મગરવાડાના વિદ્યા ક્ષેત્રના કબીરવડ ડાહ્યાભાઈ સાહેબ.
એક આર્ષદૃષ્ટાનું પ્રેરક જીવન
● દીપક જોશી-‘ઝંખન’
આચાર્ય, કુંભાસણ હાઈસ્કૂલ, કુંભાસણ.
અહીં આજે મારે માત્ર મારા જ ગુરુની નહીં પણ મગરવાડા, વરસડા, કાળીમાટી, છાપી, પાંચડા, વડગામ, પાંથાવાડા જેવાં બનાસકાંઠા જિલ્લાનાં વિવિધ ગામોના અનેક લોકોના સાચા ગુરુની વાત કરવી છે. પાંત્રીસી બ્રહ્મ સમાજની આ ગૌરવશાળી પ્રતિભાનું જીવન અને કવન સૌના માટે પ્રેરક છે. અમે જ્યારે નાના હતા ત્યારે તો એમની બીક લાગતી હતી. તેઓની માત્ર આંખ જોઇને ડર લાગે. ચાલવાની છટા અને બોલવાની અદા બધું જ ગજબનું. પણ, જેમ જેમ મોટા થતા ગયા, સમજણ વધતી ગઈ, દુનિયા જોઈ અને એમને નજીકથી ઓળખ્યા ત્યારે તેમના પ્રત્યે આજે માત્ર અને માત્ર અહોભાવ છે. શબ્દો નથી. એક મહાન વ્યક્તિત્વની નજીક જીવવાના અહર્નિશ આનંદની અનુભૂતિ થયા કરે છે.
આટલી ભૂમિકા પછી શું તમે કહી શકશો કે હું કોની વાત કરવા માંગુ છું ? આજીવન શિક્ષક અને પ્રખર કેળવણીકાર, સાચા લોકનાયક, મારા પૂજ્ય પિતાજી શ્રી *ડાહ્યાલાલ મણિલાલ જોશી* વિશે જ તો.
સિદ્ધપુર તાલુકાના ડીંડરોલ ગામમાં તા. 31-7-1923 ના રોજ જન્મ. અમદાવાદમાં શિક્ષણ. આ સમયે આઝાદીની ચળવળ પૂરજોશમાં હતી, તેમાં એમની સક્રિયતા ખૂબ વધી જતાં તેમના પિતાશ્રી એક વર્ષ માટે મગરવાડામાં તેમને માસીના ઘેર મૂકી ગયા. પછી તો તેમણે મગરવાડાને જ કર્મભૂમિ બનાવી. મગરવાડામાં શાળા ન હતી. તેમણે ગામઠી શાળા શરૂ કરી. મગરવાડામાં રાષ્ટ્રીય શિક્ષણના શ્રીગણેશ થયા. ઉંમરનો બાધ નહીં. જેને ભણવું હોય તે આવી શકે. શાળા પ્રવૃત્તિઓથી ધમધમે. તેમની પાસે તૈયાર થયેલી મગરવાડાની આ પહેલી પેઢીમાં એકલે હાથે શિસ્ત અને સંસ્કારનું ઉત્તમ સિંચન કર્યું. તે પછી તેમણે 1961-62માં સર્વોદય કેળવણી મંડળની સ્થાપના કરી. મગરવાડામાં માધ્યમિક શિક્ષણના પણ આદ્યસ્થાપક રહ્યા. પોતાના નિવાસ સ્થાને એટલે કે ડાહ્યાલાલ સાહેબના માઢમાં જ શિક્ષણ યજ્ઞ આરંભાયો. આ ભારે સંઘર્ષનો સમય હતો. એના વિશે તો બીજો સ્વતંત્ર લેખ બને. પણ આ સંઘર્ષમાં તેમની પહેલી પેઢીના તે સમયે યુવાન થયેલા વિદ્યાર્થીઓ અને કેટલાક ગામ આગેવાનો પડખે રહેલા તેથી જ શુભ હેતુઓ સફળ થયા. તેમણે ગામલોકોના ચૈતન્યને સાચે જ પોષણ આપ્યું. ગામના વિકાસ માટે તેમના હૈયામાં સતત વલવલાટ જોવા મળે. પ્રતિકૂળ વાતાવરણમાં અનુકૂળ આબોહવા સર્જવાનું કુદરતી કૌવત તેમનામાં હતું. તેઓની કાર્યનિષ્ઠા ગજબની હતી. નિષ્ઠાનો ધબકાર હૃદયના ધબકાર સાથે તાલ મિલાવતો અમે સૌએ જોયો છે. આમ, તેઓ પોતાની રીતે જ વિકસ્યા અને પોતાની શાળાઓને અને સંસ્થાઓનેય વિકસાવી.
