વ્યક્તિ-વિશેષ

વડગામ તાલુકાના સમાજ સુધારક સંત સ્વ.શ્રી હાથીરામ મહારાજનું જીવન-ઝરમર.

[વડગામ તાલુકાના એદરાણા ગામના સમાજસુધારક સંત સ્વ.શ્રી હાથીરામ મહારાજે રાજકિય, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી સમાજ સેવાનું ભગીરથ કાર્ય કર્યુ હતું. વડગામની સંત પરંપરાના શિરમોર સંતમાં જેની ગણના કરી શકય તેવા નિરાંત સંપ્રદાયના આચાર્ય સ્વ. શ્રી હાથીરામ મહારાજ તા.૦૫.૦૮.૨૦૧૮ના રોજ પોતાના વતન એદરાણા મુકામે દેવલોક પામ્યા. સ્વ.શ્રી હાથીરામ મહારાજની જીવન-ઝરમર પ્રસ્તુત કરી વડગામ.કોમ સદગત સંતપુરૂષ ને વંદન સહ શ્રધાંજલી અર્પે છે.]

વ્યસન વરણીએ જીવતા અને સંતો સાથે વેર

હાથીરામ કહે રસ્તો નહી જડે તમે કેમ કરી પહોંચશો ઘેર.

Hathi Bhaaપરમ પૂજ્ય શ્રી નિરાંત મહારાજની અસીમ કૃપાથી સંતોની દયાથી બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના એદ્રાણા ગામના વતની શ્રી હાથીરામ મહારાજ નિરાંત પરિવારના પ્રતિષ્ઠિત વયક્તિ હતા. હરદમ ભજન સતસંગમાં રહી સતત સંતોનો સંગ કરીજે તેઓશ્રીએ ભક્તિમાર્ગમાં સારું એવું જ્ઞાન  પ્રાપ્ત કર્યું હતું. શ્રી હાથીરામ મહારાજ બહુ ઓછુ ભણેલા હતા તેમની ભાષા ગામઠી હતી પણ તેમની વાત જોરદાર રહેતી. તેમની ગમ્મત સાથે જ્ઞાનની વાતો ભક્ત સમુદાયને વિશેષ ગમતી. નિરાંત બાપુનું જ્ઞાન  મળવું તે દુર્લભ છે આવુ જ્ઞાન  હાથીરામ મહારાજે મેળવ્યું હતું.

નિરાંત એટલે જ શાંતિ. પરમ શાંતિ અનુભુતિનું જ્ઞાન  એટલે નિરાંત દેશ. જે નિરાંત દેશમાં ગયા છે મહામુલ્ય પાત્ર બની ગયા છે અને તેમા વડગામ તાલુકાના માલોસણા ગામના શ્રી પુરુષોત્તમ મહારાજ, શ્રી નરભેરામ મહારાજ, બાવલચુડી ગામના શ્રી ગુરુદેવપુરી મહારાજ અને એદ્રાણાના શ્રી હાથીરામ મહારાજ મુખ્ય છે.

હાથીરામ મહારાજનો જન્મ વડગામ તાલુકાના એદ્રાણા ગામમાં સવંત ૧૯૯૧ના શ્રાવણ વદ-૫ ના રોજ ચૌધરી કુળમાં પિતા મેધરાજભાઈ તથા માતા રતનબેનને ત્યાં થયેલો. હાથીરામના જીવનમાં ઘણા જ ચડાવ ઉતરાવ આવેલા. છ મહિનાના હતા તે વખતે તેમને ખૂબ જ ભારે શીતળામા નીકળ્યા તેથી કુટુંબ સગાસબંધી બધા જ નારાજ થયા. એદ્રાણાથી ૬ કિ.મી દૂર રૂપાલ ગામે શીતળા માતાનું પ્રાચિન મંદિર છે. પિતા મેઘરાજભાઈ દરરોજ અઢવાણા પગે રૂપાલ જઈ માતાનો દિવો કરીને પછી જ પોતે જમતા હતા. હાથીરામનો જ્ન્મ ખૂબ જ ખોટમાં થયેલો  જેના કારણે દશ દિવસમાં આ રીતે માતાજીની ભક્તિ કરી અને કુળ કુવાસીના અશીર્વાદથી તેઓ બચી ગયેલા અને તેમનું જીવન ખેતીના કામમાં લાગી ગયું. અઢાર વર્ષની ઉંમરે તેમના લગ્ન થયેલા. તેમના ધર્મપત્નિનું નામ સોનાબેન હતું. સન ૧૯૭૫ની સાલમાં ભયંકર બિમારીને લીધે હાથીરામના ધર્મપત્નિ સોનાબેનનું અવસાન થયુ. તેમના અવસાનથી ઘરની અને બાળકોની જવાબદારી હાથીરામના માથે આવી પડી. તે વખતે હાથીરામની ઉંમર ૪૨ વર્ષની હતી. હાથીરામને ભજનમાં ખૂબ જ રસ હતો. ગામમાં કોઈ કહે તો ભજન ગાવા જતાં.

