મૃગેશભાઈને શ્રધાંજલી…
આપ સૌને આ સમાચાર આપતા અત્યંત આઘાત અને દુઃખ અનુભવું છું કે શ્રી મૃગેશભાઈ શાહ આજે તા.૦૫.૦૬.૨૦૧૪ ને ગુરૂવારે બપોરે ૧૨.૧૫ કલાકે આપણી વચ્ચેથી અકાળે વિદાય થયા છે. છેલ્લા ૨૦ દિવસથી બ્રેઇન સ્ટ્રોકના લીધે વડોદરાની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શ્રી મૃગેશભાઈ આજે આપણી વચ્ચે નથી જે ક્યારેય પણ ના ભૂલી શકાય એવી ઘટના છે.

સ્વ.મૃગેશભાઈ શાહને આજે એટલા માટે યાદ કરવા પડે કે નખશીખ પ્રમાણિક અને ઉમદા વ્યક્તિત્વના ધની આ વ્યક્તિ નાની ઉમંર(માત્ર ૩૮ વર્ષ) માં આ સમાજને નિસ્વાર્થ ભાવે કેટલુ આપીને ગયા છે. ગુજરાતી સાહિત્યના પ્રેમને કારણે તેમણે www.readgujarati.com વેબસાઈટનું સર્જન કર્યુ અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને આ માધ્યમ થકી ઉત્તમ ગુજરાતી સાહિત્ય પુરુ પાડી ગુજરાતીઓમાં સંસ્કાર સીંચવાનું મહત્વનું કાર્ય કર્યુ. ગુજરાતીઓને ઉત્તમ સાહિત્યથી પરિચિત કરાવ્યા. મારી વાત કરુ તો રીડગુજરાતી.કોમ થકી મારો તેમની સાથે પાંચ-છ વર્ષ પહેલા પરિચય થયેલો અને આ પરિચય સમય જતાં સમગ્ર વડગામ પંથક માટે લાગણીના સબંધમાં પરિણમ્યો.
વડગામ સોશિયલ & વેલ્ફેર ટ્રસ્ટના આમંત્રણથી તેઓશ્રી બે વખત વડગામની મુલાકાત લઈ ચૂક્યા છે. વડગામ ખાતે વડગામ સોશિયલ & વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત શૈક્ષણિક સેમિનાર અને સેભર મુકામે આયોજિત બાળશીબીરમાં ગાંધીનગરના સર્જન ગ્રુપ સાથે તેમની ઉપસ્થિતિ અને તેમનું યોગદાન આજે પણ ભુલી શકાય તેમ નથી.
આ બનેં પ્રસંગે ઉપસ્થિત સ્વ.મૃગેશભાઈએ સમગ્ર કાર્યક્રમ અંગે વડગામ પ્રત્યેના પોતાના લગાવને કારણે દિલથી કેવું વર્ણન કર્યું હતું તે સમજવા માટે તો તેમના હસ્તે લિખિત નીચેના બે લેખ વાંચવા જ રહ્યા.
(૧ ) વડગામની વાટે – શ્રી મૃગેશ શાહ (૨) શેભર વાંચન શિબિર – શ્રી મૃગેશ શાહ

