જનરલ માહિતી

ગ્રામ્યવિકાસ માટે દ્રષ્ટિ અને વિચાર પરિવર્તન જરૂરી.

ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ સર્જ્નાત્મક પ્રવ્રુત્તિઓનો સતત અભાવ સાલી રહ્યો છે. સમય ઘણો છે લોકો પાસે, પ્રવ્રુત્તિઓ પણ પુષ્કળ થાય છે. ધન અને સમય નો વ્યય પણ ખૂબ થાય છે. પરંતુ અંતે કેમ જાણે એમ લાગે છે કે કાફલો ખોટા રસ્તે જઈ રહ્યો છે. થવા જેવા કાર્યો પાછળ સમય,ધન,સમજણ અને એકતાનો શૂન્યાવકાસ છે,જ્યારે અર્થહિન ધાર્મિક ક્રિયાકાંડો,વિધિઓ,સામાજિક અને રાજકીય સમારંભો, , ચૂંટણીઓ પાછળ આખો સમાજ ઘેટાવ્રુત્તિ થી દોરવાઈ રહ્યો છે,જે પોતાની અમૂલ્ય સંપત્તિ અને સમયનો વેડફાટ કરી રહ્યો છે અને વિકાસના ફળોથી આટલા વર્ષો બાદ પણ વંચિત રહી ગયો હોય એમ લાગી રહ્યું છે. ઇતિહાસ સાક્ષી છે કે આપણા ધાર્મિક સ્થાનોમાં પુષ્કળ ધનદોલતોનો ખજાનો હતો અને આજે પણ છે. કોઈને ખબર નથી કે આ ધનદોલતોનું શું થયું કે શું થાય છે. કાં તો આક્રમણખોરો લૂંટી ગયા અથવા તો તેમાં વધારો થતો રહે છે. એક ગામમાં અનેક મંદિરો બંધાય, ધાર્મિક આસ્થાથી ફંડફાળા મળે, વર્ષોવર્ષ સમયાંતરે પ્રતિષ્ઠાઓ, યજ્ઞો  ચાલ્યા કરે, લોકોને પૂછીએ કે ગામમાં કેટલા અને કયા કયા દેવ-દેવીઓના મંદિરો આવેલા છે ? આ મંદિરોનો ઇતિહાસ શું છે ? ગામમાં ૫ કે ૧૦ મંદિરો આવેલા છે તો નવું મંદિર બંધાવવાનું પ્રયોજન શું ?  લગભગ મોટાભાગના લોકોને આ વિશે પુરતી કોઈ માહિતી હોતી નથી. ગામમાં કેટલા મંદિરો છે ? અને આ મંદિરોમાં નિયમિત દર્શનાર્થે ગામની કુલ આબાદી માંથી કેટલા ટકા લોકો નિયમિત પૂજા-અર્ચના માટે જાય છે ? વર્ષ દરમિયાન આ મંદિરની જાળવણી અને નિભાવ કેવો થાય છે ? મંદિરના પટાંગણ માં કેવી કેવી કેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે ? કોઈને પણ આ બાબતનો વિચાર આવતો નથી બસ વિધી કરો અને પુણ્ય કમાઓ અને ભૂલી જાઓ. કોઈને એવો વિચાર આવતો નથી કે અંતે આપણે શાના માટે નિતનવિન મંદિરો બંધાવીએ છીએ,શાના માટે પ્રતિષ્ઠાઓ,યજ્ઞો  અને અન્ય ધાર્મિક ક્રિયાકાંડો પાછળ આટલુ ધન અને માનવ કલાકો વાપરીએ છે ? કહેવાનો મતલબ એવો નથી એક આપણે નાસ્તિક બની જવું જોઈએ. દરેક ગામમાં અવશ્ય એક શ્રધ્ધાના પ્રતિક સમાન દેવ-દેવીનું ભવ્ય મંદિર હોવું જોઈએ જ્યાં સમગ્ર ગામ લોકો પોતાની શ્રધ્ધા ધરાવતા હોય,જે મંદિરમાં દેવ-દેવીની નિયમિત પૂજા અર્ચના થતી હોય,ગામ લોકો નિયમિત દર્શનાર્થે જતા હોય,મંદિર માં વાર તહેવારે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું હોય, સ્વચ્છતા જળવાતી હોય ત્યાં સુધી બરાબર છે પણ જ્યારે અનેક આવા સ્થાનો ઉભા કરી અને તે માત્ર ક્રિયાકાંડો પુરતા સીમીત બની રહે અને લોકોના જીવનમાં, આચાર વિચારમાં રહેણીકરેણીમાં, સુગસગવડોમાં જીવનશૈલીમાં, ક્વોલીટી ઓફ લાઈફમાં કોઈ પરિવર્તન ના આવે ત્યારે તેનો કોઈ અર્થ સરતો નથી.

