સંસ્કારભેદ–અમેરીકા અને ભારતનો…
અંગ્રેજીમાં લખાયેલ ‘Culture Can Kill’ પુસ્તકના લેખક શ્રી. સુબોધ શાહ ગુજરાતી છે અને વર્ષોથી અમેરીકાના ન્યુ જર્સી સ્ટેટમાં રહે છે. થોડા સમય પહેલાં એમણે પોતાના પુસ્તકનું ગુજરાતીમાં ભાષાન્તર પણ કર્યું છે, જો કે તે હજી છપાયું નથી.
તેઓ પ્રખર રૅશનાલીસ્ટ છે. આ પુસ્તકમાં તેમણે ધર્મ અને ધાર્મીક વીધીઓથી તથા રુઢીઓથી લથપથ હીન્દુ કલ્ચરની સખત આલોચના કરી છે. લેખકનું તારણ એ છે કે ભારતીય કલ્ચરે ખાસ કરીને હીન્દુ ધર્મે તેની જડતા અને અન્તર્મુખતાને કારણે વીદેશી આક્રમકો અને શાસકો સામે સતત હાર ખાધી છે; છતાંય હજી સુધી પોતાનો દમ્ભ છોડ્યો નથી.
આ પુસ્તકનાં પ્રકરણોના કેટલાક અંશોમાં જરુરી ફેરફાર સાથે દર મહીને ‘અભીવ્યક્તી’ના વાચકમીત્રોને શ્રી. મુરજીભાઈ ગડા ‘Culture Can Kill’નું રસપાન કરાવશે.…
…ગોવીન્દ મારુ
♦●♦●♦●♦●♦●♦
ભારતીય લોકો પરદેશમાં જ્યાં જ્યાં ગયા છે, ત્યાં ત્યાં તેમણે વીપુલ પ્રગતી કરી છે. પણ એ ભારતની બહાર જ, ભારતમાં નહીં. એમ કેમ ? એક ભારતીય, ન્યુયોર્કના ઍરપોર્ટ પર ઉતરે એટલે તરત ગુણવાન, કલાવાન, બુદ્ધીમાન બની જતો નથી. એનું વર્તન એટલું બધું પલટાઈ જાય છે કે, એ માણસ કામકાજમાં પોતાનું શ્રેષ્ઠ હીર બતાવી શકે છે. એક જાણીતા ભારતીય સજ્જને કહ્યું છે: ‘જે દીવસે હું અમેરીકા આવ્યો, એ દીવસ મારો મુક્તીદીન હતો.’ આ દેશપ્રેમની ખામી નથી, લાગણીહીનતા નથી; પણ જીવનની કરુણ વાસ્તવીકતાનો દુ:ખદ એકરાર છે.
રમતની ટીમ સતત હાર પામતી હોય કે સારી વ્યાપારી કંપની સતત ખોટ ખમતી હોય, તો એ શું કરે છે ? પોતાની નબળાઈઓનું માત્ર વીશ્લેષણ જ નહીં; પણ હરીફ ટીમ કે હરીફ કંપનીઓની કામ કરવાની પદ્ધતીઓનો અભ્યાસ પણ કરે છે. દેશ, રાજ્ય કે સમાજની બાબતમાં આમ જ કરવું પડે છે. સૌથી વધુ કાર્યક્ષમ સમાજો કે દેશોની કોઈ સારી ટેવો આપણે શોધી શકીએ છીએ ? અને ગમે તો સ્વીકારી શકીએ છીએ ?
