ઉત્તમભાઈ મહેતા - જીવન ચરિત્ર, વ્યક્તિ-વિશેષ

નોકરીની શોધમાં – કુમારપાળ દેસાઈ

[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અને મુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામ મેમદપુરમાં જન્મ લઈને પ્રખ્યાત ટોરેન્ટ કંપનીની સ્થાપના કરીને વૈશ્વિક ફલક પર વડગામ તાલુકાનું નામ રોશન કરનાર અને આપણને સૌને ગૌરવ અપાવનાર શ્રી ઉત્તમભાઈ એન.મહેતાનું જીવનચરિત્ર પ્રખ્યાત લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ દ્વારા “આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર” પુસ્તક સ્વરૂપે લખ્યુ છે જે આભારસહ તે પુસ્તકમાંથી આ વેબસાઈટ ઉપર લખવામાં આવ્યું છે.આ પુસ્તકમાં કુલ ૨૫ અલગ અલગ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે,જે દરેક એક સાથે અને સમયે ટાઈપ કરીને વેબસાઈટ ઉપર મુકવા શકય ના હોવાથી સમયાનુસાર એક એક પ્રકરણ આ વેબસાઈટ ઉપર લખવામાં આવશે.  નોકરીની શોધમાં એ પુસ્તકનું ચોથુ પ્રકરણ છે.આ અગાઉ પ્રકરણ –  – ૩  આપણે આ વેબસાઈટ ઉપર મુકી લખી ચુક્યા છીએ.ફરીથી આ લેખના લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ અને પુસ્તક પ્રકાશક ટોરેંટ લિમિટેડ,અમદાવાદનો આભારી છું.- તંત્રી : www.vadgam.com]

 

મેમદપુરથી મુંબઈની શિક્ષણની યાત્રા પુરી થઈ. આપસૂઝ અને આપબળે રાત-દિવસ મહેનત કરીને ઉત્તમભાઈ સાયન્સ ગ્રેજ્યુએટ થયા. ઉત્તમભાઈ એવા સમાજમાંથી આવતા હતા કે જ્યાં ઉચ્ચ શિક્ષણ મેળવનાર વ્યક્તિઓ વિરલ હતી. બાળપણમાં એમની આસપાસના મોટાભાગના માનવીઓની દુનિયા મેમદપુરમાં સમાઈ જતી હતી. કેટલાકની ત્યાંથી આગળ વધીને છાપી સુધી પહોંચતી. વધુમાં વધુ પાલનપુર સુધી જતી હતી. જ્યારે ઉત્તમભાઈએ ‘એકલો જાને રે’ ની માફક મુંબઈમાં ત્રણ વર્ષ રહીને  અભ્યાસ પૂર્ણ કર્યો.

હવે જીવનની બીજી અગ્નિપરીક્ષાનો આરંભ થયો. એમને માટે નોકરી મેળવવી આસાન નહોતી. શૂન્યમાંથી સર્જન કરવાનો એમની સામે મહાન પડકાર હતો. કુટુંબમાં કોઈની પાસે વેપારનો અનુભવ નહીં. નાથાલાલભાઈના મોટાભાઈ ભીખાભાઈને ત્રણ પુત્રો હતા, પરંતુ એ સહુ મેમદપુરમાં જ રહેતા હતા. તેઓ નાનકડી દુકાનમાં ઘરવપરાશની ચીજો રાખીને ધંધો ચલાવતા હતા. આ સમયે સરકાર દ્વારા ધીરધારના ધંધામાં નિયંત્રણ આવ્યું અને એથી નવી  પેઢીને માટે આજીવિકા કેવી રીતે રળવી એ મોટો પ્રશ્નાર્થ બની ગયો.

યુવાન ઉત્તમભાઈના મનમાં વેપારના કેટલાય ઘોડા થનગનતા હતા. એમના મનની પાંખ કેટલીય જુદી જુદી દિશાઓમાં ઊડવા લાગી. ક્યારેક એમ થતું કે કોઈ ટેકનોલોજીની લાઈન મળી જાય તો સારું. ક્યારેક વળી એવો વિચાર આવતો કે કોઈ વેપારના ક્ષેત્રમાં ઝંપલાવવું અને જવલંત સિધ્ધી મેળવું.

એમની પાસે કોઈ અનુભવ નહીં. વારસામાં કોઈ જ્ઞાન નહીં. કુટુંબનું કશું આર્થિક પીઠબળ નહી. આવી પરિસ્થિતિમાં મનમાં માત્ર એક જ સ્ફુરણા થયા કરે,

“બસ મારે આગળ ધપવું છે. મારે મારું કૌવત બતાવવું છે. મારું હીર કસવું છે. આપબળે આગળ વધીને ટોચ પર પહોંચવું છે. બસ, જિંદગીનું એક જ ધ્યેય કે મહેનતથી આગળ વધીને સિધ્ધી ના શિખરે પહોંચવું છે.”

