વિશેષ પ્રવૃતિઓ

મગરવાડામાં ગુજરાત સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર યોજાયું.

gyansatra-magarvadaવડગામ તાલુકાના નાનકાડા એવા ગામ મગરવાડાના પવિત્ર અને પાવનધામ શ્રી મણિભદ્રવીર પ્રાગ્ટ્યસ્થાનમાં તા.૨૩ થી ૨૫ ડિસેમ્બર,૨૦૧૬ દરમિયાન ગુજરાતના  પ્રતિષ્ઠિત સાહિત્યકારો પધાર્યા હતા. પ્રસંગ હતો ૧૧૧ વર્ષ જૂની પ્રતિષ્ઠિત સાહિત્ય સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૯માં જ્ઞાનસત્રનો. વડગામ તાલુકામાં આ પ્રકારનો સાહિત્યસંગમ સૌ પ્રથમ વાર થઈ રહ્યો હતો. એક સાથે ગુજરાતી સાહિત્યના અનેક લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોને જુદા જુદ વિષયો ઉપર સાંભળવાનો અને મળવાનો રોમાંચ અનન્ય હતો.

શ્રી સર્વસાધારણ માનવ સેવા ટ્રસ્ટના યજમાનપદે આયોજિત ગુજરાતી સાહિત્યની આ ગોષ્ઠીએ સ્થાનિક લોકમાનસમાં નવિ દિશાના દ્વાર ખોલ્યા છે એમ કહીએ તો ખોટુ નહી ગણાય. ગામડાઓમાં છાશવારે યોજાતી ચૂંટણીઓના કાવાદાવા અને પ્રપંચો વચ્ચે પીંખાતા સામાન્ય જનમાનસને આવા કાર્યક્ર્મો થકી થોડીક યોગ્ય દિશામાં વિચારવાની તક મળી છે.

તા. ૨૩.૧૨.૨૦૧૬ને શુક્રવાર બપોરે ૧૧.૦૦ વાગે જય જય ગરવી ગુજરાત ગીત સાથે  જ્ઞાનસત્રનો દબદબાભેર પ્રારંભ થયો હતો. શ્રી મણિભદ્રવીર પ્રાગટ્ય સ્થાન, મગરવાડાના ગાદીપતિ યતિશ્રી વિજયસોમજી મહારાજ સાહેબે જ્ઞાનસત્ર ઉપસ્થિત સૌ આમંત્રિત મહેમાનો, સાહિત્યકારો, સાહિત્યરસિકોને આશીર્વાદ આપ્યા હતા. વડગામ તાલુકો જેમની સાહિત્ય પ્રતિભા થકી ગૌરવ લઈ શકે અને જેમણે અરવલ્લી જેવી સુવિખ્યાત નવલકથા લખી છે તેમજ પોતાના વતન મગરવાડા અને ગ્રામીણજીવન આલેખતા અનેક પુસ્તકો લખ્યા છે તેવા માનનિય શ્રી કિશોરસિંહ સોલંકી દ્વારા આ જ્ઞાનસત્રમાં પધારેલ ગુજરાતના વિખ્યાત સૌ સાહિત્યકારો અને  સાહિત્ય રસિકોનું શાલ ઓઢાડીને તેમજ શાબ્દિક રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

જ્ઞાનપીઠ એવોર્ડથી સ્ન્માનિત આદરણિય શ્રી રઘુવીરભાઈ ચૌધરી અને શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ દ્વારા જ્ઞાનસત્રની પ્રાસંગિક માહિતી પુરી પાડવામાં આવી હતી. પરિષદનો અહેવાલ ગુજરાતી સાહિત્ય સભાના મહામંત્રી શ્રી પ્રફુલ્લ રાવલ દ્વારા વાંચી સંભળાવવામાં આવ્યો હતો.

gyansatra-magarvada-3શ્રી બાલકૃષ્ણ દવે અને શ્રી વેણીભાઈ પુરોહિતની શતાબ્દી વંદના વિષય ઉપર વક્તા શ્રી હરિકૃષ્ણ પાઠક, શ્રી ઉદયન ઠક્કર દ્વારા સુંદર રજુઆત કરવામાં આવી હતી તો રાત્રે યજમાન સંસ્થા દ્વારા વિસરાતી જતી લોકકલા ભવાઈના સાંસ્કૃતિક કાર્યક્રમનું અયોજન કરવામાં આવ્યુ હતું. એવુ કહેવાય છે કે એક સમયે વડગામ તાલુકાના મગરવાડા ગામમાં ભવાઈ જેના દ્વારા ભજવવામાં આવતી હતી તેવા નાયક પરિવારના લગભગ ૧૫૦ જેટલા ઘર હતા અને ભવાઈ ની શરૂઆત પ્રથમ મગરવાડામાં થતી અને ત્યારબાદ ગુજરાતના અને વિસ્તારોમાં ભવાઈ રમાતી. એ સમયમાં આજના જેવાઅ વિજાણુ માધ્યમો ન હતા તે સમયે ભવાઈના માધ્યમથી અનેક ઐતિહાસિક બાબતો અને ઉજાગર કરવામાં આવતી તો સાથે સાથે ભવાઈને ધર્મ સાથે જોડી જનમાનસમાં જાગૃતિ ફેલાવવાનું કામ પણ કરવામાં આવતું.