એક ભારતીય કુટુમ્બ જ્યારે ભારતથી અમેરીકા વસવાટ કરવા આવે છે, ત્યારે બન્ને સમાજો વચ્ચે આસમાન જમીન જેટલો ફરક અનુભવે છે. એ ફરક એટલો તો વીશાળ હોય છે કે એણે ‘કલ્ચરનો આંચકો’ અનુભવ્યો એમ કહેવાય છે. ખાવુંપીવું, પોષાક, ભાષા વગેરે તરત જણાઈ આવે એ બધું તો ખરું જ; પણ એ ઉપરાંતની બીજી વાતો જેવી કે લોકોની ટેવો, માન્યતાઓ, જે ‘કલ્ચર’ નામના એક જ શબ્દમાં સમાવાય છે; એ બધું અત્યન્ત જુદું હોય છે. આપણે એની ચર્ચા આ લેખમાં કરીશું. કલ્ચરનો આવો ફરક અછડતી નજર નાખવાથી જલદી દેખાઈ આવે એવો હોતો નથી. તેથી ઘણા મુલાકાતીઓ થાપ ખાઈ જાય છે. અમેરીકામાં કાયમ વસેલા ભારતીયો સુધ્ધાં મોટા ભાગના લોકો એમની માફક ખાતાં, પહેરતાં, હાય-હલો-ઓકે એવું બોલતાં, તરત શીખી જાય છે; પરન્તુ જે જાણવાનું ને શીખવાનું સૌથી મહત્ત્વનું છે, તે જલદી જાણી કે શીખી શકતા નથી. કેટલાક તો વળી શીખવા માંગતા જ નથી.
આપણે એવા મીથ્યાભીમાની હોઈએ કે અમેરીકન કલ્ચર વચ્ચે રહીને પણ એમની પાસેથી કંઈક શીખીએ નહીં, તો એ નુકસાન આપણું જ હશે; એમનું નહીં. નીયમીતતા, સ્વચ્છતા, વ્યવસ્થાપન પદ્ધતી વગેરેની વાત સરળ છે. ઔદ્યોગીક ક્રાન્તીમાં પલોટાયેલા સમાજોના આ ગુણો છે અને તે શીખવા જેવા છે. એ વાત લગભગ બધા કબુલ કરે છે. એ સીવાયના પણ બીજા અનેક કલ્ચરના તફાવતોનો વીષય વીશાળ છે. એટલે નીચેના ફકરાઓમાં એમની ટુંકી યાદી જ આપી છે; લાંબી વીગતો નહીં. ફક્ત પહેલો મુદ્દો ઉદાહરણરુપે જરા વીસ્તારથી જોઈશું :
1. નવસર્જન (Innovation): અમેરીકાના જીવન કે કલ્ચરમાં, સૌથી મહત્ત્વની વાત કોઈ હોય તો તે અમેરીકન સમાજની સર્જનશીલતા છે. કંઈક નવું કરવું, જુદું કરવું, જુદી રીતે કરવું, હમ્મેશાં કરતા રહેવું. ચીલાચાલુ નહીં; પણ મૌલીક રીતે વીચારવું એનું નામ નવસર્જન. નવી ચીજો રોજ બજારમાં આવે, જુની ચીજો ફેંકાઈ જાય. ચાલુ ચીજો બદલાય, સુધારાય, સસ્તી બનાવાય. જે કંપની નવીનતા ન આપી શકે, આપવામાં મોડી પડે કે ઢીલાશ કરે; તે કંપની બજારમાંથી ઉઠી જાય. લોકો નાવીન્ય માંગે, વર્ષે દહાડે મેળવતા રહે ને સ્વીકારે પણ ખરા. તેથી જીવનધોરણ અને એની ગુણવત્તા દીન પ્રતીદીન ઉપર ઉંચકાતા જ જાય. અમેરીકન કંપનીઓ સંશોધન (Research) અને નવરચના (Development) પાછળ કેટલા પૈસા ખર્ચે છે ? CISCO કંપનીએ 2000ના વરસમાં એના સમગ્ર વેચાણના 14.3 ટકા ખર્ચ્યા. કંપનીઓ નવી પેટન્ટો કેટલી પ્રાપ્ત કરે છે? IBM કોર્પોરેશને 1998ના એક જ વરસમાં 2657 પેટન્ટો મેળવ્યા અને 2000ના વરસમાં 2886. આ તો માત્ર અછડતાં ઉદાહરણો જ આપ્યાં છે. કારણ, આવા બધા આંકડાઓ સહેલાઈથી મળી શકે છે. ફક્ત વ્યાપાર–ઉદ્યોગની જ આ વાત નથી; આ વાત છે અનેક ક્ષેત્રોનાં સર્જનાત્મક કાર્યની, માહીતીની, અવલોકનની, પ્રેરણાની, તીક્ષ્ણ બુદ્ધીમત્તાયુક્ત મૌલીકતાની. આપણા જેવા પરદેશીઓને આ બધું પહેલી નજરે દેખાતું નથી હોતું; પરન્તુ જેણે અમેરીકામાં ધંધાદારી અનુભવ મેળવ્યો હશે એને આમાં કંઈ નવું લાગશે નહીં. એ વ્યક્તી આ બધાંનું પુરું મહત્ત્વ પીછાની શકશે.
