ દરદી ખાટલામાં ન હતો – બધા જ બહાર. કોણ પારકું કે કોણ પોતાનું, નજીકનું કે દૂરનું, માનવમહેરામણ ઊમટ્યો હતો. દરેકની આંખો વરસતી હતી. અશ્રુભીના ચહેરા ઉપર ગમ રમતો હતો. હોઠ ડૂસકાં લેતા હતા…..
પ્રશંસાના કોણ જાણે કેટલાંય પુષ્પો લોકોની હર્દય ભાવનામાંથી વેરાઈ રહ્યાં હતાં. એક તરફ ગુણોની પ્રશંસા હતી-બીજી તરફ ડૉક્ટરો તરફનો તિરસ્કાર. જિંદગીમાં પહેલી વખત તે દિવસે મને મારી જાત ઉપર ધિક્કાર વછૂટ્યો. કાપો તો લોહી પણ ન નીકળે તેવા અમારા ચહેરા થઈ ગયા હતા. નિમિત્ત તેમને અહીં મરવા લઈ આવ્યું હતું કે શું ? હજારો આંખો બંધ ચાદરને ચીરીને…પેલા ચહેરાને દેખતી હતી. હજારો હૈયાં મૂક મને તેને વંદી રહ્યાં હતાં. વાતાવરણ ધીરે ધીરે વધુને વધુ ગમગીન બનતું જતું હતું. હવાયે જાણે ઉદાસ હતી…! પાલનપુર જ નહીં પરંતુ ચોપાસથી જ્યાં જ્યાં સંદેશા મળતા હતા ત્યાં ત્યાંથી સ્નેહીઓ ઉમટી રહ્યા હતા.

આખરે મૃતદેહને તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો. ત્યાંથી તેમની ભવ્ય સ્મશાનયાત્રા નીકળી, કદાચ પાલનપુરે એના ઇતિહાસમાં આવી સ્મશાનયાત્રા પ્રથમવાર જ નિહાળી હશે !
ગલબાભાઈના મૃત્યુનો હું સાક્ષી. કોઈ એક અદ્દશ્ય અનુભૂતિનો મેં સાક્ષાત્કાર કર્યો. તેનો ભેદ હું આજેય નથી સમજી શક્તો. હું આજે જ્યારે એ પળને યાદ કરી કરીને મારી વર્તણૂક, મારું વલણ, મારા વિચારો અને મારાથી બોલાઈ ગયેલા ઉતાવળિયા શબ્દોને ભૂલવાનો પ્રયાસ કરું છું, ત્યારે હું સ્વયં ગલબાભાઈની એ અદ્દશ્ય પ્રતિભાશક્તિમાં ઓગળી જાઉં છું. વિચારવિહિન. હું આગળ વિચારવાની મથામણ નથી કરી શક્તો. આજે વર્ષોનાં વહાણા વાયાં, જ્યારે જ્યારે મારી પાસે કોઈ ખેડૂત દર્દી આવે છે ત્યારે એના ચહેરામાં મને ગલબાભાઈની જીવતી જાગતી સૂરત દેખાય છે અને પેલા શબ્દો હજુય કાનમાં રમ્યા કરે છે.
આ વેબસાઈટ ઉપર લખવામાં આવેલ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેના અન્ય લેખો વાંચવા અહીં ક્લીક કરો.
સહકારના શિલ્પી ગલબાકાકા ,/ કરોડોમાં એક ક્યારેક ! /આપણા આગેવાનોની સાચી હમદર્દી. શ્રી ગલબાભાઈ પટેલની કડક અને સ્પષ્ટ શબ્દોમાં પોતાના પક્ષમાં રજૂઆત.. / બનાસડેરીના શિલ્પી સ્વ.ગલબાભાઈ પટેલ / વિશિષ્ટ દાન / ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથ સંપાદકિય લેખ – શ્રી રઘુવિરભાઈ ચૌધરી / પછાતપણાના કલંકના મુક્તિદાતા સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલ /મારી આંખે તરવરતી એ તસવીર
****
વિશેષ :-
દીન-દરવેશ એ સૂફી સંત અનવર કાઝી સાહેબના શિષ્ય હતા. તેઓ વડગામ તાલુકાના વરણાવાડા ગામના હિંદુ લુહાર હતા. અનવરકાઝી સાહેબના પ્રભાવથી તેમણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો. તેઓ દીન-દરવેશ તરીકે ઓળખાયા. તેમના કાવ્યો ‘સવાઈયાસે’ અને ‘રેક્તા મેટર્સ’ ગુજરાતી ભાષામાં છે. તેમાં ઊંચુ તત્વજ્ઞાન છે. તે પ્રણાલિકામાં સચવાયેલ છે.