ગરીબી, યાતના અને ઉપેક્ષા : -કુમારપાળ દેસાઈ
પ્રકરણ – ૭
[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અને મુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામ મેમદપુરમાં જન્મ લઈને પ્રખ્યાત ટોરેન્ટ કંપનીની સ્થાપના કરીને વૈશ્વિક ફલક પર વડગામ તાલુકાનું નામ રોશન કરનાર અને આપણને સૌને ગૌરવ અપાવનાર શ્રી ઉત્તમભાઈ એન.મહેતાનું જીવનચરિત્ર પ્રખ્યાત લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ દ્વારા “આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર” પુસ્તક સ્વરૂપે લખ્યુ છે જે આભારસહ તે પુસ્તકમાંથી આ વેબસાઈટ ઉપર લખવામાં આવ્યું છે.આ પુસ્તકમાં કુલ ૨૫ અલગ અલગ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે,જે દરેક એક સાથે અને સમયે ટાઈપ કરીને વેબસાઈટ ઉપર મુકવા શકય ના હોવાથી સમયાનુસાર એક એક પ્રકરણ આ વેબસાઈટ ઉપર લખવામાં આવશે. ગરીબી, યાતના અને ઉપેક્ષા એ પુસ્તકનું સાતમું પ્રકરણ છે.આ અગાઉ પ્રકરણ ૧– ૨ – ૩ – ૪ – ૫ – ૬ આપણે આ વેબસાઈટ ઉપર મુકી લખી ચુક્યા છીએ.ફરીથી આ લેખના લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ અને પુસ્તક પ્રકાશક ટોરેંટ લિમિટેડ,અમદાવાદનો આભારી છું.] – નિતિન પટેલ (વડગામ)
ઘોર વિફળતા, કથળતી તબિયત અને આર્થિક દુર્દશાના મહાસાગરમાં ઉત્તમભાઈની જીવનનૈયા આમતેમ ઊછળતી, અથડાતી, ફંગોળાતી હતી. સેન્ડોઝ કંપનીની મોભાદાર નોકરી સમયે મિત્રોનો મધપૂડો જામ્યો હતો. સગાસબંધીઓનો ‘સ્નેહ’ પણ અપાર હતો, પરંતુ મુંબઈના દુ:સાહસને પરિણામે ઉત્તમભાઈ એકલા-અટૂલા થઈ ગયા. ઘોર નિરાશાની અંધકારભરી પરિસ્થિતિમાં કેટલાક નિકટના મિત્રો સાવ મુખ ફેરવી બેઠા અને સબંધીઓએ સાથ છોડી દીધો, ત્યારે અપરિચિતો પાસેથી તો કઈ આશા રાખી શકાય ?
જીવનમાં અવિરત આવતા આઘાત-પ્રત્યાઘાતોએ ઉત્તમભાઈના ચિત્તને ખળભળાવી મૂક્યું. એક આઘાતની હજી માંડ કળ વળી હોય, ત્યાં બીજી આફત ઉંબરે આવીને ઊભી જ હોય ! આજ સુધી સ્વાસ્થયને હોડમાં મુકી અપાર પરિશ્રમ કરનારા ઉત્તમભાઈએ શારીરિક સ્વાસ્થય તો ખોયું જ, પરંતુ માનસિક મુશ્કેલીય ઉત્તરોત્તર વધવા લાગી.
અમદાવાદની ઝાટકણની પોળમાં રહેતા હતા એ સમયે ઘણીવાર શાંતિથી, કશીય ખલેલ વિના કામ થાય તે માટે આખી રાતનો ઉજાગરો કરતા હતા અને પરિણામે દિવસે એ સૂતા જોવા મળે. એમના મકાનમાલિક ઠાકોરભાઈ પટેલ આજે પણ યાદ કરે છે કે તેઓ આખી રાત પુસ્તકો વાંચતા હોય. એમના મનમાં વિચાર ચાલતો હોય કે કયા પ્રકારની દવા બજારમાં મૂકું કે જેથી તરત જ વેચાય અને ઓછી મૂડીએ બહોળું કામ થાય ! રાતની નીરવ શાંતિ એમને વિચાર અને સંશોધન માટે અનુકૂળ આવતી હતી. આને માટે ઉત્તમભાઈ ટેબ્લેટનો સહારો લેતા. ટેબ્લેટ ન મળે ત્યારે એમની અકળામણનો પાર ન રહેતો. ટેબ્લેટ લે ત્યારે શરીરમાં કૃત્રિમ જોશ જાગ્રત થતું. એ જોશને કારણે પણ કવચિત હોશ ગુમાવવાનું બનતું હતું.