નવસર્જન અને ઉત્પાદકતા (Productivity) બન્ને એકબીજાનાં પુરક છે. ઉદ્યોગોમાં દરેક કાર્ય–પદ્ધતીનો ઝીણવટથી અભ્યાસ કરીએ, એ કામ કરવાની નવી રીત શોધી કાઢવી કે વધુ સારી ચીજ બનાવવી, એનાથી ઉત્પાદકતા ઘણી વધી શકે છે. અમેરીકામાં ઉત્પાદન એ તમારી પસંદગીની વાત નથી; એ તો જીવન જીવવાની પદ્ધતી છે. એ અનીવાર્ય આવશ્યક્તા છે. કંપનીના માલીકને, તમારે પોતાને, જીવનમાં ટકી રહેવું હોય તો ઉત્પાદનશીલ થવું જ પડે.
અમેરીકામાં નવસર્જન એટલું ઝડપી ને ઝંઝાવતી હોય છે કે આપણી ઉંમર બદલાય એના કરતાં ઉપકરણો વધારે ઝડપથી બદલાય છે ! બાળકો આજે વડીલોને કમ્પ્યુટર કેમ વાપરવું, વીડીયો કેમ ચલાવવો વગેરે શીખવે છે. ઈન્ટરનેટનું જંગલ દરેક સો દીવસના ગાળામાં બમણા કદનું થાય છે. અમેરીકામાં નવસર્જન ગુણાકારની ઝડપથી થાય છે. ભારતમાં જો થાય તો એ ગણીતના સાદા સરવાળામાં થાય છે. અમેરીકામાં એવા હજારો લોકો છે કે જેમનો રોજનો ધંધો જ પ્રયોગો કરવાનો, શોધખોળો કરવાનો, ખાંખાંખોળાં કરતા રહેવાનો છે. જેણે ઈલેક્ટ્રીક લાઈટ, ગ્રામોફોન અને સીનેમા જેવી અગત્યની શોધો કરી, તે થોમસ આલ્વા ઍડીસન બહુ ભણેલોગણેલો વૈજ્ઞાનીક નહીં; પણ વ્યાવહારીક પ્રયોગશીલ માણસ હતો. તેણે 1093 પેટન્ટો મેળવ્યાં હતાં. નવું નવું વીચારવાનું, બનાવવાનું અને એમાં સુધારાવધારા કરતા રહેવાનું વલણ અમેરીકન કલ્ચરમાં ઉંડુ જામેલું છે. નાની ઉંમરથી શાળાઓમાં છોકરાઓને સર્જનશીલ બનતાં શીખવાડાય છે. અલગ પડી આવતું વર્તન શીક્ષાપાત્ર ગણાતું નથી. દરેક બાબતમાં પ્રયોગો આવકાર્ય હોય છે. કોઈ પણ જાતની મૌલીકતાને ખાસ ઉત્તેજન આપવામાં આવે છે.
ચાલુ રીતરસમોના આપણે સદાના અનુયાયી, નવાના વીરોધી. એમ કેમ? એ મહત્ત્વનો અને વીચારવા લાયક પ્રશ્ન છે. એની કુંચી દરેકના કલ્ચરમાં છે.
2. અમેરીકનો સૈદ્ધાંતીક કરતાં વ્યાવહારીક મગજના વધુ હોય છે. સાધન નવું હોય કે જુનું હોય, ‘એ કામ કરે છે ?’ એ પ્રશ્ન સૌથી પહેલો પુછાય.
3. વીવાદાસ્પદ બાબતમાં તીવ્ર દલીલબાજી કર્યા પછી, વીરોધી પ્રત્યે આદર સાથે તેઓ પરસ્પર આપ–લે કરી સુલેહ કરી શકે છે. પોતાની બાજુને વળગી રહીને પણ, સામા માણસની દલીલમાં રહેલો તથ્યાંશ તેઓ સ્વીકારી શકે છે.
