સાહિત્ય-લેખો

મારી તીર્થભૂમિ – કિશોરસિંહ સોલંકી

[વડગામ તાલુકાના મગરવાડા ગામના મુળ વતની અને પ્રસિધ્ધ સાહિત્યકાર શ્રી કિશોરસિંહ સોલંકી લિખિત પુસ્તક સુગંધનો સ્વાદ પુસ્તક માંથી પ્રસ્તુત લેખ અહીં લખવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતમાં આપેલ છે.]

 

મોટું પટાંગણ, રમત-ગમતનાં સાધનો, બે કે ત્રણ માળનું બિલ્ડિંગ, અનેક રૂમ, રૂમમાં પાટલીઓ, આચાર્ય અને ક્લાર્કની અલગ અલગ ઑફિસ, સ્ટાફની જુદી વ્યવસ્થા, છોકરા-છોકરીનાં અલગ અલગ જાજરૂ-મુતરડીઓ, કતારમાં ઊભેલાં લહેરાતાં વૃક્ષોનું રમણીય વાતાવરણ અને ચારેબાજુ દીવાલોથી બંધાયેલું કંપાઉન્ડ, તે શાળા.

જુદા જુદા વિષયો, વિષયોના જુદા જુદા શિક્ષકો, ભણવાનું ચાલે, રમવાનું ચાલે, ચિત્ર-સંગીત કે નાટક શીખવાય, ક્રિકેટ કે વૉલીબોલ, હૉકી કે બાસ્કેટબોલની રમત શીખવાય. દરેકનો એકસરખો ગણવેશ, દસ શેરનાં દફ્તરમાં ચોપડીઓ-કંપાસ અને અનેક ઝીણી ઝીણી ચીજવસ્તુઓ ઊંચકીને જતાં બાળકો, તે શાળા.

મા-બાપ ચાર-પાંચ કલાક લાઈનમાં ઊભાં રહીને પ્રવેશપત્ર મેળવે, ચિઠ્ઠી-ચપાટી, આગેવાન કે પ્રધાનશ્રી પાસે ફોન કરાવે, કરગરે કે કાલાવાલા કરે અથવા પાંચ-પચીસ હજાર આપવાની ઑફર કરતાં બાળકના પ્રવેશ માટે વલખાં મારે, તે શાળા ?

ના. જ્ઞાનગંગાનું વહેણ લઈને સીધી સ્વર્ગમાંથી અવતરેલ તે અમારી શાળા તો આ નહી જ. અમે તો થીગડિયા દેશના વાસી. ધૂળ-ઢેફાં ને માટી એ અમારો અસબાબ. ચાર ચાહડા જમીન ને ઢીંચણ સુધી ખૂંપી જઈએ એવા રેતાળ રસ્તા. મુઠ્ઠીભર્યુ ગામ ને એમાં ચપટીભર્યા અમે. આખો દન વલખાં મારીએ ત્યારે તો પુરાય પેટનો ખાડો. કોણ આપે દાન કે દક્ષિણા ? ક્યાંથી ઊગે તમારા જેવી શાળા ? સરકાર ‘મા-બાપ’ ડાબા હાથે નાખે તે અમારા સુધી પહોંચ્યું તો ઠીક છે, નહીતર ?

વગડો અમારી નેહાળ. આવળ, બાવળ, બોરડી ને સેંગતરા અમારાં સાથી, ભેંસો અમારા અક્ષર ને થૂંબડા અમારી પાટલીઓ. ભણો-રમો-ખેલો કે કૂદો કાંટાળાં ઝાંખરામાં. ઘેરથી કોઈ બોલાવા આવે: ‘સાયેબ, મારે જરા બા’ર જાવાનું સે. સેતરમાં ઢોર તરસ્યાં બાંધ્યાં સે. સોંકરાને લૈ જઉ સું, હોકે’ હાથમાં સ્લેટ પકડીને ચડ્ડી ઊંચી ચડાવતા ચડાવતા પાધરા જ પહોંચી જાવાનું સેતરમાં-નેહાળમાંથી, ઘર-ખેતર-ઢોર-ઢાંખર પહેલાં પછી ભણતર. એ મલક ને એ નેહાળના અમે ભણેશરી !