સેન્ડોઝ કંપનીમાં ઉત્તમભાઈ નોકરી કરતા હતા ત્યારે ડૉ. શાંતિભાઈ શાહે ઘણો સાથ આપ્યો હતો. ડૉ. શાંતિભાઈ શાહને શારદાબહેન પ્રત્યે સગી બહેન જેવી લાગણી હતી. ઉત્તમભાઈના કથળતા સ્વાસ્થયની રાત-દિવસ ચિંતાને કારણે શારદાબહેનનું વજન પણ ઓછું થયું હતું. શાંતિભાઈ એમને સતત આશ્વાસન અને સાંત્વના આપતા કે નિરાશાવાદી ન થાવ, આશાવાદી બનો. રાત ગમે તેટલી અંધારી હોય પણ પછી અજવાળતું પ્રભાત આવવાનું જ.
આ સમયે નાના બાળકો સાથે શારદાબહેન ગૃહસંસાર ચલાવતાં હતાં. ઠાકોરભાઈના પત્ની વિદ્યાબહેન સાથે શારદાબહેનને સારો મેળ હતો. વિદ્યાબહેન મક્કમ અને હિમંતવાન હતાં. શારદાબહેનને એમની હૂંફ રહેતી. આખરે સહુએ વિચાર્યુ કે ઉત્તમભાઈનું દર્દ હદ બહાર વધતું જાય છે. અન્ય વ્યક્તિને તો આનો ખ્યાલ પણ ન આવે. પણ ધરના લોકોની યાતનાનો પાર નહોતો. બીજા લોકોને તો એ સીધા-સાદા કામગરા સજ્જન જ લાગતા હતા. પોળના રહીશો તો ઉત્તમભાઈને સવારે પોળમાંથી બહાર જતા જુએ અને સાંજે પાછા ફરતા જુએ !
ઉત્તમભાઈની ‘એમ્ફેટેમિન ટેબ્લેટ’ ની આદતને કારણે ઉત્તમભાઈ અને એમના પરિવારજનોનાં જીવન દસ-દસ વર્ષ સુધી આફતોની આંધીમાં ઘેરાઈ ગયા. ઉત્તમભાઈને આ ‘ટેબલેટ’ ન મળે તો એમનું શરીર સાવ ઢીલું પડી જતું, એકદમ સૂનમૂન થઈને બેસી રહેતા. કોઈની સાથે કશી વાતચીત કરે નહીં. કોઈપણ બાબતમાં એમને રસ પડે નહીં. ‘ટેબલેટ’ ન મળવાથી પારાવાર અજંપો અને અકળામણ અનુભવતા હોય. આખુ શરીર ખેંચાઈ ગયું હોય એવું લાગે.
આખી ‘ટેબલેટ’ તો શું, પણ માત્રા એનો સહેજ સ્વાદ લે તો પણ એમનામાં ગજબની સ્ફૂર્તિ આવતી હતી. એ સમયે ત્રણ માણસ એમને પકડી રાખે તો પણ ઝાલી શકાતા નહીં. જાણે ‘સુપરમેન’ ની શક્તિ પેદા થઈ હોય તેવું લાગે !