4. અમેરીકનો માહિતી માટે ઉત્સુક હોય છે, આપણે અભીપ્રાયો માટે. તેઓ હકીકત ઉપર મદાર રાખે છે, આપણે ધારણા અને માન્યતા પર.
5. ભારતમાં આપણે આપણાં પોષાક, ખોરાક અને ભાષામાં ઘણી વીવીધતા ધરાવીએ છીએ; પણ વીચારોમાં ઓછી. અમેરીકામાં વીચારવૈવીધ્ય ઘણું વધારે જોવા મળે છે. નવા વીકલ્પો અને જુદા આદર્શો પડકારરુપે થઈ વૈચારીક સમૃદ્ધી પુરી પાડે છે. અમેરીકામાં વીચારધોધ માણસને ગુંચવી નાખે; ભારતમાં ગાડરીયો પ્રવાહ એને ખેંચી જાય.
6. અમેરીકન કલ્ચરમાં વ્યક્તીવાદ (Individualism) અને અંગતતા (Privacy) અતી પ્રબળ છે. બીજી કોઈ વ્યક્તીની અંગત કે ખાનગી બાબતોમાં ડોકીયું નહીં, દખલ નહીં કરવાની. પોતાની ખાનગી બાબતોમાં કોઈની જીજ્ઞાસા કે દખલ સહન કરવી નહીં. આપણે ભારતીયો સ્વકેન્દ્રીય ખરા; પણ બીજાની અંગતતા વીશે ઓછા સભાન. આપણને સ્વકેન્દ્રીય વર્તુળની દરકાર, બીજા બધાની અવગણના.
7. અમેરીકાના રાજકીય અને સામાજીક તત્ત્વજ્ઞાનમાં સમાનતાનો સીદ્ધાંત પાયાનો છે. જાત, જાતી, ધર્મ, દરજ્જો અને તકની સમાનતા કડક કાયદાઓથી સ્થાપીત છે. નોકરી માટેના ઈન્ટરવ્યુમાં કોઈ તમારી જાતપાત, ધર્મ, ઉંમર સુધ્ધાં પુછી ન શકે. ભેદભાવની શંકા જન્માવે એવો અણસાર પણ ન અપાય. ભારતમાં આપણે સ્થાન કે દરજ્જાના પુજારી છીએ. એ સ્થાન મોટે ભાગે જન્મથી કે મોભાની રુએ હોય છે. દલીત અને સ્ત્રી વર્ગ ઉતરતી કક્ષાના મનાય છે. વીરપુજા પ્રાચીનકાળમાં હતી અને આજે પણ પ્રવર્તે છે. ગુરુઓ, નામાંકીત કે હોદ્દેદાર વ્યક્તીઓ, એમના સગાંવહાલાં સુધ્ધાં વગેરે તરફ આપણા અહોભાવ અને ચરણ સ્પર્શ – સન્માન જાણીતાં છે.
8. વીચારમાં સ્વતંત્રતા અને વર્તનમાં આત્મનીર્ભરતાની કીંમત અમેરીકન સમાજમાં બહુ ઉંચી આંકવામાં આવે છે. બાળકો સત્તર–અઢારની ઉંમર થાય એટલે મા–બાપથી સ્વતંત્ર રહેવાનું પસંદ કરે; સંયુક્ત કુટુંબમાં નહીં. સંતાનો અને વડીલો એકબીજા ઉપર આધાર ના રાખે. આ બધાના ફાયદા–ગેરફાયદા બન્ને છે; પણ એની ચર્ચા અહીં કરવી નથી. એનાથી સ્વતંત્ર વીચારશક્તી અને પોતાના પગ ઉપર પોતે ઉભા રહેવાની ટેવ જરુર કેળવાય છે. સાથે સાથે કેટલાક લોકોમાં અસામાજીકતા પણ આવી શકે છે.
9. આપણે નસીબ અને જ્યોતીષમાં માનીએ છીએ. અમેરીકનો આપણા કરતાં બહુ જ ઓછું માને છે..
