જનરલ માહિતી

જાગીરદારની ઓળખ – હિદાયતુલ્લાખાન આઈ. બિહારી

[પ્રસ્તુત લેખ શ્રી તાલેમહંમદખાન સિલ્વર જ્યુબિલી જાગીરદાર એજ્યુકેશન ટ્રસ્ટ,પાલનપુર-ત્રિવેણી મહોત્સવ-જૂન ૨૦૦૯ ના સફર સ્મૃતિકા અંકમાં વડગામ તાલુકાના નગાણા ગામના વતની માનનિય હિદાયતુલ્લાખાન આઈ. બિહારી દ્વારા લખવામાં આવ્યો હતો જે સાભાર વડગામ વેબસાઈટ ઉપર મુકવામાં આવ્યો છે.]

 

અત્યારના સામાન્ય જન માનસને કાને ‘જાગીરદાર’ કે ‘ઠાકુર’ શબ્દ પડતાં જ તેની નજર સમક્ષ એક ચોક્કસ પ્રકારની આકૃતિ ખડી થતી હોય છે જેવી કે વાંકડિયાવાળી મૂંછો, પડછંદ કાયા, સત્તાવાહી મારકણી આંખો, ખભે બંદૂક લટકાવી, ઘોડે સવાર થઈ રૂઆબભેર ફરતો લોકો ઉપર રોફ જમાવતો ધમંડી વ્યક્તિ. જેનાથી ગામના લોકો ભયના માર્યા ફફડતા હોય સામાન્ય રીતે ‘જાગીરદાર કે ‘ઠાકુર’ વિષે લોક માનસમાં આવો ખ્યાલ બંધાયેલો હોય છે. આ બાબતે આપણા ચલચિત્રો (ફિલ્મ જગત) મોટાભાગે કારણભૂત છે. આપણી ફિલ્મોમાં જાગીરદારો, ઠાકુરોને લગભગ આવાજ દર્શાવવામાં આવે છે. એટલેજ લોકોમાં જાગીરદાર ઠાકુર માટે આવી માન્યતા ઘર કરે તે સ્વાભાવિક છે. તો શું? જાગીરદાર કે ઠાકુર ખરેખર આવા જ હતા ?

આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે પ્રથમ આપણે જાગીરદાર એટલે શું? કોણ ? ઠાકુર એટલે શું ? કોણ ? વગેરે પ્રશ્નો વિશે  વિશેષ જાણકારી મેળવવી પડશે.

જાગીરદાર એટલે રાજ તરફ થી કોઈ ખાસ સેવાના બદલામાં, કે રાજાના ભાયાત હોવાના લીધે, કે કોઈ અન્ય કારણે રાજ તરફથી બક્ષિસ તરીકે મળેલ જાગીર. આ રીતે રાજ તરફથી મળેલ જાગીર અને તેના હક્કો ભોગવનાર – ધરાવનાર વ્યક્તિ કે તેના વારસદારને જાગીરદાર તરીકે ઓળખવામાં આવે છે. જાગીરદારોને  જાગીરના વહીવટ માટે રાજ તરફથી કેટલીક સત્તાઓ આપવામાં આવતી હતી. જેથી જાગીરદારોને(ઠકરાઈ કરનાર) ‘ઠાકુર’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. આ રીતે જાગીરદારોને લોકો ગુજરાતીમાં ‘ઠાકોર સાહેબ’ અને હિન્દીમાં ‘ઠાકુર સાહબ’ તરીકે સંબોધન કરતા.

‘જાગીરદારી અને જાગીર કેવી રીતે પ્રાપ્ત થયાં….”

કોઈ એક વ્યક્તિએ કોઈ એવું કામ કર્યુ કે રાજા કે રાજ્ય માટે તે ખૂબજ મહત્વનું હોય. જેનાથી રાજાનો જીવ બચ્યો કે રાજની સલામતીમાં વધારો થયો હોય કે રાજનું જોખમ ટળ્યું હોય ત્યારે રાજ્ય કે રાજા તરફથી તેની સેવાના કદરરૂપે તેવી વ્યક્તિને ઇનામરૂપે કોઈ ગામ કે કેટલાક ગામો આપવામાં આવતા જેને જાગીર કહેવામાં આવતી આ જાગીર સામાન્ય રીતે વારસાઈ હક્ક સાથે આપવામાં આવતી જેથી જાગીરદારોના વારસામાં પણ જાગીરી હક્ક ચાલુ રહેતો કોઈ ખાસ કારણ કે પરિસ્થિતિ બને તો જ રાજા જાગીર ખાલસા કરવાનો હક્ક ધરાવતા.