એમ્ફેટેમિન ‘ટેબ્લેટ’ લીધા પછી એ ખૂબ કામ કરવા લાગી જતા હતા. આનાથી થતી માનસિક બિમારીને પરિણામે ખોટા વિચારો આવતા હતા અને એમાંથી ખોટી શંકા-કુશંકાઓને કારણે પરિવારજનો તરફ અકળાતા અને કામના જરૂરી કાગળો ફાડી નાખતા હતા. આ ટેબલેટ’ ની અસર ઓછી થાય, ત્યારે એકદમ શાંત થઈ જતા. જો ‘ટેબલેટ’ ની અસર હેઠળ ગુસ્સે થયા હોય તો માફી માગતા. મનમાં વિચારતા પણ ખરા કે હવે ‘ટેબલેટ’ નહીં લઉં. ફરી પાછો થોડો સમય જાય અને ‘ટેબલેટ’ લેવાનો વલોપાત શરૂ થાય. મોટી અને ચકળવકળ થઈ ગયેલી આંખો પરથી જ એનો ખ્યાલ આવી જાય. ગમે તે રીતે પણ ‘ટેબલેટ’ લઈ આવે. ક્યાંક સંતાડી રાખી હોય અથવા તો કોઈ શક્તિની દવામાં પણ ભેળવી દીધી હોય.
એક દસકા સુધી ઉત્તમભાઈ આ આદતનો ભોગ બન્યા. એમણે પોતે ઘણુ સહન કર્યું. ઘણી ભૂલો કરી. એને કારણે શારીરિક બેહાલી, આર્થિક ભીંસ અને સામાજિક મુશ્કેલીઓ અનુભવવી પડી. એમના સમગ્ર પરિવારને પણ આના કારણે ઘણુ સહન કરવું પડ્યું. એમના પુત્ર-પુત્રીઓને ગરીબી અને ઉપેક્ષાના ઓથાર હેઠળ જીવવું પડ્યું. ‘ડ્રગ’ લેનારના જીવનમાં કેવી તબાહી આવતી હોય છે, તે એ સમયગાળાના ઉત્તમભાઈના જીવનમાં જોવા મળ્યું.
સામાન્ય માનવી આવી આદતો નો ભોગ બની ધીમા, વેદનાજનક મૃત્યુનો શિકાર બને છે. પણ ઉત્તમભાઈ આની સામે ઝઝૂમ્યા અને ઉત્તમભાઈની જીવનકથાના આલેખનનું મુખ્ય ધ્યેય એ છે કે કદાચ કોઈ સંજોગોને આધીન થઈને આવી ‘ડ્રગ’ની આદતના ભોગ બન્યા હોય તો એની સામે ઉત્તમભાઈની માફક પ્રબળ યુધ્ધ કરે તો આદત ઉપર વિજય મેળવી શકે છે અને જીવનને પ્રગતિની રાહ પર લઈ જઈ શકે છે !
વ્યહવારકુશળ વ્યક્તિ તરીકે કુટુંબની સમગ્ર પરિસ્થિતિનો વિચાર કરીને એમના સ્નેહાળ કુટુંબી-મિત્ર શાંતિભાઈ શાહે શારદાબહેનને સલાહ આપી કે તમે તમારે છાપી જાવ. ગામડાના હવા-પાણીને લીધે ઉત્તમભાઈનું સ્વાસ્થ્ય સુધરશે. વળી છાપીમાં શારદાબહેનના ભાઈઓ અને કુટુંબની ઓથ હોવાથી શારદાબહેનને રાહત રહેશે અને બાળકોની બરાબર સંભાળ પણ લેવાશે.
અમદાવાદમાં મહિને હજાર રૂપિયાનું ઘરખર્ચ થતું હતું, જ્યારે છાપીમાં આવક ઓછી હોય તો પણ રહી શકાય તેમ હતું. છાપી જવા માટે રાત્રે બાર વાગે ટેમ્પો બોલાવ્યો, પણ છાપી જવાની અનિચ્છાને કારણે ઉત્તમભાઈએ તે પાછો મોકલ્યો.
એ પછી બીજી વાર શારદાબહેને બાળકો સહિત છાપી જવાનું નક્કી કર્યું ત્યારે અમદાવાદના સ્ટેશનને બદલે સાબરમતીથી બેસવાનું આયોજન કર્યુ. એક એવી દહેશત સતાવતી હતી કે ઉત્તમભાઈ અમદાવાદના સ્ટેશન પર એમને શોધીને જતાં અટકાવી દે તો ? આથી ઝાટકણની પોળમાંથી સામાન સાબરમતી સ્ટેશન સુધી લઈ ગયા. બાકીનો સામાન મકાનમાલિક ઠાકોરભાઈ પાછળથી મોકલવાના હતા. આખરે મહામુશ્કેલીએ છાપી તો પહોંચ્યા અને એક નવી પરિસ્થિતિનો આરંભ થયો. જીવનની આકરી ઊથલપાથલ પછી શાંતિનો સૂરજ ઊગવાની આશા હતી, પણ અંધકાર એવો જામ્યો હતો કે ઉષાની ઊગવાની દિશા જ દેખાતી નહોતી.