જ્ઞાનવિમલસૂરિનું સાહિત્યમાં પ્રાદાન વિષય ઉપર વક્તા શ્રી અભય દોશી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તો વક્તા શ્રી સમીર ભટ્ટ દ્વારા ગાંધીયુગનું દલિત સાહિત્ય વિષય ઉપર સમજ આપવામાં આવી હતી તેમજ નારીવિમર્શ ઉપર સુંદર વિશ્લેષણ શ્રી ઇલા આરબ મહેતા દ્વારા કરવામાં આવ્યુ હતું. સાહિત્ય એક સામાજિક રચના ઉપર વકતા શ્રી વિદ્યુત જોષી દ્વારા સુંદર રીતે પ્રકાશ પાડવામાં આવ્યો હતો તો વક્તા શ્રી રૂપલ મહેતા દ્વારા ડીઝીટલ વર્લ્ડ અને સાહિત્ય વિષય ઉપર ઉપસ્થિત શ્રોતાગણને સરળ સમજ આપવામાં આવી હતી તો શ્રી ધવલભાઈ મહેતા દ્વારા અર્થશાસ્ત્ર વિષય ઉપર વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી.

શ્રી કિશોરસિંહ સોલંકી દ્વારા ઉત્તર ગુજરાતના પરિવેશની કૃતિઓનું  વાચિકમનો આસ્વાદ કરાવવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાતના સાહિત્યમાં વ્યકત થતી ગ્રામચેતના વિષય ઉપર શ્રી મનીષા દવે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અંતે  પાલનપુરી બોલી શ્રી મુસાફીર પાલનપુરીની જબાનમાં ઉપસ્થિત સૌ સાહિત્ય રસિકોના દિલ ડોલાવી ગઈ.

દિલકે જખ્મો કૂં જગત સોંમી કદી ખોલૂં જ નીં

એવે મૂંઘે મોતીયો ફૂં ધૂલ સી તોલૂં જ નીં

કોઈ બીજા બી સૂણે તેરી વિગર એ જોણ લઉં

તો તેરા બેટ્ટા કરે ! મરજઉં અપણ બોલૂં જ નીં

 

gyansarta-magarvada-1શ્રી સર્વસાધારણ માનવ સેવા ટ્રસ્ટના યજમાનપદે  વડગામ તાલુકાના પ્રસિધ્ધ તિર્થધામ મગરવાડા મુકામે યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના આ ૨૯ માં જ્ઞાનસત્રમાં પધારેલ જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત આદરણિય શ્રી રઘુવિર ચૌધરી સાહેબનું પૂજનિય યતિશ્રી વિજયસોમજી મહારાજ સાહેબ, સાહિત્ય ક્ષેત્રે વડગામનું ગૌરવ ગણી શકાય તેવા આદરણિય શ્રી કિશોરસિંહ સોલંકી સાહેબ, વડગામ તાલુકા પ્રમુખ શ્રી માનસંગભાઈ ચૌધરી તેમજ મગરવાડા ગ્રામજનોની ઉપસ્થિતિમાં જ્ઞાનસત્રની સમાપ્તિ બાદ વ્યક્તિગત રીતે સન્માન કરવાનો મોકો મળ્યો.

આ પ્રસંગે પોતાના પ્રિય સાહિત્યિક લેખકને મળવાનો તેમજ તેમની સાથે તસ્વીર લેવાનો ઉપસ્થિત સૌ સાહિત્ય રસિકોને અવસર પ્રાપ્ત થયો  હતો. સુપ્રસિધ્ધ લેખિકા આદરણિય વર્ષાબેન અડાલજા, પ્રિતિસેન ગુપ્તા, લેખક શ્રી આદરણીય રધુવીરભાઈ  ચૌધરી તેમજ આદરણિય શ્રી પ્રકાશભાઈ ન.શાહની વિશેષ ઊપસ્થિતિ ધ્યાન આકર્ષક હતી.

આ ઐતિહાસિક ગણી શકાય તેવા ત્રીદિવસીય જ્ઞાનસત્રની સફળતા પાછળશ્રી મણિમદ્રવિર પ્રાગટ્ય સ્થાનના ગાદીપતિ યતિશ્રી વિજયસોમજી મહારાજ સાહેબ, મગરવાડાના મૂળ વતની  અને પ્રસિધ્ધ સાહિત્યકાર શ્રી કિશોરસિંહ સોલંકી તેમજ અનેક સ્વયમ સેવકોની રાત-દિવસ જોયા વગરની અથાક અને પ્રખર મહેનત હતી.

શ્રી મણિભદ્રવિર પ્રાગટ્ય સ્થાનની સુંદર અને સ્વચ્છ જગ્યામાં આમંત્રિત મહેમાનો અને સાહિત્યકારો માટે  કોઇ જ અગવડ વગરની રહેવા-જમવા તેમજ ચા-પાણી-નાસ્તાની સુંદર વ્યવસ્થા થકી આ પ્રકારના આયોજન થકી કાર્યક્રમને સફળ બનાવીને યજમાન સંસ્થા શ્રી સર્વસાધારણ માનવ સેવા સંસ્થા  ટ્રસ્ટે વડગામ તાલુકાને અનેરુ ગૌરવ અપાવ્યું છે જે અવિસ્મરણિય છે.

દાદાના દર્શન અને ગુજરાતના ટોચના વકતાઓ દ્વારા પ્રસ્તુત રસપ્રદ સાહિત્યનું શ્રવણ. ત્રણ દિવસ મગરવાડામાં જલસો પડી ગયો.