યુવાન ઉત્તમભાઈને સમૃદ્ધિનાં શિખરો દેખાય, પરતું બીજી બાજુ કડવી વાસ્તવિક્તા એમને હકીકતથી બાંધી લેતી હતી. મનમાં ગમે તેટલાં ઘોડા થનગને, પણ જલદી કમાણી કરવી પડે તેવી પરિસ્થિતિ હતી. જે કોઈ નોકરી મળે તે સ્વીકારીને ગુજરાન ચલાવવું પડે તેમ હતું.

એ સમયે દેશમાં રશનિંગ દાખલ થયું હતું. ઠેર ઠેર રેશનિંગની કચેરીઓ ખૂલી હતી. મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવી એક કચેરી ખોલવામાં આવી. ઉત્તમભાઈએ વિચાર કર્યો કે પહેલાં તો જે મળે તે નોકરી કરી લેવી, એટલે તત્કાળ આવક ઊભી થાય. પછી વધુ સારી નોકરીની શોધ ચાલુ રાખવી. પરિણામે ૧૯૪૪માં મુંબઈમાં મહિનાના ૧૨૫ રૂપિયાના પગાર સાથે ઉત્તમભાઈએ રેશનિંગની કચેરીમાં કામ કર્યું.

અભ્યાસકાળ દરમિયાન ઉત્તમભાઈની અનેક ધનિક મિત્રો હતા, પરંતુ એમને ક્યારેય એમના ધનની ઇર્ષા થઈ નહીં અથવા તો એમના ધનના સહારે આગળ વધવાનો એમનો વિચાર સુધ્ધાં આવ્યો નહીં. એમના મનમાં થતું કે જો થોડુંક ધન હોત તો સારી એવી કમાણી કરી શક્યો હોત. આવો વિચાર આવે, પણ પૈસાના અભાવનો વસવસો ક્યારેય કરે નહીં. તેઓ વિચાર કરે કે આ રીતે દુ:ખી થવાને બદલે કે મનમાં કટુતા આણવાને બદલે તો બહેતર છે કે મહેનત કરીને કમાણી કરવી.

ઉત્તમભાઈના એક સ્નેહાળ મિત્રએ એમને પેટ્રોલિયમના ધંધામાં એમની સાથે જોડાવવાનું સૂચન કર્યું. ઉત્તમભાઈએ વાસ્તવિક્તાની એરણે વિચાર્યું કે આમેય રેશનિંગના કારણે પેટ્રોલના વપરાશ પર અકુંશ છે તેથી આ ધંધામા સમય જતાં તરક્કી થાય તેવાં એંધાણ નથી. એમના મનમાં એવું હતું કે કેમિકલની લાઈન મળી જાય અથવા તો ફાર્માસ્યૂટિકલનું કામ મળે તો સારું.

એ પછી ઉત્તમભાઈએ ચાર-છ મહિના સુધી મહિને એકસો રૂપિયાના પગારે મુંબઈમાં ‘એશો કેમ કંપની’ માં નોકરી કરી. એ સમયે આ કંપની માહિમમાં હતી. ભાડાની એક નાનકડી રૂમમાં ઉત્તમભાઈ રહેતા હતા. અભ્યાસકાળમાં તો ભોજન માટે શ્રી મહાવીર જૈન વિધ્યાલયની સગવડ હતી, પરંતુ હવે કોણ સાથ આપે ? લોજ એક જ એમનો સહારો હતી. રેશનિંગનો સમય હોવાથી સારું અનાજ મળતું નહીં. કેટલીય વસ્તુઓની તો એટલી અછત હતી કે મળે જ નહીં. થોડીઘણી મળે તેના કાળાબજાર ચાલતા હોય. આનું પરિણામ એ આવ્યું કે લોજનો હલકો ખોરાક ખાવાને કારણે એમનું પાચનતંત્ર ખોરવાઈ ગયું. ઇ.સ. ૧૯૪૪ના અંતભાગમાં એમને મરડો થયો. પાચનની કેટલીય તકલીફો ઊભી થઈ. બાહ્ય પરિસ્થિતિની માફક આ શારીરિક મુશ્કેલીઓ પણ જીવનભર એમની સાથે રહી.

ઉત્તમભાઈ સારી નોકરીની શોધમાં મુંબઈમાં ઠેરઠેર ફરતા હતા, જુદી જુદી કંપનીઓમાં સામે ચાલીને જતા હતા. કશીય જાનપહેચાન વિના જ સાહજિક્તાથી પોતાની નોકરીની ઇચ્છા પ્રગટ કરતા હતા. બે-ચાર યુરોપિયન કંપનીમાં પણ સામે ચાલીને ઈન્ટરવ્યુ માટે પહોંચી ગયા. કંપનીમાં કામ મેળવવામાં તો એમને સફળતા ન મળી, પરંતુ એ કંપનીની કાર્યપધ્ધતિનો પ્રત્યક્ષ અનુભવ થયો.