આજ રીતે રાજાના ખાસ દરબારીઓ અને રાજાના નજીકના સગા સબંધી કે જેમને ભાયાત કહેતા તેમને પણ રાજા તરફથી આજ રીતની જાગીર આપવામાં આવતી જેથી દરબારી તરીકેનું તેમનું ઉચ્ચજીવન ધોરણ જળવાતું અને રાજ્યને જરૂર પડે ત્યારે તેમની સેવા લઈ શકાતી.

એક અન્ય પ્રકાર કે જે દાનમાં મળેલ જાગીર નો હતો. ખાસ કરીને કલા સાહિત્ય, કવિતાના કદરરૂપે ભાટ, ચારણ(બારોટ) ને જાગીરો આપવામાં આવી છે. વળી ધાર્મિક સ્થળો-મંદિરો, મઠ જેવી સંસ્થાઓના નિભાવ માટે જાગીર આપવામાં આવતી. જાગીરની આવતી આવક ઉપર તે સંસ્થાઓનો નિભાવ થતો હતો.

વળી ‘પટાવત’ પણ ‘જાગીરદાર’ નો પર્યાયી શબ્દ છે. પટો કે જેને અંગ્રેજીમાં ‘લીઝ’ કહે છે કે જે ચોક્કસ સમય મર્યાદાનો અથવા હંમેશના માટે કોઈ ગામ અથવા ગામના સમૂહને પટો આપવામાં આવતો એટલે કે તેઓ જાગીરદારને ‘પટાવત’ પણ કહેતા.

તેજ રીતે રાજ્યવહીવટની સુગમતા (સુવ્યવસ્થા) જાળવવા માટે કેટલાક ગામકે ગામના સમૂહને કોઈ સક્ષમ વ્યક્તિને જાગીર તરીકે આપવામાં આવતી. આમ આ રીતે જાગીરદારોને જાગીર પ્રાપ્ત થઈ હતી.

જાગીરદાર પોતાની જાગીરમાં થતી ખેતીની ઉપજ કે અન્ય પેદાશો ઉપર કર સ્વરૂપે (ચોથો ભાગ) વર્ષ દરમ્યાન ઉધરાવવાની સત્તા-હક્ક આપવામાં આવ્યો હતો. જેને ‘વજે’ તરીકે પણ ઓળખતા.

હું માનું છું કે હવે આપણે જાગીરદાર, જાગીર, ઠાકુર, પટાવત વગેરેને બરાબર-સ્પષ્ટ સમજી શક્યા છીએ. હાલની સરકાર લશ્કરના નિવૃત્ત અધિકારીઓને અને સૈનિકોને આવી રીતે જમીન આપે છે કે જે તેમની સેવાના બદલામાં કદરરૂપે આપેલી હોય છે.

હવે રહી વાત લોક માનસમાં જાગીરદાર,ઠાકુરના વિશે પ્રવર્તતી ગેરસમજની કે તેઓ ક્રુર, દમનકારી(પ્રથમ ફકરામાં દર્શાવ્યા મુજબ) જ હોય. તો તે બિલકૂલ પાયા વગરની વાત છે. તેઓ પણ એક માનવ છે. વળી એવા માનવ કે જેમણે સમાજ-રાજ્યના કરેલ ઉન્નત ઉપયોગી કાર્યના કદરરૂપે સમાજની સર્વોચ્ય સંસ્થા એટલે કે (રાજા) એ તેને ઇનામ સ્વરૂપે જાગીર આપવામાં આવી છે. આવા રાજ દરબારના સભ્ય હોવાને નાતે સામાન્ય માણસ પણ વિચારી શકે કે જાગીરદાર રાજ્યની ભલાઈ માટે વિચાર કરવા વાળો, વફાદાર, બહાદુર અને ઉચ્ચ સંસ્કાર વાળો જ વ્યક્તિ હોઈ શકે. આટલુ મોટું ઇનામ ઇનામ-જાગીર તેની યોગ્ય પાત્રતા હોય તો જ પ્રાપ્ત કરી શકે. તો ત્યાં પણ આ વાત તર્ક સાધ્ય નથી કે જાગીરદાર ક્રૂર, બેરહમ કે ઘાતકી હોય.

