જનરલ માહિતી

મેવાડા સુથારોનો ઇતિહાસ

સુથાર શબ્દ સુતાર અને સૂત્રધાર શબ્દ પરથી આવેલ છે. ગુજરાતમાં હાલમાં ખાસ કરીને ચાર પ્રકારના સુથારો વસે છે. (૧) વંશ (૨) મેવાડા (૩) ગુર્જર અને (૪) પંચોલી. સામાન્ય રીતે એમ લાગે છે કે પ્રદેશના આધારે આ અટકો પડી હશે. મેવાડમાંથી આવ્યા તે મેવાડા, ગુજરાતના તે ગુર્જર અને પાંચાલ પ્રદેશમાંથી આવ્યા તે પંચોલી અને તેજ રીતે વંશ પણ પ્રદેશના આધારે બનેલી અટક હશે.

પરંતુ શાસ્ત્રની રીતે જોઇએ તો વિશ્વકર્મા પ્રભુએ બ્રહ્માંડની રચના કરી અને પૃથ્વી બનાવી સ્થિર કરી તે પછી શ્રીકૃષ્ણ વિશ્વકર્માને કહેતા ગયા કે તમો સૂત્રધાર (સુતાર) પુત્રો ઉત્પન્ન કરી તેઓને આ પૃથ્વીના કાર્યો કરવાનો ઉપદેશ કરીને તમે પણ તમારા સ્વધામ પધારશો. તે પછી વિશ્વકર્મા પ્રભુએ પોતાના વક્ષઃસ્થળથી જે ઉત્પન્ન કર્યા તે વંશ કહેવાય છે. મધ્યભાગથી ઉત્પન્ન કર્યા તે મેવાડા કહેવાય છે . ઘૂંટણથી જે ઉત્પન્ન કર્યા તે ગુર્જર અને પગથી ઉત્પન્ન કર્યા તે પંચોલી કહેવાય છે.

સૂત્રધાર દ્રીજ બ્રાહ્મણ કુળમાંથી ઉત્પન્ન થઇ વેદ અને શાસ્ત્રોનું અધ્યયન કરે છે. ધર્મ શાસ્ત્રોના અધ્યયનથી સર્વ ધર્મ પાળે છે અને ધર્મના પ્રસાદથી અનેક પ્રકારના ભોગ ભોગવે છે. સૂત્રધાર (સુથાર) સર્વને જોઇએ તેવા નગર, ઘર, વાવ, બાગ, બગીચા, જળાશય, આદિ ઉત્પન્ન કરી આપે છે. શ્રી હરિના મંદિર અને બીજા અનેક પ્રકારના મણિમય મંડપ આદિની રચના કરી શ્રી હરિને પ્રસન્ન કરે છે.

વિશ્વકર્મા પ્રભુએ ઉત્પન્ન કરેલા પુત્રોએ વિશ્વકર્મા પ્રભુની સ્તુતિ કરી પ્રભુને પ્રસન્ન કર્યા ત્યારે વિશ્વકર્મા પ્રસન્ન થઈ કહે કે તમે શિલ્પ શાસ્ત્ર પ્રમાણે પૃથ્વી ઉપર હસ્ત ક્રિયા વડે ઓજારથી સર્વે કાર્યો તમારા વંશ પરંપરા કરજો એવો મારો આશીર્વાદ છે. ત્યારે વંશ સુથારે પ્રણામ કરી કહ્યું કે મહારાજ અમારો ધર્મ વંશનો રહે એવા આશીર્વાદ આપો ત્યારે વિશ્વકર્માએ કહ્યું કે ઉપવીત તથા વેદનો અધિકાર છે પણ શૂદ્ર ધર્મનું આચરણ કરશો તો વેદનો અધિકાર રહેશે નહી.

મેવાડા સુથારે પણ કહ્યું કે અમને આશીર્વાદ આપો ત્યારે વિશ્વકર્માએ કહ્યું કે તમે દ્ગ્રિજધર્મ (જનોઇ) પાળશો ત્યાં સુધી વિશ્વબ્રાહ્મણ તરીકે રહેશો. તે પછી હળાહળ કળયુગ આવશે, ઉપનયન સંસ્કાર ધારણ કરી જનોઇ ધારણ કરશો ત્યાં સુધી તમારો ધર્મ રહેશે.