છાપીના એ દિવસો અત્યંત કપરા દિવસો બની રહ્યા. ઉત્તમભાઈની તબિયતના કારણે આખો પરિવાર આર્થિક સંકડામણોમાં સપડાઈ ગયો. સેન્ડોઝ કંપનીની નોકરીમાંથી મળેલી રકમ મુંબઈના નિષ્ફળ સાહસમાં ખર્ચાઈ ગઈ હતી. બીજી બાજુ સંતાનોની ઉંમર નાની હતી અને એમને કેળવણી આપવાની હતી. આવા કપરા સંજોગોમાં શારદાબહેન એક બાબતમાં મક્કમ હતાં કે ગમે તેટલું સહન કરીશ, કિંતુ પુત્ર-પુત્રીની કેળવણીમાં સહેજે કચાશ રાખીશ નહીં.
એમની પુત્રીઓ ભણવામાં ખૂબ હોંશિયાર હતી, છતાં એક સમય એવો આવ્યો કે પુત્રીને ફી માફીમાં ભણવું પડ્યું. આવી દોહ્યલી સ્થિતિ હતી ત્યારે પણ શારદાબહેને કોઈની પાસે હાથ લાંબો કર્યો નહી અથવા તો કોઈ જ્યોતિષીને પોતાનું નસીબ બતાવ્યું નહીં. એમને માત્ર એક જ બાબતમાં શ્રધ્ધા હતી અને તે નવકાર મંત્રમાં. એક સાંધો ને તેર તૂટે એવી પરિસ્થિતિમાં આ શ્રધ્ધાના બળે મોટો સહારો આપ્યો. ઉત્તમભાઈની સારવારમાં અને દવાઓમાં શારદાબહેનના બધા દાગીના વેચાઈ ગયા હતા.
વિપરીત સંજોગોએ ઉત્તમભાઈને એવા ઘેરી લીધા કે વ્યવસાયના વિકાસ માટે થોડી રકમ જરૂર હતી અને કોઈ એક રાતી પાઈ પણ આપવા તૈયાર નહોતું. એ સમયે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વ્યવસાય કે ધંધા માટે મોટી રકમ ધીરતી હતી. પરંતુ ઉત્તમભાઈને આ બેંકો પાસેથી ધંધા માટે મોટી રકમ અપાવે કોણ ? એમને માટે જામીનગીરી આપવા તૈયાર થાય કોણ ? સહુને દહેશત લાગતી હતી કે ઉત્તમભાઈનું શારીરિક અને માનસિક સ્વાસ્થય એટલું બધું નિર્બળ અને અનિશ્વિત હતું કે એમની ગેરહાજરીમાં ધંધો ખોરવાઈ જાય તો શું કરવું ? આવી નાણાની વાત થાય ત્યારે કેટલાક તો એમના મુંબઈ સાહસની નિષ્ફળતાની આગળ ધરી દેતા હતા. વધારામાં કહેતા હતા કે ધંધો ખેડવો એ એમને માટે ગજા બહારની વાત છે. એમાં તો દામ અને હામ જોઈએ.
ઉત્તમભાઈ પાસે દામ (પૈસા) નહોતા અને આવી માનસિક પરિસ્થિતિમાં હામ (હિંમત) તો ક્યાંથી રહી હોય ? કોઈ સલાહ આપતું કે ધંધાની ધૂનમાં પૈસા વેડફવાને બદલે નાની-મોટી નોકરી શોધીને કામે લાગી જાવ. આમ ઉત્તમભાઈને ધંધા માટે રકમ મળવાની કોઈ શક્યતા નહોતી. પોતે અંગત રીતે રકમ લઈ શક્તા હતા, પરંતુ ડામાડોળ પરિસ્થિતિમાં જોખમ ઉઠાવી શકતા નહીં. આવા કપરા સમયે શારદાબહેને પેટે પાટા બાંધીને સંતાનોને ભણાવ્યા અને પોતાનાં સંતાનોને ગ્રેજ્યુએટ કરવાના નિર્ણયમાં મક્કમ રહ્યાં.