હા અપવાદરૂપ કિસ્સામાં જાગીરદારના વારસદારોમાંથી કદાચ કોઈ એક સભ્ય, ક્રૂર હોઈ શકે. પરંતુ તેથી બધા જ એવા પ્રકારના હોવાનું અનુમાન ન બાંધી શકાય. અપવાદ તો સૃષ્ટિમાં દરેજ જગ્યાએ જોવા મળે છે. તો અહીં પણ હોઈ શકે છે.

પરંતુ જેમના વડવાઓ ભલા, કોઈના માટે પોતાનું જીવન જોખમમાં મૂકવાવાળા, રાજ્યનું ભલું વિચારવાવાળા, પ્રજા વત્સલ હોય તો તેમની ઓલાદ (વારસદારો) માં તેમના જ સંસ્કાર આવે તે સ્વાભાવિક છે. આવા ઉચ્ચ ખાનદાન, સંસ્કારી, કુટુંબની છત્ર છાયામાં ઉછેર થયેલ વ્યક્તિ ઉચ્ચ સંસ્કારવાળો હોઈ શકે. ક્રૂર ધમંડી, બેરહેમ કેવી રીતે હોઈ શકે?

હાલમાં આપણે ‘જાગીરદાર’ વિષય પર વાત કરીએ છીએ. તે જાગીરદારો પાલનપુર નવાબી સ્ટેટના નવાબ સાહેબના ભાયાત કે દરબારી છે.

મારો જન્મ અને ઉછેર પણ આવાજ પાલનપુર સ્ટેટના ભૂતપૂર્વ જાગીરદાર પરિવારમાં થયો છે. મારા દાદા પાલનપુર સ્ટેટના જાગીરદાર હતા. ૧૯૪૭ માં આઝાદી મળતાં જાગીરો મર્જર થઈ. મારો જન્મ સ્વતંત્ર ભારતમાં થયેલ છે. એટલે તે સમયે જાગીરદારપણાનો એજ તાજો ભૂતકાળ હતો અને જો ભૂતકાળ આવો ગૌરવપ્રદ હોય તો તે વર્તમાન જેટલો જ તાજો અનુભવાય છે.

મેં તે સમયને નહી, પણ તે સમયના જાગીરદારોને જોયા છે. તેમની વાતો સાંભળી છે. તેમની વચ્ચે સમય પસાર કર્યો છે. તેમને અનુભવ્યા છે. માણ્યા છે. તેઓ સાદાઈ, કરકસરયુક્ત જીવન જીવતા હોવા છતાં સખાવત (દાન) મહેમાનનવાજી તો તેઓની જ ભલા, સંતોષી, નિખાલસ હર્દયવાળા, ગમ્મતી-મનમોજી સ્વભાવવાળા સીધા સાદા તેઓ હતા.

જાગીરદારો અને ગામલોકો પરસ્પર એક કૌટુંબિક ભાવનાથી રહેતા. તેમના અને ગામલોકોના સારા-માઠા પ્રસંગોએ એક જ પરિવારના સભ્યોની જેમ સદ્દવ્યહવાર રાખતા પોતે મુસલમાન અને પ્રજા હિન્દુ પણ ધર્મના કોઈ ભેદભાવ કે વૈમનસ્ય મેં કદાપી જોયા નથી. ધાર્મિક તહેવારો હળીમળીને ઉજવતા.

જાગીરી ગામડાઓમાં આવા કેટલાય ધાર્મિક સહિષ્ણુતા અને ભાઈચારાની વાતોએ ઉજાગર કરે તેવા કિસ્સા ગામડે ગામડે વેરાયેલા, ધરબાયેલા પડ્યા છે. સરસ્વતી નદી ના બંને કાંઠે આવેલ જાગીરી ગામડાઓમાં ભાઈચારાની એક આગવી ભાતિગળ સંસ્કૃતિ વિકસાવવામાં આ જાગીરદારોની મહત્વની ભૂમિકા રહેલી છે. અને હા માત્ર જાગીરદાળો જ માયાળુ હતા તેમ કહું તે અનુચિત છે. ગામડાઓની પ્રજા પણ ભલી, ભોળી, પ્રેમાળ અને ધર્મસહિષ્ણુ હતી. જાગીરદારોને પોતાના ગણતી હતી. મારી વાત કરું તો મારાથી બે ગણી ઉંમરના વડીલ ગ્રામજનો મને જ્યારે મારા પરિવાર તરફ આદરના કારણે ‘કેમ છો ઠાકોર સાહેબ’ કહેતા- સંબોધનો સાંભળ્યા છે. અને અત્યારે પણ નૂતન વર્ષના દિવસની સાંજે ગ્રામજનો સમૂહમાં અમને મળવા માટે આવે અને કચેરીએ બેસી પરસ્પર પ્રેમથી મળે (નવા વર્ષના જવાર) નૂતનવર્ષાભિનંદન પાઠવે, ચા-પાણી કરે, આ પ્રસંગને ‘ઝાયણીનું રાવણું’ કહેતા. જાગીર તો ૧૯૪૮માં ભારત સંઘમાં વિલિન થઈ ગઈ પણ આ પ્રેમ-આદર આજ પણ અમારા મનને ગદગદિત કરી નાખે છે.