સહકારી પ્રવૃત્તિમાં વિશેષ રુચિ અને સક્રિયતાના લીધે બનાસ ડેરીના આદ્યસ્થાપક શ્રી ગલબાભાઈ નાનજીભાઈના નિકટ પરિચયમાં અને એમની વિનંતીથી વડગામ તાલુકાના વરસડા ગામની પ્રાથમિક શાળાની સ્થાપનાનો પણ એક રોચક ઇતિહાસ છે. જો કે એના માટે આખો સ્વતંત્ર લેખ લખવો પડે. જિલ્લાના તત્કાલીન શિક્ષણ અધિકારીશ્રીઓ એમની વહીવટી કાબેલિયત અને નિષ્ઠાને પૂરી પારખી ગયેલા તેથી જ્યાં પણ સામા વહેણમાં હોડી ચલાવવાની હોય એવી શાળામાં એમની બદલી કરાતી અને તેઓ ટૂંકા ગાળામાં જ બધી ગૂંચો ઉકેલી સુવ્યવસ્થા ઉભી કરી આપતા.
આજે શિક્ષણના વ્યવસાયમાં હોવાથી સમજી શકું છું કે તેમની પાસે શિક્ષણનાં ધ્યેયો અને ધોરણોની પાકી સમજ હતી. એમની ભણાવવાની રીત અનેરી હતી. મને ગણિતમાં સરવાળા બાદબાકી શિખવવાને બદલે સેવા સહકારી મંડળીનો હિસાબ લખવા આપે, ત્યારબાદ પોતે એને ચેક કરી તેમાંથી ભૂલો શોધી સમજાવે. પ્રત્યક્ષ શિક્ષણ !!
મારા બાળપણનો એક કિસ્સો તો ખૂબ રમૂજભર્યો છે. અમારા ગામમાં કોઈ જોશી કાકાની માલિકીની નાટક કંપની આવેલી. તેમની વીસેક વર્ષની પુત્રી તેમાં નાયિકાનો રોલ કરે. મારી ઉંમર એ વખતે માત્ર આઠ વર્ષની. અમારું નવું મકાન તે વખતે ચણાતું હતું. તેમાં અમારા ગામનો જ એક યુવક વહતાભાઈ મજૂરી કામ માટે આવે. તેણે મારી મશ્કરી કરવા નાયિકા જોડે લગ્ન કરવા જણાવ્યું. ભોળા ભાવે મને તે વાત ગળે ઉતરી ગઈ. મેં મારા પિતાજી પાસે જઈ તેની સાથે લગ્ન કરાવી આપવા માગણી કરી. તેમણે સ્મિત કરી, કંઈક વિચારી પછી કહ્યું :”સારું, હું જોશીકાકાને વાત કરીશ. પણ ત્યાં સુધી તું તારા લગ્ન માટે જરૂરી બધી જ વસ્તુઓની યાદી બનાવવા માંડ.” હું તો ધંધે લાગી ગયો. બધાંને પૂછી પૂછીને લગ્ન માટે જરૂરી એક એક વસ્તુની યાદી બનાવવા લાગ્યો. અઠવાડિયા પછી નાટક કંપની જતી રહી અને હું ઉદાસ થયો. તો તેમણે કહ્યું:” કશો વાંધો નહીં. આપણી પાસે યાદી તો તૈયાર છે ને !” આજે શિક્ષક છું ત્યારે ખબર પડે છે કે તેમણે મારી જાણ બહાર જ મને એક પ્રકલ્પ/project સ્વરૂપે પ્રવૃત્તિ આપી મારું શિક્ષણ જ કર્યું હતું. બીજા કોઈ સાધારણ માણસે પોતાના બાળકની આવી માગણી વખતે કાં તો એને ધમકાવી કાઢ્યો હોત અથવા મૂર્ખ ગણી હસી કાઢ્યો હોત. ટૂંકમાં એમની અધ્યાપનની રીત સાવ નોખી હતી. માત્ર માહિતી આપી દેવી એમ નહીં, તે હંમેશાં નિરીક્ષણ, ચિંતન અને અર્થશોધન સુધી જતા. કોઇપણ વિષયનો કોઈપણ એકમ ભણાવતા હોય ત્યારે સંવેદના અને સમીક્ષા દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિનું સંક્રમણ કરે જ. ચિત્તને દૂષિત કરનાર તત્વો પર કાબૂ મેળવવા માટે જરૂરી સંકલ્પો અને અભિગમ કેળવવા મથામણ કરે. પુસ્તક કરતાં તો ક્યાંય આગળ નીકળી જાય. એમની પાસે ભણવું કે તેમને ભણાવતા જોવા એ એક લહાવો જ હતો. પોતે પ્રાથમિક શાળાના શિક્ષક હતા, પણ સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ હતા એટલે હોદ્દાની રૂએ માધ્યમિક શાળાના શિક્ષણ પર તેઓનો સંપૂર્ણ અંકુશ, પૂરતી દેખરેખ. ક્યારેક હાઈસ્કૂલમાં શિક્ષકને ભણાવતા અટકાવી પોતે શિક્ષણ કાર્ય શરૂ કરી દે અને એવા મશગુલ બની જાય કે વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રવાહમાં તણાવા માંડે. આદર્શ શિક્ષણનું સીધું નિદર્શન કરે. હાઈસ્કૂલના પહેલા શિક્ષક શિવાજી રાણા તો કહેતા : “ડાહ્યાભાઈ સાહેબ મગરવાડાના વિદ્યા ક્ષેત્રના કબીરવડ છે.” અનેકના મોંઢે સાંભળ્યું છે કે જો ડાહ્યાલાલ સાહેબ નહોત તો અમે જે છીએ અને જ્યાં છીએ તે ના જ હોત. ગામના તમામ આગેવાનો તેમને ભલાઈના કામોના બંધાણી જ કહેતા. તેમની વિદ્યાપ્રીતિ અખંડ રહી. તેમણે શ્વાસોચ્છવાસની જેમ શિક્ષકત્વને આજીવન જાળવ્યું.
તેઓ આદર્શ શિક્ષક ઉપરાંત પ્રયોગશીલ ખેડૂત પણ હતા. ખેતી તેમની શોખની પ્રવૃત્તિ હતી. મોટે ભાગે ખેતરમાં જ પરિવાર સાથે નિવાસ કરતા. ‘કૃષિ જીવન’ સામયિકના અંકોના માધ્યમથી તથા રેડિયો ઉપર પ્રસારિત કૃષિ કાર્યક્રમોના શ્રવણ થકી ખેતી ક્ષેત્રે તેમણે અનેક વિધ પ્રયોગો કરેલા. તેમણે આસપાસના ખેડૂતોની ખેતીને પણ સમૃદ્ધ કરી હતી. કોઈ પણ વ્યક્તિ વર્ષના કોઈ પણ દિવસે તેમને મળવા ખેતરમાં આવે તો તેને અમારા જ ખેતરમાં ઉત્પાદન થયેલી કોઈ ને કોઈ વસ્તુ ભેટ સ્વરૂપે મળે જ એવું આયોજન કરેલું. શાકભાજી તો અવશ્ય મળે જ પણ કેરી, પપૈયાં ને પોંકનો સ્વાદ તો લોકો આજેય ભૂલ્યા નથી. વળી તેમની પાસે બધા જ હુન્નરોનાં કૌશલ્યો હસ્તગત હતાં. સુથારી કામ, કડિયાકામ જેવા વ્યવસાયમાં વ્યવસાય કરનાર વ્યક્તિને પણ શરમાવે તેવી કારીગરી ધરાવતા હતા. દસ્તાવેજ લેખનના એ બેતાજ બાદશાહ. મગરવાડા ગામમાં તેમની હયાતી દરમિયાન થયેલા મોટા ભાગના કરારોના દસ્તાવેજ તેમના હાથે જ થયેલા છે. તેમની કલમ ચાલી ત્યાં ‘લોઢાની મેખ’. કશું જ મીનમેખ ન થઈ શકે. દેશી નામું લખવાની પણ પૂરી જાણકારી. વર્ષો સુધી ધાર્મિક ફરજના ભાગરૂપે કોઈ અપેક્ષા વગર માણિભદ્ર વીર મહારાજ મંદિરના ચોપડા લેખનનું કામ તેમણે સંભાળેલું.