શારદા એટલે સરસ્વતી. શારદાબહેનને સરસ્વતી માટે – વિદ્યા કાજે – અપાર પ્રેમ હતો. શારદાબહેન પોતે વધુ અભ્યાસ કરી શક્યા નહોતાં, પણ પોતાનાં બાળકોના અભ્યાસ અંગે સતત લક્ષ આપતા રહ્યાં. ઉત્તમભાઈ પણ પોતાના સંતાનોના અભ્યાસની બાબતમાં સતત કાળજી સેવતા. જ્યારે સ્વાસ્થય સારું હોય ત્યારે એમને પાસે બેસાડીને પ્રેમથી ગણિત શીખવતા હતા.
ક્યારેક શારદાબહેનના મનમાં એવો વિચાર પણ ઝબકી જતો કે પોતાના સંતાનોના જીવનમાં પોતાના જેવી કોઈ મુશ્કેલી આવે તો તેઓ ભણેલા હોય તો વાંધો ન આવે. ઓછી મુશ્કેલીઓ સહેવાનું આવે. વિદ્યાએ અંધકારમાં પ્રકાશરૂપ છે અને આપત્તિમાં મોટી ઓથ સમાન છે. પરિણામે મનમાં એક મક્કમ નિર્ધાર હતો કે ભલે જીવનમાં ગમે તેટલા અવરોધો અને આપત્તિઓ આવે, મુશ્કેલીઓ અને મૂંઝવણો આવે તો પણ બાળકોને તનતોડ મહેનત કરીને પણ ભણાવીશ ખરી. પોતાની મુશ્કેલીના રોદણાં રડવાને બદલે એમણે હિંમત, ડહાપણ અને કોઠાસૂઝથી કુટુંબને જાળવી રાખ્યું અને સંતાનોની પ્રગતિમાં પૂરો સાથ આપ્યો.
શારદાબહેનનો આ સંકલ્પ એ કોઈ સામાન્ય નિર્ણય નહોતો એ સમયે છોકરીઓને પ્રાથમિક શાળાથી વધુ આગળ ભણાવવાનું વલણ નહોતું. એક તો એવી માન્યતા હતી કે છોકરીઓને ભણાવીને કરવાનું શું ? નાની વયે લગ્ન થયા હોય, પછી ભણતરની જરૂર શી ? વળી ભણીને અંતે તો ધર-ગૃહસ્થી જ સંભાળવાની ને ! બીજુ એ કે પ્રાથમિક શાળાના અભ્યાસથી આગળ અભ્યાસ કરવા માટે બીજા ગામ જવું પડે. એ સમયે માતાપિતા પોતાની છોકરીઓને બીજે ગામ મોકલવા રાજી નહોતાં. શારદાબહેને આવી રૂઢિ કે માન્યતાને સહેજે મચક આપી નહીં. એમને માટે સમાજના ચીલાચાલુ બંધનો કરતાં વ્યક્તિનો વિકાસ વિશેષ મહત્વનો હતો.
તેઓ અભ્યાસ માટે પોતાની પુત્રીઓને છાપીની બહાર મોકલવા તૈયાર હતાં. રોજ અભ્યાસ માટે છાપીથી બીજે ગામ જવું પડે, અપ-ડાઉન કરવું પડે તેમ છતાં પોતાની દિકરીઓ ભણે એવો શારદાબહેને સતત આગ્રહ રાખ્યો. કોઈ ટીકા કરે, કોઈ હળવી મજાક કરે, પણ શારદાબહેન એમન વિચારમાં મક્કમ હતાં. ઉત્તમભાઈની અસ્વસ્થ તબિયતને પરિણામે ૧૯૬૮ સુધી બાળકોના ઉછેર અને અભ્યાસની જવાબદારી શારદાબહેને એકલે હાથે સંભાળી લીધી.