અમારી તીર્થભૂમિ અમારી ભાવનાનું પવિત્ર સ્થળ. મોટા ભાઈ કે મોટી બહેન હાથમાં સરસ મજાની બાવળની પાતળી સોટી લઈને મૂકવા આવે- ફટકારતાં ફટકારતાં અથવા હાથથી ઘસડીને લઈ જતાં હોય – મરેલાં કૂતરાને ખેંચે એમ. ધરતીમાં આગળાં કે પગ ભરાવીને ભેંકડા તાણતા તાણતા જવાનું તીર્થભૂમિમાં. એવી લગન અમને ભણવાની !

ગામથી ઓતરાતી દિશાએ આવેલી અમારી શાળા. બે રૂમ ને સાત ધોરણ. રૂમ ઉપર વિલાયતી નળિયાં. નળિયાં માથે નળિયાં તૂટી ગયેલી વળીઓ, ઊખડી ને ભાંગી ગયેલાં નળિયાં. કબૂતરોનું ઘર. ઘટરઘૂ…ઘટરઘૂ..અને અઘાર. ક્યારેક માથું ફાટી જાય એવી દુર્ગંધ. તડકો કે વરસાદ સીધો જ આવે રૂમમાં, ચોમાસાની તો અમે ચાતકની જેમ રાહ જોઈએ. વરસાદ આવ્યો નથી કે અમને છૂટ્ટી મળી નથી.

ક્યારેક હેલી થાય તો અમારે ચાર-પાંચ દિવસ રહે રજા. આવીએ એટલે ડોલે ડોલે પાણી ઉલેચીએ રૂમમાંથી. ઘેરથી લાવેલા કોથળાની બેઠક કરીને બેસવાનો વારો આવે. અડધા ભીના અડધા કોરા. ચોમાસામાં બે રૂમમાં સાત ધોરણ એકસાથે બેસે. કોણ ભણે, કોણ ભણાવે, કોઈના જાણે. અવાજ-કલબલાટ સિવાય કંઈ ના સંભળાય. સાહેબોને આરામ-અમારે પણ.

મને ખબર છે, ત્યારે મારું ખાતમુહૂર્ત કરેલું – નેહાળમાં બેસાડવાનું, મારા માટે માદરપાટનું ખમીસ અને જાડા ગજિયાની ચડ્ડી સિવડાવેલી. નવા કપડા પહેર્યાનો આનંદ હતો. કાકાની (અમે બાપાને કાકા કહીએ છીએ.) આંગળી પકડીને આવી ગયો હતો તીર્થભૂમિમાં. એક ભાઈના હાથમાં અડધો મણ ગોળ, ધાણાનું પડીકું અને એક શ્રીફળ, કંકુ-ચોખા હતાં.

અમારા માટે નિશાળે જવું અને નરકમાં જવું બનેં સરખાં લાગે. બાળકોના આકર્ષણ માટે નિશાળમાં કશું જ નહીં. સાહેબોના મોટા મોટા ડોળા, ભફાભફ ગુમ્મા કે બે-ચાર લાફા અથવા દંડાનો મીઠો-મધુરો સ્વાદ. હાથની હથેળી, ગાલ ને પીઠનો બઈડો રાખવાનાં સાબૂત. જેથી ભાર ઝીલી શકે સાહેબના શિક્ષણનો. ‘સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ઘમઘમ’ એ શિક્ષણસૂત્ર ઘરાવતા સાહેબો. એમાં આજે કંઈ ઝાઝો ફેર પડ્યો હોય એમ લાગતું નથી. ગામડાના ભણેલા-ગણેલા યુવાનો બરછટ કેમ હોય છે, એનાં આ બધાં કારણો છે.

શાળાનાં પગથિયાં ચડતાં ચડતાં ધડકધડક થાય. ઉમંગના આવે. કોઈ હાઉ આવીને સામે ઊભો હોય, એવું. બે રૂમની સળંગ ઓસરીમાં બે ધોરણ બેસાડેલાં – ઉગમણાં, આથમણાં મોંઢા રખાવીને. લાકડાની ઘોડી ઉપર ટેકવેલું કાળું પાટિયું, બાજુમાં પડેલી ખુરશી અને ખુરશીમાં પગ ભેગા કરીને બેઠેલા સાહેબ. અમને જોઈને મારાં જેવાં જ ટાબરિયાં રાજીના રેડ થઈ ગયાં: ‘ગોળ આયો..ગોળ આયો…’ એમને રસ ગોળમાં. મારી કાલી કાલી આંખો નિહાળતી હતી એમની ટગર ટગર આંખોને. મારા વાસના કેટલાકે મારા નામની બૂમો પાડી પણ હું દોરાતી ગાયની જેમ ખેંચાતો રહ્યો મારા કાકાની પાછળ પાછળ.

