વ્યક્તિ-વિશેષ

બ્રહ્મનિષ્ઠ પૂજ્ય મહાત્મા કાળુ રામ મહારાજનું જીવન ચરિત્ર – ભાગ : ૧

[ મોસાળ ટીંબાચુડી (વડગામ) માં ઉછરી નિરાંત સમ્પ્રદાયના મહાન ભક્તરાજ બનેલા મહાત્મા શ્રી કાળુરામ મહારજનું જીવન ચરિત્ર આધ્યાત્મિક જગતમાં અનેરૂ નામ છે તેમનુ જીવન ચરિત્ર જીવન મુક્ત પ્રકાશ નામના સામયિક્માં કર્તા ભક્તરાજ શ્રી કૌશિક્ભાઇ કેશાભાઇ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ જેમાંથી મહાત્મા શ્રી કાળુરામ મહારજનું જીવન ચરિત્ર ભાગ-૧ અત્રે સાભાર પ્રસ્તુત કરવામં આવ્યો છે. ]

બ્રહ્મનિષ્ઠ પૂજ્ય મહાત્મા કાળુરામ મહારાજનો જન્મ સિદ્ધપુર તાલુકામાં સરસ્વતી કિનારે આવેલા ગામમાં વાલ્મિકી વેસમાં વિક્રમ સવંત 1963 ના માગસર સુદી પૂર્ણિમાના દિવસે થયો હતો પિતાનું નામ શ્રી ભીખાભાઈ અને જન્મદાતા સ્ત્રી નું નામ ધુળીબા હતું શ્રી ભીખાભાઈ ને બે સંતાન હતા. એક મહાત્મા શ્રી કાળુ રામ અને બીજા શ્રી મેના બહેન. શ્રી કાળુરામજી નાના હતા પૂજ્ય પિતાજી મહારાજને બાલ્યાવસ્થામાં છોડીને દેવલોક પામ્યા હતા, જેથી ધોળીબાનો આધાર સ્તંભ તૂટ્યો અને પોતે નિરાધાર દશામાં થઈ ગયા. નાના બાળકો ગરીબી બીજી બાજુ શ્વસુર ગૃહની અગવડતાએ તેમને બેબાકળા કરી મૂક્યા, પરંતુ હિંમત હાર્યા વગર મન મક્કમ કરીને તેમને બીલીયા ગામને છેલ્લા પ્રણામ કર્યા અને પોતાના પિયર વડગામ તાલુકાના ટીંબાચુડી ગામે આવીને ભાઈઓના આશરે રહ્યાં. છૂટક મજૂરી કરીને પોતાના નાના બાળકોને સાચવતાં આમ દિન-પ્રતિ-દિન ધુળીબા મુશ્કેલ દિવસો  વિતાવતા ગયા. મહાત્મા શ્રી કાળુ રામની ઉંમર સાતેક વર્ષની થઈ હશે નાનપણથી સરળ સ્વભાવ , મિષ્ટ્ભાષી, પ્રભાવશાળી મળતાવડાપણું તેમજ અહૉનિશ શાંતિ વાળા હોવાથી તેમના સદગુણો અને સંસ્કાર પણ અવરણિય હતા. મહાત્મા કાળુરામજીની ભણતર પ્રત્યેની લાગણી પણ ખૂબ જ હતી, પરંતુ ટીંબાચુડી ગામમાં શારદા મંદિર ન હોવાથી પોતે લાચાર બન્યા એ જમાનામાં નિશાળો ઘણી ઓછી હતી. ફક્ત મોટા ગામડાઓમાં જ સરકારી નિશાળ હતી. મહાત્મા કાળુરામના ઘરમાં અન્નના ઉધારા અને અંગ પર પહેરવાં પુરતા કપડાં પણ નહોતા, ત્યાં બહારગામ જઈને વિદ્યાજ્ઞાન ક્યાંથી પ્રાપ્ત કરી શકે?