પાલનપુર સ્ટેટના જાગીરદારોએ કદી પણ સત્તા, દમન કે સખ્તાઈનો વર્તાવ પ્રજા સાથે કર્યો નથી. પરંતુ ભાઈચારા, પ્રેમ, આદરથી જાગીરદારોએ પ્રજા સાથેનો ‘પ્રેમનો સેતુ’ એટલો મજબૂત બંધાયો છે કે અત્યારે જાગીરો ગઈ, કેટલાય દાયકાઓ પસાર થયા તેમ છતાં પ્રેમનો સેતુ તે જ રીતે અડીખમ છે. જો કુટિલ-ગંદુ રાજકારણ તેને અભડાવશે નહી તો દુનિયાની કોઈ તાકાત તેને તોડી શકે તેમ નથી. આજે પણ આ પ્રેમનો પ્રવાહ તેવો જ વહે છે અને વહેતો રહેશે.

બંને બાજુથી એ પ્રેમ-આદરની અહોભાવની સરિતા ઇ.સ.૧૯૪૮ પછી પણ તે જ રીતે આ ગામડાઓમાં વત્તા ઓછા પ્રમાણમાં વહેતી જોવા મળે છે. જાગીરી ગયે આટલા વરસો વિત્યા છતાં, ગામડાઓમાં જાગીરદારોના બે-પાંચ કુટુંબ હોવા છતાં પ્રજા પ્રેમના કારણે તેમના જ પરિવારમાંથી કેટલાક તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. ઉપરાંત બિનહરિફ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ બની પદની ગરિમા વધારી છે. જાગીરદાર સમાજને ગૌરવ અપાવ્યું છે. તે જ રીતે જાગીરદાર કુટુંબના કોઈ ને કોઈ સભ્ય બે-ત્રણ ટર્મ સુધી બિનહરીફ સરપંચ પદે રહી ચૂક્યા છે. તેમજ એક પરિવારમાંથી પતિ અને પત્નિને બિનહરિફ ડે.સરપંચ અને સરપંચ તરીકે ગ્રામજનો ના આગ્રહથી નિયુક્ત કર્યા છે. કેટલું બધું માન? એક ગામના જાગીરદારને તેમના ગામમાં ખરું પણ બાજુના ગામમાં પણ પોતાને બિનહરિફ સરપંચ પદે નિયુક્ત કરે છે. જ્યારે સત્તા પ્રાપ્તિની ભૂખ ચોમેર ડાકણની જેમ જાગી છે. ગંદા-કુટિલ રાજકારણની અસર ચોમેર ફેલાણી છે ત્યારે પ્રજા પ્રેમથી ઉમળકાભેર બિનહરીફ, આગ્રહપૂર્વક આવા હોદ્દાઓ આપે તે શું શક્ય છે? હા આ ગામડાઓમાં આ શક્ય બન્યું છે અને બની રહ્યું છે.

અંતે મારે એટલું જ કહેવાનું કે જો જાગીરદાર પરિવાર તેમના પૂર્વજોના સંસ્કાર અને ખાસિયતો પ્રમાણે રહેશે તેમજ ગામલોકો સાથે પ્રેમ, કરુણા, વાત્સલ્ય રાખશે, લોકોને જોડવાનું કામ કરશે, ભલાઈના, લોકકલ્યાણના કામોમાં અગ્રેસર રહેશે, ગંદા કુટિલ રાજકારણથી હોદ્દો કે પદ લેવાની પ્રવુત્તિથી પર રહેશે તો મને આશા છે કે ભલે જાગીરો છીનવાઈ ગઈ પરંતુ લોકોના મનના, હર્દયના જાગીરદાર બનીને રહેશે જ….ઇનશંક….

www.vadgam.com