10. અમેરીકનો કામને સન્માનીય (Dignity of Labour) ગણે છે. આપણે કામને, ખાસ કરીને શારીરીક શ્રમને, ઉતરતી કક્ષાનું ગણીએ છીએ.
11. કામધંધામાં, ઓફીસમાં, આપણું વર્તન વ્યક્તીનીષ્ઠ હોય છે. તેઓનું ધંધાદારી કે નીયમ આધારીત હોય છે.
12. માણસે કરેલાં કાર્યો કે તેણે લીધેલા નીર્ણયો માટે અમેરીકામાં તે પોતે જવાબદાર કે ઉત્તરદાયી ગણાય છે. જવાબદારીની વ્યાખ્યા, એનો વ્યાપ અને મર્યાદાઓ નીશ્વીત કરવામાં આવે છે. ભારતમાં પોતાની નીષ્ફળતા માટે બહુ ઓછા માણસો પોતાની જવાબદારી માનવા કે સ્વીકારવા તૈયાર હોય છે.
13. ભારતમાં કુટુમ્બની આબરુ અને ખાનદાનીનો દેખાવ જાળવવાને વધારે મહત્ત્વ અપાય છે. ખાનદાની શબ્દ અમેરીકામાં બહુ પ્રચલીત નથી.
આ યાદી લાંબી થઈ શકે. બધા પ્રકારના અભીગમ દુનીયામાં બધે ઓછાવત્તા પ્રમાણમાં દેખાય; પણ કયા સમાજમાં એનું પ્રમાણ કેટલું છે તે નીર્ણાયક ઠરે છે.
અમેરીકામાં છે તે બધું સારું નથી; ઘણું અનીષ્ટ પણ છે. પણ એ અનીષ્ટો આપણા કરતાં જુદાં પ્રકારનાં છે. એમના પ્રશ્નો વધુ પડતી સમૃદ્ધીના છે. વ્યક્તીસ્વાતંત્ર્યને હદ બહાર બહેકાવવાના, અર્થશાસ્ત્રના, આઝાદીના, આધુનીક આદર્શોની સાઠમારીના, રાજ્ય બંધારણના સીદ્ધાંતોના એવા એવા કોયડાઓ છે. એ આપણા કરતાં જુદી અને નવી દુનીયાના પ્રશ્નો છે. પરન્તુ સૌથી અગત્યની બાબત એ છે કે અમેરીકનો એમનાં અનીષ્ટો પ્રત્યે સજાગ છે તથા એમની ખુલ્લી ને તાર્કીક ચર્ચા કરે છે. અનેક પંથોમાં વહેંચાયેલી ખ્રીસ્તી કોમમાં વ્યક્તીબદ્ધ નહીં; પણ સીદ્ધાંતબદ્ધ ચર્ચાઓ જોરશોરથી ચાલે છે. ઘણા બધા અમેરીકનો રુઢીચુસ્ત છે; પરન્તુ એ રુઢીચુસ્તતા આપણી રુઢીચુસ્તતા કરતાં જુદી છે. એ વીવેકબુદ્ધીની રુઢીચુસ્તતા છે ને સીદ્ધાંતોના પાયાવાળી છે. દા.ત. ગર્ભપાતનો કે સરકારીકરણનો વીરોધ, સજાતીય સમ્બન્ધો, પાદરીઓમાં લગ્ન સમ્બન્ધ, સ્ટેમ સેલ સંશોધન વગેરે પ્રશ્નો તપાસો. એમાં આપણી જેમ ‘જુનું તે સોનું’ કે ‘ભુતકાળનો ગર્વ કે મોહ’ નથી. આપણા જેવી જ અતીપ્રાચીન યહુદી પ્રજા સુધ્ધાં આજના જમાનાની ખુબ પ્રગતીશીલ પ્રજાઓમાંની એક છે.