રૂમમાં એક બાજુ ‘મોટા સાયેબ’ ના ખુરશી-ટેબલ. આખી શાળાના વડા. એક છોકરા પાસે ખુરશી મંગાવીને મારા કાકાને બેસાડ્યા. હું કાકાની ખુરશી પાછળ ઊભો ઊભો ધ્રુજતો હતો. ‘ચાલો..સીધા બેસો.’ સાહેબે ટેબલ ઉપર હાથ પછાડ્યો. બધાં દફ્તર વ્યવ્સ્થિત કરી, અદબ-પલાંઠી વાળીને બેસી ગયાં. ત્યારે સાહેબે એક છોકરાને બીજા સાહેબને બોલાવા મોકલ્યો. તે આવ્યા. ‘આને દાખલ કરવાનો છે.’ હુકમ મળતાં ખૂણામાં પડેલી પેટીમાંથી એક મોટો ચોપડો કાઢીને મારા નામનું ખાતમુહૂર્ત કર્યું.

ભણતર ને મારા ઘરને બાપે માર્યા વેર.’ કાળા અક્ષર ભીંત બરાબર.’ અભણ ને આંધળો બેય સરખા, જેવી સ્થિતિ. ‘જન્મતારીખ કઈ?’ કોને ખબર? આજે પણ મને ખબર નથી. ત્યારે કાકા બોલ્યા: ‘સાયેબ, સોકરાને પૈણાવતા વાંધો ના આવે ઇમ જલમતારીખ લખજો.’ ભણવાની ચિંતા નહીં, પરણવાની પહેલી. અમારે ત્યાં આજે પણ બાળલગ્નો થાય છે. સરકારી લફરાં ના થાય તેથી બે-પાંચ વરસ વધારે લખાવ્યાં હોય તો ભવિષ્યમાં વાંધો ના આવે. બાર વર્ષનો છોકરો કાગળ ઉપર તો બાવીસનો લાગવો જ જોઈએ. શિક્ષણનું પ્રમાણ અને મહત્વ ઓછું. તેથી આપણે તો શાળામાં દાખલ થતાંની સાથે જ દસ વર્ષના બની ગયા. ધન્ય છે મારા કાકાને અને સાહેબોને, કે સમયને ઓળંગવાની શક્તિ ધરાવતા હતા.

એમની દીર્ઘદ્રષ્ટિએ કેવો દાટ વાળ્યો છે એ તો આજે ડગલે ને પગલે નડે છે, ત્યારે સમજાય છે. હશે, એમને ગમ્યું તે ખરું.

મોટા સાહેબ બ્રાહ્મણ કુળના, પવિત્ર જ્ઞ્યાતિના, પવિત્ર આદમી, એમના પવિત્ર હાથે મારા કપાળમાં કંકુનો ચાંલ્લો કર્યો, ચોખા ચોંટાડ્યા, મોઢામાં ગોળની કાંકરી મૂકી અને પછી ગુરુભાવે આશીર્વાદ આપ્યા. નવી સ્લેટમાં, પેનથી મોટો એકડો લખ્યો. મને પાસે બોલાવીને, જમણા હાથમાં પેન પકડાવી ત્યારે તો હું થરથર ધ્રુજતો હતો. મારો હાથ પકડીને સાહેબે પહેલો એકડો ઘૂંટાવેલો, મને યાદ છે. આજે પણ હાથમાં પેન પકડું છું ત્યારે ધ્રુજી ઊઠું છું, કારણ કે મારા એકડાની શરૂઆત ધ્રુજારાથી થઈ હતી. પછી તો આપણા નામે આખી શાળાનાં ટેણિયાંમાં ગોળની વહેંચણી કરેલી. એ ગોળનું ગળપણ મારી દાઢમાં હજુ પણ અકબંધ જ છે.