મહાત્મા શ્રી કાળુરામની અનેક નિરાશામાં એક આશાનું અંકુર ફૂટ્યું ટીંબાચુડી થી બે માઇલ પર આવેલા ભાંગરોડીયા ગામે ગામઠી નિશાળ શરૂ થઈ ટીંબાચુડીના વિદ્યા પ્રેમી બાળકો ભાંગરોડીયા ગામે ભણવા જવા માંડ્યા પરંતુ મહાત્મા કાળુરામ ને ફી, પેન, પુસ્તક વગેરેનું ખર્ચ ક્યાંથી કાઢવું? તે મૂંઝવણે તેનું હૃદય દ્રવી ઉઠયું. પોતાની ગરીબ જન્મદાત્રીની નિરાધાર હાલત આ બધું તેમને મન આઘાતજનક હતું ! આમ છતાંય પોતે નિરાશાવાદી ન બન્યા અને તીવ્ર ઈચ્છાથી ટીંબાચૂડીથી ભાંગરોડીયા ગામે ભણવા જતા બાળકો પાસેથી કરગરી આજીજી કરીને બારખડી કક્કા વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પાટી- પેન તો પોતાના પાસે નહોતા જેથી જમીન સાફ કરીને ઉપર લાકડાના ટુકડાથી અક્ષરો લખતા અને એ રીતે તેમણે તેમનો અભ્યાસ ચાલુ કર્યો. મહામહેનતે તેઓ શ્રી એ સાધારણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. બાળકોની ભણવાની ભાવના જાણી શાહ ધનજીભાઈએ ટીંબાચુડીમાં શાળા શરૂ કરી અને બાળકોએ ગામની શાળામાં ભણવાનું શરૂ કર્યું. આ શાળામાં મહાત્મા કાળુરામ પણ ગયા. ત્યાં જઈને ભણતા બાળકો પાસે બેસીને ક-ખ-ગ વાંચતા પરંતુ પોતાના પાસે અભ્યાસ કરવા માટે પાટી – પેન , ચોપડીઓ નહોતી, જેથી તેઓ ખૂબ દુઃખી થતા. નિયમિત મહાત્મા કાળુ રામની નિશાળે આવતા જોઈને તેમજ તેમની ભણતર પ્રત્યેની ભાવના પારખીને શ્રી ધનજીભાઈ શાહ સમજી ગયા કે આ વિધવા બાઈ નો પુત્ર છે અને ગરીબ તેમજ નિરાધાર બાળક છે, જેથી ભણવાની ઈચ્છા હોવા છતાં ભણી શકતો નથી, તેથી તેમને દયા આવીને લાગણીવસ બન્યા. મહાત્મા કાળુ રામને પાસે બોલાવી ધનજીભાઈએ પ્રેમથી તેમની પીઠ થાબડીને કહ્યું છોકરા જો તારે ભણવાની ઈચ્છા હોય તો વિના સંકોચે ભણવા આવતો રહે. ફી તારાથી અપાય તો આપજે, નહિતર તારી ફી માફ. ધનજીભાઈનું કહ્યું સાંભળી મહાત્મા કાળુ રામ ખૂબ ખુશ થયા અને તે જ દિવસે શાળામાં દાખલ થયા. શિક્ષકે તેમને પાટી આપી અને નિશાળના ભણતા બાળકોએ કોઈને પેન તો કોઈએ ચોપડી વિગેરે આપીને તેમનું ભણવાનું કાર્ય શરૂ કરાવ્યું.