ભારતમાં મોટા ભાગના લોકો માને છે કે ‘અમેરીકનો ભૌતીક, અમે આધ્યાત્મીક; અમેરીકનો ડૉલરપ્રેમી, અમે પ્રેમાળ ને કુટુમ્બપ્રીય.’ આ માન્યતાઓ તદ્દન પાયા વીનાની છે. જે લોકો અમેરીકન સમાજમાં પુરા ભળ્યા નથી, તેઓ એને સાચી રીતે ઓળખી શકતા નથી. આવા અધકચરા અભીપ્રાયો કરોડો આદર્શવાદી સન્નીષ્ઠ અમેરીકનોને અન્યાય કરે છે. અમેરીકન પ્રજાનો પાલતુ પશુઓ પ્રત્યેનો પ્રેમ, અનાથ બાળકને દત્તક લેવાની તૈયારીઓ, અબજો ડૉલરની સખાવતો, ની:શુલ્ક મરજીયાત સેવાઓનો વ્યાપ, માનવ અધીકાર ચળવળો, આવી ઘણી બાબતો વીશે ભારતના લોકો વધુ જાણે એ ઈચ્છનીય છે. એનાથી સાવ અજાણ એવા લોકો અભીપ્રાયો આપે તે સહેજે યોગ્ય નથી. અમેરીકન લોકોમાં સ્પષ્ટ દેખાઈ આવતો સ્વાતંત્ર્યપ્રેમ, માનવપ્રેમ, વ્યક્તીવાદ, દંભહીન નીખાલસતા – આ બધા વીશે આપણે થોડીક વધુ કદર કરવાની આવશ્યક્તા છે.
આપણે ભારતના શ્રેષ્ઠ બુદ્ધીધનને સરાસરી અમેરીકન સાથે સરખાવીને નીર્ણય બાંધી લઈએ છીએ કે આપણે ‘ગ્રેટ’ છીએ. અમેરીકામાં આવી વસેલા પહેલી–બીજી પેઢીના સખત કામ કરી, અજાણ્યા દેશમાં સ્થીર થવા માંગતા આગંતુક ભારતીયોને, અહીંના ઉચ્છૃંખલ યુવાન કે હીપ્પી સાથે સરખાવીને આપણે નીર્ણય કરીએ છીએ કે આપણે જ ઉદ્યોગપ્રીય છીએ ને અમેરીકનો નથી. આ જાતની સરખામણીઓ અર્થહીન છે. એ તેમના વીશે નહીં; આપણા વીશે કશુંક કહી જાય છે. આપણા માનસમાં અમેરીકનોની એક બીબાંઢાળ છબી ઉપસાવીને આપણે બેઠા છીએ કે તેઓ ડૉલરઘેલા સુખશોધકો છે, જ્યારે આપણે નીતીમાન, આધ્યાત્મીક, આત્મલક્ષી, સત્યાન્વેષકો છીએ. ફક્ત ખ્રીસ્તી જ નહીં; પણ બધા ધર્મોની ફીલસુફીનો અભ્યાસ અમેરીકામાં કેટલી ગહનતાથી આત્મલક્ષી (Theosophical) સ્કુલોમાં થાય છે એની આપણને કાંઈ જ ખબર નથી. છતાં આપણી માની લીધેલી આધ્યાત્મીક સરસાઈને આત્મસંતોષથી ચુસી, ચાવી, વાગોળી, આપણે અભીપ્રાયોના ગોળા ગબડાવ્યે રાખીએ છીએ. ટુંકમાં કહીએ તો, અમેરીકન પ્રજા જુદી જરુર છે; પણ ભારતના લોકો માને છે એવી જડસુ કે અનીતીમાન નથી. આપણે એમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે – જો ખરેખરું અમેરીકા આપણે પીછાણી શકીએ તો…
અમેરીકામાં સારું ભણીને સ્થીર થયેલી એક બુદ્ધીમાન ભારતીય સન્નારીને મેં પુછ્યું:
1. તમે એકંદરે શું પસંદ કરો, ભારતીય સંસ્કૃતી કે અમેરીકન ?
તે કહે, અલબત્ત, ભારતીય જ.
2. પછી મેં પુછ્યું, ‘તમને નીયમીતતા ગમે ? સ્ત્રી–પુરુષની સમાનતા ગમે ? અંગત જીવનમાં પ્રાયવસી ગમે ?’ એ દરેકનો ઉત્તર એક જ, અને ભારપુર્વક: ‘હા, એ તો ગમે જ ને !’
