વૃક્ષા રોપણ – ૨૦૧૫
અષાઢ સુદ દશમ ને રવિવાર તા.૨૬.૦૭.૨૦૧૫ વડગામ તાલુકા મથકમાં આગલી રાતથી જ વરસાદ દેકારો બોલાવી રહ્યો હતો જે અનારાધાર સવારે ૮.૪૫ સુધી વરસી રહ્યો હતો. આ બાજુ www.vadgam.com ગ્રુપના માધ્યમથી સવારે ૯.૦૦ કલાકે રાબડીયા નક્ષત્રને ધ્યાનમાં રાખી વૃક્ષારોપણનું એલાન કરી દેવામાં આવ્યુ હતું. આકાશમાં કાળાડિબાંગ વાદળો જોતા લાગી રહ્યું હતુ કે કદાચ આજનો આ કાર્યક્રમ શક્ય નહી બને કોણ આવશે આવા વાતાવરણમાં ? કેવી રીતે કરીશું વૃક્ષારોપણ ? ત્યાં અચાનક કુદરત જાણે આજના પ્રાકૃતિક કાર્યક્રમને, ગ્રુપની સાચી ભાવનાને ઉજાગર કરવા માંગતી હોય તેમ બરાબર ૯.૦૦ કલાકે વરસાદ થંભી ગયો. ગ્રુપના યુવાનોમાં આનંદ પ્રસરી ગયો કે ચાલો સમય સચવાઈ જશે. જાણી કે નવાઈ લાગશે કે કુદરતે પુરા ૨ કલાકનો અવકાશ આજે વૃક્ષારોપણ માટે ખાસ અમને કરી આપ્યો. ઉપસ્થિત ગામના અઢારે આલમના યુવાનો દ્વારા તાબડતોડ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો. અને જોત જોતામાં અંબાજી માતાજી મંદિર, લક્ષ્મણપુરા (વડગામ) તેમજ અંતિમધામ મુકામે સફળતાપૂર્વક રોપાઓને રોપી દેવામાં આવ્યા. ત્યારબાદ સોનામાં સુગંધની જેમ કુદરતે રોપાયેલા વૃક્ષોને અનરાધાર પાણીથી ભીંજવી દિધા અને ઉપસ્થિત અમારા સૌ ના હર્દય પણ ભીંજાયી ગયા.આજના દિવસે કુલ ૨૫૧ રોપાઓ રોપવાનો નિરધાર ગ્રુપના માધ્યમથી જાહેર કરવામાં આવ્યો હતો જે અંતર્ગત શ્રી હિતેશભાઈ ચૌધરી અને કિરણભાઈ ચૌધરીના ફાર્મ હાઉસમાં કુલ ૧૦૦ રોપાઓ રોપવામાં આવ્યા તો લક્ષ્મણપુરા મંદિર, અંતિમધામ અને સરકારી પુસ્તકાલયમાં ૭૦ રોપાઓને રોપવામાં આવ્યા હતા. ૮૦ રોપાઓ મારા ખુદના ફાર્મ હાઉસમાં રોપવાના હતા પરંતુ બાદમાં ભારે વરસાદના પગલે એ તાત્કાલિક શક્ય ના બન્યુ પણ તે જેમ બને તેમ વરસાદના વિરામ બાદ જલદી રોપાઈ જશે.
આજના કાર્યક્રમની ફળશ્રુતિ એ રહી કે તમામ કોમના યુવાનો એકસાથે સામુહિક રીતે આ કાર્યક્રમમાં સહભાગી બન્યા જે એક ભાવનાત્મક અને એકાત્મક્તાનો સંદેશ ફેલાવશે. ફુલ નહી તો ફુલની પાંખડી સ્વરૂપે આપણે પણ સમાજ પ્રત્યે જવાબદાર બનીયે તે ભાવનાને ઉજાગર કરવા દર વર્ષે શક્ય તેટલા વૃક્ષો વડગામ પંથકમાં ઉછેરી તાલુકાને હરીયાળો તાલુકો બનાવવાના અભિયાનરૂપે તાલુકાની અન્ય સંસ્થાઓ અને વ્યક્તિઓ પણ પ્રયત્નશીલ રહે છે જે સોનામાં સુગંધનું કામ કરી રહી છે. જેમ કે સમત્વ ટીમ દ્વારા આ વર્ષે ૫૦૦૦ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે, ધાણધાર લઘુમતી વિકાસ ગ્રુપ દ્વારા સલેમકોટના સૌથી મોટા કબ્રસ્તાનમાં વધુમાં વધુ વૃક્ષો રોપવાનો સંકલ્પ લઈ શુભ શરૂઆત કરવામાં આવી છે તો આ દિશામાં વડગામ.કોમ ગ્રુપ પણ તાલુકાના પ્રજાજનોમાં જન-જાગૃતિ ફેલાવવાનુ કામ કરી રહ્યું છે. દરેક વ્યક્તિ પોતાના ખેતરમાં દર વર્ષે માત્ર ૨૦ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ લે તો પણ કાર્ય કંઈ કઠીને ન ગણી શકાય.
જાહેરહિતને સ્પર્શતી કોઈ પણ સકારાત્મક પ્રવૃતિઓ જ્યારે અઢારે આલમને સાથે લઈ સામુહિક રીતે કરવામાં આવે ત્યારે તેનો આનંદ અલૈકિક હોય છે. પ્રકૃતિની નજીક જવુ કે પ્રકૃતિની સાથે રહેવુ એ મનુષ્યના હર્દયની વિશાળતા વધારે છે. અને જ્યારે હદયની વિશાળતા વધે છે ત્યારે તમામ સંકુચિતતાઓની સરહદો ખરી પડે છે. આવા નાના સકારાત્મક કાર્યો થકી www.vadgam.com ગ્રુપ નક્કર રીતે ઉજ્જવળ ભવિષ્યની આશા અરમાનો સાથે મકકમ ડગ માંડી રહ્યુ છે જે આજની વૃક્ષારોપણની સફળતાથી સાબિત થાય છે. નાના બાળકો જે તન્મયતાથી વૃક્ષો રોપી રહ્યા હતા ત્યારે વૃક્ષમાં રણછોડ દેખાઈ રહ્યા હતા. કોઈ પણ દંભ કે અભિમાન વગર જ્યારે પુરી નિષ્ઠાથી સમાજ ઉપયોગી કાર્યમાં સહભાગી થવાય ત્યારે કુદરત પણ તમારી પડખે હોય છે તેનો અહેસાસ આજના કાર્યક્રમ થકી અનુભવ્યો…. યુવાનો તો તૈયાર છે માત્ર વડીલોએ તેમને યોગ્ય દિશા બતાવવાની જરૂરીયાત છે. દ્રષ્ટી એવી સૃષ્ટિ…!!!
આવો આજના કાર્યક્રમની તસ્વીરોની મજા માણીએ….