એક વાર ફરતાં ફરતાં દવાના ક્ષેત્રની વિખ્યાત સેન્ડોઝ કંપનીમાં પહોંચી ગયા. ન કોઈની ઓળખ, ન કોઈની પહેચાન ! કંપનીના પટાવાળાએ એમને બહાર બેસાડ્યા. થોડીવારમાં સેન્ડોઝ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સિંઘલ આવ્યા. ઉત્તમભાઈને બોલાવ્યા. શ્રી સિંઘલને આ યુવાનનો ઉત્સાહ, અભ્યાસ અને સૌજન્ય સ્પર્શી ગયાં. એમણે એમની પુરી ચકાસણી કરવા માટે જાતજાતના સવાલો પૂછ્યા : તમે અંગ્રેજી જાણો છો ? તમે વિવાહિત છો ? તમે અમદાવાદ જોયું છે ? આવા કેટલાય પ્રશ્નો કર્યા. ઉત્તમભાઈએ અમદાવાદ જોયું નહોતું; એના વિસ્તારોની કોઈ જાણ નહોતી. આમ છતાં એમણે અમદાવાદમાં કામ કરવામાં સહેજે તકલીફ નહિ પડે તેવું વિશ્વાસપૂર્વક કહ્યું.

એક એવો પ્રશ્ન પૂછ્યો કે તમને દેશના વિદેશપ્રધાન બનાવવામાં આવે તો તમે શું કરો ? આનો જવાબ આપવામાં પણ તેઓ પાછા પડ્યા નહીં. બે કલાક સુધી ભલભલાનું પાણી ઉતારી નાખે એવો આ ઇન્ટરવ્યુ ચાલ્યો. નોકરીની શોધ માટે નીકળેલા અને આકસ્મિક રીતે મળેલા ઉત્તમભાઈને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સિંઘલે અંતે સવાલ કર્યો, “મિ. મહેતા ! હવે તમે ક્યારથી અમારી સેન્ડોઝ કંપનીમાં જોડાઈ શકો તેમ છો તે કહો.”

ઉત્તમભાઈને પગ નીચેથી ધરતી સરકતી હોય તેમ લાગ્યું. સાચું છે કે સ્વપ્ન !- એવા વિચારમાં પડી ગયા. જ્યાં નાની નોકરી મેળવવાના ફાંફા હતાં, ત્યાં આવી પ્રતિષ્ઠિત વિદેશી કંપનીમાં નોકરી મળે તેવી તો એમણે કલ્પના જ કરી નહોતી. વાસ્તવિક્તાના કેટલાય કડવા ઘૂંટડા હસતે મુખે પી જનારા ઉત્તમભાઈને આશ્ચર્યભર્યા ચમત્કારનો અનુભવ થયો. અભ્યાસકાળની આકરી તપશ્ચર્યા અને મહેનતકશ માનવીની ધગશ ફળીભૂત થતી લાગી.

એ સમયે સેન્ડોઝ કંપનીએ એક ખાસ પ્રકારનું ઇંજેક્શન બનાવ્યું હતું. સામાન્ય રીતે ટી.બી.ના દર્દીને રોજ ટેબ્લેટ લેવી પડતી હતી, જ્યારે સેન્ડોઝ કંપનીએ એ માટે એ માટેનું ઈંજેક્શન બજારમાં મૂક્યું હતું. આવી દવા બીજું કોઈ બનાવતું નહોતું. આથી એનો પ્રસાર કરવાનો હતો અને પ્રસાર કરવાનો હતો અને ખપત પણ સારી થાય તેમ હતું. મહિને ૨૨૫ રૂપિયાનો પગાર અને રોજનું અગિયાર રૂપિયા જેવું ભથ્થું નક્કી થયું. કેટલાકે તો એમ માન્યું પણ ખરું કે કોઈ મોટી લાગવગ લગાડી હશે. એવું ન હોય તો આવી નોકરી હાથ લાગે નહીં. પહેલા બે મહિના તો સેન્ડોઝ કંપનીએ એમને મુંબઈમાં તાલીમ આપી અને પછી કામગીરી માટે અમદાવાદ મોકલ્યા.

કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને તો પહેલી મુલાકાતમાં કહ્યું હતું કે પોતે અમદાવાદ શહેરને બરાબર જાણે છે, પરંતુ હકીકતમાં એનાથી અજાણ ઉત્તમભાઈએ અમદાવાદમાં પગ મૂક્યો. શરૂઆતમાં અમદાવાદની નારાયણ લોજમાં રહેવા લાગ્યા. રેશનિંગનો કપરો સમય હજી ચાલુ હતો. ઘણી વાર તો લોટ જ ન મળે. લોટ મળે તો ભેળસેળવાળો મળે. બીજી બાજુ સેન્ડોઝ કંપનીની નોકરી એવી કે લાંબા-લાંબા પ્રવાસો ખેડવા પડે. મુંબઈમાં થયેલ મરડાની અસર હજી વરતાતી હતી. પેટના દર્દની પરેશાની ચાલુ જ હતી. એમાં દિવસોના દિવસો સુધીની લાંબી મુસાફરી એમના શરીર પર માઠી અસર પહોંચાડી ગઈ. અપચો, અજંપો અને અકળામણ રહેતાં હતાં, પરંતુ કરે શું ?