આ સમયે કોઈ આવીને શારદાબહેનને કહેતું પણ ખરું કે તમારી સૌથી મોટી પુત્રી મીનાને ભણાવો છો શા માટે ? ત્યારે શારદાબહેન કહેતા કે “ભણતર એ જરૂરી છે. જીવન માટે ઉપયોગી છે.”
એક વખત તો છાપી ગામના એક રહીશ શારદાબહેનને સલાહ આપવા આવ્યા. એમણે કહ્યું કે અમારી છોકરીઓ ચાર ધોરણથી વધુ ભણી નથી, છતાં એમને કેવું સારુ ઘર મળ્યું છે ! તમે છોકરીઓને આટલું બધું ભણાવીને શું કરશો ? હકીકતમાં એ સમયે આખા છાપી ગામમાં કોઈ સાત ધોરણથી વધુ ભણેલી છોકરી નહોતી.
છાપીથી વધુ ભણવા માટે પાલનપુર જવું પડતું. છાપીથી લોકલ ટ્રેનમાં પાલનપુર જતાં એક કલાક લાગે. આમ જવાનો એક કલાક અને પાછા ફરવાનો એક કલાક. આવી મુશ્કેલીઓ હોવા છતાં શારદાબહેને મીનાબહેનને ભણવા માટે છાપીથી પાલનપુર મોકલ્યાં. છાપીમાં આઠમાં ધોરણમાં મીનાબહેન પ્રથમ નંબરે આવ્યાં. એમને તેજસ્વી વિદ્યાર્થીની તરીકે પુસ્તકો અને ફી મળ્યાં. છેક મેટ્રિક સુધી મીનાબહેન નિશાળમાં પ્રથમ નંબરે આવ્યા. એને માટે સખત મહેનત કરતાં, કારણ કે જો પ્રથમ નંબર આવે તો ફી અને પુસ્તકો ફ્રી મળે. કોલેજકાળ દરમ્યાન પુસ્તકો ખરીદી શકે તેમ ન હોય, તે વખતે અભ્યાસનું આખુંય પુસ્તક લખી નાખતા. કોલેજમાં મીનાબહેને પોતાના માટે ઈ.બી.સી (ઈકોનોમિકલી બેકવર્ડ ક્લાસ)નું ફોર્મ ભર્યુ ત્યારે ઉત્તમભાઈની આંખમાંથી આંસુની ધારા વહી હતી.
જિંદગીનો રંગ પણ કેવો પલટાય છે ! એક સમયે વિલાયતી દવાની કંપનીની એમની નોકરીની અને એમના મોટા પગારની સહુ કોઈ ઇર્ષા કરતા હતા. વળી એક વખત એવોય આવ્યો કે અભ્યાસમાં અત્યંત તેજસ્વી એવી પુત્રીની ફી પણ આપી શક્તા નહોતા.
મેટ્રિકમાં ઉર્તીણ થયા પછી કોલેજના અભ્યાસ માટે મીનાબહેને પાલનપુર આર્ટસ & સાયન્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. આ ધટના કેટલાકને વજ્રાઘાત જેવી લાગી. કોઈએ આવીને શારદાબહેનને ચેતવ્યા પણ ખરાં કે દીકરીને આ રીતે અપ-ડાઉન કરાવો છો, એમાં કોઈ મુશ્કેલી આવશે તો શું મોંઢુ બતાવશો ? શારદાબહેન ઘણા મક્કમ હતાં. મીનાબહેન પાલનપુર આર્ટસ & સાયન્સ કોલેજમાં કોલેજના પ્રથમ વર્ષમાં દાખલ થયાં. કોલેજના પ્રથમ વર્ષમાં મીનાબહેનને ઈ.બી.સી. સહાય મળી હતી. એમની તેજસ્વી કારકિર્દીની કારણે થોડા સમયમાં કોલેજમાંથી સ્કોલરશીપ મેળવવાને પાત્ર બન્યા. આ કપરા આર્થિક સંજોગોમાં દોઢશો રૂપિયાની ઈ.બી.સી. રાખી લેવાનું કોઈને પણ મન થાય. પણ દોઢસો રૂપિયાની ફી સ્કોલરશીપની સહાય મળી કે તરત જ પિતા ઉત્તમભાઈને લઈને કોલેજમાંથી મળેલી ઈ.બી.સી ની રકમ પાછી આપી આવ્યાં.