શાળાના ચોગાનમાં ચાર-પાંચ લીમડીઓ હતી. લીમડીના થડની આજુબાજુ માટીના ચોતરા બનાવેલા. લીમડીના થડના ટેકે ઊભેલું હોય કાળું પાટિયું. ચોમાસાની ઋતુને બાદ કરતાં છાંયડે બેઠેલા હોઈએ અમે. રેતની પાટલીઓ ઉપએ બેસીને ભણવાનો એક લહાવો હોય છે. ઘણી વખત તો અમે રેતમાં લખીએ. રેતને ચડ્ડીમાં ભરીએ. રેતના ટેકરા બનાવીને ઊંચે બેસીએ. રેતની મુઠ્ઠીઓ ભરીને એકબીજાના માથામાં ભરીએ, જાણે કે રેત જ અમારું ભણતર ન હોય ! અમે તો ધૂળધોયાં, રેતના રતન. રેત રેત રમીએ.

અમારા ભારાડી સાહેબ હાકોટો કરે. એમની જબરી હાક. છોકરા ઊભા ઊભા ચડ્ડી પલાળી જાય. પાસે બોલાવીને, ખુરશી પાસે ઊભો રાખીને, એવી તો ચૂંટી ખણે કે, છોકરું આખેઆખું ઊંચું થઈ જાય. લોહીનું કાળું ધાબું બાઝી જાય. ચીસાચીસ કે રાડારાડ કરી મૂકે, પણ એને છોડે તો સાહેબ શાના? એમની ધાકથી તો ઘણાં છોકરાં શાળામાં આવવાના બદલે ખેતરે જતાં રહે. ઘણાં કાયમ માટે ઊઠી જાય. શિક્ષા પણ જબરી કરે. અંગૂઠા પકડાવે, કેડ ઉપર કાંકરી મૂકે, જો કાંકરી પડી ગઈ તો માની લો કે આવી જ બન્યું. મેજ ઉપર હાથ મુકાવીને, સીસમનો દંડો લઈને, મંડી પડે મારવા. હજી પણ ઘણાંની હથેળીમાં એની નિશાનીઓ હશે જ. ભય વિના પ્રીત થાય ખરી? આવું તો બુધામાર ભણવાનું ને ગણવાનું.

અમારી શાળા એટલે લીલી લીલી લીમડીઓની મીઠી મીઠી છાયા. ઉપર આભ ને નીચે ધરતી, ચારેબાજુ વાય વાયરા. આ અમારું ગુરુકુળ એક સાહેબ બે ધોરણ એક સાથે ચલાવે. ‘બોલું હું તો અક્ષર પે’લો બા..બા..બા..’ જોરજોરથી ગવડાવાય. એકડી, આંક, કક્કો, પલાખાં બે છોકરા ઊભા થઈને બોલાવે. ના આવડે તો આવી બને.

એક સાહેબને બીડીઓ પીવાની ટેવ. એકાદ છોકરાને બોલાવે. બે કાણિયા પૈસા આપે. પૈસા આપીને કાનમાં કહે: ‘જો મોટા સાહેબ જોઈના જાય. એ રીતે ખીસામાં મૂકીને બીડીઓ લાવવાની અને કોઈને ખબર પડે નહીં એ રીતે મને આપવાની, સમજ્યો?’

અમે સાહેબની વાત સમજીને બે મિત્રો સાથે જઈએ. એક પૈસાની મગફળી ખાઈ, મોઢું સાફ કરી, પાણી પીને આવીએ. સાહેબ પૂછે તો કહીએ કે, ‘એક પૈસો રસ્તામાં ખોવાઈ ગયો.’ ચોરની મા કોઠીમાં મોઢું ઘાલીને રડે, એવું સાહેબનું થાય. જોકે મગફળી ખાવા માટે બેચાર લાફા ખાવાની પણ તૈયારી રાખીએ, ખાઈએ. માર ખાઈને ભણવાનું હોય.