આ જ રીતે બિનજરૂરી સામાજિક ખર્ચાઓ, મેળાવડાઓ, ખાણી-પીણી,ચૂટંણીઓ પાછળ વર્ષો વર્ષ અઢળક નાણું વપરાય છે. કહેવાનો મતલબ એ છે આવશ્યક્તા પુરતા અને યોગ્ય પ્રસંગોપાત થતા ખર્ચા થાય એ બરાબર છે પણ સાથે સાથે અન્ય દિશામાં લોકો વિચારતા થાય અને વિકાસીય કાર્યો પાછળ પણ પોતાના નાણા અને સમય વાપરે તો કદાચ ગામડાઓમાં વિકાસની એક નવી દિશા ખુલી શકે.આટલી પૂર્વભૂમિકા આપવા પાછળનો ઉદ્દેશ એવો નથી કે બધી ધાર્મિક ક્રિયાઓ અને સામજિક પ્રસંગોએ થતા ખર્ચા ખોટા છે પણ માત્ર આ પ્રવ્રુત્તિઓ પાછળ વધુ પ્રમાણમાં ખર્ચવામાં આવતું નાણું અને માનવ કલાકો માંથી માત્ર અમુક ટકા જો અન્ય વિકાસીય પ્રવ્રુત્તિઓ પાછળ ખર્ચવામાં આવે તો કદાચ ગામડાઓ ખરા અર્થમાં વિકસીત બની શકે.

ગામમાં યોગ્ય નેતૃત્વ  હોય  અને લોકો વચ્ચે એકતા હોય તો પરિસ્થિતિ બદલાઈ શકે છે.તો આવો આપણે જાણીએ કે ઉપરોક્ત જણાવેલ પ્રવ્રુત્તિઓ ભલે થાય પણ સાથે સાથે નીચે જણાવેલ પ્રવ્રુતિઓ માટે પણ ધન અને માનવકલાકો ખર્ચાય તો દરેક ગામ ખરા અર્થમાં નંદનવન બની શકે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

– ગામમાં સમરસ ગ્રામ પંચાયતની રચના થાય.

– કોઈ પણ સહકારી સંસ્થાઓ માટે ચૂંટણીઓ યોજવી ના પડે.

– પાણીજન્ય રોગોથી ગામ લોકો બચી શકે તે માટે ગામમાં મિનરલ વોટર પ્લાન્ટ શરૂ થઈ શકે,જેથી લોકોને શુધ્ધ અને પુરતું પાણી મળી શકે.

– ગામ લોકોને પુરતું પાણી મળી રહે તે માટે નવીન બોરવેલ બનાવી શકાય.

– ગામની દરેક શેરી-ગલીમાં આરસીસીના પાકા રસ્તા બનાવી શકાય.

– અંડર ગ્રાઉન્ડ ગટર લાઈનની વ્યવસ્થા થઈ શકે.

– દરેક ઘરમાં પંચાયત દ્વાર ડસ્ટબિન આપી શકાય જેમાં સંગ્રહકરેલ કચરાને પંચાયતના ટ્રેકટર ડોર ટુ ડોર જઈ કચરો ઉઘરાવે અને આ કચરાનો યોગ્ય નિકાલ કરે.