ઇ.સ ૧૯૬૭માં મીનાબહેનના લગ્ન થયાં. અઢાર વર્ષની વયે એમનું સગપણ થયું. એ પછી એકાદ વર્ષમાં લગ્ન લેવાયાં. શારદાબહેન પાસે મૂડી રૂપે સોનાની ચાર બંગડી હતી. એમાંથી બે મીનાબહેનના લગ્નમાં આપી. પાંચેક હજારનું મોસાળું થયું અને એટલી રકમમાં જ લગ્નનો ખર્ચ કર્યો. ઉત્તમભાઈમાં પહેલેથીજ આતિથ્યની ઉમદા ભાવના હતી, આથી લગ્ન બરાબર સરભરા સાથે થયાં. કારમી આર્થિક સંકડામણનો કોઈનેય ખ્યાલ ના આવે તે રીતે આપસૂઝ અને જાતમહેનતથી શારદાબહેને આ પ્રસંગે ઉકેલ્યો.
છાપીના એ દિવસો ઘણા યાતનાભર્યા દિવસો હ્તા. ઉત્તમભાઈ ‘એમ્ફેટેમિન ટેબ્લેટ’ લે, તે સામે શારદાબહેનનો પ્રબળ વિરોધ હતો. આ ‘એમ્ફેટેમિન’ નામની ટેબ્લેટ લશ્કરના સૈનિકોને જોશ જગાડવા માટે અપાતી હતી. વિદ્યાર્થીઓ રાત્રે વધુ જાગીને વાંચવા માટે લેતા હતા. (પાછળથી આ ટેબ્લેટ પર પ્રતિબંધ મુકાયો.) એક સ્થિતિ તો એવી આવી કે ટેબ્લેટની બાબતમાં સંતાકૂકડી ખેલાવા લાગી. શારદાબહેનએ લેવાની સ્પષ્ટ ના કહે અને આદતથી મજબૂર ઉત્તમભાઈ એ લીધા વિના રહી શકે નહીં.
ઉત્તમભાઈ દાદરાની સીડી ચડતા હોય અને એમના પગના અવાજ પરથી શારદાબહેન પારખી લેતાં કે એમણે ‘ટેબ્લેટ’ લીધી છે કે નહીં. એવોય સમય આવતો કે ધરમાં કોઈ કમાણી નહીં. ઉત્તમભાઈનું કથળેલું સ્વાસ્થય જે કંઈ વધીઘટી રકમ હોય તે પણ છીનવી લેતું હતું. ઉત્તમભાઈની અસ્વસ્થ તબિયતની સુમતિભાઈએ સતત સંભાળ રાખી. કેટલાંય સગાંઓએ આ પરિસ્થિતિ જોઈને એમના તરફ પીઠ કરી દીધી, પરંતુ આવે વખતે શારદાબહેનના ભાઈ સુમતિભાઈ બંનેની પડખે અડીખમ ઊભા રહ્યા. આવી કપરી પરિસ્થિતિમાં સુમતિભાઈએ સાચા અર્થમાં સાથ આપ્યો.
છાપીમાં હતા ત્યારે ઉત્તમભાઈએ શિક્ષક બનવાનો વિચાર કર્યો. છાપીની નિશાળમાં ટ્રસ્ટી મંડળમાં એમના કેટલાક સ્નેહીઓ જ હતા. ઉત્તમભાઈએ નોકરી મળી જશે એવા આશયથી અરજી કરી. એ વખતની સ્થિતિ એવી કે શિક્ષક તરીકે બસો રૂપિયાનો પગાર મળે તોય ભયો ભયો ! એમને શિક્ષકની નોકરી માટેના ઇન્ટરવ્યુમાં બોલાવ્યા નહીં. વયમર્યાદાનો વાંધો કાઢવામાં આવ્યો.