મગરવાડામાં સર્વોદય કેળવણી મંડળના નેજા તળે તેમણે અનેક સંસ્થાઓ સ્થાપી. બધી જ સંસ્થાઓનાં બંધારણ એમણે જ ઘડ્યાં. અમદાવાદમાં અખાડાનો લાભ લીધેલો એટલે સર્વોદય વ્યાયામ શાળાના તેઓ સીધા જ માર્ગદર્શક રહ્યા. વહેલી સવારે મારા મોટાભાઈ પાસે બ્યૂગલ વગડાવે. બાળકોને ભેગા કરે. સામસામે બેસાડી પરસ્પર તલના તેલનો માલીશ કરતાં શીખવે. સીમમાં આવેલ ખારોડના ગોચરમાં બનાવેલ મેદાનમાં સૌની સાથે દોડે. સિંગલ બાર, ડબલ બાર, મલખમ, બોક્સિંગ, લાઠી, લેઝીમ, કેરમ વગેરે શીખવાનું સૌભાગ્ય એક પેઢીને બાળપણમાં મળ્યું એ માત્ર એમના જ પ્રતાપે. આજે મોટેભાગે નિવૃત્ત જીવન ગાળતા વડીલો એ સોનેરી દિવસોને યાદ કરી ડાહ્યાલાલ સાહેબનું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકીએ એવી લાગણી વ્યક્ત કરે છે. સર્વોદય મહિલા મંડળ અંતર્ગત સીવણ ક્લાસ અને વિવિધ ગૃહ ઉદ્યોગો જેવી અનેક પ્રવૃત્તિઓ ચલાવી. ગામની મહિલાઓના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું.
આ સંસ્થાઓએ પોતાની ઉત્કૃષ્ટ કામગીરીથી ગામને ઘણું ગૌરવ અપાવ્યું. ગામમાં સંપ અને ચેતનાનું વાતાવરણ નિર્માણ થયું. એ સમયગાળામાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓની ઉત્તમ કારકિર્દી ઘડાઈ. સ્વ. શ્રી રાજસંગભાઈ ભટોળ અમને જ્યારે મળે ત્યારે એ જૂનાં સંસ્મરણોને વાગોળે અને ઉમેરે કે એ સમય મગરવાડાનો શિક્ષણનો અને વિકાસનો સુવર્ણ કાળ હતો.
તેમણે ઘેર પ્રૌઢશિક્ષણના વર્ગો ચલાવ્યા. શ્રાવણ મહિનામાં મહાભારતનાં કડવાંનું ગાન કરે અને સમજાવે. એનો લાભ તો ઘણાંએ લીધો છે અને એ તો મારી ચિરંજીવી સ્મૃતિ છે.
ગામની તમામ સહકારી સંસ્થાઓના તેઓ માર્ગદર્શક આધાર સ્તંભ રહ્યા. ફડચામાં ગયેલી સહકારી સંસ્થાઓને એમણે જ પુનઃજીવિત કરી. ગામના અનેક યુવાનોને પંચાયતી રાજ અને સહકારી વહીવટનો એકડો એમણે જ ઘૂંટાવ્યો.
અમારા ગામમાં એ સમયે અન્ય પ્રતિભાશાળી કેટલીક વ્યક્તિઓ ખરી, પણ આવી બહુમુખી પ્રતિભા, અનેક ક્ષેત્રે પ્રદાન તથા ખાસ તો દીર્ઘદૃષ્ટા, સ્પષ્ટ વક્તા, નીડર અને ન્યાયપ્રિય હોવાના કારણે ડાહ્યાલાલ મણિલાલ જોશીની પ્રતિભાના પેગડામાં કોઈ પગ ઘાલી ન શકે તેવું અનેક વડીલોના મોઢે વારંવાર સાંભળ્યું છે. તેઓ ભલભલા ચમરબંધીને પણ જાહેરમાં સામી છાતીએ કહેવાનું હોય તે ખૂબ જ સ્પષ્ટ રીતે કહી દે. વળી એમની ન્યાયપ્રિયતા તો એવી કે પોતાની કોઈ ભૂલ હોય તો જાહેરમાં સ્વીકારવાની અને માફી માગવાની પૂરી તત્પરતાને સૌ કોઈ જોઈ શકે. તેઓ ભ્રષ્ટાચાર અને સગાંવાદના ભારે વિરોધી. તેમણે સૌના ઉપર સ્નેહભાવે કૃપા જ કરી છે. મોટાભાગે તેમની કૃપા શુદ્ધ શ્રેયમાર્ગની કઠોર કૃપા રહી છે. ગમે તેવી આંટીઘૂંટી હોય અને તેમની પાસે જાઓ તો તે ઉકલી જાય. આવાં તો અનેક સાચાં સામાજિક કામો તેમણે કર્યાં છે. કદાચ આ કારણે જ ગામમાં અને અમારાં સગાંવહાલાંના વિશાળ સમૂહમાં તેમની મહત્તા અને ગૌરવ, તેમના અવસાનના દાયકાઓ પછી પણ, અકબંધ છે.