જ્યારે મેં સમજાવ્યું કે આ ત્રણેય આધુનીક પાશ્વાત્ય મુલ્યો છે, ભારતીય પરમ્પરાનો ભાગ નથી; ત્યારે એ સન્નારીને જે આંચકો લાગ્યો હશે, એની કલ્પના કરો. બુદ્ધીમાન હતી – વીચાર કરતાં એક જ મીનીટમાં એને ખ્યાલ આવી ગયો કે એના બન્ને ઉત્તરો એકબીજાના વીરોધી હતા.
અમેરીકામાં વસતા લગભગ બધા ભારતીયો પોતાનો ‘સાંસ્કૃતીક વારસો’ ભુલાઈ જશે એની ચીન્તા કરે છે. પોતાનાં સંતાનો આ અમુલ્ય વારસાને ગુમાવી બેસે નહીં, એ માટે પ્રયત્ન કરવો જોઈએ એમ તેઓ માને છે. તેમને ખ્યાલ જ નથી કે તેઓ શાની વાત કરી રહ્યા છે. ચીલાચાલુ રુઢીચુસ્તતા, નીતી–અનીતીના જુના ખ્યાલો, સંયુક્ત કુટુમ્બની તરફદારી, સંતાનોના લગ્નસંબંધો અને ધાર્મીક વીધીનીષેધો – આટલું મોટા ભાગના લોકોના મનમાં હોય છે. આધુનીક રંગે રંગાયેલી એક નાની પૈસાપાત્ર અને શીક્ષીત લઘુમતીના મનમાં ફક્ત ભાષા, સંગીત, નાટ્ય કે બોલીવુડ હોય છે. માન્યતાઓ કે સાંસ્કારીક વલણોની વીવીધતા વીશે વીચારવું તો દુર રહ્યું; એ ભાગ્યે જ કોઈના ધ્યાનમાં સુધ્ધાં આવે છે. પરન્તુ કલ્ચરનું, સંસ્કારોનું, સૌથી મહત્ત્વનું પાસું તો આ જ છે. કારણ બીજું બધું એમાંથી ઉપજેલું છે, એ વાત વીસારે પડે છે.
પૈસા, પોષાક, પરીચર્યા અને ફેશનમાં આપણે ખુદ અમેરીકનોને જ પાછળ પાડી દીધા છે; પણ મૌલીકતા, મેનેજમેન્ટ ને મોડર્નીટીમાં આપણે એમને ક્યારે ટપી જઈશું ? સર્જન, શક્તી ને સંશોધનમાં આપણે ક્યારે આગળ વધીશું ?
આજે તો ભારતીય સમારંભોમાં સમયસર પધારવું એ જ આપણી સર્વોત્તમ સફળતા ગણાય છે. સ્વચ્છતા એ જ સર્વાધીક સીદ્ધી છે.
અંતમાં નીચેના ત્રણ સાદાં કથનો ધ્યાનથી તપાસો :
1. સમાજની પ્રગતી ઉપર સામાજીક સંસ્કારો (કલ્ચર)ની અસર થાય છે.
2. આપણું કલ્ચર અમેરીકા કરતાં અલગ છે.
3. અમેરીકા આગળ વધેલું છે, આપણે નથી.
આ ત્રણ હકીકતોમાં રહેલું તથ્ય તમે સ્વીકારી શકો, તો એમાંથી શું તારતમ્ય નીકળે છે ? વીચાર કરો.
–સુબોધ શાહ
લેખકસમ્પર્ક:
Subodh Shah, 499A Stockton Lane, MonroeTwp, NJ –08831. USA
Ph: 1-732-392-6689 eMail: ssubodh@yahoo.com
પુસ્તક માટે સમ્પર્ક: www.AuthorHouse.com (Publisher) or
http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586
રજુઆતકર્તા: શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન : 972 679 9009 ઈ–મેલ: mggada@gmail.com
કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2013ના મે માસના અંકમાં પ્રકાશીત થયેલો આ લેખ, લેખકશ્રી અને રજુઆતકર્તાશ્રીની પરવાનગીથી સાભાર…
‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’
અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ ‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…
..ગોવીન્દ મારુ
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com