તે વખતે એદ્રાણા ગામમાં બાવલચુડીથી લલ્લુરામ મહારાજ અને દેવપુરી મહારાજ ઘણી વખત આવતા અને તેમના ભજન સાંભળીને હાથીરામ મહારાજે દેવપુરી મહારાજ પાસેથી બોધ લીધો. દેવપુરી મહારાજ નિરાંત સંપ્રદાયમા મહાન વિભૂતી હતા. તેઓ ભજન ખૂબ જ કર્ણપ્રિય અવાજમાં જોરથી અને મોજથી ગાતા હતા. એવા દેવપુરી મહારાજ પાસેથી હાથીરામ મહારાજે સવંત ૨૦૧૧ ને જેઠ સુદ-૧૫ ના રોજ બોધ લીધો. કુટુંબીજનો અને સગાસબંધીઓનો એવો આગ્રહ હતો કે તેઓ બીજી પત્નિ કરે કારણ કે તેઓ માનતા હતા કે આ જવાબદારી હાથીરામને ભારે પડશે. તો હાથીરામે આ વાત બિલકુલ માની નહી અને બીજીવાર લગ્ન ન કરવા પર મકકમ રહ્યા. દરમિયાન હાથીરામના દિકરાની વહું ને તેના પિતાએ નાની ઉંમર હોવા છતાં સાસરે મોકલી હતી તેથી હાથીરામનો બોજો ઓછો થયો હતો અને દિકરાએ અને વહુ એ ઘરની જવાબદારી ઉપાડી લીધી જેના લીધે હાથીરામ ભજનનો લ્હાવો લેતા હતા. ગામના અનેક લોકોને બોધ લેવાની પ્રબળ ઇચ્છા જાગી હતી અને તેમણે હાથીરામ પાસે માંગણી મૂકી કે અમને ગુરૂ સમજણ આપો પણ એ વખતે હાથીરામને આ અધિકાર મળેલો નહોતો માટે તે વખતે દગાવાડીયા ગામના સંત દેવજીરામ મહારાજને એદ્વાણા બોલાવી ગામના સાત લોકોએ તેમની પાસેથી બોધ લીધો હતો.Hathiram-2

એ વખતે એદ્રાણામાં ઘણાજણાને ગુરૂ ચરણે જવાની ભાવના જાગી હતી. ગામના લોકોને એવો વિચાર આવ્યો કે આપણે આપણા ગામના હાથીરામને આ અધિકાર અપાવીએ. આ વાતની હાથીરામને ખબર ન હતી પણ પુરષોત્તમ મહારાજને ૨૭મી નિર્વાણ તિથી નિમિત્તે માલોસણા હાથીરામ અને એ બધા ભજનોમાં ભજનોમાં ગયેલા અને રાજસંગભાઈને નરભેરામ મહારાજ મળ્યા. છગનરામ અને બીજા બધા મહાનુભાવોને વાત કરી કે હાથીરામને અધિકાર આપવો જોઈએ. તો બધા જ મહાપુરૂષોમાં ખુશીની આ વાત થઈ. પણ રાજસંગભાઈએ નરભેરામ મહારાજને ખાનગીમાં કહ્યું કે આ વાતની હાથીરામને ખબર પડશે તો તે આ વાતમાં સંમત નહી થાય એટલા માટે આ આશ્રમ બંધ કરીને હાથીરામને ખબર ન પડવા દેજો નહી તો જતા રહેશે કેમ કે અમે ઘણી જ મનવર કરેલ છે પણ તેઓ કબૂલ થતા નથી અને જો આપણા સંપ્રદાયના આવા પુરૂષને અધિકાર આપવામાં આવશે તો આપણેને ઘણો જ ફાયદો થાય તેમ છે અને એ વાત નરભેરામે કબૂલ કરી. જ્યારે સમય થયો ત્યારે નરભેરામ મહારાજ હાથમાં હાર લઈને ઊભા થયા અને હાથીરામને કહ્યું કે હાથીભાઈ તમે મારી પાસે આવો અને મારે તમને અધિકાર આપવો છે તે વખતે હાથીરામ ઊભા થયા અને નાસવાની કોશીશ કરી પણ આશ્રમનો દરવાજો બંધ કરેલો હતો એટલે નાસી શકાય તેમ ન હતુ. હાથીરામ નરભેરામના પગમાં પડીને ચોખ્ખી ના પાડી મહારાજ હું આપનો પહેરાવેલો તાજ સંભાળી ના શકું માટે હું તેના માટે લાયક નથી એટલે મારા ઉપર મહેરબાની કરીને આપનો વિચાર માંડી વાળો અંતે બધા સંતોના ખુબ જ આગ્રહને વશ થઈને અધિકાર લીધો હતો અને તે પછી તેઓએ એદરાણા ગામમાં ઘણા જણાને ગુરૂદક્ષિણા આપી ઉપરાંત વરસડા, ધારેવાડા, નાદોંત્રા, કોટડી, જસલેણી, ધાનેરી, જેગોલ, વેળાવાસ, રાણોલ, માલોસણા, ઓઢવા, અમદાવાદ, મુંબઈ તેમજ બીજા ઘણા ગામોમાં નિરાંતજ્ઞાન ની પ્રસિધ્ધી કરીને સંપ્રદાયમાં જ્ઞાનનો વિકાસ કર્યો.