તેઓ સર્વોદયના માણસ હતા એટલે બ્રાહ્મણસમાજની પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ અને સીધા ઓછા સંકળાયેલા લાગે પણ સમાજની અનેક વ્યક્તિઓ પાસેથી તેમની સમાજપ્રીતિની ઘણી વાતો સાંભળવા મળી. ‘અતિથિ દેવો ભવ’ આ સૂત્રને એમણે જીવનમાં ચરિતાર્થ કર્યું હતું. સૌના મોઢે એક જ વાત કે એમનું આતિથ્ય માણવા જેવું હતું. એમનું આતિથ્ય માણેલી સમાજની વ્યક્તિઓ પાસેથી બ્રાહ્મણ સમાજના ઉત્થાન વિષયક એમના વિચારો અને માર્ગદર્શક સૂચનોની વાતો સાંભળતાં એમને આર્ષદૃષ્ટા તરીકે જ નવાજવા રહ્યા. તેઓ મગરવાડા છોડીને પાલનપુરમાં આવી સ્થિર થયા ત્યારે પાલનપુરના પાંત્રીસી મંડળનું બંધારણ નહતું. મંડળનું સભ્ય પદ લેતી વખતે સંસ્થાનું બંધારણ હોવું જોઈએ તે લાગણી દર્શાવી અને તેમણે તરત જ તેનો મુસદ્દો તૈયાર કરી આપેલો.
છેલ્લે એમની નાદુરસ્ત તબિયત વખતે પાલનપુર સિવિલમાં સમયાંતરે રહેવાનું થતું. ત્યાંના ડોકટર દંપતી રૈયાણી સાહેબ અને પારુલબહેન દાદાના વિશાળ જ્ઞાનથી, વિશાળ માનવીય અભિગમથી અને કાયદાકીય જાણકારીથી પ્રભાવિત થયેલાં. એ અમને દરરોજ કહે કે – “દાદા જમાના કરતાં પચીસ- પચાસ નહીં સો વર્ષ આગળ છે.” આ દંપતીએ પોતાના પરિવારના વડીલની જેમ જ દાદાની સેવા કરી.
તેમની અવસાન તારીખ 27 -6-1993 વખતે એમને અનેક રીતે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવેલી. તેમાં ‘ *મગરવાડાનો શિક્ષણ અને સહકારી ક્ષેત્રનો એક આખો યુગ આથમી ગયો”* એ શીર્ષક તળેની ભાવાંજલિ ખૂબ હૃદયસ્પર્શી હતી. તેઓની અંતિમ ઇચ્છા તો દેહદાનની હતી. પણ ચક્ષુદાન તો કરીશું જ તેવી ખાતરી આપેલી તે મુજબ તેમનાં ચક્ષુનું દાન કરવામાં આવેલું.
આજે તો તેમના પ્રશંસકો, ચાહકો અને વિદ્યાર્થીઓ પણ એક પછી એક આ દુનિયા છોડીને જવા માંડ્યા છે. ત્યારે આવનારી પેઢીને મગરવાડાની આ મહાન વિભૂતિનો પરિચય મળે તથા એમના પ્રત્યેની કૃતજ્ઞતાને અદા કરવા ખૂબ જ સંક્ષિપ્તમાં મારા ભાવો પ્રગટ કર્યા છે. સાથે સાથે તેમના સંપર્કમાં આવેલ સૌને એમના વિશેના પ્રેરક પ્રતિભાવો અમને પહોંચાડવા વિનંતી પણ છે.
– દીપકકુમાર ડાહ્યાલાલ જોશી,
9824602970,
8780239359
ddthegreat.2007@gmail.com