કોઈ વાર આખું સૌરાષ્ટ્ર ધૂમી વળવાનું હોય તો વળી ક્યારેક રાજસ્થાનના એક છેડેથી બીજો છેડો ખૂંદવાનો હોય. આ સમયે મોટે ભાગે ટ્રેનમાં મુસાફરી કરવી પડતી હતી. ટ્રેનમાં ભીડ એટલી બધી હોય કે બેસવાની ભાગ્યે જ જગ્યા મળે. મોટે ભાગે તો ઊભા રહીને જ મુસાફરી કરવી પડે. રીઝર્વેશનની પ્રથા જ અમલમાં નહોતી એટલે બેઠક મળી રહે તેવું ક્યાંથી બને ? એ સમયે વીરમગામ થઈને સૌરાષ્ટ્રમાં જવું પડતું હતું. વીરમગામની લાઈનદોરી પર સામાનની કડક તપાસ થતી હતી.

અમદાવાદથી નીકળેલા ઉત્તમભાઈને રાજકોટ, જામનગર, ભાવનગર, મહુવા, જૂનાગઢ, વેરાવળ, અમરેલી, સુરેન્દ્રનગર, લીંબડી, વાંકાનેર અને છેક મોરબી સુધી મુસાફરી કરવી પડતી હતી. સૌરાષ્ટ્રનો છેડો આવે, કિંતુ મુસાફરીનો અંત ન આવે. મોરબીથી લૌંચમાં બેસીને કચ્છમાં જવાનું રહેતું. આ લૌંચ આમતેમ ખૂબ હાલક-ડોલક થાય. ક્યારેક એવો ડર પણ લાગે કે એ જળસમાધી ન લે તો સારું.

એ વખતે એટલી સાંત્વના રહેતે કે લૌંચ દરિયાના કાંઠે કાંઠે ચાલે છે એટલે આફત આવે તો પણ ઊગરી જવાની શક્યતા રહે. લૌંચમાંથી ઊતર્યા પછી ભૂજ જવું પડે. આનું કારણ એ કે એ સમયે કચ્છમાં ક્યાંય પણ જવું હોય તો ભૂજથી જ બધી ટ્રેન મળે. રૂપિયાને બદલે કોરીનું ચલણ ચાલતું હતું, આથી લૌંચમાંથી ઊતર્યા બાદ દોડતા જઈને રૂપિયા આપીને કોરી ખરીદવી પડતી અને પછી દોડતા જઈને ટ્રેન પકડવી પડતી હતી.

એ વખતે ભૂજમાંથી માંડવી જવા માટે એક બસ ચાલતી હતી. બસ સાવ જૂની અને ખખડેલી. વળી પ્રવાસીઓનો કોઈ પાર નહીં. બસમાં મુસાફરોને ઘેટાં-બકરાંની માફક પૂરવામાં આવતા અને વધારામાં બસની ઉપર પણ કેટલાય મુસાફરો બેઠા હોય. એકાદ વખત માંડવીથી જામનગરની દરિયાઈ સફર પણ ખેડવી પડી. આમ કચ્છમાં અંજાર, ભૂજ અને માંડવી સુધી જવું પડતું હતું. ગુજરાતમાં પાટણ, પાલનપુર, વીસનગર, ધોળકા, ધંધૂકા, હિમંતનગર, ઇડર, નડિયાદ અને વડોદરા જેવાં શહેરોમાં જવાનું બનતું હતું. રાજસ્થાનના જોધપુર અને બીકાનેરની સફર ખેડવી પડતી હતી.

એકવાર નવેમ્બર મહિનાની કડકડતી ઠંડીમાં બીકાનેર ગયા. સ્ટેશન પર ઊતર્યા ત્યારે હાડ ગાળી નાખે તેવી ઠંડીનો ખ્યાલ આવ્યો. ઉત્તમભાઈ પાસે ગરમ કપડા નહોતાં. એમની પાસે મુસાફરી કરતાં દિલ્હીના એક મિત્રે કહ્યું કે ગરમ કપડાં વિના તમે આ ઠંડીમાં થીજી જશો. એમણે તેમની પાસેના બે કોટમાંથી એક કોટ કાઢીને ઉત્તમભાઈને આપ્યો. ઠંડી એટલી બધી હતી કે આનાકાની કરવાનો કોઈ અર્થ જ નહોતો. બીજે દિવસે ઉત્તમભાઈએ ગરમ કોટ ખરીદ્યો.