ગુર્જર સુથારે કહ્યું કે અમને આશીર્વાદ આપો ત્યારે વિશ્વકર્માએ કહ્યું કે તમને ઉપવીતનો અધિકાર રહેશે નહી પણ તમો વિશ્વકર્મા ધર્મ પરાયણ રહેશો અને યશસ્વી બનશો. પછી પંચોલી સુથારે કહ્યું કે પ્રભુ અમને શું આજ્ઞા છે? વિશ્વકર્માપ્રભુએ  કહ્યું કે તમે જનોઈ  વગરના શૂદ્ર ધર્મને આચરણ કરવા વાળા થશો પણ મારી ભક્તિ કરશો એટલે તમો સર્વ કાર્યામાં પ્રખ્યાત થશો આ પ્રમાણે વિશ્વકર્માએ સુત્રધારો આશીર્વાદ આપી અંર્ત ધ્યાન થયા અને પ્રભુ પોતાના સ્વધામમાં પધાર્યા.

મેવાડમાંથી સ્થળાંતર

મેવાડા કહેવાય છે તે મેવાડ પ્રદેશ ઉપરથી મેવાડા અટક આવી હશે તેમ માની શકાય.આ સમાજમાં પુસ્તકો કે સાહિત્યનું ખાસ પ્રકાશન થયું નથી તેથી આ અંગે કોઇ અધિકૃત માહિતી મળતી નથી પરંતુ આ સમાજના વડીલો પાસેથી દંતકથાઓ અને ખાસ તો બારોટ (વંઇવંચા) ના ચોપડામાંથી આધાર લઈને થોડીક માહિતી આ સાથે આપવામાં આવે છે.

ગુજરાતમાં વસતા મેવાડા સુથારો રાજસ્થાનના મેવાડ પ્રદેશથી સ્થળાંતર થઇને આવેલા ગુજરાતમાં પણ પાટણના રાજાએ એમના સ્થાપત્યના વાસ્તુશાસ્ત્ર મૃહુર્ત તથા ક્રિયાકાંડ માટે રાજસ્થાન મેવાડ પ્રદેશના ઉદેપુર, નાથદ્વારા વચ્ચે એકલીંગજીના બાજુના નાગદા નગરના શ્રેષ્ઠ બ્રહ્મસુત્રધારોને નિમંત્ર્યા.  બીજી માન્યતા પ્રમાણે મેવાડમાં રાજપૂત રાજાઓનું રાજ હતું કાળક્રમે કોઈક કારણસર કેટલાક લોકો ગુજરાત તરફ આવ્યા, સૌ પ્રથમ જે લોકો ગુજરાત રાજ્યમાં દક્ષિણ પૂર્વે પાવાગઢની તળેટીમાં આવેલ ચાપાંનેરનગર વસવાટ કર્યો, કારણ કે તે વખતે ચાપાંનેર ધંધા રોજગાર નુ મથક અને શહેર હશે. ખાસ તો મેવાડના મહા પ્રતાપી રાજા મહારાણા પ્રતાપ ઉપર દિલ્હીના બાદશાહ ચડાઈ કરી રાણા પ્રતાપ વીરતાથી લડ્યા છતાં તેમાં તેમની હાર થઈ અને તેમણે મેવાડ છોડ્યું તે વખતે સલામતી અને રાજાને વફાદાર પ્રજા તરીકે ઘણા લોકો મેવાડને તીલાંજલિ આપી અને ગુજરાત ભણી આવ્યા. અત્યારે ગુજરાતમાં વસતા બીજી ઘણી જ્ઞાતિમાં પણ મેવાડા અટક છે. દા.ત.બ્રાહ્મણમાં પણ મેવાડા અટક છે . તે વખતે આજીવિકા, રોજી રોટી અને સલામતીનો પણ પ્રશ્ર્ન હતો. તેથી તે વખતે જે મોટા શહેર હતા, વેપારી મથકો હતા અને જ્યાં હિન્દું રાજાઓનું રાજ્ય હતું તેવા શહેરો સ્થાયી થયા. ઉત્તર ગુજરાતનુ પાટણ તે વખતે રાજધાની હતી તેથી પાટણ, ઇડર, ખેડબ્રહ્મા, ચાંપાનેર વગેરે સ્થળો એ વસ્યા.

આ જ્ઞાતિ સ્વમાની અને ખમીરવંતી મહેનતું છે. તેથી આપમેળે શુન્યમાંથી સર્જન કરે છે.

નોંધ: આ માહિતિ સંપાદન કરવામાં હસમુખ આર મેવાડા – ભીલવાડા(રાજસ્થાન), ભરત આર સુથાર – (ઉદેપુર ) ઊઝા તથા અમદાવાદના શ્રી ભાલચંદભાઇ મિસ્ત્રી તથા વંઇવંચાના ચોપડાનો આધાર લેવામાં આવેલ છે.

[ આભાર સહ શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત) ]