વડગામના સેતુકકુમારનું સંયમના માર્ગે પ્રયાણ……..!!!
વડગામ રહેવાસી શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવારના રત્ન સેતુકભાઈ શાહના દીક્ષા મહોત્સવ પ્રસંગે ચૈતન્યભૂમિ પાલિતાણામાં અનંત હિતારોપણના આંગણે, તીર્થવાટિકા, તળેટી રોડ મુકામે મંગલકારી કાર્યક્રમોમાં ઊપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. 31 વર્ષ પહેલા આ જ પરિવારમાંથી અતુલ શાહે દીક્ષા લીધી હતી અને હિતરુચિ વિજયજી મહારાજ સાહેબ તરીકે સંયમી જીવન જીવી ,અનેક જીવોનું કલ્યાણ કરી મોક્ષ માર્ગે પ્રયાણ કરી ગયા હતા. અતુલ શાહના દીક્ષા પ્રસંગે પણ અમદાવાદમા ઊપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.
અઢળક સુખ સમૃદ્ધિ વચ્ચે ઉછરેલા જૈન પરિવારના બૌદ્ધિક રીતે પણ ઉચ્ચ કક્ષાએ પહોંચેલા સંતાનો સુખ-સંપત્તિને ત્યાગી સાધુનું સયંમિત જીવન અપનાવે એટલે આજના કળજુગમાં ભારે અચરજ થાય.
મુમુક્ષુ ચિ.સેતુકકુમારનો દીક્ષા મહોત્સવ ઉત્સવના અવિસ્મરણીય દિવસો આજીવન અમારા સ્મરણમાં રહેશે.
પોષ વદ ૧૧ તા. ૧૮.૦૧.૨૦૨૩ના શુભ દિવસે પૂજ્ય ગુરુભગવંતોનો ભવ્ય નગર પ્રવેશ, નવપદ પૂજન ,તળેટીએ તીર્થરક્ષક બારોટો દ્વારા તીર્થભક્તિ સાથે મંગલકારી દીક્ષા મહોત્સવનો પ્રારંભ થયો.
પોષ વદ ૧૨ ને તા. ૧૯.૦૧.૨૦૨૩ના રોજ ખમીરીને વંદન અને પાટલા પૂજન , પો.વ.૧૩/૧૪ ને તા. ૨૦.૦૧.૨૦૨૩ ના રોજ શ્રી તીર્થરાજની સમૂહ યાત્રા, ઉજમણા વિષયક પ્રવચન તથા ઉજમણા દર્શન, પોષ વદ ૦)) ને તા. ૨૧.૦૧.૨૦૨૩ ના રોજ પ્રવચન તથા શ્રુત ભક્તિ, મધ્યાહન સમયે સુશ્રાવક શ્રી લલિતભાઈ ધામી સાથે સાબરમતી સંગીત મંડળ દ્વારા શ્રી અષટાપદ પૂજા, મહાસુદ ૧ ને તા. ૨૨.૦૧.૨૦૨૩ના રોજ જ્ઞાનમાર્ગની આહલેક જગાડતું નજરાણું અષ્ટાવધાન તથા ભારતભરના વિદ્વાનોની ત્રિદિવસીય વાદસભા,સ્નાત્ર મહોત્સવ, વિશિષ્ટ પ્રભુભક્તિ , મહાસુદ ૩ ને તા.૨૪.૦૧.૨૦૨૩ના રોજ મહામંગલકારી શ્રી બૃહદ અષ્ટોતરી શાંતિ સ્નાત્ર, બહુમાન સમારંભ તથા રોમે રોમે જિનશાસન એક અદભૂત પ્રસ્તુતિ. મહાસુદ ૪ ને તા. ૨૫.૦૧.૨૦૨૩ના રોજ દીક્ષાર્થીની અનુપમ શોભાયાત્રા, અંતિમવાયણું , તળેટીએ ગિરિરાજની મહાઆરતી, વૈરાગીના વૈરાગ્ય છલકતા હ્રદયના ઉદ્દગાર, વિદાય તિલક વિ. ચઢાવા. મહાસુદ ૫ અને તા. ૨૬.૦૧.૨૦૨૩ના રોજ અનંતહિતના આરોપણ – દીક્ષા મંડપ પ્રવેશ વગેરે કુલ નવ દિવસ સુધી દીક્ષા પ્રસંગના અદ્દભૂત અને અલૌકિક પ્રસંગો ઉજવાયા.
કોઈપણ પ્રકારના electronic સાધનોના ઉપયોગ વિના માત્ર પર્યાવરણ સંવર્ધક વસ્તુઓના ઉપયોગ થકી દીક્ષા મહોત્સવની ભવ્ય ઉજવણી જોવા મળી.
અપાર ધનદોલતના સ્વામી સેતુકભાઈને વૈરાગ્યનો રંગ એવો તો લાગ્યો કે સંપત્તિ કરતા સન્યાસ એમને મન અમૂલ્ય લાગ્યો એનો હરખ એમના હાવભાવ પરથી સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો. વિવેક અને વૈરાગનો ભાવ જેની નશેનશમાં વહી રહ્યો હતો એવા દીક્ષા સમયે વ્યસ્ત સેતુકભાઈને દીક્ષા ગ્રહણ વખતે જોવા અમારા માટે અમૂલ્ય લ્હાવો હતો કારણ કે સુખ સાહેબી તેઓ સહજ રીતે છોડી અને કષ્ટદાયક સાધુજીવન આનંદના ભાવ સાથે હજારો લોકોની હાજરીમાં ઉમંગ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં અપનાવી રહ્યા હતા. મને લાગે છે કે જીવનનો મર્મ એમને ખૂબ નાની ઉંમરમાં સમજાઈ ચૂક્યો હશે…
એમનો ધાર્મિક અભ્યાસ, સમજ અને જ્ઞાન જોતા આધ્યાત્મિક જગતમાં નૂતન નામ પૂ.મુનિરાજ શ્રી ત્રિભુવનહિતવિજયજી મહારાજ સાહેબ તરીકે તેઓ આ અવની ઉપર ચમકતો સિતારો બની સૃષ્ટિના સમગ્ર જીવોના કલયાણ અર્થે કાર્યરત રહી સાધુ જીવનને સાર્થક કરશે એમાં શંકાને કોઈ જ સ્થાન નથી…
વૈરાગીને વંદન……!!!
નિતીન પટેલ (વડગામ)
નોધ :- દીક્ષા પ્રસંગે વિડિયો / ફોટોગ્રાફ્સ ઉપર પ્રતિબંધ હોવાથી દિક્ષા પ્રસંગના કોઈ ફોટોગ્રાફ્સ કે વિડિયો અત્રે મુકવામાં આવ્યા નથી.