સમરસ સમાજ રચનાનું સર્વોત્તમ ઉદાહરણ બની રહ્યો છે વડગામ પુરબિયા સમાજ.
કોઈ જ્ઞાતિ કે સમાજના સમારંભો કે કાર્યક્રમોમાં અન્ય સમાજના નાગરિકો પણ પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત હોય એટલું જ નહી આર્થિક સહયોગ પણ આપતા હોય તો મને લાગે છે કે એ સામાજિક સમરસતાની ઉત્તમોત્તમ વ્યવસ્થા છે. માન મોભા અને મર્યાદા સાથે યોજાતા આવા કાર્યક્રમો થકી સમાજ ઉજળો બનતો હોય છે.વડગામ પુરબિયા સમાજ ધીમે ઘીમે પણ મક્કમ ગતિએ પ્રગતિના પગથિયા ચઢી રહ્યો છે એનો હું છેલ્લા કેટલાક વર્ષોથી સાક્ષી છું એ કહેવામાં મને જરાયે સંકોચ નથી.. અમારા વડગામ તાલુકાનો કોઈ પણ સમાજ યોગ્ય દિશામાં સકારાત્મક પ્રયત્નો થકી સર્વ સમાજની માન મર્યાદા જાળવીને જ્યારે વિકાસની કેડી પકડે ત્યારે મને સૌથી વિશેષ આનંદ થતો હોય છે.
વ્યસનમુકતી, શિક્ષણ, ખેલકૂદ, ધાર્મિક તહેવારો ની ઉજવણી, રક્તદાન કેમ્પ જેવી વિવિધ પ્રવૃત્તિઓ થકી વડગામ પુરબિયા પરિવાર સમાજ ઉત્થાન ના રચનાત્મક પ્રયત્નો કરી રહ્યો છે જેના સાનુકુળ પરિણામો મળી રહ્યા છે.વિકાસકીય પ્રવૃત્તિઓની પરંપરાને આગળ ધપાવતા વડગામ પુરબિયા પરિવારના યુવા મિત્રો દ્વારા ૧૪ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ સમાજના તેજસ્વી બાળકો ને સન્માનિત કરવાના કાર્યક્રમનું આયોજન ગોઠવાયું. અન્ય સમાજના રાજકિય અને સામાજિક કાર્યકર્તાઓને આમંત્રણ આપી પોતાની સૂઝ-બૂઝ પરિચય કરાવ્યો. ઉપસ્થિત આમંત્રિત શ્રેષ્ઠીઓ દ્વારા બાળકોને શૈક્ષણિક કિટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
વડગામ પુરબિયા પરિવાર દ્વારા અત્યાર સુધી આયોજિત કાર્યક્રમોની ઝાંખી ઉપસ્થિત મહેમાનોને મોટા સ્ક્રીન ની LED દ્વારા દર્શાવવામાં આવી હતી આ એક નવતર આવકારદાયક પ્રયોગ હતો જેનાથી યુવાનોને સતત પ્રેરણા મળતી રહે છે…ઉપસ્થિત આમંત્રિત મહેમાનોને સંગીતના તાલે ફુલહારથી આવકાર્યા બાદ કાર્યક્રમ ની ખૂબ સરસ રીતે શરૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત નાના-નાના બાળકોનો ઉત્સાહ પરમ સીમા પર હતો તેમના નિર્દોષ હસમુખા ચહેરા એ બાબતની ખાત્રી આપતા હતા કે તેમને યોગ્ય સમયે પ્રોત્સાહિત કરવાની સાથે જરૂરી મદદ કરવામાં આવે તો ઉજ્જ્વળ ભવિષ્યનું નિર્માણ કરવામાં તેઓ સદા તત્પર રહેશે.
માનવ જન્મે નહી પણ કરમે મહાન બને છે તેની સતત પ્રતિતિ મને સમગ્ર કાર્યક્રમ દરમિયાન થતી રહી..આમંત્રિત મહેમાનો સર્વે શ્રી ગજેન્દ્રભાઈ સકશેના, શ્રી હરેશભાઈ ચૌધરી, શ્રી કાનજીભાઈ એલ. ધુળીયા, શ્રી ગલબાભાઈ ખસોર, શ્રી અશ્વિનભાઈ સક્સેના, શ્રી નિતીનભાઈ પટેલ, શ્રી સતિષભાઈ ભોજક, શ્રી વિરજીભાઈ પટેલ વગેરે મહાનુભાવો એ પ્રાસંગિક પ્રવચન તેમજ ઈનામ વિતરિત કરી ઉપસ્થિત બાળકો અને શ્રી બ્રહ્માણી પુરબિયા યુવક મંડળને પ્રોત્સાહિત કરવાની સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓની સાથે સકારાત્મક દ્રષ્ટિકોણ રાખી સમાજ ઉપયોગી કાર્યમાં પ્રયત્નશીલ કર્મશીલ બ્રહ્માણી પુરબિયા યુવા ટીમ ના પ્રમુખ રાજુભાઇ, સલાહકાર ગણેશભાઈ, ટી. વી રીપોર્ટર દિપકભાઇ તેમજ સમગ્ર બ્રહ્માંણી પુરબિયા યુવા ટીમ ને વિવિધ સકારાત્મક પ્રવૃત્તિઓના માધ્યમથી વડગામ ને ગૌરવ અપાવવા બદલ વડગામ.કોમ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.