નથી કિનારો કે નથી દીવાદાંડી : કુમારપાળ દેસાઈ
[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અને મુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામ મેમદપુરમાં જન્મ લઈને પ્રખ્યાત ટોરેન્ટ કંપનીની સ્થાપના કરીને વૈશ્વિક ફલક પર વડગામ તાલુકાનું નામ રોશન કરનાર અને આપણને સૌને ગૌરવ અપાવનાર શ્રી ઉત્તમભાઈ એન.મહેતાનું જીવનચરિત્ર પ્રખ્યાત લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ દ્વારા “આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર” પુસ્તક સ્વરૂપે લખ્યુ છે જે આભારસહ તે પુસ્તકમાંથી આ વેબસાઈટ ઉપર લખવામાં આવ્યું છે.આ પુસ્તકમાં કુલ ૨૫ અલગ અલગ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે,જે દરેક એક સાથે અને સમયે ટાઈપ કરીને વેબસાઈટ ઉપર મુકવા શકય ના હોવાથી સમયાનુસાર એક એક પ્રકરણ આ વેબસાઈટ ઉપર લખવામાં આવશે. નથી કિનારો કે નથી દીવાદાંડી એ પુસ્તકનું પાંચમું પ્રકરણ છે.આ અગાઉ પ્રકરણ ૧– ૨ – ૩ – ૪ આપણે આ વેબસાઈટ ઉપર મુકી લખી ચુક્યા છીએ.ફરીથી આ લેખના લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ અને પુસ્તક પ્રકાશક ટોરેંટ લિમિટેડ,અમદાવાદનો આભારી છું.- તંત્રી : www.vadgam.com]
સંસારરથનાં બે ચક્રો છે – પતિ અને પત્નિ. આ બનેં ચક્ર જીવનની ખાડાટેકરાવાળી ખરબચડી કાંટા-ઝાંખરાંની ભરેલી ધરતી પર સંવાદી બનીને ચાલે તો જ જીવનરથ એકધારી ગતિએ આગળ વધતો રહે . રથનું એક ચક્ર બરાબર ન ચાલે તો એ જીવનરથ આગળ ધપવાને બદલે ઊથલી પડે. આમાં સંવાદ હોય તો જ સિદ્ધિ મળે. એમાં વિખવાદ જાગે તો વિફળતા સાંપડે.
ઉત્તમભાઈની જીવનકથા એમનાં પત્ની શારદાબહેનની સમપર્ણગાથા વિના અપૂર્ણ જ રહે. પ્રગતિ અને પીઠબળ બંને એકસાથે ચાલે ત્યારે જ વ્યક્તિની મહેચ્છા અને મહત્વકાંક્ષા સિદ્ધ થાય છે. શારદાબહેનને ગળથૂથીમાં પિતા મણિભાઈ પ્રેમચંદ દેસાઈ અને માતા બબુબહેનના ધાર્મિક સંસ્કાર મળ્યા હતા. મણિલાલભાઈના માતા ગંગાબા ઘાર્મિક સંસ્કારવાળા અને દ્રઢ મનોબળવાળાં હતાં. શારદાબહેનમાં માતાના ધર્મસંસ્કારનું સિંચન થયું. એમના માતા જૈન ધર્મનું ચુસ્તપણે પાલન કરતાં હતાં. આના કારણે રોજ દેવદર્શને જવાનું અને પાઠશાળામાં જવાનું શારદાબહેનના જીવનમાં સાહજિક રીતે જ વણાઈ ગયું.
બબુબહેનના ધર્મસંસ્કાર એટલા દ્દ્રઢ હતા કે તોઓ તીર્થકરની જ ઉપાસના કરતાં હતાં. તારક તીર્થકર સિવાય બીજા અન્ય દેવને કે કોઈને ક્યારેય નમે નહી. એ કહે કે નમવું તો જેણે આંતરજગતને જીત્યું છે એવા તીર્થકરને. એ તીર્થકરો જ સાચો રસ્તો બતાવી શકે અને મોક્ષ-સુખ આપી શકે. બીજા મિથ્યાત્વી દેવને બબુબહેન નમે નહીં એવા ટેકીલા. એમની ધર્માઅસ્થા જેટલી પ્રબળ હતી એટલા જ દ્રઢ એમના ધર્મવિચાર હતા. મણિભાઈ યાત્રાએ જાય ત્યારે ધર્મશાળામાંથી બહાર નીકળતી વખતે દાનમાં સારી એવી રકમ લખાવતા. તેઓ કહેતા કે ધર્મશાળામાં રહેવાનો અને ભોજનશાળાનો લાભ લેવા જેટલો ખર્ચ દાન રૂપે આપીએ એટલું પૂરતું નથી.