સ્વ.મૃગેશભાઈ કોમ્પ્યુટરનું સારુ એવુ નોલેજ ધરાવતા હતા અને પોતે વેબડેવલોપર પણ હતા તેથી મે તેમને જણાવ્યું કે સાહેબ મારે પણ મારા તાલુકાની આપની રીડગુજરાતી જેવી વેબસાઈટ બનાવવી છે પણ આ પ્રકારની વેબસાઈટ બનાવવા માટે ખાસો એવો ખર્ચ થઈ શકે તેમ છે તો આપ મને મદદ કરો તો તેમનો જવાબ હતો નિતિનભાઈ ચાલોને હું તમને વડગામની સારી એવી વેબસાઈટ ડેવલોપ કરી આપું મે કહ્યું પણ સાહેબ તેમા ખર્ચ કેટલો આવશે ? તેમણે જવાબ આપ્યો ખર્ચની ચિંતા છોડો તમે લોકો પણ એક સારુ કાર્ય કરી રહ્યા છો એટલે તમારે જે આપવું હોય તે આપજો. પછી તો તેઓ શ્રીએ વેબસાઈટ માટે સુરક્ષિત વેબસર્વરથી લઈને ટેકનીકલ બાબતોની રજેરજ માહિતી મને સાચી રીતે સમજાવી અને અંતે તેમણે પોતનો કિમતી સમય ફાળવીને વડગામ માટે વડગામ.કોમ વેબસાઈટની સુંદર વેબસાઈટ ની ડિઝાઈન મામુલી ખર્ચમાં (નહિ નુકશાન નહી નફો ના ધોરણે) ઝડપી ડેવલોપ કરી આપી આ ઉપરાંત મને સતત માર્ગદર્શન આપતા રહ્યા આમા પણ વડગામ પ્રત્યેની તેમની લાગણી સતત ધબકતી હતી.

સતત કોઈ પણ અપેક્ષા વગર માત્ર કંઈક સારુ કરવાની ભાવના સાથે તેઓ હંમેશા તત્પર રહેતા આવા તો અગણિત ઉદાહરણો તેમની સાથે સંપર્કમાં રહેનાર લોકોના છે. સમાજ માટે સતત કંઈક કરી છૂટવા મથતો માણસ આમ અચાનક આપણી વચ્ચેથી આવી દુ:ખદ રીતે વિદાય થાય ત્યાર કુદરતની નિયતી ઉપર પણ શંકા જાય છે કે આવુ આવા માણસો સાથે કેમ થતું હશે ? ગાંધીનગર સ્થિત શ્રી તરંગભાઈ હાથીનો આજે ફોન આવ્યો તેમણે સખેદ જણાવ્યું કે નિતિનભાઈ આવુ કેમનુક થાતુ હશે મને તો કંઈ સમજાતું નથી કારણ કે તરંગભાઈ પણ સ્વ.મૃગેશભાઈ સાથે સતત સંપર્કમાં રહેનાર માણસ હતા અને તેઓશ્રી સેભર મુકામે આયોજિત બાળશિબીરમાં પણ તેમની ટીમ અને સ્વ.મૃગેશભાઈ સાથે ઉપસ્થિત હતા.
કુદરતને કોઈ જાણી શક્યુ નથી પણ મૃગેશભાઈ આજે આપણી વચ્ચે નથી એ સત્ય સ્વીકારીને આપણે તો અંતરથી શ્રંધાજલી આપવી રહી કે તે જ્યાં પણ હોય ત્યાં તેમનો આત્મા શાંતિ પામે. સમગ્ર રીડગુજરાતી પરિવાર, ગુજરાતી સાહિત્યના સર્વે પ્રેમીઓ અને અમારા વડગામના લોકો માટે આ એક કારમો આઘાત છે. મૃગેશભાઈના પરિવારમાં ફક્ત તેમના વૃદ્ધ પિતા જ છે. ઈશ્વર તેમને આ આઘાત સહન કરવાની શક્તિ બક્ષે અને મૃગેશભાઈના આત્માને શ્રીજીચરણ મળે એ જ અભ્યર્થના સહ સમગ્ર વડગામ તાલુકાની જનતા આ વેબસાઈટના માધ્યમ થકી સ્વ.ને દિલથી શ્રધાજંલી અર્પે છે.
અને છેલ્લે વાંચો આ લેખ આભાર મૃગેશભાઈ શાહનો..
રીડગુજરાતી ઉપર આ ઘટના સંદર્ભે વાંચકોના પ્રતિભાવો વાંચવા અહીં ક્લીક કરો.
અક્ષરનાદ વેબસાઈટ ઉપરનો લેખ ” મૃગેશભાઈ R.I.P. દોસ્ત ” વાંચવા અહીં ક્લીક કરો.
– નિતિન પટેલ (વડગામ)
અશ્રુભીની વિદાય દોસ્ત!!