– ગામના દરેક મુખ્ય માર્ગો ઉપર તેમજ ધાર્મિક અને જાહેર સ્થળોએ સોલાર લાઈટની વ્યવસ્થા થઈ શકે.

– સુરક્ષા માટે ગામમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા થઈ શકે.

– એક સુંદર AC ની સગવડ સાથેનો ગામનો કોમ્યુનીટી હોલ બની શકે,જેમાં ગામના વિવિધ જાહેર કાર્યક્રમોનું આયોજન કરવાની સગવડ ઉપલ્બ્ધ બને.

– ગામના દરેક ઘરમાં શૌચાલયની વ્યવસ્થા થઈ શકે.

– ગામના પાદરે વ્રુધ્ધજનોને બેસવા માટે રંગબેરંગી ફુવારા સાથે સવાર-સાંજ બેસવાની વ્યવસ્થા થઈ શકે.

– આરોગ્ય જાગ્રુત્તિના કાર્યક્રમો યોજવા જોઈએ.

– ગામનું આકર્ષક પ્રવેશદ્વાર બનાવી શકાય.

– ગામમાં યોગ્ય જગ્યાએ વર્ષોવર્ષ વ્રુક્ષા-રોપણ કાર્યક્રમનું આયોજન થવું જોઈએ.

– યોગ્ય સગવડો વાળુ રમત-ગમતનું મેદાન બની શકે.

  ઉકરડા માટે ગામ બહાર અલગ જગ્યા બની શકે.

– ગામમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નાની હોસ્પિટલ જેવું પીયુસી સેંટર બની શકે.

– દીકરા-દીકરીના લગ્ન ઉકેલી શકાય તે માટે ગામમાં મેરેજ હોલનું નિર્માણ થઈ શકે.

– અભ્યાસ માટે આધુનિક લાઈબ્રેરીનું નિર્માણ કરી શકાય.

– સાર્વજનિક કોમ્પ્યુટર લેબ બનાવી શકાય.

– વિવિધ વિષયોના ટ્રેનિંગ સેન્ટરનું નિર્માણ થઈ શકે.

-જળ સંચય જાગ્રુત્તિ અભિયાન દ્વાર પાણી સંગ્રહવાના અને બચાવવાના વિવિધ ઉપાયો કરી શકાય.

– ગામમાં આવેલ અંતિમધામને સુધારી સ્વર્ગસ્થના આત્માને શાંતિ મળે તેવું અનેક સગવડો દ્વારા સ્વર્ગ જેવું બનાવી શકાય.

– ગામમાં સમયાંતરે ગામના વિધ્યાર્થીઓ માટે કારકીર્દી માર્ગદર્શન કેમ્પનું આયોજન કરી શકાય.

– વિવિધ વિષયો ના નિષ્ણાત વક્તાઓને બોલાવી વ્યાખ્યાન માળાઓનું આયોજન થઈ શકે.

– સરકારની વિવિધ યોજનાની માહિતી લોકોને મળે તેવા પ્રયાસો થઈ શકે.

– દર વર્ષે વિવિધ કેમ્પોનું આયોજન થઈ શકે.

– ગામના લોકોનો નિયમિત પ્રવાસ ગોઠવાય તેવું આયોજન કરવું જોઈએ.

– ખેતીવાડીમાં આવતી નવીન ટેકનોલોજીનો અમલ ગામના લોકો કરતા થાય તેવું આયોજન થઈ શકે.

          અબોલ પશુ-પક્ષીઓ માટે પીવાના પાણીની અને ખોરાકની વ્યવસ્થા થઈ શકે.

 

આવા તો નાના નાના અનેક વિકાસીય કાર્યો ગામ લોકોના સહકારથી સંપન્ન થઈ શકે જો થોડી દ્રષ્ટી અને દિશા બદલાય અને એકતાની ભાવના આવે તો……

– નિતિન પટેલ (વડગામ)