શાળામાં પીવાના પાણીનો મોટો પ્રશ્ન. ધેર ધેર પાણીની ચકલીઓનો એ જમાનો નહીં. એક જ ગામકૂવો. આખા ગામના બૈરાં એ કૂવેથી ભરે પાણી, વહેલી સવારે કે સાંજે અથવા ખરા બપોરે. અમારી શાળાની સામે જ ગામકૂવો. નાની રિસેસ પડે ત્યારે ગામકૂવા આગળ મધમાખીઓની જેમ છોકરાં બણબણે. કોઈ પાણી ભરવા આવ્યું હોય તો ઘૂણિયે ઘૂણિયે પાણી પાય. ગાંદરું ભીંજાય જાય પાણી અને પેશાબથી. કેવો હતો એ સમય? ઓપન મુતરડી, ન કોઈની રોક કે ટોક, ન કોઈની શેહશરમ.

ચાલુ શાળાએ સાહેબને તરસ લાગે. ‘પાણીનો લોટો ભરી આવ જા’ સાંભળતાની સાથે ‘સાયેબ, હું લૈ આવું?’ ચારપાંચ લડધા ઊભા થઈ જાય. એમાંથી એક-બે તો લોટો ભરવા દોડી ગયા જ સમજો. જબરો પ્રશ્ન પાણીનો. તમારી જેમ નહીં કે શાળાના ધાબામાં ઊગેલી ટાંકીમાંથી ચકલીઓમાં પાણી આવે. અથવા કૂલરમાંથી ઠંડા પાણીની ધાર થાય. અમારો તો નપાણિયો દેશ. પાણી માટે ટળવળીએ રાત-દિવસ મજૂરી કરી કૂવા ખોદીએ, શાયડા મૂકાવીએ, ડીઝલનાં મશીન લાવીને ડહડહાઈએ, પણ રેતની તરસ ભારે. પાણી થયું તો થયું; નહીંતર લમણે હાથ દઈને હાથ, બેસી રહેવાનું. પાણી વરસવાનું આંખોનાં આકાશમાંથી.

શાળાનો સમય અગિયાર વાગ્યાનો, પણ અમે તો સવારથી જ નવરા હોઈએ. સવારે રાંધી, ઘરનું કામકાજ પતાવીને બધાં જાય ખેતરે, અમારે પણ જવું પડે. દા’ડો માથા ઉપર આવવા થાય અથવા ઝાડનો છાંયડો અમુક અંતરે આવે, એટલે ‘નેહાળનો ટેમ’ થાય. ખેતરનું પાણત કોઈને સોંપીને જવાનું ભણવા. પણ જ્યારે ખેતરે જવાનું ના હોય ત્યારે તો કૂતરા ધોડતા રહીએ સવારથી જ.

નવ વાગ્યાથી આવી જઈએ નિશાળે. અમે જ વિદ્યાર્થી અને અમે જ પટાવાળા. મોટા સાહેબના ઘેર શાળાની ચાવીઓ રહે. સાડા નવ સુધીમાં તો ચાવીઓ લઈ આવીએ. બંને ઓરડા ખોલીને સાવરણીથી સફાઈ કરીએ. સાહેબનાં ટેબલ-ખુરશી સાફ કરીએ. સફાઈ કરવા માટે ઝઘડીએ. એવી તો ધખના કામની.

મજા તો આવતી ઘંટ વગાડવાની. જેણે રૂમ ખોલ્યો હોય તે ક્યાંક ઘંટ સંતાડી રાખે ઘંટ વગાડવા માટે પણ ઝઘડો, બળિયાના બે ભાગ. એક ઘંટ લઈને નાસે તો બીજો ઘંટ વગાડવાની મોગરી. આખેઆખું ટોળું દોડતું જાય એની પાછળ પાછળ. પોણા અગિયારે ટીનનન …ટીન..ટીન..

‘ચાલો, લાઈનમાં બેસી જાઓ.’ શાળાના ચોગાનમાં, પથરાયેલી ધૂળમાં, લબકારા મારતા સૂરજની સાક્ષીએ શરૂ થાય પ્રાર્થના: અસત્યો માંહેથી..પ્રભુ પરમ સત્યે  તું લઈ જા.’ એકની એક પ્રાર્થના દરરોજ ચાલે. આંખો બંધ કરી, અદબ વાળી ટટ્ટાર બેસવાનું; નહીતર ભફાભફ, આવી જ બને. જો કોઈની આંખો ખુલ્લી જણાય તો ઊભો કરીને ખભા પાછળ પાટીયું મૂકીને શિક્ષા કરે. સાહેબ આંખો ખુલ્લી રાખી શકે. વિદ્યાર્થી હરગિજ નહીં, એવો અલિખિત ભગવાન તરફથી ઘડેલો કાયદો.