સેન્ડોઝમાં જોડાયા ત્યારે શરૂઆતમાં મહિનાઓની લાંબી-લાંબી મુસાફરી રહેતી હતી. ધીરે ધીરે કંપનીમાં નવા માણસોની ભરતી થતાં મુસાફરીનું પ્રમાણ થોડું ઓછું થયું, પરતું સૌરાષ્ટ્રની લાંબી ખેપ તો ચાલુ જ રહી. એકાદ મહિનો અમદાવાદમાં રહે અને દોઢેક મહિના સુધી સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં ઘૂમવું પડે. ક્યારેક એમ થતું પણ ખરું કે અઠવાડિયા કે પખવાડિયા બાદ ઘેર જવા મળે તો સારું, પરંતુ મોટી કંપનીની નોકરીની જવાબદારી ઘણી મોટી હોય. સેન્ડોઝની નોકરીનો સમય એ ઉત્તમભાઈ માટે પરિશ્રમભર્યો બની રહ્યો, પરંતુ આ પરિશ્રમે એમના ક્ષેત્રમાં એક મહેનતું અને સૌજન્યશીલ વ્યક્તિ તરીકે ઉત્તમભાઈની આગવી પ્રતિભા ઉજાગર કરી આપી.

આ સમયે જેમને ઉત્તમભાઈની મુલાકાત થઈ એ બધા જ એમને પોતાના વ્યવસાય માટે રાત-દિવસ એક કરનારી વ્યક્તિ તરીકે નિહાળે છે. તેઓ હાથમાં બે મોટી મોટી બેગ લઈને ઠેર ઠેર ઘૂમતા હતા. ગુજરાતના વિખ્યાત ફિઝિશિયન ડૉ.સુમન શાહને આજે પણ સેન્ડોઝના મેડિકલ રીપ્રેઝન્ટેટીવ તરીકે એમની મુલાકાતનું સ્મરણ એટલું જ તાજું છે. તેઓના કહેવા મુજબ એમની પ્રથમ મુલાકાત જ પ્રભાવશાળી બની રહી. નમ્રતા એ ઉત્તમભાઈનો મુખ્ય ગુણ. પોતાની દવાની વાત કરવાની એમની ખાસિયત જુદી તરી આવે. તેઓની દવાની વિશેષતા વિશે ડૉક્ટરોને પુરતી માહિતી આપે. એમના ચહેરા પર આકર્ષતા નહોતી પણ એમના વ્યવહારમાં પ્રગટ થતી એમના સૌજન્યની સુવાસ ખ્યાલ ન આવે તેવી રીતે, સામી વ્યક્તિને વશ કરી લેતી હતી.

ઉત્તમભાઈ વિદેશી કંપનીનું પ્રતિનિધિત્વ કરતા હતા છતાં ક્યારેય એમણે અપ-ટુ-ડેટ થઈને ડૉક્ટર પર છટા અને શિષ્ટાચારથી પ્રભાવ પાડવાનો પ્રયત્ન કર્યો નહોતો. એમના જમાનામાં સેન્ડોઝ જેવી કંપનીના મેડિકલ રીપ્રેઝન્ટેટીવ હોવું એ ધણી મોભાદાર વાત હતી, પરંતુ એવા મોભા કે દંભથી ઉત્તમભાઈ હંમેશા આગળ  જ રહ્યા. એમણે ડૉક્ટરો સાથે આત્મીયતાનો નાતો બાંધ્યો. એ સમયે એકમાત્ર સેન્ડોઝ કંપનીએ ટી.બી.ના દર્દીઓ માટે ઇંજેક્શન બનાવ્યું હતું. ઉત્તમભાઈ ડૉક્ટરોને એની વિશેષતા ઊંડાળથી સમજાવતા. સામી વ્યક્તિના મનમાં પોતાની વાત બરાબર ઠસાવતા. વળી એમનો રિપીટ કૉલ પણ મહિને બે મહિને આવે. ડૉક્ટરે જે સમય આપ્યો હોય એ જ સમયે ત્યાં આવી જાય.

એ સમયે વિલાયતી દવાઓનો વપરાશ ઓછો હતો. છેક ૧૯૪૭ સુધી ભારતમાં વર્ષે દસ કરોડ રૂપિયાથી વધુ કિંમતની વિલાયતી દવાનો વપરાશ નહોતો.

આજની માફક મેડિકલ રીપ્રેઝન્ટેટિવ(એમ.આર)ની આયોજનબધ્ધ વ્યવસ્થા નહોતી, પરિણામે સેમ્પલ લઈને ડૉક્ટર પાસે જવાનું, એમને સમજાવવાનું અને એને લગતું સાહિત્ય આપવાનું રહેતું. ૧૯૪૫થી ૧૯૪૭ સુધીનો સમયગાળો એવો હતો કે ગમે તેટલી રકમ આપો, તો પણ સારું અનાજ મળતું નહીં, કેરોસીન કે કાપડની પણ અછત હોય. આવી સ્થિતિમાં નબળું પાચનતંત્ર અને હલકો ખોરાક ભેગાં થતાં ઉત્તમભાઈની તબિયત લથડતી જતી હતી. એમાંથી બચવાનો બીજો કોઈ ઉપાય નહોતો.