સમડી ચડે ગગનમાં ઊંચી પણ દ્રષ્ટિ તેની હોય નીચી

ઉંચે ચડીને શોધે છે કંઈક એવું ચડ્યા તે ગયા નર્કે

ધોળો હોય તોય બગલો છે ધંધો તેનો ઠગનો

જે બુધ્ધિ જેવીનો દાવો ધરે હાથીરામ તેને મુર્ખ ગણે

કહ્યુ કોઈનું માને નહી અને પોતે કાંઈ સમજે નહી

મા બાપને જે ત્રાસ આપે પ્રભુ તેને સાંખે નહી

મા-બાપથી અળગો કરીને સંતાન તેને છેતરશે

હાથીરામ લાવે હકિકત ધ્યાને પણ ફુટ્યાં ભાગ્ય તે નહી માને.

સ્વ.શ્રી હાથીકાકાએ અનેક લોકોને વ્યસનની બદીઓ માથી ઉગારી સન્માર્ગે વાળીને જીવનનો સાચો રસ્તો બતાવવાનું કાર્ય કર્યુ હતું. જ્યાં અને જ્યારે મળીએ ત્યારે તેમનો હસમુખો ચહેરો, વાતમાં સચ્ચાઈનો રણકો, વ્યવહાર દક્ષતા, સમગ્ર જીવો પ્રત્યેની કરુણતા અને ઇશ્વર પ્રત્યેની અગાધ આસ્થાનો અચુક અનુભવ થાય.

જિલ્લાની બે મોટી સહકારી સંસ્થાઓ બનાસડેરી અને બનાસબેંકના ડિરેક્ટર તરીકે, જમીનવિકાસ બેંકના ડિરેક્ટર તરીકે, ચૌધરી કન્યા કેળવણી મંડળ,ગાંધીનગર, અખીલ ભારતીય ચૌધરી સમાજ સંસ્થા માઉન્ટઆબુ, આદર્શ હાઈસ્કૂલ પાલનપુર, આર્ટ્સ કોલેજ વડગામમં સામાજિક કાર્યકર તરીકે , અંબાજી ચૌધરી વિશ્રાંતી ગૃહના પાયાના કાર્યકરથી માંડીના જીવનના અંત સુધી તેમની સેવા અવિરત મળતી રહી હતી. ખેડૂતોના ભલા માટે અને હિત માટે વિચારતા ખેડૂતોના હામી તરીકે  તો બીજી બાજુ રાજકીય સુઝબુઝ ઘરાવનાર અને પોતાની વાતને સબળ રીતે રજુઆત કરનાર અગ્રણી તરીકે તો બીજી બાજુ જલ્દી માન્યામાં  ન આવે તેવા ઇશ્વર પ્રત્યેનો અનુરાગ ભક્તિભાવ આધ્યામિક દ્રષ્ટિકોણ…આમ હાથીકાકા જુદા જુદા સમયે જુદા જુદા સ્વરૂપે જોવા મળે તેનો પ્રત્યક્ષ અનુભવ ઘણાને હતો.