અમે બગીચો બનાવેલો. આગળના દરવાજેથી અંદર આવવાની રસ્તાની બંને બાજુ જુદાં જુદાં ફૂલ-છોડ રોપેલાં. દરરોજ એક વર્ગનો વારો આવે પાણી પાવાનો. જ્યાં સુધી તળાવમાં પાણી હોય ત્યાં સુધી તો ડોલો ભરીને ઊંચકી લાવીએ. ઉનાળામાં તો વરેડું ને ડોલ લઈને પહોંચી જવાનું ગામકૂવે. એક વખત તો ‘ડિપોટીસાહેબ’ આવ્યા અને એમણે અમારા બગીચાના વખાણ કરેલાં. અમે તો પોરસાઈ ગયેલા.

શાળાની દીવાલે દેશનેતાઓ બેઠેલા. પ્રથમ રૂમના બારણાની જમણી બાજુએ હાથમાં સિતાર લઈને સરસ્વતીજી સૌનું સ્વાગત કરે. ગાંધીજી,સરદાર વલ્લભભાઈ, સુભાષ બોઝ.. આવા તો અનેક નેતાઓ મટકું માર્યા સિવાય અમને તાકી રહેતા, અમને પ્રેરણા આપતા. અમારા શિક્ષકો અમને મહારાણા પ્રતાપ ને શિવાજી શુરવીરના ફોટા બતાવીને પોરસ ચડાવતા. અમે સમરાંગણમાં નીકળી પડતા લડવા-મનોમન. તો ક્યારેક જિલ્લા રાજ્યના અને દેશના નકશા અમારી સામે આવીને ઊભા રહી જતા. એક લાંબી અણિયાળી સોટીથી સાહેબ બતાવતા. ત્યારે જાણે અમે મહાન પ્રવાસી હોઈએ એવો આનંદ લૂંટતા. ભારત વિશેની અજ્ઞાનતા લઈને અમેરિકા શોધવા નીકળેલા કોલંબસ બની જતા.

મજા તો આવતી ૧૫મી ઑગષ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ. છેલ્લા એક અઠવાડિયાથી દેશની આઝાદીને વધાવવા માટેની શાળામાં તડામાર તૈયારીઓ ચાલતી. ‘ઝંડા ઊંચા રહે અમારા..’ બબ્બેની લાઈનમાં, હાથમાં લખેલાં દેશભક્તિનાં સૂત્રોનાં પાટિયાં લઈને; ચડ્ડીઓ ઊંચે કરતા અને ખભે લીંટ લૂછતાં લૂછતાં દેશની આઝાદીને વધાવતા. વહેલી સવારે જાગી, નાહી-ધોઈ, નવા કપડાં પહેરીને સવારે સાત વાગ્યે તો પહોંચી જઈએ શાળામાં. ધ્વજવંદન કરીને, સૂત્રો પોકારતા પોકારતા, લાઈનમાં આખા ગામમાં ફરવાનું-પ્રભાતફેરી. શાળામાં તોરણ બંધાય, ઢોલ વાગાડાય. આખું ગામ ઉમટે શાળામાં. પછી ગોળ-ધાણા ખાઈને છૂટાં પડવાનું. એ દિવસ પૂરતું તો ગામમાં દેશભક્તિનું વાતાવરણ હેલે ચડે. હેડમાસ્તર ભાષણ કરે, દર સાલ એકની એક વાત બમણા જુસ્સા સાથે કહે, અમે તાળીઓ પાડીએ.