તેર-તેર વર્ષ સુધી તબિયતના ભોગે આ રઝળપાટ ચાલુ રહ્યો. પરિણામ એ આવ્યું કે ક્રોનિક ડિસેન્ટરીનું દર્દ ઘર કરી ગયું. ઘણી દવાઓ કરી. મરડાની જે કોઈ નવી દવા શોધાય તની અજમાયશ પણ કરી. કામ આગળ ધપાવતા હતા, પણ શરીર કથળતું જતું હતું. વિધ્યાલયના એ તરવરાટભર્યા અને અનેક રમતોમાં નિપુણ ઉત્તમભાઈને દર્દો ધેરી વળવા લાગ્યા.

અમદાવાદના એમના એક દાયકાના વસવાટ  પર દ્રષ્ટિપાત કરીએ. લગ્ન બાદ માત્ર દસમાં દિવસે ઉત્તમભાઈ અને શારદાબહેન અમદાવાદ આવ્યાં. છાપીથી નીકળ્યા ત્યારે સેન્ડોઝ કંપનીએ આપેલી બેગમાં એમના ઘરનો સઘળો સામાન સમાઈ ગયો હતો. શારદાબહેન ઘણી વાર મજાકમાં એમ કહે છે પણ ખરાં કે એ વખતે બેગમાં ‘આખું ઘર’ સમાઈ ગયું હતું ! એક બેગ કપડાંની અને બીજી ધરવખરીની. અમદાવાદમાં આવીને ધનાસુથારની પોળમાં એક રૂમ ભાડે રાખીને ઉત્તમભાઈ અને શારદાબહેન રહેવા લાગ્યાં. રેશનિંગના સમયમાં વહેલી સવારે ચાર વાગે ઊઠીને લાઈનમાં ઊભા રહેવું પડે અને એ પછી માંડ કુટુંબ દીઠ પાશેર ઘંઉ મળે.

ધનાસુથારની પોળના એ દિવસો ઉત્તમભાઈ અને શારદાબહેનના દાંપત્યજીવનના સોનેરી દિવસો હતા. અંગત જીવનનું જે સુખ ગરીબી કે સામાન્ય સ્થિતિ આપે છે, તે આનંદ ધનવાન થયા પછી ઓછો થઈ જાય છે. સંપત્તિનો કાળ આપત્તિના કાળ જેટલો સુખનો કે અંતરના તાદાત્મ્યનો અનુભવ કરાવી શકતો નથી. આ સમયે ઉત્તમભાઈને ફિલ્મ જોવાનો શોખ હતો. રાજકપૂર અને નરગીસ એમના પ્રિય અદાકારો હતાં. કુંદનલાલ સાયગલ એમનો મનપસંદ ગાયક હતો. અમદાવાદમાં હોય ત્યારે અવારનવાર ફિલ્મો જોવા જતા હતા. મેડિકલ રીપ્રેઝન્ટેટીવ તરીકે બહાર જાય ત્યારે સવાર-સાંજ ડૉક્ટરોને મળવાનું ચાલતું હતું. બાકીના ફાજલ સમયમાં એમના જેવા બીજા મેડિકલ રીપ્રેઝન્ટેટીવ ભેગા મળીને વ્યવસાય અને અન્ય વાતો કરતા હતા. એમાં જો લાંબી મુસાફરીએ જાય તો સોળ-સત્તર વર્ષની ઉંમરનાં શારદાબહેન છાપી જતાં રહેતાં.

ઉત્તમભાઈને વાંચનનો ભારે શોખ. એમની જિંદગીનો એક દિવસ પણ એવો નહીં ગયો હોય કે જ્યારે એમણે પોતાના વિષયનું કે રસનું કોઈ પુસ્તક વાંચ્યું ન હોય. નિશાળના અભ્યાસકાળ દરમિયાન ગાંધીજીના તમામ  પુસ્તકોનું એમણે વાંચન કર્યુ હતું. એ પછી વિશેષ અંગ્રેજી પુસ્તકો વાંચવા લાગ્યા. બી.એસ.સી. થયા બાદ મેડિકલ રીપ્રેઝન્ટેટીવ બન્યા અને માત્ર પોતાના કાર્યની ત્રિજ્યામાં સીમિત રહેવાને બદલે મેડિકલના પુસ્તકોનો ઊંડો અભ્યાસ કરવા લાગ્યા.