મહાત્મા કાળુરામ ખંત અને કાળજીથી દિન પ્રતિ દિન ઉત્સાહપૂર્વક અભ્યાસ કરવા લાગ્યા અને શ્રી ધનજીભાઈ ની દેખરેખ નીચે પાંચ ગુજરાતી ચોપડી નો અભ્યાસ પૂરો કર્યો, જેથી તેમને લખતા વાંચતા બરાબર આવડી ગયું. પરંતુ ભણવા પ્રત્યેની તેમની ઉમ્મીદ અધૂરી રહી પોતાના નિરાધાર કુટુંબનું ગુજરાન ચલાવવાનું કાર્ય ઘણું અઘરું હતું તેવા સંજોગોમાં ભણવાનું કેવી રીતે બની શકે ? જેથી તેમને કમને  નિશાળ છોડવી પડી. મહાત્મા કાળુરામમાં નાનપણથી જ મહાન સદગુણો હતા તેઓ હંમેશા શાંત સ્વભાવ, સાચું બોલવું, બીજાના દુઃખી દુઃખી થવું અને હકનો રોટલો ખાવો તે તેમના આગવા ગુણો હતા સાથે સાથે તેમનો ભક્તિભાવ તરફનો પ્રેમ પણ અઢળક હતો. ભજન કીર્તન કે સત્સંગમાં તેમને ખૂબ જ શ્રદ્ધા હતી. તેઓ ગામમાં જ્યાં ભજન કીર્તન કે સત્સંગ હોય ત્યાં જઈને બેસતા અને ભજનો કીર્તનો સાંભળી તેનું મનન કરતા હતા. તેમનામાં પોતાની જ્ઞાતિનું એક પણ લક્ષણ નહોતું જેથી કરીને તેમનામાં સારા ઉચ્ચ ગુણોનો વાસ થયો અને તેમની ધાર્મિક પ્રવૃત્તિ દિન પ્રતિદિન વધવા થવા લાગી. ધાર્મિક ગ્રંથો જેવા કે શ્રીમદ ભાગવત, રામાયણ, શિવપુરાણ, ચંદ્રકાંત ,યોગ વશિષ્ઠ અને પંચરત્ન ગીતા વગેરે મોટા મોટા પુસ્તકોનો અભ્યાસ કરી તેનું મનન કરવા લાગ્યા ,જેથી કરી તેમનામાં ભક્તિ માર્ગનો સંચાર ઉભો થવા લાગ્યો તેની સાથે સાથે તેમના અક્ષર જ્ઞાન ,વાક્ય ચતુરી દિન પ્રતિદિન વધતી ગઈ તે તેમના લખેલ કાવ્યો પરથી બરાબર જણાઈ આવે છે. આમ હરિ કથા અને કીર્તન કરતા કરતા તેઓની ઉંમર 18 વર્ષની આશરે થઈ તેવામાં તેમનું લગ્ન પાલનપુર તાબાના પિરોજપુરા ગામના રામજીભાઈ ની પુત્રી શ્રી ગલબીબાઈ સાથે થયું અને તેઓ સાંસારિક વ્યવહારમાં જોડાયા. પરંતુ સંસાર વ્યવહારમાં પણ તેઓ જેવી રીતે જળથી કમળ ભીંજાતું નથી તેમ તેઓ પણ તેમાં લુપ્ત થયા સિવાય દરેક વહેવાર કાર્યો કરતા હતા. તેની સાથે તેઓ સાદુ અને સરળ જીવન ગાળવા લાગ્યા. તેઓને ખોટા ડોળ કે આડંબર બિલકુલ ગમતા નહોતા.

મહાત્મા કાળુ રામ મહારાજ ના લગ્ન થયા બાદ પોતાના કુટુંબના ઉદર નિર્વાહ માટે તેમને ધંધે વળગવાની ફરજ પડી. ટીબાચુડી ગામની ચોકી રાખી ચોકી કરી તેમાંથી પોતાની આજીવિકા ચલાવવા લાગ્યા. અને ઈશ્વર ભક્તિ કરવામા તલ્લીન બન્યા. તેવામાં એક દિવસ ગામ બાવલચુડીના ભક્ત ચેલારામ ટીંબાચૂડી આવ્યા રાત્રે મહાત્મા કાળુ રામ તથા ભકત ચેલારામ વચ્ચે સત્સંગ સમાગમ થયો અને ત્યારથી પોતાને ગુરુ મંત્ર તથા સદગુરુ પ્રત્યે શુભ ભાવ પ્રગટ થયો. મહાત્મા કાળુ રામ દિન પ્રતિદિન બાવલચૂડી જઈ ભક્ત ચેલારામ સાથે સત્સંગ સમાગમ કરતા વળી તેમના અંતઃકરણમાં શુદ્ધ ભાવના જાગી અને ભક્તિની લગન લાગી. મહાત્મા કાળુ રામની આવી શુદ્ધ ભાવના અને દ્રઢ ગુરુ પ્રેમ જાગ્રત થયેલો જોઈ ભક્ત ચેલારામ તેમના વારંવાર વખાણ કરવા લાગ્યા તેવામાં શ્રી નિરાંત સંપ્રદાયના આદિ પુરુષ ધર્મનિષ્ઠ સદગુરુ પુરુષોત્તમરામ કે જે ચુડી પાસે આવેલા માલોસણા ગામમાં રહી ઉપદ્દેશ આપતા હતા અને અનેક અધમનો ઉદ્ધાર કરતા હતા તેમના પાસે મહાત્મા કાળુરામે જઈ તેમના ચરણવિંદમાં પડી દંડવત પ્રણામ કરી ગદગદ કંઠે નિર્મળ વાણીથી પોતાને ગુરુ દિક્ષા આપવા વિનંતી કરી, અને કહ્યું કે હે પ્રભુ હું ત્રિતાપોથી તપેલ, અધમ ,ખલ અને મહાભયંકર પાપી આપના શરણે આવ્યો છું ,તો હે અધમ ઓધારણ ભવદુઃખ તારણ મને આપના શરણે રાખી મને ગુરુ ઉપદેશ આપી આ પાણીને પાવન કરો. મહાત્મા કાળુ રામનું આવું નિષ્કપટી અને નિર્મળ વચન સાંભળી મહાપુરુષ સદગુરુ પુરુષોત્તમરામજી મહારાજજી પોતાના મનમાં વિચાર કર્યો કે આ કાળુરામ ખરેખર અધિકારી પુરુષ છે અને તે બોધને પાત્ર છે, જો તેને બોધ અપાય તો તે પોતાનું જીવન સફળ બનાવી ,બીજા અનેક દુષ્ટ અધર્મોના ઉદ્ધાર કરી શકશે, આવું વિચાર કરીને સદગુરુ પુરુષોત્તમ મહારાજે ૧૯૮૩ના ભાદરવા સુદી ૧૧, ની રાત્રે મહાત્મા કાળુરામને બોધ આપ્યો, અને ગુરુ થયા તે પછી મહાત્મા કાળુરામ હિરો તો હતા અને હોશિયાર ઝવેરીના હાથે ચડ્યા એટલે પૂછુવું જ શું ? ,તે કહેવત પ્રમાણે મહાત્મા કાળુ રામ દરરોજ નવા નવા હરી કીર્તનો પોતે બનાવીને ગાતા હતા, તેથી પોતાના ટીંબાચુડી તથા આસપાસના ગામોમાં તેમની ખ્યાતિ દિન -પ્રતિદિન વધવા લાગી. એક દિવસ સદગુરુ પુરુષોત્તમ મહારાજ ટીંબાચુડી આવ્યા અને મહારાજા મહાત્મા કાળુ રામ ગુરુજીને જોતા જ આનંદિત થઈ તેમના ચરણે પડી દંડવત પ્રણામ કર્યા. પછી બે હાથ જોડી વિનયથી બોલ્યા કે હે પ્રભો ! આ તન મન અને ધન તો આપનું જ છે તો આ સેવકની બીજી શી આજ્ઞા છે?