શાળાની પાછળ મોટા મોટા ટેકરા ને ઊંડા ઊંડા આંઘાં. ગામલોકોને ઝાડે ફરવાની મોટામાં મોટી સગવડ-જાજરૂઓની. શાળાની રૂમની  પાછલી બારી ખોલીએ તો ટેકરાને અથડાય, એવા અમે ટેણિંયાઓએ શ્રમયજ્ઞ  આરંભ્યો. સતત બે વર્ષ સુધી કોદાળીઓ, તગારાં-પાવડા લઈને મંડ્યા જ રહ્યા. સમૂહમાં કામ કરવાનો અનેરો આનંદ હોય છે. બે વર્ષમાં તો આખો ટેકરો ખોદી નાખ્યો. આંઘાં પુરીને સપાટ મેદાન બનાવી દીધું. એની ચારે બાજુ થોરની વાડ બનાવી દીધી. ભણવાં કરતાં આવું કામ કરવાનો વિશેષ રસ રહેતો.

અમે પાસ થઈને આગળના ધોરણમાં જઈએ એટકે સાહેબને મણ ઘઉં, બાજરી કે જુવાર આપીએ, સાહેબ ના પડે તોય. ભેંસનું દૂઝણું હોય તો દરરોજ દૂધ આપીએ. ખેતરમાંથી શાકભાજી લઈ આવીએ. સાંજના તળાવના કાંઠે કે ખરાબાના બાવળેથી દાતણ કાપી લાવીને આપીએ. સાહેબની સેવા કર્યાનો આનંદ લઈએ. સાહેબ એકલવ્યની વાર્તા વારંવાર સંભળાવે. કૃષ્ણ-સુદામાની ગુરુભક્તિ વર્ણવે. “પછી શામળિયાજી બોલિયા, તને સાંભરે રે..હા જી બાળપણાની પ્રીત મને કેમ વીસરે રે..” ભાવ-વિભોર બનીને ગાય. જાણે પ્રેમાનંદે ફરી અવતાર ન લીધો હોય? અમે પણ સાહેબની સાથે ગળગળા થઈ જઈએ.

આખુ ગામ સાહેબનો માન-મોભો સાચવે. એમના શબ્દને કોઈ ઉથાપે નહીં. બધા જ માનથી જુએ મા-સ્તરને. ગામના સારા-માઠા પ્રસંગે એમને કહેણ જાય. માસ્તર ભલે હોય બહારગામના પણ આખું ગામ એમને પોતાનામાં સમાવી લે. ગામમાં જ રહે. ગામના નાના-મોટાં કામમાં અગ્રેસર હોય. ગામ અને શાળા એ જ એમનું રજવાડું! આવા અમારા સાહેબ ને આવી અમારી નેહાળ!

એ નેહાળમાં જવાનો જબરો કંટાળો આવે. શાળામાં ન જઈએ. ઘરવાળાં તગેડે તોય પાછા આવીએ તો સમાચાર મોકલે શાળામાં. શાળામાંથી સાહેબ ચાર લઠ્ઠા મોકલે. ટીંગાટોળી કરી, ઘસડાતા ઘસડાતા લઈ જાય શાળામાં, શાળાના કંપાઉન્ડમાં પ્રવેશ થયા પછી તો તેલમાં માખ પડે એવી આપણી દશા. ધોતિયાનો એક છેડો હાથમાં પકડીને મોટા સાહેબ ઊભા હોય ઓસરીમાં. રડતાં રડતાં અધમણ લીંટ લબડતાં હોય, તે પહેરણની ચાળથી સાફ કરીને, સાહેબની આંખમાં જોતાની સાથે બેસી જવું પડે જઈને લાઈનમાં. ઘૂંટવો પડે એકડો. ગોખવી પડે કવિતા. ક્યારેક પાઠ વાંચવા ઊભા કરવામાં આવે. વાંચતા વાંચતા જો ભૂલ થાય તો જોરથી લાફો આવી ચોંટે ગાલે. લાફાની સાથે જ પલળી જાય ચડ્ડી. ફટાફટ તૈયાર થઈ જાય પાઠ કે કવિતા. સાંજના પાંચ વાગ્યે છૂટવાનું હોય. સૂરજ ઢળ્યો હોય આથમણી દિશામાં. લીમડીઓનો છાંયડો લંબાયો હોય ઉગમણી દિશાએ. વચમાં અમે. અડધા તડકે, અડધા છાંયડે બગાસા ખાતા હોઈએ, સાહેબને જેમ. પણ રમતગમતનો પિરિયડ અમને ખૂબ ગમે. હુતુતુતુ. લંગડી, ખોખો, પકડદાવ, દડો કે ખુરશીદાવ, આંધળો ધાડવો…એવું કંઈનું કંઈ રમીએ. બીજો કોઈ ક્લાસ રમતો હોય. તો સૌનો ડોળો હોય એ તરફ જ. જેમ આંબલી કે કાચી કેરી જોઈને મોઢામાં લાળ આવે એમ બધાંને રમતાં જોઈને અમને થાય. સાહેબ વારંવાર એકાદ છોકરાને મોકલે: ‘જા કેટલા વાગ્યા જોઈ આવ.’ આખી શાળામાં એકમાત્ર ધડિયાળ હોય – મોટા સાહેબના રૂમમાં. બરાબર પોણા પાંચ થાય એટલે સાહેબ બધાને ઊભા કરે દફ્તર વ્યવસ્થિત ગોઠવાવે. પછી પલાંઠી-અદબ વાળીને ટટ્ટાર બેસાડે. એકાદને ઊભો કરે: ‘ચાલ કવિતા ગવડાવ.’ અમે મોટે મોટેથી કવિતાના ભેંકડા તાણીએ. અને જેવો કોઈ ઘંટ લઈને સામેના રૂમમાંથી બહાર નીકળે કે, અમે દફ્તર પકડીને તૈયાર. ટીન…ટીન…થયું નથી કે આખી શાળા કાગારોળ કરતી ઊપડી નથી! અમે બે ત્રણ જણ રોકાઈએ. પાટિયું, ઘોડી, સાહેબના ખુરશી-ટેબલ રૂમમાં મૂકી આવીએ. રૂમને તાળુ મારીને સાહેબના હાથમાં ચાવી આપીને પછી નીકળવાનું. જે લેસન આપ્યું હોય એને વાગોળતા વાગોળતા ચાલ્યા આવીએ ધર સુધી.

