વિશેષ પ્રવૃતિઓ

સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ ક્લાસનો નિશુલ્ક શુભારંભ.

વડગામ તાલુકામાં બદલાતા સમયને અનુરૂપ વિવિધ સમાજ ઉપયોગી પ્રવુત્તિઓ અનેક સેવાભાવી સંગઠનો, જ્ઞાતિઓ અને વ્યક્તિઓ દ્વારા થઈ રહી છે. જે અંતર્ગત તાજેતરમાં વડગામમાં સર્વ સમાજ શિક્ષણ સમિતિ દ્વારા તા.૧૯.૦૧.૨૦૧૪ ને રવિવારથી વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસનો નિશુલ્ક શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં તાલુકાના સર્વ સમાજના અંદાજીત ૧૫૦ વિધ્યાર્થીઓ જે તે ફેકલટીના નિષ્ણાત તજજ્ઞો પાસેથી દર રવિવારે પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના આયોજનો અને કાર્યો આવનારી પેઢી માટે નિસંદેહ ઉજ્જવળ ભવિષ્યના સંકેતો છે.

વડગામ સર્વ સમાજ શિક્ષણ સમિતિ દ્વારા વડગામ તાલુકા શિક્ષણ શરાફી મંડળીના હોલમાં આયોજીત આ ઉમદા કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓ ૧૦૦% હાજરી આપે તેવા ઉમદા હેતુથી રજીસ્ટ્રેશન વખતે પરત મળવાપાત્ર રૂ.૫૦૦/- ડિપોઝીટ રાખવામાં આવેલ છે. જે વિધ્યાર્થીની હાજરી ૮૦%થી ઉપર હોય અને ક્લાસમાં વર્તન સારૂ હોય તેમને આ ડિપોઝીટ પરત આપવામાં આવે છે. કોચિંગ ક્લાસના સમય દરમિયાન મોબાઈલ ઉપયોગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે તદ્દઉપરાંત કોઈ વિદ્યાર્થી વ્યસન ના કરે તેનો સંપૂર્ણ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. દર રવિવારે સવારે ૯.૦૦ થી સાંજે ૪.૦૦ વાગ્યા સુધી ચાલતા કોચિંગ ક્લાસમાં વિધ્યાર્થીઓને સંપૂર્ણ ભોજન નિશુલ્ક આપવામાં આવે છે. તાલીમના સંપૂર્ણ સમય દરમિયાન વિદ્યાર્થીઓ કેમ્પસની બહાર જઈ શકતા નથી. ઉપરોક્ત નિયમો થકી તાલીમાર્થી વિદ્યાર્થીઓ એકાગ્ર ચિત્તે ઉમદા તાલીમ મેળવી રહ્યા છે.

તાલુકાના વધુમાં વધુ વિદ્યાર્થીઓને રોજગારી મળે તેવા શુભ આશયથી શરૂ કરવામાં આવેલા સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી તાલીમ કેન્દ્રમાં તાલુકાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તેવા નેક આશયથી સર્વ સમાજ શિક્ષણ સમિતિ,વડગામના આયોજકો દ્વારા www.vadgam.com  વેબસાઈટના માધ્યમ થકી આહવાન કરવામાં આવે છે આ ઉપરાંત તાલુકાના સર્વે રહેવાશીઓ પણ આ પ્રકાર સમાજ ઉપયોગી ઉમદા કાર્યમાં ફૂલ નહી તો ફૂલની પાંખડી રૂપે પોતાનું યથાયોગ્ય યોગદાન તાલુકાની વિકાસલક્ષી પ્રવુત્તિઓને વેગ આપવામાં મદદરૂપ થઈ શકે છે.

સર્વે સર્વ સમાજ શિક્ષણ સમિતિ આયોજકોને પોતાનો કિમંતી સમય અને ધન આવી પ્રવૃત્તિઓ પાછળ ખર્ચવા બદલ અભિનંદન અને ખૂબ  ખૂબ શુભેચ્છાઓ….

www.vadgam.com