મનમાં એક ધગશ પણ ખરી કે પોતાના વિષય અંગે અદ્યતન જ્ઞાન મેળવવું અને તક મળે નોકરી છોડી ધંધામાં ઝંપલાવવું, ભલે આજે બીજી કંપનીની દવાઓનો પ્રચાર કરવાનું કામ બજાવતા હોય, પણ એક દિવસ એવો તો લાવવો કે જ્યારે પોતાની કંપનીની દવા બજારમાં વેચાતી હોય. આને માટે કઈ દવા બજારમાં મૂકવી જોઈએ અને તેની કેવી માંગ રહે, તે વિશે એમનું મન સતત ગડમથલ કરતું.

ઉત્તમભાઈ સ્વપ્નસેવી અને કર્મનિષ્ઠ હતા. પહેલાં તેઓ જીવનવિકાસનાં સ્વપ્નાં રચતાં અને પછી અદમ્ય કર્મશક્તિથી એને સાકાર કરવા મથતા હતા. કેટલીક વ્યક્તિઓ માત્ર સ્વપ્નસેવી હોય છે, તો કેટલીક માત્ર કર્મનિષ્ઠ હોય છે. સ્વપ્નસેવી માત્ર મનમાં સપનાંઓ સર્જે છે, પણ વાસ્તવમાં કશું કરતા નથી. જ્યારે કાર્યનિષ્ઠ વ્યક્તિ કાર્ય કરે છે, પણ એના કાર્યની પાછળ મૌલિક વિચાર કે ચિંતન હોતા નથી. માત્ર ચીલાચાલુ ગતિ હોય છે. ઉત્તમભાઈ એમના સ્વપ્નોને મનમાં સાચવી રાખવાને બદલે એને સાકાર કરવા માટે અથાગ પ્રયત્નો કરતા અને એ બાબત એમના વ્યક્તિત્વની વિશેષતા બની રહેતી.

૧૯૪૯ની ૨૧મી મેના દિવસે મેમદપુરમાં ઉત્તમભાઈના પ્રથમ પુત્રી મીનાબહેનનો જન્મ થયો. એ પછી દોઢેક મહિના બાદ ઉત્તમભાઈએ અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેવાનું શરૂ કર્યુ. મણિનગરમાં આવેલ દક્ષિણી સોસાયટી શહેરથી ઘણી દૂર હતી. અહીં માત્ર પચીસ રૂપિયાના ભાડામાં બે રૂમ અને રસોડું ધરાવતું મકાન મળી ગયું. આ સમયે મણિનગરથી અમદાવાદ શહેરમાં આવવા માટે ઉત્તમભાઈઅ બસમાં બેસીને આવતા-જતા હતા. સેન્ડોઝ કંપનીના રીપ્રેઝન્ટેટીવ તરીકેની કામગીરીના રઝળપાટને કારણે એમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ હતી. પાચનની તકલીફ વધતી જતી હતી. પરિણામે વિચાર્યુ કે મણિનગરની ચોખ્ખી હવા અને કૂવાનું હળવું પાણી મળતાં સ્વાસ્થ્યમાં સુધારો થશે, પરંતુ આ આશા ઠગારી નીવડી.

એ સમયે મણિનગર અમદાવાદ શહેરથી ઘણું દૂર લાગતું હતું. પરિણામે આવવા-જવાની અને વ્યવસાયનું કામ કરવાની ઘણી મુશ્કેલી પડતી હતી. એમને એમ લાગ્યું કે આ તો બાવાના બેય બગડ્યા જેવું થયું. ન તબિયત સુધરી અને કામની પ્રતિકૂળતા તો રહી જ.

પરિણામે ૧૯૫૨માં ઉત્તમભાઈએ અમદાવાદમાં રાયપુર દરવાજા પાસે કોટની રાંગે આવેલી ઝાટકણની પોળમાં મકાન ભાડે રાખ્યું. આ સમયે અમદાવાદના લોકચાહક તબીબ ડૉ. ઓચ્છવાલ તલાટીએ મકાનમાલિકને ઉત્તમભાઈને મકાન ભાડે આપવા ભલામણ કરી હતી. ઓચ્છવાલ તલાટી આ કુટુંબના ફેમિલી ડૉક્ટર હતા. દર મહિને પિસ્તાલીસ રૂપિયાનું ભાડું ઠરાવવામાં આવ્યું. મકાનમાલિક ઠાકોરભાઈ પટેલ મોટેભાગે નાસિક રહેતા હતા. ઠાકોરભાઈના પત્નિ વિદ્યાબહેન અને શારદાબહેનને સારો સબંધ હતો. ઝાટકણની પોળમાં છેક ત્રીજે માળે આવેલા આ મકાનમાં નીચે મકાનમાલિક ઠાકોરભાઈ અને વિદ્યાબહેન રહેતાં હતાં. મકાન ઊંચું હોવાથી ઉનાળામાં ત્રીજા માળે અસહ્ય ગરમી સહન કરવી પડતી હતી, અને તેય અમદાવાદની ગરમી !