લખતાં, ગોખતાં, વાગોળતાં અને ભૂંસતા ભૂંસતા આવ્યા છીએ અહીં સુધી. પણ અત્યારે અમારી નેહાળનો વસતિની જેમ વિસ્તાર વધ્યો છે. સાત ઓરડા બની ગયા છે. શાળાની ચોમેર વગડો હતો, ઝાડ હતાં. લીલુછમ વાતાવરણ હતું એના બદલે હવે ગામ વધીને ચોમેર વસી ગયું છે. શાળા બિચારી-બાપડી બનીને ઊભી છે અડીખમ. નથી કોઈ ફૂલછોડ. બાળકોને રમવાનું મેદાન સંકડાઈ ગયુ છે. પ્લાસ્ટરનું પાથરણું થઈ ગયું છે પણ પોપડા ઊખડીને ખાડા પડી ગયા છે. અમારા રૂમની દીવાલોએ ચીતરેલા દેશનેતાઓએ નિશાળવટો લઈ લીધો છે-અમારી જેમ. દેશદાઝ કે દેશભક્તિ આજે તો મધ્યાહન ભોજનમાં ભળી ગઈ છે. છોકરાં ખભે થેલા ભરાવીને, હાથમાં થાળી વાટકા લઈને, વગાડતાં વગાડતાં શાળાએ જતાં જોઈને દુ:ખી દુ:ખી થઈ જવાય છે. ત્યારે શાળાની દીવાલે લખેલું ‘આજનું બાળક આવતી કાલનું નાગરિક છે.’ એ વાંચીને થરથરી ઊઠું છું.

ક્યાં છે મારી ગઈ કાલની તીર્થભૂમિ – મારી નેહાળ !

www.vadgam.com

[પુસ્તક :- સુગંધનો સ્વાદ, લેખક:- કિશોરસિંહ સોલંકી, પ્રકાશક:- ઇમેજ પબ્લિકેશન પ્રા.લિ.,અમદાવાદ., મુખ્ય વિક્રેતા:- બુક માર્ક ૭ ચીનુભાઈ ટાવર્સ એચ કે કોમર્સ કોલેજ પાસે, આશ્રમ રોડ,અમદાવાદ-૩૮૦ ૦૦૯, ફોન:- ૦૭૯-૨૬૫૮૦૩૬૫, ૨૬૫૮૩૭૮૭, પુસ્તકની કિમંત:- રૂ.૧૦૦/-]