સામાજિક-ધાર્મિક પ્રસંગો

કોદરામના વુંદાવનધામમાં ઐતિહાસિક મહોત્સવ – નિતિન પટેલ

વુંદાવનધામ-કોદરામ

વડગામ તાલુકાની પાવન ધરતીમાં જન્મધારણ કરી પોતાની કાર્યકુશળાતી અને અથાક પરિશ્રમ થકી શૂન્યમાંથી સર્જન કરનાર આદરણિય લવજીભાઈ મોતીભાઈ પ્રજાપતિ કે જેઓને સ્થાનિક લોકો લવજી બાપા તરીકે સંબોધે છે તેની પાછળનું કારણ એ છે કે નાત-જાતના ભેદભાવ વગર લવજી બાપા પોતાની સંપત્તિનો યથાયોગ્ય ઉપયોગ સામાજિક સેવા પાછળ કરતા રહ્યા છે. સુરતમાં બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મશીલ એવા લવજી બાપાને અપાર સંઘર્ષો બાદ અઢળક સંપત્તિ વરી છે એ વ્યક્તિ જ્યારે કોઈ પણ જાતના આડંબર વગર સામાન્ય સમાજજનો વચ્ચે જ્યારે નિસ્વાર્થ ભાવે સમાયંતરે રહી શક્તા હોય ત્યારે આપણને એમ લાગ્યા વગર ના રહે કે આ માણસ પોતાના ઇતિહાસને નજરમાં રાખીને ખરા અર્થમાં ધરતી ઉપર જીવી રહ્યા છે. ધાર્મિક વૃત્તિના લવજી બાપાના પરિવારમાં સાદાઈ અને સંસ્કારિક્તા અનોખો સંગમ જોવા મળે છે. દોમ દોમ સાયબી વચ્ચે જીવતા આ પરિવારનો સંસ્કાર વારસો અન્યને પ્રેરણારૂપ બની રહ્યો છે. લવજી બાપાના ધર્મપત્નિ મેનાબાની ખાનદાની જીવનશૈલી તો પુત્ર મનોજભાઈનો શહેરી વાતાવરણમાં ઉછેર છતાં વતન અને વતનના લોકો પ્રત્યેનો લાગણીસર સ્વભાવ અને મનોજભાઈના પત્નિ કમુબહેનની સાદગી અને તેમના સંતાનો નો સંસ્કારવારસો ઘરસંસ્કારનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે.

લવજી બાપાના સામાજિક કાર્યો અને વતનપ્રેમ ઉપર તો ઘણુ બધુ લખી શકાય તેમ છે,થોડુક લખ્યુ પણ છે જે આપ અહીં ક્લીક કરીને વાંચી શકો છો. સમાજમાં પ્રવર્તતી કડવાશને ગળી જઈને પણ પરમાર્થ કાજે પ્રયત્નશીલ એવા લવજી બાપાના વતન વડગામ તાલુકાના કોદરામની પાવનધરતી માથે શ્રીમતી મેનાબેન લવજીભાઈ મોતીભાઈ પ્રજાપતિ પરિવાર આયોજિત ઐતિહાસિક શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ તથા જીવન પર્વ મહોત્સવ વિશે વાત કરવાના છીએ.

વ્રુંદાવનધામ – કોદરામ

વડગામ તાલુકાના કોદરામ ગામે ઇતિહાસે ન જોયો હોય તેવા ધાર્મિક મહોત્સવની તાડામાર તૈયારીઓ છેલ્લા ઘણા મહિનાઓથી લવજી બાપા પ્રજાપતિ પરિવાર અને સમગ્ર કોદરામગ્રામવાસીઓ દ્વારા આરંભાઈ ચૂકી હતી કારણ કે ૭ દિવસ ચાલનારા આ ધાર્મિક મહોત્સવ વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા વડગામ તાલુકાનો અનોખો મહોત્સવ બનાવાનો હતો એક યાદગાર પ્રસંગની નોંધ ઇતિહાસના પાને થવાની હતી. સંતો-મહંતો, સમગ્ર ગુજરાતના પ્રજાપતિ ભાઈઓ-બહેનો, કોદરામ આજુબાજુના ગામોના સમસ્ત ગ્રામજનો, સ્વજનો, મહેમાનોની હાજરીમાં આ ધાર્મિક પ્રસંગની ઊજવણી થવાની હોવાથી વડગામ પંથકના પ્રજાજનો ખૂબ જ ઉત્સાહી હતા જેને લઈને શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ તથા લવજી બાપાના જીવન પર્વ મહોત્સવ ઉજવણી માટે કોદરામમાં સુંદર વૃંદાવન ધામની રચના કરવામાં આવી હતી.