સને ૧૯૯૨ ના વીજભાવ વધારા સામેના આંદોલનમાં વડોદરામાં ખાતે શ્રી શરદ જોષીની જાહેર સભામાં માથેથી પાધડી ઉતારી આંબેડકરની  પ્રતિમાને પહેરાવી, પ્રતિજ્ઞા  લીધી કે જ્યાં સુધી વીજભાવ વધારો પાછો નહી ખેંચાય ત્યાં સુધી માથે પાઘડી નહીં બાંધુ. એ જ્યાં સુધી ભાવવધારો પાછો નહી ખેંચાયો ત્યાં સુધી માથે પાધડી બાંધી નહી. બીજી વખત અંબાજી ખાતે ખેડૂતોની શીબીરમાં દેશભરના ખેડૂત અગ્રણીઓની હાજરીમાં શ્રી શરદ જોષીએ તેમના હાથે પાઘડી બંધાવી જાહેરમાં તેમનુ અભિવાદન કર્યુ હતુ.ગુજરાત પ્રદેશના અગ્રણી શ્રી બીપીન દેસાઈ તો જાહેરમાં કહેતા કે હાથીના પગમાં અમારો સહુનો પગ છે તેવુ કહી બીરદાવતા અને ખેડૂતની શક્તિના એમનામાં દર્શન કરતા.

સામાજિક સંબધોમાં કોઈની શેહ શરમ રાખ્યા વિના સાચી વાત કરતાં અનેક લોકોએ અનુભવ્યા છે તો રાજકીય સંબધોમાં પણ પોતાની મૂલ્ય નિષ્ઠા અને પ્રભાવ જાળવી રાખ્યા હતા. આ બધામાં વિશેષ ઇશ્વર પ્રત્યેનો અનુરાગ અને આધ્યાત્મિક્તામાં  સમગ્ર પંથકમાં હાથીરામ મહારજ તરીકેની તેમની અલગ અને આગવી ઓળખ હતી.હાથીરામ મહારાજ માત્ર ચીલાચાલુ ભજનો જ ન ગાતા પરંતુ પોતે મૌલિક રીતે બનાવેલ ભજનો  અને આપણા જીવનમાં સુધારા આવે તેવા પ્ર્રાચીન ભજનો નો સુંદર મેળ બેસાડતા. ઉપરાંત તેમના ભજનો અને સત્સંગનો રસાસ્વાદ માણવા આવતા ભાવીક પ્રજાજનો ને ખૂબ જ સારા અને સાચી દિશાના ઉપદેશો પણ આપતા. તેઓ સંત મેળાવડાઓમાં વ્યસનમુક્તિ ઉપર ખાસ ભાર મુક્તા અને સામાન્ય માનવીને પણ ગળે ઉતરી જાય તેવી રીતે દાખલાઓ અને ઉદાહરણ દ્વારા લોકોને વ્યસનો છોડાવવા માટે ભરપુર પ્રયાસો પણ કરતા અને જેને પરિણામે ઘણા લોકોએ વ્યસનોમાંથી મુક્તિ પણ મેળવી હતી સાથે સાથે તેઓ શિક્ષણ,  કન્યા કેળવણી,અંધશ્રધ્ધામાંથી બહાર નીકળવાની અને પરસ્પર ભાઈચારાની ભાવનાથી રહેવા લોકોને શીખામણ આપવા જેવી ખૂબ મહત્વની વાતો પણ કરતા.

અંતે સ્વ.શ્રી હાથીરામ મહારાજ દ્વારા હાથીરામજ્ઞાન પ્રકાશ નામનું પુસ્તક પણ જનસમાજના લાભાર્થે પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ જેમાં જ્ઞાન અને અનુભવ વાણી પ્રસ્તુત કરવામાં આવી છે. ઉપરોક્ત લેખમાં પણ આ પુસ્ત્કમાંથી જરૂરી માહિતીનો સાભાર સમાવેશ કરવામાં આવ્યો છે.

સ્વ.શ્રી હાથીરામ મહારાજ એદરાણાના પરિવારજનો નો સંપર્ક નંબર નીચે મુજબ છે.

સરદારભાઈ વાલજીભાઈ ચૌઘરી –  ૯૭૨૩૭૦૨૩૩૯

વાલજીભાઈ હાથીરામ            –  ૯૯૭૮૩૮૬૦૫૪