વડગામ તાલુકાના નાંદોત્રામાં મેડીકલ કેમ્પ યોજાયો.
વડગામ તાલુકાના નાંદોત્રા ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તા. ૦૯.૦૧.૨૦૧૯ ના રોજ PMMYS (પ્રધાનમંત્રી માતૃ સુરક્ષા યોજના) અંતર્ગત મેડિક્લ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હ્તું. નાંદોત્રા PHC માં વડગામ તાલુકાના નાંદોત્રા આજુબાજુના કુલ ૧૮ ગામોનો સમાવેશ થાય છે. આ ૧૮ ગામોમાંથી જે સગર્ભા મહિલાઓ કે જેઓ સગર્ભા સમય દરમિયાન જોખમી તબક્કામાં હોય તેવી મહિલાઓનું FHW (Female Health Worker) અને આશા વર્કર બહેનો દ્વારા નાંદોત્રા તેમજ આજુબાજુના ૧૮ ગામોમાં સર્વે કરવામાં આવ્યું હતું અને આવી કુલ ૬૩ સર્ગભા માતાઓને નાંદોત્રા પ્રથમિક આરોગ્ય કેન્દ્ર્રમાં લાવી મેડિકલ કેમ્પ દરમિયાન ડૉક્ટર શ્રી પ્રકાશભાઈ ચૌધરી અને તેમની ટીમ દ્વારા જરૂરી તપાસ અને પ્રથમિક સારવાર આપવામાં આવી હતી તેમજ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ૬૩ પૈકી ૮ જેટલી એનીમીક માતાઓને આર્યન ઇંજેક્શન આપવામાં આવ્યા હતા અને ૪ અતિ ગંભીર સ્વાસ્થય ધરાવનાર સગર્ભા માતાઓને પાલનપુર ગાયનેકોલોજીસ્ટ પાસે રીફર કરવામાં આવી હતી.
મેડિકલ કેમ્પ દરમિયાન તમામ સગર્ભા માતાઓને શીરો અને મગનું પોષણક્ષમ ભોજન આપવામાં આવ્યું હતું તેમજ મગના પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. સરકારશ્રી દ્વારા PHC કેન્દ્રોને ગ્રાંટ ફાળવવામાં આવતી હોય છે અને આ ગ્રાંટ માંથી આ પ્રકારના આયોજનો PHC કેન્દ્રો ખાતે યોજાતા હોય છે. મેડિકલ કેમ્પ દરમિયાન તમામ તપાસ નિ:શુલ્ક કરવામાં આવે છે તેમજ વધુ સારવાર અર્થે પાલનપુર ખાનગી ગાયનેક હોસ્પિટલમાં જે સગર્ભા માતાઓને રીફર કરવામાં આવે છે તેનો ખર્ચો પણ ગ્રાંટ માંથી ચૂકવવામાં આવે છે. આમ આ મેડિકલ કેમ્પ તદ્દન નિ:શુલ્ક હોય છે જેનો મુખ્ય હેતુ માતા મરણ મૃત્યુ દર અટકે અને તંદુરસ્તી જળવાઈ રહે તે હોય છે.
નાંદોત્રા PHC દ્વારા આ મહત્વપૂર્ણસરકારી યોજનાનો અમલ કરી સરકારી ગ્રાંટનો સદ્ઉપયોગ કરવા બદલ તેમજ PHC ના ડૉક્ટર શ્રી પ્રકાશભાઈ ચૌધરી અને તેમની ટીમને મેડિકલ કેમ્પના સુંદર આયોજન બદલ વડગામ.કોમ અભિનંદન પાઠવે છે.