એ સમયે મોટાભાગે ધર્મતીર્થોમાં ધર્મતીર્થોમાં ધર્મશાળામાં રહેવાનો કે ભોજનશાળામાં જમવાનો કોઈ ખર્ચ લેવામાં આવતો ન હતો, ત્યારે મણિભાઈ કહેતા કે માત્ર સ્વનો જ વિચાર કરવો જોઈએ નહીં, બલ્કે બીજા દસ યાત્રાળુઓનો વિચાર કરીને આવા ધર્મક્ષેત્રે વિશેષ દાન આપવું જોઈએ.
ગામમાં મણિભાઈની છાપ એવી કે કંઈ મુશ્કેલી પડે એટલે સહુ એમની પાસે દોડી જતા. કોઈના ઘરમાં ઝઘડો જાગ્યો હોય, કુટુંબમાં વિખવાદ થયો હોય કે પછી ગામમાં કોઈ ફૂટ પડી હોય ત્યારે મણિભાઈનો શબ્દ સહુ માથે ચડાવતા. તેઓ સહુના આદરપાત્ર ગણાતા હતા. સવા છ ફૂટ જેટલી એમની ઊંચી-પાતળી કાયામાં અદ્દભુત કર્મઠતા હતી. કોઈને પૈસા ધીર્યા હોય અને એ પાછા ન આપે તો ક્યારેય જપ્તી લાવવાનો વિચાર કરતા નહીં. તેઓ વિચારતા કે માણસ સ્વભાવથી ખોટો કે મનથી કપટી નથી. એ મુશ્કેલીમાં હશે એટલે જ ગલ્લાંતલ્લાં કરતો હશે. સુખના સારા દિવસો આવશે એટલે જરૂર રકમ ભરપાઈ કરી આપશે.
મણિભાઈનો અભ્યાસ તો માત્ર બે ચોપડી સુધીનો જ કર્યો હતો, પરંતુ હોશિયાર એવા કે બધા એમની સલાહ લેવા આવતા હતા. કામ પડે મદદ માંગવા પણ દોડી આવતા અને મણિભાઈ નિ:સ્વાર્થભાવે ઝઘડાઓ ઉકેલી આપતા હતા. કોઈને લેવડદેવડમાં મુશ્કેલી ઊભી થઈ હોય એને ડહાપણભર્યો ઉકેલ શોધી આપતા. કોઈ પણ વ્યક્તિ આવે તો એમનું આતિથ્ય એવું કે જમ્યા વિના એમના ઘેરથી પાછો જાય નહી. ગામની કોઈ વ્યક્તિ આવી હોય તો પણ એને આગ્રહ કરી પ્રેમથી ચા પિવડાવે.
મણિભાઈની માતા ગંગાબહેને જીવનમાં અપાર દુ:ખો વેઠ્યાં હતાં. મણિભાઈના પિતા પ્રેમચંદભાઈ મણિભાઈ છ મહિનાના હતા ત્યારે અકાળે અવસાન પામ્યા. ગંગાબહેન પર એકાએક આખું આભ તુટી પડ્યું. એમને માથે ચાર સંતાનોને ઉછેરવાની ઘણી મોટી જવાબદારી આવી પડી. મુશ્કેલીઓમાંથી મહાત થવાનું એમના સ્વભાવમાં નહોતું. ઊંડી કોઠાસૂઝ અને દ્ર્ઢ મનોબળથી જીવનનાં આકરાં-કપરાં ચઢાણો પાર કરવાની શાંત શક્તિ હતી. એ જમાનામાં ગંગાબહેન મેમેદપુરથી પાલનપુર ગોળ,ખાંડ અને અનાજ લેવા જતાં હતાં. તેર કિલોમીટરનું અંતર ત્રણ કલાકમાં પસાર કરીને પાલનપુર પહોંચે. અહીંથી ગોળનો રવો ખરીદે. રવો માથે લઈને ત્રણેક કલાક ચાલીને પાલનપુરથી મેમદપુર આવે. વહેલી સવારના ચાર વાગે મેમદપુરથી નીકળ્યા હોય અને અગિયાર વાગે તો પાલનપુરથી ગોળ કે ખાંડ ખરીદીને પાછાં આવી જાય. ગંગાબહેન ગોળ, ખાંડ અને ચા નો વેપાર કરતાં હતાં. ગામના રજ્પૂતોને નાણાં પણ ધીરતા હતા. પેટે પાટા બાંધીને ગંગાબહેને મણિભાઈને અને બીજાં સંતાનોને જતનથી ઉછેર્યા.
