માનવતાનું ઉદાહરણ: છાપી પોલીસે વિખુટા પડેલા કિશોરનું પરિવાર સાથે મિલન
(વડગામના છાપી પોલીસ મથકના પોલીસ કર્મીઓએ વિખુટા પડેલા બાળકનું પરિવારજનો સાથે પુન: મિલન કરાવ્યું હતું.)
છાપી: વડગામ તાલુકાના છાપી પોલીસ મથકના પીએસઆઇ તેમજ સ્ટાફ શુક્રવારે નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન લીંબોઇ ગામેથી એક 8 વર્ષીય કિશોર મળી આવ્યો હતો. જેનું પરિવારજનો સાથે મીલન કરાવી માનવતાનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું. છાપી પીએસઆઇ એ.ડી.પરમાર સ્ટાફ સાથે ત્રણ દિવસ અગાઉ પેટ્રોલીંગમાં હતા ત્યારે લીંબોઇ ગામેથી એક 8 વર્ષીય બાળક મળી આવ્યો હતો. પુછપરછ કરતાં કિશોર પોતાનું નામ બંસી રાજુ એવુ બોલતો હતો.
-છાપી પોલીસે કિશોરનું માતા-પિતા સાથે મિલન કરાવતાં ભાવુક દ્રશ્યો સર્જાયા
જોકે તેને ગુજરાતી ભાષા સમજમાં આવતી ન હતી.અને પુરતુ બોલી પણ શકતો ન હતો. આથી પોલીસે નવા કપડા લાવી પહેરાવી પાલનપુર રીમાન્ડ હોમમાં મુકવામાં આવ્યો હતો. અને તેના માતા-પિતાની શોધખોળ ચાલુ રાખી હતી. દરમિયાન રાજસ્થાનના બેરા કાતરાનો આદિવાસી પરિવાર મજૂરી અર્થે વડગામ તાલુકાના પરખડી ગામે આવ્યો હોવાની જાણ થતાં તેમનો સંપર્ક કરાયો હતો. અને ભૂલો પડેલો કિશોર તેમનો હોવાનું જાણવા મળ્યું હતું. આથી છાપી પીએસઆઇ એ.ડી.પરમાર એ.એસ.આઇ માવજીભાઇ, તરૂણભાઇ, લીલાબેન,વર્ષાબેન દિનેશભાઇ સહિતના પોલીસ કર્મીઓએ ત્રણ દિવસથી વિખુટા પડેલા કિશોરને તેના માતા-પિતા સાથે પુન: મિલન કરાવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
( આભાર સહ :- દિવ્યભાસ્કર ન્યૂઝ – ૧૬.૦૬.૧૬)