શ્રેષ્ટ શિક્ષકનો એવોર્ડ મેળવી વડગામ તાલુકાને ગૌરવ બક્ષતા ગુરૂજનો…
પ્રખર શિક્ષણવિદ ડો. સર્વપલ્લી રાધાક્રિષ્નના જન્મદિન તા.૦૫.૦૯.૨૦૧૮ ના રોજ શિક્ષક દિન નિમિત્તે બનાસકાંઠા માંથી શિક્ષણ ક્ષેત્રે ગૌરવરૂપ ગણાય તેવી ઉત્કૃષ્ટ સેવાઓ માટે તાલુકા જિલ્લાના શ્રેષ્ટ શિક્ષક પારિતોષિક યોજના ૨૦૧૮ અંતર્ગર્ત પારિતોષિક માટે કુલ ૨૬ શ્રેષ્ઠ શિક્ષકોની યાદી તૈયારી થઈ હતી અને આ યાદીમાં વડગામ તાલુકાની તાલુકા પ્રાથમિક શાળાના (અનુપમ શાળા)ના આચાર્ય શ્રી રઘનાથભાઈ સરદારભાઈ જેગોડા અને જલોત્રા અનુપમ પે કેન્દ્ર શાળાના આચાર્ય શ્રી અંબાલાલ એમ. પ્રજાપતિની એમ બે શિક્ષકોની પસંદગી થઈ હતી જે અંતર્ગત પાલનપુર સ્થિત કાનુભાઈ મહેતા હોલમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી પરબતભાઈ પટેલની અધ્યક્ષતામાં પારિતોષિક પ્રમાણપત્ર, શાલ, બુકે અને ૫૦૦૦ રૂપિયાનો ચેક આપી સ્ન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ હોદ્દેદારો અને આમંત્રિતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રેષ્ટતાનો પુરસ્કાર જીતતા શિક્ષકો રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શાળાના નામને પણ ઉજ્જવળ કરતા હોય છે. ભણાવવું એ નોકરી નથી પણ એ તો એક પવિત્ર કામ છે અને એવું પવિત્ર કામ જે આવનારી પેઢીને દિશા આપે છે. એ જ દેશ જ આગળ વધી શકે જે દેશ પાસે સારા શિક્ષકો છે. વડગામની તાલુકા શાળાના આચાર્ય શ્રી રધનાથભાઈ જેગોડનો વડગામ.કોમ ને ખૂબ નજીક્નો પરિચય છે આ એક એવા વિશેષ ગુરૂજન છે કે જેઓ શિક્ષણ કાર્યમાં સતત પ્રવ્રુતિશીલ રહેવાની સાથે સમાજ વિકાસના કાર્યોમાં પણ એટ્લા જ અદ્દભુત સક્રિય રહે છે. વડગામ.કોમ આયોજિત મેડીકલ કેમ્પ હોય, વૃક્ષારોપણ નો કાર્યક્રમ હોય કે પછી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદરૂપ થવા માટે લોક ડાયરાનું આયોજન હોય જેગોડા સાહેબના દિલના અને શાળાના દરવાજા હંમેશા ખુલ્લા રહેતા હોય છે. એટલું જ સમાજસેવાના કાર્યમાં રજા હોય તે દિવસે પણ પોતાની સંપૂર્ણ હાજરી ની સાથે કોઈ પણ જાતના અભિમાન વગર એક સ્વંયમસેવક તરીકે કામ કરતા તેમને જોઈ શકાય છે. શાળાની શિક્ષણની સાથે શાળાની માળખાકિય સુવિધાઓ વધારવાની વાત હોય કે પછી ગરીબ બાળકોને ડ્રેસ માટેની વાત હોય સતત તેઓ આ બાબતે પ્રયત્નશીલ રહેતા હોય છે. સતત ઉત્સાહી અને નિસ્વાર્થ મદદ કરવા હંમેશા તત્પર રહેતા જેગોડા સાહેબને આ એવોર્ડ તો કદાચ નાનો પડે એવું માની શકાય…તેમના વિશે લખવા બેસીએ તો પાના ના પાના ભરાય એવું વ્યક્તિત્વ તેઓ ધરાવે છે .રાષ્ટ્રીય એવોર્ડ મેળવી શકે તેવી તમામ લાયકાત અને આવડત ધરાવનાર વડગામ તાલુકા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રધનાથભાઈ જેગોડા સાહેબને વડગામ.કોમ અભિનંદન સહ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવે છે. એ જ રીતે જલોત્રા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અંબાલાલ એમ. પ્રજાપતિને પણ શિક્ષણ ક્ષેત્ર્રે ઉત્ક્રુષ્ઠ કામગીરી બદલ વડગામ.કોમ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.