તા. ૦૭.૧૧.૨૦૧૩ ને લાભપાંચમના પવિત્ર દિવસે વિશાળ પોથી યાત્રા બાદ ૭૦ વર્ષથી અન્ન-જળ વિના જીવન જીવતા દૈવી શક્તિ સ્વરૂપ વંદનીય ચૂંદડીવાળા માતાજી (ગબ્બર), અંબાજીના કરકમળો દ્વારા દિપ પ્રજવલિત કરીને જ્યારે આ ધાર્મિક મહોત્સવની શરૂઆત થઈ ત્યારે સમગ્ર વૃંદાવનધામ જીવંત થઈ ઊઠ્યુ. વૃંદાવન ધામમાં ઠેર ઠેર દ્રશ્યમાન સુંદર અને જીવન ઉપયોગી સુવિચારો સાથેના સંદેશા પ્રજાજનોને મૂલ્યવાન બોધ આપી રહ્યા હતા. સમગ્ર વૃદાંવનધામ આકર્ષક રીતે શણગારવામાં આવ્યુ હતુ. દેવી-દેવતાની મૂર્તિઓની સ્થાપના સાથેનો ભવ્ય પ્રવેશદ્વાર ભક્તિમય વાતાવરણનો અહેસાસ કરાવી રહ્યું હતુ. વૃંદાવનધામની વિશાળ જગ્યામાં કથા-સ્થળ, બેઠક વ્યવસ્થા, ભોજન-પ્રસાદની વ્યવ્સ્થા યોગ્ય રીતે ગોઠવવામાં આવી હતી. સ્વયંસેવકો પોતપોતાની ફરજ બજાવી રહ્યા હતા. શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ મહોત્સવના વકતા શ્રી હિતેશભાઈ જમનાદાસ જોશીએ પોતાની પ્રભાવશાળી વાણીથી ભાગવતકથાનું રસપાન ૭ દિવસ સુધી સતત કરાવીને ઉપસ્થિત શ્રોતાગણને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ દરમિયાન વિવિધ માંગલિક પ્રસંગો રામ જન્મ, કૃષ્ણ જન્મ, રૂક્ષમણિ વિવાહ વગરે લવજી બાપા પરિવાર દ્વારા આબેહૂબ રીતે ધાર્મિક જનતાની વિશાળ હાજરી વચ્ચે યોજવામાં આવ્યા હતા, તો લવજીબાપાના જીવન પર્વ મહોત્સવ નિમિત્તે રાખેલ કાર્યક્રમ “મા બાપને ભૂલશો નહી”  તા.૧૨.૧૧.૨૦૧૩ ને મંગળવાર ના રોજ રાત્રે વક્તા શ્રી અશ્વિનભાઈ જોષી દ્વારા ભાવનાત્મક વાણીમાં રજૂ કરવામા આવ્યો હતો.

વુંદાવનધામ – કોદરામ

તા.૧૩.૦૧૧.૨૦૧૩ના રોજ કથા પુર્ણાહુતિ અને લવજીબાપાના જીવનપર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત પ્રજાજનો દ્વારા લવજી બાપાના સામાજિક કાર્યોની પ્રશંસા અને અભિનંદનની વર્ષા સાથે સાથે ભગવાન તેમને અને તેમના પરિવારને સુખરૂપ લાબું આયુષ્ય આપે તેવી શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા તો સમગ્ર સાત દિવસ આ મહોત્સવમાં સહભાગી થઈ કથાનું રસપાન કરી આરોગ્યમય ભોજનપ્રસાદ લઈ ધન્યતા અનુભવી રહ્યા હતા.

આમ તા.૦૭.૧૧.૨૦૧૩ના રોજ આરંભાયેલ મનોજભાઈ લવજીભાઈ પ્રજાપતિ ના પુત્ર ચિ. જૈમિનની ખુશાલી તથા પિતાશ્રી લવજીભાઈ તથા માતૃશ્રી મેનાબેનના જીવન  પર્વ મહોત્સ્વ તથા દાદા સ્વ.મોતીભા તથા દાદી સ્વ.કંકુમાના મોક્ષાર્થે ભવ્ય રીતે યોજાયેલ શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ મહોત્સવનું સમાપન તા.૧૩.૧૧.૨૦૧૩ના રોજ સુખરૂપ રીતે સંપન્ન થયું.

સમગ્ર જ્ઞાન યજ્ઞ મહોત્સવનું સંચાલન શ્રી જ્યંતિભાઈ ડી. પ્રજાપતિ (વિઠોડાવાળા) એ કુશળતા અને સફળતાપૂર્વક બજાવ્યું હતું.

 www.vadgam.com