એ દિવસોમાં ઉત્તમભાઈના ધેર ચાર-પાંચ દિવસે એકાદ વખત શાક બનતું. ધરમાં શાક બને તે એક મોટી ઘટના ગણાતી. સ્ટેશન પર રાજસ્થાનથી મુંબઈ તરફ જતાં ભારખાનાના ડબ્બામાં રહેલી ભેંસોને દોહવામાં આવતી. આ દૂધ ઘણું સસ્તું રહેતું. આથી શારદાબહેન કે મીનાબહેન સ્ટેશન પર જાય અને આ સસ્તું દુધ લઈ આવે. ઘણા દિવસો માત્ર દૂધ અને રોટલી પર ચલાવે. બહુ બહુ તો દૂધમાં ખાંડ અને ચોખા નાખીને ક્યારેક ખીર બનાવતાં. આવા કપરા સમયમાં ઉત્તમભાઈના સહાધ્યાયી- મિત્ર જેસિંગભાઈનો ઘણો સાથ રહ્યો. શારદાબહેનને ઉત્તમભાઈ ક્યાં જશે અને ક્યારે પાછા આવશે તેની ચિંતા રહેતી. તેઓ ક્યારેક અમદાવાદ, પાલનપુર કે સિધ્ધપુર ચાલ્યા જતા.
બીજી બાજુ સતત મળતી નિષ્ફળતાઓ અને મુશ્કેલીઓ ઉત્તમભાઈને મૂંઝવતી ખરી પરંતુ મનમાં એક એવો અહેસાસ ખરો કે એક દિવસ જરૂર સોનાનો સૂરજ ઊગશે. દ્રઢપણે એમ માનતા કે એમની ધંધાની સૂઝને કારણે એ આજે નહીં, તો કાલે જરૂર સફળ થશે. હર્દયમાં આવો આત્મવિશ્વાસ હતો. હકીકત એને ખોટો ઠેરવતી હતી. આમ ધારણા અને વાસ્તવિક્તા વચ્ચે સતત સંઘર્ષ ખેલાતો રહેતો.
ઉત્તમભાઈએ હવે ‘ટેબ્લેટ’ ની આદત સામે ખુદ જંગ શરૂ કર્યો. એક વાર આમાં ડૂબી ગયા પછી તરીને બહાર આવવું એ એવરેસ્ટ ચઢવા જેવું કપરું કામ હતું. વળી સફળતા માટેની અદમ્ય મહત્વકાંક્ષા એમને સતત સાદ પાડતી હતી. એ સાદ સાંભળીને પૂરા વેગથી દોડતા ઉત્તમભાઈને કાર્યશક્તિ જોઈતી હતી. ફરી એ કાર્યશક્તિ મેળવવા માટે ટેબ્લેટની શરણાગતિ લેવી પડતી હતી.
એક વાર શારદાબહેને એક શરાફને ત્યાં ત્રણસો રૂપિયા મૂક્યા હતા. એમના જીવનની આટલી જ બચત હતી. દવા બનાવવા માટે ઉત્તમભાઈને ત્રણસો રૂપિયાની જરૂર પડી. આથી તેઓ શરાફને ત્યાં જઈને એ રકમ લઈ આવ્યા અને ટેબ્લેટમાં ખર્ચાઈ ગયા. શારદાબહેનના જીવનના આ કરૂણ અને કપરા દિવસોમાં એમના નાના ભાઈ સુમતિભાઈનો સદાય સાથ રહ્યો. અર્ધી રાત્રે તેઓ મદદ કરવા આવતા હતા અને બહેનના કૌટુંબિક જીવનમાં સુખ-શાંતિ રહે, તે માટે પ્રયત્ન કરતા હતા.
જીવનની આ વિદારક પરિસ્થિતિ હતી. સંજોગોનો એવો સંકજો હતો કે એમાંથી બહાર નીકળવા માટે સામાન્ય પ્રયત્નો પૂરતા નહોતા. એને માટે તો અસામાન્ય મહાપ્રયાસની જરૂર હતી પરંતુ એ નિષ્ફળતાથી અટકી જવાને બદલે કોઈક અગમ્ય આશાથી સફળતા મેળવવાનું જીવનયુધ્ધ ચાલુ રાખ્યું. (ક્રમશ:)…
www.vadgam.com