જનરલ માહિતી

સ્વચ્છતાને લોક કાર્યક્રમ બનાવો.

(શ્રી શિવદાન ગઢવી લિખિત પુસ્તક “ગ્રામધરાના ટહુકા” પુસ્તક માંથી પ્રસ્તુત લેખ સાભાર લખવામાં આવ્યો છે.પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.)

અંબાજી માતાજીનું મંદિર અહર્નિષ યાત્રાળુઓથી ધબકતું રહે છે. લોકો કંઈ કેટલીયે આશાઓ ઉરમાં ભરીને શ્રદ્રા સાથે અહીં નમણું કરે છે. શ્રદ્રાના આસને બિરાજતાં માતાજી સમક્ષ કોઈ સોનું, ચાંદી, રૂપિયા મૂકે છે અને આત્મસંતોષની અભિવ્યક્તિ થતી જોવામાં આવે છે. શ્રદ્રાના કોઈ સીમાડા નથી. કોઈ ધંધાની સફળતા માટે તો કોઈ પુત્રપ્રાપ્તિની વાંચ્છના માટે મનોમન માનતા પૂરી કરવા આવતા હોય છે. લોકજીવનના આ પ્રવાહોમાં શ્રદ્રા અને ઉમંગ એવા તો ઓતપ્રોત બનેલાં હોય છે કે, એને જુદાં પાડી શકાય નહી.” અંબાજી માના તે વખતના વહીવટદાર દિલીપભાઈએ વાત કરીને પછી થોડું અટકીને આગળ ચલાવ્યું. “ઇસ. ૨૦૦૬ નો એપ્રિલ મહિનો ચાલતો હતો એવો અંદાજ છે. હું મંદિરની વ્યવસ્થા અને તે અંગેના પ્રોજેક્ટની સમીક્ષા કરી રહ્યો હતો ત્યાં સમાચાર મળ્યા કે , જાણીતા સંત સચ્ચિદાનંદજી મંદિરના દર્શનાર્થે આવે છે. સ્વામી સચ્ચિદાનંદજી માનવ સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્રાઓ અળગી કરી સમાજમાં વૈજ્ઞાનિક  દ્રષ્ટિ કેળવવા, ધર્મ માટે તેમનો વિશિષ્ટ અભિગમ જાણીતો છે. તેમના એ અભિગમ તરફ લોકજીવનનો પ્રવાહ વળે, માનવ સમાજ સુખની કેડી કંડારતો થાય તેવા ઉન્નત પ્રયત્નો કરી રહ્યા છે. જે કારણે સમાજ માટે એક નવી દિશાનાં દ્વાર ખુલ્લાં થયાં છે. તેઓની કલમ અને કહેણી નોખાં તરી આવે છે.” સમાચાર મળતા હું મંદિર તરફ ગયો. સ્વામીજી અને તેમની સાથેના માણસોએ માતાજીના દર્શન કર્યા. કેટલીક માહિતી પણ મેળવી તે પછી તેમણે મંદિરના પરિસર અને ચોતરફ દ્રષ્ટિ કરીને કહ્યું, લોકોને ઉપયોગમાં આવે તેવું દાન કરવાનો અમારો વિચાર છે, પરંતુ એ માટે જગ્યા જોઈએ છે, સ્વાભાવિક રીતે અમારી વિચારધારા મંદિર ઉપયોગી કાર્ય તરફ દોડે.

દાન કરવા માટે આ પરિસરમાં આપ કંઈ સૂચન કરો કે, ઇચ્છા ધરાવો તે મુજબ કરી શકાય. રોકડ દાન-ફાળો પાવતી આપીને સ્વીકારવામાં આવે છે. અમારી ધારણા પ્રમાણે અમે સ્પષ્ટતા કરી. ‘અમારે પાંચેક લાખ રૂપિયાનું દાન કરી અહીં દર્શનાર્થે આવતાં લોકો માટે શૌચાલય સંકુલ બનાવવું છે. ઉપરના ભાગે થોડો સમય આરામ મળે અને નીચે શૌચાલય-મુતરડીની વ્યવસ્થા થાય તેવું કરવું છે.’ ભગવાં વસ્ત્રો, માથે ટોપી પણ ભગવી ધારણ કરેલ સ્વામીજીએ અમારી સામે દ્રષ્ટિ કરીને કહ્યું. તેમની સાથે આવેલ વ્યક્તિ પણ ત્યાં હાજર હતી. તેમની સાથે કેટલીક વાતો કર્યા પછી મંદિરના પરિસર બહાર, ગામમાં અમે સહુ આવા સંકુલ માટે જગ્યા જોવા ગયા. વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘આપણે ત્યાં વધારેમાં વધારે માનવ ઉપયોગી કોઈ કાર્ય હોય તો તે શૌચાલય, મુતરડી અને સ્વચ્છતાનું છે. સમાજના અગ્રણીઓએ એ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત થાય તેમ કર્યા વિના છૂટકો નથી.’

મારી સામે આપણાં પ્રાચીન ગામડાં,ઋષિ આશ્રમો તરવરવા લાગ્યાં. દી’ ઊગ્યા પહેલાં તો લોકોના ઘરનાં આંગણાં મહેંક મહેંક થતાં, આશ્રમો ખીલતી વ્રુક્ષરાજીએ હરખાઈ ઊઠતા. એ બધું તો જાણે ભૂતકાળ બની ગયું છે. ગંદકી જાણે આપણને કોઠે પડી ગઈ હોય તેવું લાગે છે !