પોતાના સદગુણી શિષ્યનું આવું નિર્મળ વચન સાંભળીને સદગુરુ પુરુષોત્તમ રામજી ઘણા ખુશ થયા અને પોતાના બંને હાથ મહાત્મા કાળુ રામના મસ્તકે ધરી બોલ્યા કે ભાઈ સુખેથી હરિભક્તિ કરો અને ઈચ્છા વાળા અધિકારીને ગુરુબોધ (જ્ઞાન) આપી તેઓના જન્મ મરણના દુઃખોનો નાશ કરો.

આવી રીતે બોધ આપવાનું વચન આપીને શ્રી ગુરુ મહારાજ માલોસણા ગયા ત્યારથી મહાત્મા કાળુ રામ મહારાજે બોધ આપવાનું શરૂ કર્યું. હવે મહાત્મા કાળુ રામે આર્યુવેદિક જ્ઞાન કેવી રીતે મેળવ્યું તેના ઉપર જરા દ્રષ્ટિપાત કરીએ.
પોતાના જીવન નિર્વાહ ચલાવવાની મુશ્કેલી મહાત્મા કાળુ રામને સતાવવા લાગી. ઘરમાં માતૃશ્રી પણ કંકાસ કરવા લાગ્યા, અને અવાર-નવાર મહાત્મા કાળુરામને ઠપકો આપીને કહેવા લાગ્યા કે કાળું તું તો મોટો ભગત અને સંત થઈને બેઠો છે પણ આ કુટુંબનું ભરણપોષણ કેવી રીતે કરવું? તારે કાંઈ ઘરની પડી નથી, કમાવું નથી અને બસ દિવસથી રાત ભજન ગાવા અને લહેર કરવી. ઘેર બેઠા કંઈ ભગવાન થોડું રોટલા દેવા આવશે. માતાના દર્દ ભર્યા વચનો સાંભળીને મહાત્મા કાળુ રામને લાગી આવ્યું, નોકરીની શોધમાં મહાત્મા કાળુ રામ નીકળી પડ્યા અને અમદાવાદ આવ્યા અહીં તેમને એક કાપડની મિલમાં નોકરી મળી ગઈ. ત્યાં પણ તેઓશ્રી દ્રઢ નિશ્ચયથી પ્રભુ ભક્તિ કરવા લાગ્યા અને પોતાની ઓરડીની આસપાસ જે ઠેકાણે હરિ કીર્તન થતા હોય ભક્તોને સંતો વસતા હોય ત્યાં તેઓ જઈને બેસતા અને આનંદપૂર્વક તે સાંભળતા હતા અને સત્સંગનો લ્હાવો લેતા. મીલમાંથી જે કંઈ મહિને દાડે પગાર આવે તે પણ સંત સાધુઓમાં ખર્ચી નાખતા એવામાં એક વખત તેમની આર્યુવેદ પૂરેપૂરું જાણનાર અને અનુભવી વૈધરાજ શ્રી દેવીદાસજી સાધુપુરુષનો ભેટો થયો. દેવીદાસજી મહારાજજી મહાત્મા કાળુ રામમહારાજ ની શાંતિ મનોવૃત્તિ તથા અટલભક્તિ જોઈ પોતાના મુકામે બોલાવી સત્સંગ કર્યો, પણ મહાત્મા કાળુરામ મહારાજનો સાચો ભક્તિભાવ તથા અડગ સત્સંગ જોઈને દેવીદાસજી પણ ઘણા ખુશી થયા દેવીદાસે કાળુ રામ મહારાજને આજીજી કરી ઉપદેશ સાથે બોધની માગણી કરી દેવદાસ ની માગણી સ્વીકારીને મહાત્મા કાળુ રામ મહારાજે ઘણા જ આનંદથી તે સાધુ પુરુષને બોધ ઉપદેશ કર્યો. દેવીદાસ એ મહાત્મા કાળુ રામ મહારાજને પોતાના પાસે રાખી પોતાના આર્યુવેદ પુસ્તકનો પૂરેપૂરો અભ્યાસ કરાવી તેની સંપૂર્ણ માહિતી આપી જેનાથી તેઓ નાડી પરીક્ષા શરીર ચિકિત્સા અને કયુ દર્દ ક્યારેય અનેક કયા પ્રકારે થયું તેની નિદાન પરીક્ષા કરવામાં પુરેપુરો અનુભવ મેળવ્યો. આર્યુવેદિક જ્ઞાન મેળવ્યા પછી મહાત્મા કાળુ રામ મહારાજે બોધ આપવાનું શરૂ કર્યું તેમનો સાચો બોધ અને જ્ઞાન ઉપદેશ જોઈને બીજા આડંબરી તથા મત્સરખોરોએ તેમના ઉપર અનેક જાતના વિઘ્નો નાખી હેરાન કરવા લાગ્યા.

