કાળઝાળ ગરમીમાં રાહતરૂપ થશે વડગામની પાણીની પરબ
બળબળતી બપોરે જાહેર માર્ગ ઉપર શુધ્ધ શિતળ જળનો ગ્લાસ વિના મૂલ્યે મળી જાય તો સમજાય કે એની વ્યવસ્થા કરવા વાળાએ સમજણની કેટલી ઊંચી માનસિકતા કેળવી હશે.. નર્યા સ્વાર્થ, ઈર્ષા, અદેખાઈ, દંભના વૈભવી સામ્રાજ્ય વચ્ચે જીવતા મુઠ્ઠી ઊંચેરા લોકોને સલામ કરવાનું મન થઈ જાય.
પાણી ની પ્રેરક પરબ એ અનાદુકાળથી ચાલી આવતી સેવાકીય પ્રવૃત્તિ છે એને કળિયુગના પ્રભાવમાં જાળવી રાખવાનું કાર્ય નાના મોટા પાયે થઈ રહ્યું છે એ આશ્ચાસન લઈ શકાય તેવી બાબત છે કે માનવતા છેક મરી પરવારી નથી…
તાલુકા મથક વડગામમાં છેલ્લા કેટલાક વર્ષો થી સદ્દભાવના ગ્રુપની પ્રેરણા થકી વડગામ ના નવયુવાનો દર ઉનાળામાં વડગામ બસ-સ્ટેન્ડ ઉપર પાણી ની પરબ બાંધી લગભગ ચાર મહિના સુધી સેવાકીય કાર્યમાં સહભાગી બની નોંધપાત્ર પ્રદાન આપી રહ્યા છે.
વડગામનો યુવાન ધવલભાઈ બારોટ આવા અનેક સેવાકીય કાર્યો માં લક્ષ્મી નો સદુપયોગ કરી રહ્યો છે તેનું વડગામ.કોમ સાક્ષી છે અને એનું અમને સૌ વડગામવાસીઓને ગૌરવ છે.
આ વર્ષે પણ ધવલભાઈ બારોટે ઉનાળાની ઋતુમાં વડગામ બસ-સ્ટેન્ડ ઉપર સ્વ ખર્ચે તા. ૩૧.૦૩.૨૦૧૯ ના રોજ વિનામુલ્યે પાણીની પરબ શરૂ કરી ગરમીમાં જનકલ્યાણનું પ્રશંસનીય પ્રેરક કાર્ય કર્યુ છે જ્યાંથી રાહદારી નાત-જાતનાં ભેદભાવ વગર પાણી પી શકે છે.
ચાર મહિના સુધી દૈનિક સરેરાશ ૭૦ પાણીના કેરબા નિયમિત પાણીની પરબ ઉપર ઉપલબ્ધ કરાવવા, પાણી વિતરીત કરવા પગારી માણસ રાખવો.. અન્ય ઉદ્દઘાટનના પરચુરણ ખર્ચ મળી આ પાણીની પરબ ચાર મહીના સુધી નિયમિત ચલાવવાનો ખર્ચ લાગે છે લગભગ રૂ. અઢી લાખ…
વડગામ.કોમ વારંવાર કહી ચૂક્યું છે આ પૃથ્વી ઉપર જનજીવન ટકી રહ્યુ છે તે માત્ર ને માત્ર આંગણીને વેઢે ગણી શકાય તેવા પરોપકારી ઇન્સાનોને કારણે અને એમાં શંકાને કોઈ સ્થાન નથી….
આ પ્રસંગે પાણીની પરબ નો મંડપ બાંધી આપવાનો લાભ શીવ મંડપ ડેકોરેશને લીધો હતો તો વડગામ રાજપૂત સમાજના યુવા અગ્રણી શ્રી ભરતસિંહ ગુલાબસિંહ સોલંકીએ પક્ષીઓને પીવા માટેના પાણીની 200 કુંડા વિતરીત કરી પ્રસંગ ને દિપાવવા સહભાગી બન્યા હતા.
આજના પ્રસંગે સદ્દભાવના ગ્રુપના પ્રમુખ શ્રી હરેશભાઈ ચૌધરી, વડગામ સરપંચશ્રી ભગવાનસિંહ સોલંકી, વરિષ્ઠ પત્રકાર શ્રી પુષ્કરભાઈ ગોસ્વામી સાથે અમારા વડગામ તાલુકાના અગ્રણી સૌ મિત્રો એ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવવાની સાથે આયોજકોને પ્રોત્સહિત કર્યા હતા.
વડગામ.કોમ શ્રી ધવલભાઈ બારોટ, શીવ મંડપ ડેકોરેશન, શ્રી ભરતસિંહ સોલંકી તેમજ સારા કાર્યને પ્રોત્સહિત કરવા ઉપસ્થિત રહી ઉમદા કાર્યમાં સહભાગી થવા બદલ સૌ તાલુકાવાસીઓને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.
Click Following Link to read Related Old Articles
જળ સેવા એ જ પ્રભુ સેવા…પાણીની પરબનો ઇતિહાસ.