દિલીપભાઈએ એક બિજું ચિત્ર ખડું કર્યું. ‘ભારતનો માનવી અમેરિકામાં રહે છે તેમ છતાં પોતાના દેશ પ્રત્યે જે માટે વધારે ચિંતિત છે તેનો રણકાર તેમાંથી સંભળાય છે. ભગવાનદાસ પટેલ અને તેમનાં પત્નિ મંગુબેને નાસા સંસ્થા દ્વારા અંબાજી માતાના દર્શનાર્થે આવતાં લોકો માટે શૌચાલય ઊભાં કરવા રૂપિયા ઓગણીસ લાખનું દાન કર્યું છે. ભારતના લોકોના આરોગ્ય તેમજ સ્વચ્છતા માટે તેમનામાં રહેલી ભાવનાનો અહેસાસ એમાં મૂર્તિમંત થાય છે.

આવી વ્યક્તિઓ પ્રત્યે આપણને અહોભાવ થાય, પરંતુ આપણા લોકો આવાં શોચાલયો, બાથરૂમનો યોગ્ય રીતે ઉપયોગ ન કરે અને સ્વચ્છતા ન જાળવે ત્યારે આપણા મસ્તક શરમથી ઝૂકી જાય છે.

મારી સ્મૃતિ પરદેશના પ્રવાસમાં ફરવા લાગી. ઇટાલીમાં અમો ગયા ત્યારે ત્યાં ગમે તે સ્થળે પેશાબ પણ કરી શકાતો નથી. આપણે તો રેલ્વે, બસ વગેરેને એટલાં ગંદાં કરીએ છીએ કે, આપણે તેમાંથી ઉતર્યા પછી બીજાને બેસવાનું મન ન થાય. યુરોપના પ્રવાસ વખતે અમે એક કોચમાં મુસાફરી કરતા હતા. તેમાં ગુજરાતીઓ વધુ હતા. ચાલતા વાહને એમણે નાસ્તાના પેકેટો ખોલવાનાં શરૂ કર્યા. જે કાગળમાં નાસ્તો લાવેલા તેના ડૂચા કોચમાં જ નાખ્યા. કેટલોક નાસ્તો પણ ત્યાં પડ્યો. રસ્તામાં એક જગ્યા એ વાહન ઊભું રહ્યું. કોચનો ડ્રાઈવર જ તેનો માલિક હતો. અંદર આ બધું જોતાં જ એના મુખના ભાવો બદલાણા. એણે એટલી બધી નારાજગી સાથે કહ્યું કે, ‘તમે જેમાં બેઠા છો તે મારું ‘ઘર’ છે. તમારું ઘર કોઈ આ રીતે બગાડે તો તમને કેવું લાગે ? તમારે આ કચરો સાફ કરવો પડશે અને હવે પછી તમારે આ રીતે ગંદકી કરવી હોય તો બીજું વાહન શોધી લેજો. હું તમારી સાથે આવી શકીશ નહી.’ તેણે સ્પષ્ટ રીતે કહ્યું, ‘કચરો પાડનારના મોં સીવાઈ ગયાં અને કોચને સાફસૂફ કર્યા બાદ જ મામલો થાળે પડ્યો.’

દિલિપભાઈએ અને સ્વામીજીએ જગ્યા જોઈ. આ જગ્યા સરકારી હોવાથી તે પછી કેટલી પ્રગતિ થઈ તેનો ખ્યાલ નથી, પરંતુ સ્વામીજીએ જણાવેલું કે, આપણે ત્યાં આવાં શૌચાલય સંકુલો ઉભાં કરવાની ભારે અગત્ય છે.

રાજ્ય સરકારે પોતાની નેમ તો જાહેર કરી છે કે, સ્વચ્છ ગામડાં બનાવવાં છે. આ માટે દરેક ગ્રામ વ્યક્તિના દિલમાં દીવો પ્રગટે તો જ આ કાર્યની સિધ્ધિ હાંસલ થાય. સરકારને ગામડાંના લોકોનો ઉષ્માભર્યો સહકાર જ ન મળે તો તે શું કરી શકે ?

કેવળ સેવાભાવી સંસ્થાઓ નહીં, પરંતુ આપણી ગ્રામ પંચાયતો, યુવક મંડળો, મહિલા મંડળો. ખેડૂતમંડળો, સહકારી મંડળીઓ સહુ તેમાં સામેલ થાય અને રોજનો જમવા માટે જે ક્રમ છે તેવો જ ક્રમ સફાઈ માટેનો થાય તો સિધ્ધિ અવશ્ય હાંસલ થાય.

પંચાયતોમાં કેટકેટલા પ્રતિનિધિઓ છે ! ગ્રામ-તાલુકા-જિલ્લા પંચાયતના સ્થળોએ આ કામ હોંશથી ઉપાડવાનો સમય પાકી ગયો છે. કોઈ કહેવા આવે તે કામ કરીએ એવી રાહ આ માટે જોવાની જરૂર નથી. આ કાર્ય કોઈ પક્ષનું નથી. સમાજજીવનને હર્યુભર્યુ બનાવવાનું રાષ્ટ્રીય કાર્ય છે એનાં દુંદુભી ક્યારે વગાડીશું ?

(પુસ્તક પ્રાપ્તિની વિગત :- ડિવાઈન પબ્લિકેશન્સ, ૩૦, ત્રીજે માળ, ક્રુષ્ણ કોમ્પ્લેક્ષ, જૂનું મોડલ સિનેમા, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧, કિમંત- રૂ.૬૫/-)