મણિભાઈને સાત સંતાન હતાં. એમાં શારદાબહેન સૌથી મોટાં હતાં. તેઓ માનતા કે શારદાબહેન આવ્યા પછી પોતાની ઉન્નતી થઈ છે એટલે પુત્રીનો જન્મ લાભદાયી ગણતા હતા. આમ શારદાબહેન પર માતાની ધાર્મિક વૃત્તિનો અને દાદીની નિર્ભયતાનો ઘણો મોટો પ્રભાવ પડ્યો. શારદાબહેનને ધાર્મિક શિક્ષણ મળ્યું. એ જમાનામાં ગામડામાં છોકરીઓ નિશાળે જતી નહીં. પરિણામે શારદાબહેન જે કંઈ શીખ્યાં તે સ્વપ્રયત્નથી શીખ્યા અને લગ્ન બાદ ઉત્તમભાઈના સહયોગથી એમાં પ્રગતિ કરી.
પિતાને ત્યાં શારદાબહેન ઘરનો અને વ્યવહારનો ભાર ઉપાડતાં હતાં. એક સમયે ઉત્તમભાઈનાં માસી જમનાબહેને નાનકડા શારદાબહેનને જોયાં. એમને મનોમન ઇચ્છા જાગી કે ઉત્તમભાઈનું વેવિશાળ આની સાથે થાય તો કેવું સારું ! એમણે મણિભાઈને વાત કરી અને તેઓ ભણેલાગણેલા ઉત્તમભાઈ સમક્ષ વાત કરવા ગયા. ઉત્તમભાઈએ કહ્યું કે છોકરીને જોયા પછી લગ્ન કરું. જમનાબહેને એમની વાતનો સ્વીકાર કર્યો. એમણે ઉત્તમભાઈને કહ્યુ કે તમારા બંનેના લગ્ન થાય, પછી મારે સંસારકાર્યમાંથી નિવૃતિ લઈને દીક્ષા લેવી છે.
ઉત્તમભાઈ મેટ્રિકની પરીક્ષા આપી ભાવનગર ભણવા ગયા હતા. આ સમયે વેવિશાળની વાત ચાલી. ૧૯૪૭ની ૨૭મી ફેબ્રુઆરીએ ઉત્તમભાઈનાં લગ્ન શારદાબહેન સાથે થયાં. એમના સસરાનું મૂળ વતન મેમદપુર હોવાથી ગામમાં ને ગામમાં જ જાન આવી. લગ્નમાં એમના અણવર તરીકે એમના સહાધ્યાયી મિત્ર જેસિંગભાઈ હતા. લગ્નમાં ચારેક હજારનો ખર્ચ થયો.
લગ્ન સમયે જ્ઞાતિમાં એવો રિવાજ પ્રવર્તતો હતો કે વરપક્ષવાળાને લહાણી કરવી પડે. આ લહાણીમાં સ્થિતિ પ્રમાણે કન્યાપક્ષવાળાને વાસણ કે સાકર આપવામાં આવતી હતી. ઉત્તમભાઈએ સમાજની ચાલી આવતી આ રૂઢિનો વિરોધ કર્યો. આની પાછળ એમનો એવો ખ્યાલ હતો કે જ્ઞાતિના ખોટા ખર્ચા બંધ થવા જોઈએ. એમણે વિચાર્યું કે કોઈ વરપક્ષવાળાની આર્થિક સ્થિતિ સારી ન હોય તો પણ એને લ્હાણી કરવી પડે તે અયોગ્ય છે. આથી એમણે આ રિવાજને મચક આપી નહીં.
જ્ઞાતિમાં ઉત્તમભાઈ વિદ્યાવાન વ્યક્તિ તરીકે આદરપાત્ર ગણાતા હતા તેથી એમની સામે થોડો વિરોધ થયો ખરો, પણ ઝડપથી શમી ગયો. જ્ઞાતિના રિવાજ ફરજિયાત ન હોવા જોઈએ એવો એમનો વિચાર એમના વિરોધના મૂળમાં હતો. મણિભાઈની ઇચ્છા હતી કે લહાણી કરવામાં આવે, પરંતુ ઉત્તમભાઈની દ્રઢતા જોઈને એમણે પોતાનો વિચાર પડતો મૂક્યો.
ઉત્તમભાઈનાં લગ્ન બાદ થોડા સમયમાં એમના મોટાભાઈ અંબાલાલભાઈએ પ્રથમ પત્નીના અવસાન બાદ બીજા લગ્ન કર્યા. એ વખતે અંબાલાલભાઈ નડિયાદમાં વૈદકનો અનુભવ લેતા હતા. એમને પ્રથમ લગ્નથી કોઈ સંતાન નહોતું અને પત્ની કેન્સરની બીમારીથી મૃત્યુ પામ્યા હતાં. આમ આ બંને લગ્નમાં નાથાલાલભાઈને સારો એવો ખર્ચ થયો.