૧૯૫૨ની ૧૨મી એપ્રિલે ઉત્તમભાઈની બીજી પુત્રી નયનાબહેનનો જન્મ થયો. નયનાબહેનનો જન્મ પાલનપુરના પ્રસુતિગૃહમાં થયો. ઉત્તમભાઈના સંતાનોની જ વાત કરીએ તો ૧૯૫૪ની ૧૦મી એપ્રિલે એમના સૌથી મોટા પુત્ર સુધીરભાઈનો જન્મ થયો. એ સમયે મીનાબહેનની વય પાંચ વર્ષની હતી. વળી મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને ભણ્યા હતા, તેથી લોન પણ ૧૯૪૫થી ૧૯૫૪ સુધીમાં પરત કરી દીધી. આટલો ખર્ચ ઉઠાવ્યા બાદ જે કંઈ થોડી બચત થતી હતી તે એમના મોટાભાઈ અંબાલાલભાઈ છાપીમાં મકાન બનાવતા હતા, તેમાં આપવાની રહેતી હતી.

૧૯૫૨માં નાથાલાલભાઈનું અવસાન થતાં અંબાલાલભાઈ અને ઉત્તમભાઈએ હેત-પ્રીતથી વારસાની વહેંચણી કરી હતી. રોકડ રકમ તો બહુ વહેંચવાની નહોતી. માત્ર મકાનો હતાં. મેમદપુરનું બાપદાદાનું મકાન ઉત્તમભાઈને મળ્યું, જ્યાર અંબાલાલભાઈને છાપીના મકાનો ઉપરાંત મેમદપુરની દુકાનો મળી. દાગીનાની વહેંચણી પણ થઈ ગઈ. દેવું પણ ખાસ નહોતું અને લેણું પણ ખાસ નહોતું.

આમ ૧૯૫૪માં દસ-દસ વર્ષની મહેનત કર્યા બાદ પોતે શું મેળવ્યું ? એનો વિચાર કરતાં ઉત્તમભાઈને લાગ્યું કે આ તો દળીદળીને ઢાંકણીમાં ઉધરાવ્યું. વળી લાંબી થકવનારી મુસાફરીઓને કારણે બીમારીઓ આવતાં મોટી કિંમત ચૂકવવી પડી. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાંક ગામોમાં તો સારી લોજ મળે નહીં, આથી પાચનની તકલીફમાં તીખા, હલકા પ્રકારના ભોજનનો ઉમેરો કર્યો. વળી મનમાં એવો વિચાર જાગતો કે હજી ત્રણ-ચાર વર્ષ તકલીફ ભોગવીને પણ થોડી મુસાફરી કરી લઉં. થોડી બચત કરી નાખું. પછી આ મુસાફરીને સદાને માટે તિલાંજલી આપવી જ છે.

ઉત્તમભાઈની કામગીરી સતત પ્રશંસાપાત્ર બનતી રહી, તેમ છતાં એમને મનોમન લાગતું કે સેલ્સમેનશીપ એ જ મારી કાર્યશક્તિનું પૂર્ણવિરામ નથી. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વિચારતાં પણ એમ થતું કે રખડપટ્ટીને બદલે ટેબલ પર બેસીને સંચાલન કરવાનું હોય તો વધુ અનુકૂળ આવે. પાચનની મુશ્કેલી, આંતરડાની નબળાઈ  અને સંગ્રહણીની તકલીફ એટલી બધી વધી ગઈ કે ધીરે ધીરે શરીરમાં બેચેની, સુસ્તી અને થાક હોય તેમ લાગ્યા કરતું.

એક બાજુ મનમાં સ્વતંત્ર વ્યવસાય કરીને ઉદ્યોગપતિ બનવાનાં સ્વપ્નાંઓ તરવરતાં હતાં તો બીજી બાજુ જીવનની આકરી મહેનતના પરિણામે કથળેલું શરીર આરામ ચાહતું હતું. ૧૯૪૫માં એમના મનમાં અવારનવાર અમેરિકા જવાનો ખ્યાલ પણ આવી જતો હતો. છેક ૧૯૪૭માં પાંચ હજાર રૂપિયા મેળવીને અમેરિકાનો પ્રવાસ ખેડવાનું નક્કી કર્યુ હતું, પરતું ઉપરાઉપરી ખર્ચા આવતા ગયા અને તેને પરિણામે  અમેરિકા જવાનું શક્ય બન્યું નહીં. તેઓ જાણતા હતા કે જો અત્યારે અમેરિકા નહી જાય તો વેપાર-ઉદ્યોગ માટે તેઓ ક્યારેય પણ અમેરિકા જઈ શકશે નહીં. પણ કરે શું ? જાણકારી અને લાચારી સામસામે હતી.

સંસારના સમુદ્રમાં જીવનનૈયા ઊછળતાં મોજાંઓથી આમતેમ ફંગોળાતી હતી પણ હજી ક્યાંય દૂર દીવાદાંડી દેખાતી નહોતી કે નજીક કોઈ કિનારો નજરે પડતો નહોતો.

(ક્રમશ..આવતા લેખમાં-પ્રકરણ-૫ )