અમદાવાદમાં તેઓશ્રીના ઉપર મોટા મોટા ધર્મ સંકટો આવવા માંડ્યા. હિચકારા હુમલા થયા. અમાનુષી અત્યાચારો થયાં, પરંતુ સતની કેડીએ ડગલા દેતા પથિકને કોઈ ડગાવી શકાયું નહીં. પોતાનો અટલ આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચયથી અજ્ઞાનવૃંદ ચલાયમાન કરાવી શકાયું નહીં. ધાર્મિક ગ્રંથોમાં કહ્યું છે કે

જેને શામળીયો હોય સહાય તેને શત્રુ થતી શું થાય ?
જેણે સાધેલો પોતાનો ઈશ, તેને શું કરે સોમલ વિષ ?

એ કહેવત અનુસાર મહાત્મા કાળુ રામ મહારાજને તો પોતાના ગુરુના વચન ઉપર દ્રઢ વિશ્વાસ અને શ્રી હરિ પરમાત્મા પર શુદ્ધ પ્રેમ હોવાથી ગમે તેટલા યુગ્મ સંકટો આવે પરંતુ તેમને કાંઈ નડી શકતા નહીં. મહાત્મા કાળુ રામ મહારાજ અમદાવાદમાં આશરે ચારેક વર્ષ રહ્યા અને ત્યાં પણ તેમણે સારા સારા ૨૫ પુરુષોને બોધ ઉપદેશ આપી શિષ્ય બનાવી તેમનામાં શુદ્ધ પ્રેમભક્તિનું સિંચન કર્યું અને સત્યના માર્ગે વાળ્યા. અમદાવાદની ધરા છોડીને મહાત્મા કાળુ રામ મહારાજ પોતાના મૂળ વતન ટીંબાચુડી આવ્યા અને ત્યાં રહી શ્રી ઈશ્વર ભજન કરવા લાગ્યા અને તેના સાથે પોતે મેળવેલ આર્યુવેદિક જ્ઞાનમાંથી દવાઓનું કામ પણ કરવા લાગ્યા. તેમણે પોતાના મનથી એવો સંકલ્પ કર્યો હતો કે કોઈ સંત સાધુ હરીજનો તેમ જ ટીંબાચુડી ગામના માણસો પાસેથી દવાના પૈસા બિલકુલ લેવા નહીં તેથી તેઓ મફત દવા આપવા લાગ્યા.  ( ક્રમશ : )